Mon, Jan 25, 2021

શંકર ભગવાનનું દર્શન

 રામનું દર્શન થયા પછી મને સ્વાભાવિક રીતે જ શંકરનું દર્શન કરવાની ઇચ્છા થઇ. શંકર ભગવાન પ્રત્યે મને પ્રેમ હતો. જ્ઞાનના અધિષ્ઠાતા ને દાતા તથા યોગના સ્વામી તરીકે તેમની તરફ મને આદરભાવ હતો. ત્યાગીઓના શિરોમણી તરીકે પણ તેમનું સ્વરૂપ ઓછું આકર્ષક ન હતું. એવા સિદ્ધિ ને મુક્તિના દાતા શંકરની કૃપાદૃષ્ટિ મેળવવાની મને ઇચ્છા થઇ. શાસ્ત્રો ને સંતોએ શંકરને આશુતોષ કહ્યા છે. તે બીજા દેવો કરતાં બહુ જલ્દી પ્રસન્ન થઇ જાય છે, એવું તેમનું કહેવું છે. તેથી સાધારણ માણસના મનમાં ઉત્સાહ જાગે છે ને તેમને પ્રસન્ન કરવાનો ભાવ ઉઠે છે. પરંતુ ઉમાએ તેમને પ્રસન્ન કરવા જે આકરું ને કષ્ટમય તપ કર્યું હતું તેનું વર્ણન વાંચીને કેટલાકનો ઉત્સાહ ઠંડો પડી જાય છે. કેટલાક તો તેમની પ્રસન્નતા માટે મહેનત કરવાનો વિચાર પણ મૂકી દે છે. તેમને થાય છે કે આપણું આમાં ગજું નહિ. જો ઉમાને શંકરની પ્રસન્નતા માટે આટલું બધું તપ કરવું પડ્યું તો આપણે કેટલું કઠોર ને લાંબુ તપ કરવું પડે તેની ત્રિરાશી તો મુકી જુઓ ! તેવા માણસોએ એક વિચાર યાદ રાખવા જેવો છે કે ઉમાની વાત બહુ જૂની છે. ઉમાએ જે જમાનામાં તપ કર્યું તે જમાનામાં માણસની શક્તિ વધારે વિકસેલી હતી. આજે જમાનો જુદો છે ને માણસો પણ જુદા છે. આજે સાધારણ રીતે જોઇએ તો માણસનું મનોબળ મોળું પડ્યું છે, તેની નૈતિકતા નબળી પડી છે. તેની પ્રભુપરાયણતા, તિતિક્ષા, ને તપ કરવાની તાકાતમાં પણ ફેર પડ્યો છે અથવા ઘટાડો થયો છે. કલિયુગના સામાન્ય દોષો તેને ઘેરી વળ્યા છે. એટલે તેની કસોટીનો ગજ પણ પહેલાં કરતાં જરા હલકો થયો છે. તેની યોગ્યતા ને પરીક્ષાના ધોરણમાં ફેર પડ્યો છે. એટેલ ઉમાનો વિચાર કરીને નિરાશ કે નાસીપાસ થવાની જરૂર નથી. બને તેટલા શુદ્ધ ને સાચા દિલથી તે પ્રભુનું શરણ લે ને પ્રભુની પ્રસન્નતા માટે બનતો ભોગ આપે તો તેના પર પ્રભુ જરૂર કૃપા કરે ને તેનું જીવન ધન્ય બની જાય, એવો અનુભવી પુરુષોનો અભિપ્રાય છે.

એટલે મેં પણ પ્રભુનું શરણ લઇને તેમની પ્રસન્નતા માટે મહેનત કરવાનો વિચાર કર્યો. મારામાં કશી યોગ્યતા ન હતી. કોઇ યોગ્યતા માટે મારો દાવો પણ ન હતો. મારામાં જ્ઞાન, ભક્તિ કે યોગ કરવાની શક્તિ ન હતી. બીજી કોઇ આવડત પણ ન હતી. મારી પાસે કેવળ પ્રાર્થનાનું સાધન હતું. ક્ષુધાતુર બાળક જેવી રીતે 'મા'ને ઝંખે, તલસે, ને જોવા માંગે, તેવી રીતે હું પ્રભુને ઝંખતો ને તલસતો. પ્રભુને માટે પ્રેમાતુર બનીને સતત પ્રાર્થના કરતો ને પ્રભુને અંતરના અંતરતમમાંથી ચાહતો. તે વખતે મારી પાસે ભગવાન શંકરનો એક નાનો ફોટો હતો. હિમાલય જતાં પહેલાં મેં તે વડોદરામાંથી ખરીદેલો. તે ફોટો અત્યંત આકર્ષક ને સુંદર હતો.  તેમાં શંકર ભગવાન કેવળ કૌપીન પહેરીને ધ્યાનસ્થ દશામાં પદ્માસન વાળીને બેઠેલા. પાસે ગંગાજીનો પ્રવાહ વહી રહેલો ને ઉપર ચંદ્રમાનો પ્રકાશ હતો. સૌથી વિલક્ષણ વસ્તુ તો તેમનું સ્મિત હતું. મંદ મંદ મધુર સ્મિતથી સુશોભિત તેમના હોઠ ઉઘાડીને તે હમણાં જ કંઇ બોલી ઉઠશે એમ લાગતું. તેમનું સ્વરૂપ મને ખૂબ ગમી ગયેલું. એટલે તેને સામે રાખીને તેના દર્શન માટે મેં પ્રાર્થના કરવા માંડી.

સવારથી જ ઓરડી બંધ કરીને મેં ભગવાન શંકરને પ્રાર્થના કરવા માંડી. તેના પરિણામે મારી આંખમાંથી પ્રેમનું પાણી પ્રકટવા માંડ્યું. હરેક ક્ષણે મારી આતુરતા વધતી જતી હતી. એમ થતું હતું કે ભગવાન હમણાં જ પ્રકટ થશે. આવા પવિત્ર પ્રદેશમાંથી પાડેલો પોકાર વ્યર્થ નહિ જાય, પ્રભુ મારા પર જરૂર કૃપા કરશે. વખત વીતતો જતો તે વાતનો વિચાર કરીને મારી બેચેની, બળતરા, અધીરાઇ પણ વધતી જતી.

વખત થયો એટલે ચંપકભાઇ ભોજનની થાળી મૂકી ગયા. ભોજન કરવાની ખાસ ઇચ્છા ન હતી. પરંતુ ચંપકભાઇની પ્રેમભરી ઇચ્છાથી પ્રેરાઇને મેં ભોજન કરી લીધું, ને પાછી પ્રાર્થના ચાલુ કરી. ચંપકભાઇની દશા ભારે વિચિત્ર હતી. આખા પર્વત પર બીજું કોઇ ન હતું. ઠંડી પણ ઘણી સખત હતી. તે ઉપરાંત બીજી મુશ્કેલીઓનો પણ પાર ન હતો. તેમની જગ્યાએ કોઇ બીજો માણસ હોત તો જરૂર કંટાળી જતા, ત્રાસી જાત, ને મને એકલો મૂકીને પર્વત પરથી સપ્રેમ નીચે ઉતરી પડત. પણ ચંપકભાઇની વાત જુદી હતી. તે જુદી જ માટીમાંથી બનેલા. ભારે હિંમતવાળા ને બહાદુર, કઠોર ને કષ્ટમય જીવનને હસતાં હસતા જીવતાં. જરા પણ બડબડાટ કર્યા વિના પોતાનું કામ કર્યે જતા. મુંબઇ જેવા શહેરના સુખી વાતાવરણમાં ઉછરેલા તેમના જેવા યુવાનને માટે પર્વતનું આ જીવન તદ્દન નવું હતું. છતાં મારા પરના પ્રેમને લીધે તે સદા આનંદમાં રહેતા ને બધું કામ કરતાં. રસોઇ બનાવવાનું ને વાસણ સાફ કરવાનું કામ પણ તેમણે ઉપાડી લીધેલું. હું તો લગભગ બધો વખત સાધનામાં જ પસાર કરતો.

શંકર ભગવાનના દર્શન માટે ભોજન પછી મારો પ્રયાસ ચાલુ રહ્યો. બપોરે લગભગ ત્રણેક વાગ્યે મારા મનમાં જરા નિરાશા થવા માંડી. ત્યારે પ્રાર્થના કરતાં કરતાં મારું શરીરભાન ભૂલાઇ ગયું, ને તે દશામાં મને ભગવાન શંકરનું ફોટાવાળું સ્વરૂપ દેખાયું. થોડા વખત પછી મને ભાન આવ્યું. એ અનુભવથી મને આનંદ જરૂર થયો ને શાંતિ મળી. પણ તે અનુભવ દર્શનની દૃષ્ટિથી બહુ ઉત્તમ કોટિનો કહી શકાય નહિ. ભગવાન શંકરે મને કામચલાઉ સંતોષ આપ્યો એટલું જ.

પરંતુ શંકર ભગવાન બહુ દયાળુ છે. તેમને માટે મારા હૃદયમાં પ્રેમ ને તલસાટ ચાલુ હતો. તેને લક્ષમાં લઇને તેમણે તે પછી મને ધ્યાનમાં અનેકવાર દર્શન આપ્યા. તેમનું દર્શન મને જુદા જ રૂપમાં થયું છે. તેમના નામ પ્રમાણે તે બહાર ને ભીતર સુંદર ને મંગલમય જ દેખાયા છે. તે સર્વસમર્થ છે. તેથી ભક્તોની ભાવના ને રુચિ પ્રમાણે પ્રકટ થઇ શકે છે. જ્યારે જ્યારે મારી સામે તે ધ્યાનાદિમાં પ્રકટ થયા છે ત્યારે સુંદર સ્વરૂપે જ પ્રકટ થયા છે. મને તો તેમનું શરીર કરોડો કામદેવ કરતાં પણ સુંદર ને ગૌર દેખાયું છે; જ્યારે જોયા છે ત્યારે તેમને સુંદર રેશમ જેવા મુલાયમ વસ્ત્રોથી વિંટાયેલા જ જોયા છે. તેમના વચનની મીઠાશનું તો કહેવું જ શું ? તે તો જે અનુભવે તે જ ઓછાવત્તા પ્રમાણમાં સમજી શકે.

મારા અનુભવના આધાર પર હું એટલું જરૂર કહી શકું છું કે આ યુગમાં પણ જે ચાહે ને પ્રયાસ કરે તે ભગવાનના રામ, કૃષ્ણ કે શંકરરૂપે દર્શન કરી શકે છે. માનવ જો શ્રદ્ધાભક્તિને વધારીને ભગવાનનું શરણ લે ને ભગવાનના ચરણોમાં મનને જોડી દે તો તેને માટે કશું જ અશક્ય નથી. યુગ ફેરવાયો હશે પરંતુ ભગવાન અને એમની દુનિયાના આધ્યાત્મિક મૂલ્યો ફેરવાયા નથી એનો અનુભવ કોઇપણ કરી શકે છે.

 

 

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.