Thursday, July 16, 2020

નગ્નતાનો વિચાર

 દેવપ્રયાગની બહાર જે મકાનમાં અમારે રહેવાનું થયું તે મકાન જૂનુંપુરાણુ હોવા છતાં એકાંત સ્થાનમાં આવેલું. એની આજુબાજુ બીજું કોઇ મકાન ન હતું. તેમાં બે ઓરડા ઉપરના ભાગમાં હતા. તેમાં અમે રહેવા માંડયા. મકાનથી થોડેક દૂર પાણીનું ઝરણું હતું. નીચે ગંગાનું દર્શન થયા કરતું. તે ઉપરાંત સાથે કીર્તિનગરની મોટર સડક દેખાતી. એટલે દેખાવ ઘણો રમણીય લાગતો. એ મકાનમાં અમે લાંબો વખત રહ્યા. તે દરમ્યાન પણ હું વધારે ભાગે કેવળ કૌપીન પહેરતો. ગામમાં જવાનું હોય ત્યારે કપડાં પહેરી લેતો. બાકી લંગોટીથી જ ચલાવી લેતો. દશરથાચલ પર રહેતી વખતે કપડાંનો કાયમ માટે ત્યાગ કરીને જીવનભર લંગોટી પર રહેવાનો મારો વિચાર હતો પરંતુ કોણ જાણે કેમ પણ પાછળથી તે વિચાર પડતો મૂકાયો. મને થયું કે વસ્તીની વચ્ચે રહેવા ને ફરવાના પ્રસંગો જીવનમાં જરૂર આવવાના. તે વખતે મર્યાદાને સાચવે તેવા સ્વચ્છ ને સાદાં વસ્ત્રો પહેરવામાં આવે તે સારું ગણાય. એટલે વિવેકથી પ્રેરાઇને જીવનભર કેવળ કૌપીન પહેરવાનો વિચાર કાયમ માટે બંધ રહ્યો. એ નિર્ણય બહુ ડહાપણ ભરેલો હતો એમ મારા અનુભવથી આજે હું સમજી શકું છું.

ભારતમાં એવા કેટલાય સાધુસંતો છે જે કેવળ કૌપીન પહેરે છે. કેટલાક એવા પણ છે જે તદ્દન નગ્ન દશામાં રહે છે. તેવા પુરુષો એકાંત વન કે જંગલમાં રહે ત્યાં સુધી તો સારું છે. પરંતુ વસ્તીમાં વસે કે વિચરણ કરે ત્યારે તેમની જીવનપદ્ધતિ ઉત્તમ, આદરણીય, અનુકરણીય નહિ કહેવાય. કૌપીનધારી પુરુષો કરતાં તદ્દન નગ્ન દશામાં વસ્તીમાં વિચરણ કરનારા પુરુષોનો પ્રશ્ન વધારે ગંભીર છે. તેવા નગ્ન સાધુઓનો આચાર બહુ બીભત્સ દેખાય છે ને સમાજ પર તેની સારી અસર નથી પડતી. ધર્મ કે સાધનાના નામે એ આચાર સાધુસમાજમાં કેવી રીતે રૂઢ થઇ ગયો છે તે તો પ્રભુ જાણે. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કે સાધનાને નામે તેને મહત્વ આપવાની આવશ્યકતા નથી. આત્મિક ઉન્નતિ, ધર્મ, વૈરાગ્ય અને સાધના સાથે તેને કશો સંબંધ નથી. ધર્મ ને વૈરાગ્યના નામે સાધુસમાજમાં જે કેટલાક ખોટા ખ્યાલો ને આચારો પેસી ગયા છે એમાંનો એક આ પણ છે. પણ સમજુ માણસે એનો આશ્રય લેવાની ને એને અનુમોદન આપવાની આવશ્યકતા નથી. માણસ સમાજમાં રહે ને હરે ફરે એટલે તેણે સામાજિક સ્વાસ્થ્યનો વિચાર કરીને મર્યાદા સચવાય તેવો પોષાક પહેરવો જોઇએ. સાધુઓ પણ એ નિયમમાં અપવાદરૂપ નથી. સાધુસંતો સમજી લે કે સાચી સાધુતા નગ્ન રહેવામાં નહિ પણ શીલ ને સાત્વિકતાને કેળવવામાં છે. સાચો વૈરાગ્ય વિષયોમાંથી મનને પાછું વાળીને પરમાત્મામાં જોડી દેવામાં સમાયેલો છે. નગ્ન રહેવાની ભ્રમણામાં પડવાથી નહિ પણ જીવનને ઉજ્જવલ કરવાની સાધના કરવાથી જ શાંતિ ને મુક્તિ મળી શકે છે.

જેનામાં શરીરભાન ને વિવેક જાગ્રત છે તેણે તેનો ઉપયોગ કરીને પોતાની મર્યાદા જાળવવી જ જોઇએ. જે ખાય છે, પીએ છે, ફરે છે, વાતો કરે છે, અને ઓઢવાના સાધન રાખે છે, તે એકાદ લંગોટી કે નાનું કટિવસ્ત્ર શા માટે ના રાખે ? તેમ કરવાથી તેમના જ્ઞાન, વૈરાગ્ય ને ત્યાગમાં શો ફેર પડવાનો છે ? પણ માણસો અંદરની સાચી સાધનાને બદલે બહારની ભ્રમણામાં પડીને જીવનને બરબાદ કરે છે. ઇશ્વરની કૃપા વિના એવી ભ્રમણામાંથી છૂટવું મુશ્કેલ છે.

તૈલંગ સ્વામી જેવા નગ્ન રહેનારા કેટલાક સાચા મહાપુરુષો અપવાદરૂપ છે. એમનું અનુકરણ નકામું છે. તેમની મહાનતા ને મહત્તા તેમની નગ્નતાને લીધે નહિ પણ તેમના જ્ઞાન, યોગબળ ને તેમની પવિત્રતાને લીધે હતી. એ યાદ રાખીને તેમાંથી પ્રેરણા મેળવવાની જરૂર છે. તો જ મંગલ કરી શકાશે ને સાચા અર્થમાં મહાન બનાશે.

 

 

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok