Thursday, July 16, 2020

દશરથાચલ માટે પ્રસ્થાન

 ધર્મશાળાનો ત્યાગ કરવાનો વખત પાસે ને પાસે આવતો જતો હતો. ચંપકભાઇના પ્રત્યુત્તરની હું પ્રતીક્ષા કરતો હતો. ત્યાં તો છેલ્લે ચંપકભાઇ પોતે જ આવી પહોંચ્યા. મારો પત્ર મળવાથી તેમને મારી પાસે આવવાનું મન થયું. તે પ્રમાણે નહાનથી દહેરાદૂન થઇને તે ઋષિકેશ આવી પહોંચ્યા. અંધારી રાતે તેમણે બહારની રસ્તા પર પડતી બારીમાંથી મને બોલાવ્યો. તેમનો પ્રેમ અજબ હતો. તેના વિના આટલે દૂરથી કષ્ટ વેઠીને મને મળવા માટે કોણ આવે ? મેં તેમને છેલ્લે છેલ્લે બનેલી કેટલીક ઘટનાથી માહિતગાર કર્યા. ધર્મશાળાનું રાજીનામું આપવાનો વિચાર કયા સંજોગોમાં ઉભો થયો તે પણ તેમને કહી બતાવ્યું. બધું સાંભળીને તે રાજી થયા. એટલું જ નહિ, મારી સાથે આવવાની ઇચ્છા પણ તેમણે પ્રદર્શિત કરી : 'તમે જ્યાં જશો ત્યાં હું આવીશ ને તમારી સેવા કરીશ. મને ના કહેશો નહિ. તમે એકલા ના જાવ તેથી તો હું તમારો પત્ર મળ્યો કે તરત જ અહીં આવી પહોંચ્યો છું.'

મેં કહ્યું : 'તમારી વાત બરાબર છે. પણ આ બાબતમાં સાહસ કરવાનું કામ બરાબર નથી. હું ક્યાં જઇશ ને ક્યાં રહીશ તે પણ નક્કી નથી. દિવસો સુધી પગે ચાલવું પડે ને કોઇવાર ભૂખ્યા-તરસ્યા પણ રહેવું પડે. તમારાથી તેવું થઇ શકે નહિ. તમે સારા ઘરમાં ને સુખસગવડમાં ઉછરેલા છો. તમારાથી કષ્ટ સહન નહિ થઇ શકે. વળી મારો વિચાર એકાંતમાં એકલા જ રહેવાનો છે. એકાંતમાં રહીને મારે સતત સાધના કરવી છે. દિવસો સુધી મૌનવ્રત રાખવાની પણ મારી ઇચ્છા છે. તે સંજોગોમાં તમને મારી સાથે નહિ ફાવી શકે.'

પરંતુ તેમની ઇચ્છા દૃઢ હતી. તેમણે પ્રેમપૂર્વક કહેવા માંડ્યું : 'મને કષ્ટમય જીવન ગમે છે. તેવા જીવનનો મને અભ્યાસ છે. સંજોગોને અનુકૂળ થવાની મારામાં શક્તિ છે. વળી હું તમારા માર્ગમાં અંતરાયરૂપ નહિ બનું, બધી રીતે અનુકૂળ થઇને હું તમને બનતી મદદ કર્યા કરીશ. માટે મને ના ના કહેશો. મને સાથે આવવાની ઉત્કટ ઇચ્છા છે.'

એ પ્રમાણે લાંબા વખત લગી અમારી વચ્ચે વિચાર વિનિમય થતો રહ્યો. બીજે દિવસે પણ એની એ વાતો થતી રહી. છેવટે એમનો અત્યંત પ્રેમ અને આગ્રહ જોઇને મેં તેમને સાથે આવવાની હા કહી. તેમને તેથી ઘણો આનંદ થયો. સૌ પહેલાં અમે દેવપ્રયાગ જવાનું નક્કી કર્યું. ત્યાં શ્રી ચક્રધરજીને ત્યાં બેત્રણ દિવસ રહીને દશરથાચલ પર જઇને સાધના કરવાનો મારો વિચાર હતો. ચંપકભાઇ મારા વિચાર સાથે સહમત થયા. વળતે દિવસે સવારે અમે દેવપ્રયાગની મોટરમાં ગોઠવાઇ ગયા. મોટર ઉપડી તે જ વખતે મને પેલા ત્રિકાળજ્ઞ ગુજરાતી મહાત્મા યાદ આવ્યા. તેમની ભવિષ્યવાણી સાચી પડી. ધર્મશાળામાં મારે બરાબર એક વરસ રહેવાનું થશે એવું તેમણે કહી દીધેલું. મેં ચંપકભાઇને તારીખ પૂછી. તો તેમણે કહ્યું, આજે સત્તાવીસ તારીખ છે. કેટલી ચોક્કસતા ! ૨૭ નવેમ્બર, ૧૯૪૨ને દિવસે મેં ધર્મશાળામાં પ્રવેશ કરેલો ને ૨૭ નવેમ્બર, ૧૯૪૩ને દિવસે મેં તેનો ત્યાગ કર્યો. બરાબર એક વરસ ! કોણ કહે છે કે આજે પણ આ દેશમાં વચનસિદ્ધ ને ત્રિકાળજ્ઞ સંતપુરુષો નથી ? વખતના વહેવા સાથે તેવા દિવ્ય દૃષ્ટિવાળા મહાપુરુષો લુપ્ત થયા છે એવું કોણ કહી શકે છે ? એવા મહાપુરુષો સમય ને સ્થળના બંધનથી પર છે. તેમની સંખ્યા પહેલાના પ્રમાણમાં આજે ઓછી હશે. પણ તેમનો સંપૂર્ણપણે લોપ થયો છે એમ નહિ કહી શકાય. આ દેશમાં વિચરણ કરતા ને વસતા લાખો સાધારણ કોટિના સાધુઓમાં એવા અસાધારણ શક્તિવાળા સાધુપુરુષો પણ દેખાય છે. પછી ભલે તે વિરલ હોય. તેમને મળવાની ભૂખ હોય તો ઇશ્વરની કૃપાથી કેટલીક વાર એ આપણા ઘરનાં બારણાં ખખડાવતા આપણી પાસે આવી પહોંચે છે અને આપણને કૃતાર્થ કરે છે. એટલે તેવા મહાન પુરુષો છે જ નહિ એમ માનવાનું કોઇ કારણ નથી.

ઋષિકેશ છોડીને અમારી મોટર આગળ ને આગળ દોડ્યે જતી હતી. શિયાળો હોવાથી પ્રવાસીઓની સંખ્યા તદ્દન નજીવી હતી. પર્વતને રસ્તે મોટર મુસાફરી કર્યે જતી હતી. તેના અવાજમાં અવાજ મેળવીને તાલબદ્ધ રીતે હું ૐ તત્ સત્ નો ધ્વનિ કર્યા કરતો. તે વખતનો આનંદ અદભૂત હતો. બધાં પ્રકારના બંધનમાંથી મુક્તિ મળી હોય એવો અનુભવ મને થયા કરતો. બધી જાતની ચિંતાની ચિતા કરીને એક ઇશ્વરના આધાર પર હું આગળ ને આગળ જઇ રહેલો. મારા જીવનનો એક અનેરો અધ્યાય શરૂ થયેલો.

ઋષિકેશનું એક વરસ મારે માટે ખૂબ જ મદદકારક થઇ ગયું. તે દરમ્યાન મને અનેક સારાનરસાં અનુભવોની પ્રાપ્તિ થઇ. હવે નવા પ્રદેશોમાં નવા અનુભવ માટે મારો પ્રવેશ થઇ રહ્યો. મોટર ચાલતી અને અંતર કપાતું તેમ કાળ પણ કપાતો જતો. મોટર તેની યાદ આપતી ને જાણે કહેતી કે હે માનવ, મહાકાળની મોટર આમ ચાલી જાય છે ને તારો જીવનપંથ કપાતો જાય છે. જે સમય જાય છે તે ફરી આવશે નહિ. માટે તેનો સદુપયોગ કર ને શાંતિ, શક્તિ, સમૃદ્ધિને મેળવી લે.

ઉત્સાહમાં ને ઉત્સાહમાં દેવપ્રયાગ ક્યારે આવ્યું તેની ખબર ના પડી. ચક્રધરજી અમને જોઇને ખુશ થયા. પહેલા પરિચય પછી અમે ફરીવાર દેવકીબાઇની ધર્મશાળામાં મળ્યા હતા. એટલે તે મારા વિચારોથી પરિચીત હતા. ચંપકભાઇને માટે તેમના પરિચયનો પ્રસંગ આ પહેલો જ હતો. પણ ચંપકભાઇનો સ્વભાવ ઉદાર ને મિલનસાર હતો. અજાણ્યા વાતાવરણને પણ જાણીતું કરી દેવાની તેમનામાં આવડત હતી એટલે તેમને ત્યાંના વાતાવરણમાં ભળી જતાં વાર ના લાગી.

એક બે દિવસ પછી અમે દશરથાચલ પર જવાની તૈયારી કરી. દશરથાચલ પર રહેવાની ને પાણીની તકલીફ હતી પણ ત્યાંનું શાંત અને સુંદર વાતાવરણ મારી આંખ આગળ રમી રહેલું. એટલે ત્યાં જવાની મારી ઇચ્છા હતી. ચંપકભાઇએ એ બાબતમાં મને સારો સહકાર આપ્યો. ઠંડીથી ડરીને તેમણે મારી વાતનો જરાપણ વિરોધ ના કર્યો. દેવપ્રયાગના કેટલાક ભાઇઓને અમારા નિર્ણયથી ભારે આશ્ચર્ય થયું. એક તો માગશર મહિનો ને વળી લગભગ સાત હજાર ફીટ ઊંચાઇના પર્વત પર રહેવાનો વિચાર ! અમારા જેવા યુવાન છોકરાઓનું કામ એમને અસાધારણ સાહસ ભરેલું લાગ્યું. એવે વખતે તો પર્વત પર રહેવાનો વિચાર તેમને પણ ના ગમે, ત્યારે અમે તો મેદાની પ્રદેશના માણસો !

 

 

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok