Thursday, July 16, 2020

ચંપકભાઈની કસોટી

 દેવપ્રયાગની બહારનું અમારું નિવાસસ્થાન તદ્દન જંગલમાં હતું. ત્યાંથી પર્વતોનું દૃશ્ય બહુ સુંદર દેખાતું. બહારના ખુલ્લા ચોકમાં બેસીને તેનું અમે ધરાઇ ધરાઇને કલાકો લગી પાન કર્યા કરતા. ચાંદની રાતે તો ગંગા ને પર્વતમાળા કોઇ ઓર જ રંગ ધારણ કરતા. તે વખતે લગભગ પોષ મહિનો ચાલતો હતો. ઠંડી અસહ્ય હતી. પરંતુ દશરથાચલની ઠંડીનો અમને પૂરતો અનુભવ હોવાથી તે ઠંડી ખાસ વિસાતમાં ન હતી. ચંપકભાઇ પણ આ નવા અને ઓછા ઠંડા સ્થાનમાં આવીને રાજી થયા.

શિયાળાની ભયંકર ઠંડીમાં અમે એકાંત પર્વત પર રહી આવ્યા તેથી દેવપ્રયાગના પ્રેમી લોકોમાં અમારું માન વધી પડ્યું. ચંપકભાઇને પણ સૌ માનની દૃષ્ટિથી જોવા લાગ્યા. કોઇ કોઇ યુવાનોને તેમના જીવન વિશે જાણવાની ઇચ્છા થઇ. તેવા યુવાનો સાથે તે કેટલીક વાર ટુંકમાં વાતો કરતા. પોતાના અંગત જીવનની વાતોને તે ગુપ્ત રાખતા, કેમ કે તેમની પાછળ વોરંટ હતું ને તે ખૂબ જ જાગ્રત હતા. વધારે ભાગે પોતાના પહેલા જીવનની કરવા જેવી વાતો તે કરતા રહેતા. તેમના વિચારો અને અનુભવો પ્રેરણાત્મક હતા. એટલે તેમની વાતો સાંભળવામાં સૌને આનંદ આવતો. તે પોતે જાપાનમાં એકાદ વરસ રહ્યા હતા. એટલે ત્યાંની પ્રજા ને પરિસ્થિતિનો સારો અભ્યાસ ધરાવતા. તે વિશે તેમણે બેત્રણ વાર સહજ વાત કરેલી. તે ઉડતી ઉડતી બહુરૂપી બનીને કેટલાક જવાબદાર માણસો પાસે પહોંચેલી. તેવા માણસોને માટે ચંપકભાઇનો મારી સાથેનો નિવાસ એક સમસ્યારૂપ બની ગયેલો. તેમને એમ થતું કે હું તો હિમાલયના એકાંત સ્થાનોમાં રહું તે સમજાય તેવું છે, કેમ કે મારો વેશ સાધુનો છે, પણ ચંપકભાઇ મારી સાથે શું કામ રહે છે ? લાંબા વખતથી તે મારી સાથે રહે છે તેમાં કોઇ રહસ્ય હોવું જોઇએ. તે વખતે દેશી રાજ્યોમાં ને બહાર બધે જ આઝાદીની ચળવળ ચાલતી ને કેટલાય કાર્યકર્તાઓ છૂપા વેશમાં વિચરણ કરતા. તેથી તેમને શંકા થઇ કે ચંપકભાઇ કોઇ એવા માણસ તો નથી ! તેમના જાપાન નિવાસની વાતે તે શંકાને વધારવામાં ને દૃઢ કરવામાં ભારે ભાગ ભજવ્યો. તે વખતે દેવપ્રયાગમાં શાંતિનિકેતનમાં શિક્ષણ પામેલા એક યુવાન રેશનીંગ ઇન્સ્પેક્ટર હતા. તેમને ને તે વખતના દેવપ્રયાગના થાનેદારને સારો સંબંધ હતો. તે થાનેદારની કુશળતા ને ચતુરાઇ પ્રસિદ્ધ હતી. દેવપ્રયાગમાં સત્યાગ્રહ ને રાજા સામેની પ્રજાકીય લડતને તોડી પાડવામાં ને પ્રજાના સેવકો સામે કડક હાથે કામ લેવામાં તેમણે પોતાની બધી જ શક્તિ વાપરી બતાવેલી. તેમને ચંપકભાઇ પર શક પડ્યો. તેથી ચંપકભાઇની વાસ્તવિક હકીકત જાણવાની તેમને ઇચ્છા થઇ.

એક દિવસ ચંપકભાઇ રેશનીંગ કાર્ડ કઢાવવા માટે પેલા રેશનીંગ ઇન્સ્પેક્ટર પાસે ગયા. ઇન્સ્પેક્ટરે તેમની સાથે ખૂબ જ પ્રેમથી વાતો કરી ને રેશન માટે મંજૂરી આપી. તે દિવસે સાંજના અમારા મકાન પર સાદા વેશમાં સજ્જ થયેલો એક પોલીસનો માણસ આવ્યો ને કહેવા માંડ્યો કે રેશનીંગ ઇન્સ્પેક્ટર ચંપકભાઇની સાથે થોડીક વાતચીત કરવા માંગે છે. માટે કાલે સવારે તેમને ઇન્સ્પેક્ટરે પોતાને ઘેર મળવા આવવાનું કહેવડાવ્યું છે. છેલ્લા બે દિવસથી પોલીસના માણસો એક યા બીજા બહાને અમારા મકાન તરફ આવતા. તેમને જોઇને ચંપકભાઇને જરા વહેમ તો પડેલો. તેથી આ અચાનક મળેલા આમંત્રણથી તેમને આશ્ચર્ય તો ના થયું. જો આમંત્રણનો અસ્વીકાર કરે તો તેથી સામેના માણસને વધારે વ્હેમ પડે તેમ હતું. તેથી ચંપકભાઇએ તરત જ ઇન્સ્પેક્ટરના આમંત્રણનો સ્વીકાર કર્યો.

પોલીસ રાજી થઇને રવાના થયો એટલે તેમણે મને કહ્યું : 'મારે માટે પોલીસને વ્હેમ પડ્યો લાગે છે. મને લાગે છે કે મારી જાપાનની વાતે સૌને શંકામાં મૂકી દીધા છે. થાનેદારે રેશનીંગ ઇન્સ્પેક્ટરની મદદથી મને પકડવાનું છટકું ગોઠવ્યું લાગે છે. હવે શું થશે ? જો સવારે બરોબર ઉત્તર નહિ આપી શકાય તો મારી દશા કરુણ થઇ જશે. તમારા પર મને શ્રદ્ધા છે એટલે તમે મારી સાથે આવશો તો મને જરા હિંમત રહેશે, બળ મળશે, ને ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો હું હસતાં હસતાં કરી શકીશ.'

મેં તેમને લખીને હિંમત આપતાં ક્હયું : 'મારે તો મૌનવ્રત ચાલે છે, હું તમને શી મદદ કરી શકીશ ? તમે તમારે હિંમત રાખીને જજો. પ્રભુએ અત્યાર સુધી તમારી રક્ષા કરી છે તે કાલે પણ તમારી રક્ષા કરશે.'

'એ તો બરાબર છે.' તેમણે કહેવા માંડ્યું: 'પણ તમે સાથે નહિ હો તો મારો ઉત્સાહ નહિ ટકે. તમારે મૌન છે તે તો સારું છે. મારા લાભની વાત છે. પણ તમારી હાજરીનો ઘણો પ્રભાવ પડશે  માટે તમે જરૂર આવજો.'

સવારે નિત્યકર્મથી પરવારીને અમે રેશનીંગ ઇન્સ્પેક્ટરને મળવા નીકળી પડ્યા. રાતે ચંપકભાઇએ કેવા પ્રશ્નો પૂછાય તો કેવા ઉત્તર આપવા તેનો બરાબર વિચાર કરી લીધો. હું તેમની સાથે હતો એટલે તે ઉત્સાહમાં હતા. રેશનીંગ ઇન્સ્પેક્ટરનું મકાન પોલીસ સ્ટેશનની પાસે જ હતું. તેમાં અમે પ્રવેશ કર્યો કે તરત જ ઇન્સ્પેક્ટર ઊભા થયા, ને અમારો સત્કાર કરીને અમને બેસવા માટે ખુરશી બતાવી અમારી સામેની ખુરશી પર બેસી ગયા. અમે બેઠા કે તરત જ દાદર પર અવાજ સંભળાયો ને અમે ધાર્યું હતું તે પ્રમાણે થાનેદાર ને પોલીસના બીજા માણસો ઓરડામાં આવીને અમારી સામે બેસી ગયા. પહેલેથી ગોઠવી રાખ્યો હોય એવો એ અંકનો પ્રાથમિક અભિનય એમ પૂરો થયો. પછી એકાદ બે સેકન્ડ શાંતિ છવાઇ ગઇ. તેનો ભંગ કરતા ઇન્સ્પેક્ટરે ચંપકભાઇને જાપાનની ને તેમના જીવનની વાતો પૂછવા માંડી. મારા ને તેમના સંબંધ તથા હિમાલયના તેમના વસવાટના કારણ વિશે પણ પૂછવા માંડ્યું. ચંપકભાઇએ જરા પણ ભયભીત થયા વિના કે ગભરાયા વિના બધા પ્રશ્નોના સ્મિત સાથે ઉત્તર આપવા માંડ્યા. અમારા સંબંધ વિશે તેમણે કહ્યું 'મહાત્માજી સાથે મારે બાળપણથી પરિચય છે. તેમના પર મને પ્રેમ ને શ્રદ્ધા છે. તેથી સાંસારિક કામોથી છૂટો થઇને થોડાક વખત માટે તેમની પાસે શાંતિની ઇચ્છાથી આવ્યો છું. હવે મને શાંતિ છે એટલે થોડા જ વખતમાં પાછો ઘેર જવા વિચાર કરું છું. મારુ ઘર મુંબઇમાં છે.'

તે વખતે ચંપકભાઇએ મનુભાઇ શાહનું નામ રાખેલું. હું પણ તેમને તે જ નામે બોલાવતો. મારે મૌનવ્રત હોવાથી બધા પ્રશ્નોના ઉત્તરો તેમણે જ આપવાના હતા. તેમણે તે કામ હિંમત ને બહાદુરીપૂર્વક કરી બતાવ્યું. પરિણામે ઇન્સ્પેક્ટર ને થાનેદારનો વ્હેમ મોટેભાગે દૂર થઇ ગયો. દોઢેક કલાકની મુલાકાત પછી અમે ઉત્સાહપૂર્વક પાછા અમારા સ્થાન પર આવી પહોંચ્યા. પણ ચંપકભાઇ આ પ્રસંગ પરથી ચેતી ગયા. તેમણે કહ્યું : 'હવે અહીં રહેવામાં જોખમ છે. ઇશ્વરની કૃપાથી આજે હું બચી ગયો છું. તમે સાથે હતા તેથી મારામાં હિંમત હતી. તમે ના હોત તો આજે કદાચ હું પકડાઇ જાત. પણ હવે ચેતી જવું જોઇએ. હવે આવતીકાલે સવારે જ હું અહીંથી વિદાય થઇ જઇશ. તમે આવશો ત્યાં સુધી દહેરાદૂનમાં જોશીજીને ત્યાં રહીશ. ત્યાં સારુ રહેશે. પોલીસનું કામ બહુ ભારે છે. એકવાર તેમને જરાપણ શંકા આવી જાય તો તે વારંવાર તપાસ કર્યા કરે.'

મેં તેમની વાતને ટેકો આપ્યો તેથી તે ખુશ થયા. મારે માટે તેમણે દૂધની જરૂરી વ્યવસ્થા કરી દીધી, ને બીજી જોઇતી મદદ કરીને બીજે દિવસે સવારે તે મોટરમાં રવાના થયા. હું તેમને મોટર પર વળાવવા ગયો. નવાઇની વાત એ હતી કે તેમની સાથે મોટરમાં એક પોલીસ અમલદાર પણ બેઠેલા પણ તે ડરે તેમ ન હતા. અમલદાર સાથે પ્રેમથી વાતો કરતા તે ઋષિકેશ પહોંચી ગયા ને પછી દહેરાદૂન જઇને જોશીજીને ત્યાં રહેવા માંડ્યા.

ઇશ્વરની કૃપાથી એ પ્રમાણે એ એક મોટી અગ્નિપરીક્ષા અથવા કસોટીમાંથી સહીસલામત રીતે પસાર થઇ ગયા.

 

 

Today's Quote

Arise, awake and stop not till the goal is reached.
- Swami Vivekananda

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok