Sunday, July 12, 2020

કૃષ્ણદર્શનનું વ્રત

 ચંપકભાઇની વિદાય થયા પછી મેં વધારે ભાગે દૂધ પર રહેવાનું શરૂ કર્યું. એકાંત સ્થાનમાં મારા દિવસો શાંતિપૂર્વક પસાર થવા માંડ્યાં. દશરથાચલ પર શરૂ થયેલું મૌન વ્રત હજી ચાલુ જ હતું. દિવસનો લગભગ બધો વખત આત્માનુભવની સાધનામાં પસાર થતો હોવાથી કોઈની સાથે વાતચીત કરવાની ઈચ્છા મારા મનમાં ઉત્પન્ન થતી જ ન હતી એમ કહું તો ચાલે. મૌનની દશા એ રીતે મારે માટે સ્વાભાવિક દશા થઈ ગઈ ને તેમાં મને આનંદ આવતો. તે દિવસોમાં કોઈ વાર હું દેવપ્રયાગના પ્રસિદ્ધ જ્યોતિષી ચક્રધરજીને ત્યાં જતો. તેમને ત્યાં નાનું સરખું પણ સારું પુસ્તકાલય હતું. તેમાંથી કોઈ મનપસંદ પુસ્તકનો લાભ પણ લેતો.

એક દિવસ મારા હાથમાં પ્રેમયોગ વિશેનું એક પુસ્તક આવી ગયું. તેમાં પહેલા પાના પર ભગવાન શ્રીકૃષ્ણનું સુંદર રંગીન ચિત્ર હતું. તે ચિત્ર એટલું બધું સુંદર હતું કે પ્રથમ દૃષ્ટિએ જ મારું મન તેમાં બંધાઈ ગયું ને તેનાં પર મુગ્ધ થઈ ગયું. તેની સુંદરતાનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. ચિત્ર આખુંયે પ્રેમ ને રસથી ભરેલું. ભગવાન શ્રીકૃષ્ણ ત્રિભંગ કરીને કદંબના વૃક્ષ પાસે ઊભેલા. તેમણે પીતાંબર ધારણ કરેલું. ગળામાં વૈજયન્તી માળા, મુખ પર મોરલી શોભી રહેલી. માથે મોરમુકુટ, બાજુમાં યમુના. આંખમાં અમૃત આંજીને ઊભેલા ભગવાન પ્રેમ ને લાવણ્યના અવતાર હોય તેવા દેખાતા. તેમને જોતાંવેંત જ હૃદયમાં અનુરાગ ઊભરાઈ રહેતો. તેમને જોઈને મારું હૃદય ખરેખર રાગથી રંગાઈ ને ભરાઈ ગયું. મને થયું કે જે ભગવાનનું ચિત્ર આટલું બધું મધુર ને મોહક છે તે ભગવાન પોતે કેવા હશે ! તેમનું પ્રત્યક્ષ સ્વરૂપ કેવું મધુર ને મોહક હશે ? ગોપીઓ તેના પર વારી જાય તેમાં શું નવાઈ પામવા જેવું છે ? તે સ્વરૂપનું દર્શન કરીને કોનું અંતર અનુરાગથી ના ભરાય ને કોનું મન મોહિત ના થાય ? જડ ને ચેતન બધા પર તેની મોહિની ફરી વળે ને બધા જ પદાર્થો તેની અસર નીચે આવી જાય, તો પછી સાધારણ માણસનું  તો કહેવું જ શું ? ભગવાન રામચંદ્રજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવાનો લાભ મને મળી ગયેલો. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું લોકોત્તર હોય છે તેની મને ખબર હતી. મારી સમજ પ્રમાણે રામ, કૃષ્ણ, શંકર, શક્તિ, બુદ્ધ ને પરબ્રહ્મ સૌ એક જ હતા. તેમનામાં કોઈ ભેદ ન હતો. છતાં કૃષ્ણ ભગવાનના એ સુંદર ચિત્રને જોઈને મને એમનું સાક્ષાત્ દર્શન કરવાની લગની લાગી.

મારામાં એક વસ્તુ સ્વભાવિક છે. તેને સારી કહો, ખરાબ કહો કે ગમે તેવી કહો, પણ તે વસ્તુ મારા સ્વભાવમાં તાણાવાણની પેઠે વણાઈ ગયેલી છે. તે એ કે મને કોઈ વસ્તુને મેળવવાની લગની લાગે છે અથવા કોઈ ધ્યેયની ધૂન મારા મન પર એક વાર સવાર થાય છે પછી તેની પ્રાપ્તિ વિના મને ચેન પડતું નથી. તેને મેળવવા માટે મારું મન આકુળવ્યાકુળ બની જાય છે. ને કેવળ મારું મન આકુળવ્યાકુળ ને બેચેન બનીને બેસી રહે છે એમ નહીં, પરંતુ ધ્યેયની સિદ્ધિ માટે બનતું બધું જ કરી છૂટે છે. રાત ને દિવસ તે જ વસ્તુનું રટણ કરીને મારી બધી જ શક્તિઓને કામે લગાડીને તે વસ્તુની સિદ્ધિની સાધનામાં હું પૂરી શ્રદ્ધા, આશા ને હિંમતથી લાગી જઉં છું. તેનું એક યા બીજું પરિણામ આવે ત્યારે જ મને શાંતિ થાય છે. મારા અત્યાર સુધીના સાધનામય જીવનની આ એક મહત્વની  ગુરુકુંચી કે વિશેષતા છે. મારા આજ સુધીના સાધનામય જીવનના ઘડતરમાં આ વૃત્તિએ મોટો ભાગ ભજવ્યો છે. એટલે તે પ્રમાણે કૃષ્ણ ભગવાનના દર્શનની લગની લાગવાથી, તે જ દિવસથી  મેં કૃષ્ણદર્શનની સાધના કરવાનું શરૂ કરી દીધું. જીવન ટૂંકું છે ને તે પણ ચંચળ છે. પાણીના ધોધમાર પ્રવાહની પેઠે ઝડપથી ચાલતું જ જાય છે. એ જીવનમાં કોઈ ચોક્કસ ને નક્કર વસ્તુને પ્રાપ્ત કરવાની જેની ઈચ્છા હોય તેણે પ્રમાદનો પરિત્યાગ કરીને પરિશ્રમપ્રિય બનવાની જરૂર છે. 'કાલે કાલે ભાઈ કાલે' ની નીતિને છોડીને 'આજે આજે ભાઈ અત્યારે'ની નીતિને અપનાવવાની આવશ્યકતા છે. જીવનની વર્તમાન બાજી પૂરી થાય તે પહેલાં બનતી વહેલી તકે ધ્યેયની સિદ્ધિ માટે આકાશપાતાળ એક કરવાની જરૂર છે. તો જ આ લગીર જેટલા જીવનને ઉજ્જવળ કરીને કોઈ મહત્વની વસ્તુ મેળવી શકાય. બાકી જે સ્વપ્નાનું સર્જન કરશે, સ્વપ્નને સેવશે, પણ તેમને સાચાં કરવાની સાધના નહીં કરે તે વાસ્તવિક સુખશાંતિની પ્રાપ્તિ નહિ કરી શકે. કેવળ સ્વપ્નદૃષ્ટા ને સ્વપ્નસેવી થઈને બેસી રહેવાને બદલે તેમણે સ્વપ્નશિલ્પી થવાની સાધના કરવા કમર કસવાની છે.

મકાન પર આવીને બહારના ઓરડામાં બારી પાસે મેં તે ફોટાવાળા પુસ્તકને એવી રીતે ગોઠવી દીધું કે કૃષ્ણ ભગવાનનો ફોટો મને બરાબર દેખાયા કરે, ને પછી કામળો ઓઢીને આસન પર બેસીને ભગવાનના દર્શન માટે જપ ને પ્રાર્થનાનો પ્રારંભ કર્યો. એકાદ-બે દિવસ પછી મેં દૂધ પણ બંધ કર્યું ને નિરાહાર રહીને જ સાધના કરવા માંડી. સફળતા ન મળે ત્યાં સુધી આસન પરથી ઊઠવું નહિ કે ઓરડામાંથી બહાર જવું નહિ એવો મેં નિર્ણય કર્યો. રાતે લાંબા થઈને સુવાની ટેવ તો મેં કેટલાય વખતથી બંધ કરેલી એટલે રાતે ભગવાનના ફોટા પાસે દીવો રાખીને હું બેઠો બેઠો જપ ને પ્રાર્થના કર્યા કરતો. ને કહેતો કે, 'હે પ્રભુ, હું તો એક નાનો બાળક છું. મારું હૃદય છેક સાધારણ છે. તેની અંદર તમારા માટે કેટલો બધો પ્રેમ વહ્યા કરે છે તે હું કેવી રીતે બતાવી શકું ? તમારી સાથે વાર્તાલાપ કરવાની મને કેટલી બધી ઈચ્છા છે ? માટે મને દર્શન દો, મારી ઈચ્છા પૂરી કરો.'

એમ કરતાં કરતાં સાત દિવસ વીતી ગયા છતાં ભગવાનનું દર્શન ના થયું, એટલે મને જરા બેચેની ને ગ્લાનિ થવા માંડી. મને થયું કે શું મારી કૃષ્ણદર્શનની ઈચ્છા અધૂરી જ રહેશે ? તો તો પછી શરીરને રાખવાનું ને ઉછેરવાનું શું કામ ? જો આજે રાત દરમ્યાન મારી ઈચ્છા પૂરી ન થાય તો બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને ગામમાં સંગમ પર જવું ને શરીર છોડી દેવું. કૃષ્ણનું નામ લઈને શરીર છોડી દેવાથી પણ જો ફરી જન્મ મળશે તો બાળપણથી જ ધ્રુવ ને પ્રહલાદ જેવી ભક્તિની પ્રાપ્તિ થશે ને ભગવાનના દર્શન પણ સહેલાઈથી થઈ જશે. મારી કોઈ ચિંતા ન કરે અથવા મારા સંબધી કોઈ ગેરસમજ ન થાય તે માટે હું આ ઓરડામાં એક ચિઠ્ઠી મૂકી જઈશ. બસ આ જ વિકલ્પ સારો છે.

કેવો વિચાર ? અલબત તે વિચાર પ્રેમ ને સર્વસમર્પણના ભાવથી પ્રેરાયેલો, પણ ઉચ્ચ કોટિનો ન હતો. ઈશ્વરની ઈચ્છાથી એનો અમલ ના થઈ શક્યો. નહિ તો આ જીવનકથાનું આલેખન કરવા માટે હું આ સંસારમાં કદાચ હાજર ના હોત. મેં અહીં 'કદાચ' શબ્દનો પ્રયોગ કર્યો છે, તેની પાછળ ઊંડુ રહસ્ય રહેલું છે. મને તે વખતે ભગવાનની કૃપામાં વિશ્વાસ હતો. પોતાનું શરણ લેનારનું ભગવાન બધી રીતે મંગલ કરે છે તેની મને ખાતરી હતી. તે દીનદયાળ, પતિતપાવન ને શરણાગતવત્સલ છે તેની મને ખબર હતી. એટલે જ મને લાગતું કે તે મને ડૂબવા નહિ દે, પ્રેમના અતિરેકમાં આવી જઈને ગંગાના સંગમમાં શરીરને શાંત કરવાનો હું પ્રયાસ કરીશ તો પણ તે મને બચાવી લેશે. તે પોતે પ્રકટ થઈને પાણીમાં મને પકડી લેશે ને બહાર કાઢશે એમ મને લાગ્યા કરતું. કેમ કે તે મને ઉગારે નહિ તો પ્રેમસિંધુ ને દયાળુ કેવી રીતે કહેવાય ? એક સામાન્ય બાળક તેમને માટે રડે, પ્રાર્થે, પોકારે ને શરીરનું સમર્પણ કરી દે છતાં તે દર્શન ના આપે તો સાધારણ લોકો તેમને માટે શું માને ? તેમની કઠોરતાનો વિચાર કરીને તે તો કંપી જ ઊઠે ને તેમના દર્શન માટે મહેનત કરવાની હિંમત ભાગ્યે જ કરે. તેમની કૃપાની કારકિર્દીના ઈતિહાસમાં મારું જીવન એક મોટા અપવાદરૂપ અને કલંકરૂપ બની રહે. એટલે મારું અંતર ઊંડે ઊંડે કહેતું કે મારા જીવનનો એટલો બધો કરુણ અંત તે ભાગ્યે જ થવા દેશે.  ?

મારે માટે ઇશ્વરની ઇચ્છા જુદી જ હતી. લગભગ આઠમે દિવસે સાંજે મારા ભાવો પલટાયા. મારા મનમાં એકાએક અદ્વૈતજ્ઞાનની લહરો પ્રકટવા ને પ્રસરવા માંડી. મને થયું કે હું મુક્ત છું, સિદ્ધ છું, માયાથી રહિત છું, પરમશાંતિ ને પરમાનંદથી ભરેલો છું. મને શોક નથી, મોહ નથી, બંધન નથી. સંસારમાં હું સર્વત્ર વ્યાપેલો છું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી પર પરમાત્મા છું.

એવા એવા વિચારો મારી અંદર ઉત્પન્ન થવા લાગ્યા. તેને પરિણામે મારું મન આત્મિક ભાવનાથી ભરાઇ ગયું. તે ભાવના પ્રચંડ રૂપમાં વહેતા પૂરનું પાણી જેમ નદીના કિનારાને તોડી નાખે તેમ મારા તનમનના કિનારાને તોડીને મને તરબોળ કરતી બધે ફરી વળી. તે ભાવનાને લીધે કૃષ્ણદર્શનની ભાવના મોળી પડી ને શાંત થઇ.

 

 

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok