Saturday, August 08, 2020

ટિહરીમાં આગમન

 પર્વતના એકાંત પ્રદેશમાં રહેનારા એ ગ્રામજનનો પ્રેમ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયો. કોણ કહે છે કે ગામડાની પ્રજા પછાત, અસંસ્કારી અને અભણ છે ? અલબત્ત, વર્તમાન કેળવણીનો પ્રચાર તેમનામાં ઘણો ઓછો છે. કેટલાક કુરિવાજોનું સામ્રાજ્ય પણ તેમની અંદર ચાલી રહ્યું છે. કોઇ કારણથી વેરઝેર ને કુસંપ પણ દેખાય છે. પણ તે તો ભણેલા લોકો ને શહેરોની અંદર પણ ક્યાં નથી ? વર્તમાન કેળવણીનો અભાવ અને ઓછો પ્રચાર હોવા છતાં પણ એમનામાં અતિથિસત્કાર ને સેવાની ભાવના સારા પ્રમાણમાં જોવા મળે છે. તે ઉપરાંત કેટલાક સંસ્કારોનું દર્શન પણ સહેજે થઇ શકે છે. શહેરોની વધારે પડતી મોહિનીને લીધે ભાંગતા જતાં ગામડાંને નવી ઢબે વિકસાવવામાં આવે ને સ્વાશ્રયી કરવામાં આવે તો તે પ્રજા સંપૂર્ણપણે સુખી થઇ શકે એ નક્કી છે. આ પર્વતીય ભાઇના સંસ્કારોને જોઇને મને ખરેખર આનંદ થયો. પણ મારે તેમની સંસ્કારિતાનો ગેરલાભ ઉઠાવવો ન હતો. તેથી મેં પૈસા લેવાની ના પાડી. તે બાબતમાં એમના આગ્રહને આધીન થવાનું મને સારું ન લાગ્યું. તે પણ છેવટે સમજી ગયા.

પગદંડીનો લાંબો રસ્તો કાપીને અમે ટિહરીની મુખ્ય સડક પર આવી પહોંચ્યા ને પછી છૂટા પડ્યા. હજી મારે મોટું અંતર કાપવાનું હતું એટલે મેં બનતી ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં એક માણસ મારી પાછળ પડ્યો. 'બાબા, મને તમારો શિષ્ય બનાવીને તમારી સાથે લઇ લો. હું તમારી સાથે ફરીશ ને તમારી સેવા કરીશ.'

મેં તેને કહ્યું : 'ભાઇ, ત્યાગી જીવન એટલું સહેલું નથી. તે જીવન તો ભારે મુસીબતથી ભરેલું છે. તે મોટી યોગ્યતા માગી લે છે. બધે ફરતા ફરીશું એમ માનીને એનો આધાર લેવાની જરૂર નથી. તેમાં તો વિવેક, વૈરાગ્ય ને ઇશ્વર પરની શ્રદ્ધાની જરૂર છે. ત્યારે જ તે શોભી ઉઠે ને સફળ થઇ શકે છે. ખાવાની અછત હોય અથવા કોઇ બીજી તકલીફ હોય તેથી તેનો આધાર લઇને સાધુ થવાનાં સ્વપ્ના સેવવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં રહીને દુર્ગુણનો, દુષ્ટ વિચાર, વૃતિ ને દુષ્ટ કર્મોનો ત્યાગ કરો. અહંકાર ને મમતાને દૂર કરવાની કોશિશ કરીને પરમાત્માને પ્રેમ કરો ને પરમાત્માનું દર્શન કરવાનો પ્રયાસ કરો, એટલે સુખશાંતિ મળી જશે. બાકી બધાએ બહારનો ત્યાગ કરવો જ જોઇએ એવો ખાસ નિયમ નથી. તે છતાં તમારે શિષ્ય થઇને નીકળી પડવું હોય તો કોઇ સારા ગુરુની રાહ જુઓ. હું તો હજી સાધારણ દશામાં છું ને સૌને ગુરુભાવે જોયા કરું છું. કોઇનો ઉદ્ધાર કરવાની મારામાં શક્તિ નથી.'
મારા શબ્દોને શાંતિપૂર્વક મને કે કમને સાંભળ્યા પછી એણે પૂછ્યું : 'આટલા વહેલા ક્યાંથી આવ્યા ?'
'રાતે બાજુના નાનકડા ગામમાં રોકાયેલો ત્યાંથી.'
'ક્યા ગામમાં ?'
મેં એના કુતૂહલને શાંત કરવા મારા રાત્રિનિવાસની વાત કરી તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો.
'તમે ક્યા ગામની વાત કરો છો ?' ને તરત જ બોલ્યો : 'સ્વપ્નના કે જાગૃતિના ?'
'જાગૃતિના.'
'તમને સ્વપ્ન તો નહોતું આવ્યું ને ? અહીં આસપાસના વિસ્તારમાં કેટલાક ગાઉ સુધી ગામ જ નથી. આ પ્રદેશમાં જનમ્યો અને મોટો થયો છું એટલે મને બધી માહિતી છે. એ તો ઠીક છે કે તમે આ વાત મને કહી છે. બીજા કોઇને કહી હોત તો ગાંડપણમાં ખપાવત.'

એની સાથે અધિક દલીલો કરવાનો કશો અર્થ ન હતો, એટલે મૌન રાખીને ઇશ્વરનું સ્મરણ કરતો અને એમના અલૌકિક અનુગ્રહને વિચારતો હું ટિહરીના માર્ગે આગળ વધ્યો. એ પવિત્ર હિમગિરિ પ્રદેશમાં સમીપવર્તી વિસ્તારમાં કોઇ ગામ હોય કે ના હોય તો પણ ઇશ્વરની અસીમ કૃપાથી હું એક એકાંત સુંદર ગામમાં જ રહી ચૂકેલો એ હકીકતનો ઇન્કાર કેવી રીતે કરી શકાય ? ઇશ્વરની અસીમ શક્તિને માટે કોઇક ગ્રામપ્રદેશનું નિર્માણ કાર્ય અસંભવિત તો નથી જ. ઇશ્વરને માટેની મારી શ્રદ્ધાભક્તિમાં અભિવૃદ્ધિ થઇ.

ટિહરી આવ્યું ત્યારે સાંજ પડવાની તૈયારી હતી. ટિહરી મારે માટે નવું સ્થળ હતું. પણ પ્રભુની કૃપા તો જુઓ. ગંગા પરના પુલને પસાર કરીને હું ગામમાં પહોંચ્યો કે તરત જ એક વિદ્યાર્થી મળ્યો. તે કોલેજમાં ભણતો હતો. તે મને એક ધર્મશાળામાં લઇ ગયો. પણ મને તો પસંદ ના પડવાથી છેવટે મને લઇને તે બદરીનાથના મંદિરમાં આવ્યો. ત્યાંની ધર્મશાળામાં મારે માટે રહેવાની વ્યવસ્થા થઇ ગઇ.

મારા છેલ્લા શબ્દોને વાંચીને કોઇને થશે કે 'બદરીનાથનું પ્રસિદ્ધ મંદિર તો એક બદરીનાથમાં છે. તેના દર્શન માટે દર વરસે હજારો માણસો હિમાલયના ઉત્તરાખંડની યાત્રા કરે છે. ઉત્તરાખંડનાં ચાર મોટા ને પ્રખ્યાત ધામ કહેવાય છે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, ને જમનોત્રી. તેમાં બદરીનાથનું આકર્ષણ સૌથી વધારે ગણાય છે. બદરીનાથનું મંદિર પર્વતમાળાની વચ્ચે આવેલું છે ને ત્યાં નારાયણ ભગવાનની મૂર્તિ છે. એ વાત લોકોમાં સારી પેઠે જાણીતી છે છતાં તમે ટિહરીમાં બદરીનાથના મંદિરની વાત કરી. તો શું ટિહરીમાં પણ બદરીનાથનું મંદિર આવેલું છે ? કે પછી તે વિશેના લખાણમાં કોઇ ભૂલ થાય છે ?'

મારા લખાણ પરથી આવી શંકા થાય તે સ્વાભાવિક છે. તેનું સમાધાન એ છે કે મારા લખાણમાં કોઇ જાતની ભૂલ નથી. પણ સાચી વાત એવી છે કે ટિહરીમાં બદરીનાથ અને કેદારનાથ બંનેના મંદિર આવેલા છે. ઉત્તરાખંડનું પ્રખ્યાત બદરીનાથનું મંદિર તો છે જ. મુખ્ય મંદિર તો તે જ ગણાય છે. યાત્રીઓ તેના જ દર્શનનો સંકલ્પ કરીને ઘેરથી રવાના થાય છે. પણ તે ઉપરાંત ટિહરીમાં પણ બદરીનાથનું નાનું મંદિર આવેલું છે. હું તે જ મંદિરની વાત કરી રહ્યો છું. તેની ધર્મશાળા ઘણી મોટી છે. તેમાં મારો ઉતારો હતો. બદરીનાથ ને કેદારનાથ બંનેના મંદિર છેક પાસે પાસે જ આવેલા છે.

ટિહરી ગામ પર્વતના બીજા ગામોના પ્રમાણમાં મોટું છે. મેં તે ગામની મુલાકાત લીધી ત્યારે ઇ. સ. ૧૯૪૪નું વરસ ચાલી રહેલું. મને બાવીસ વર્ષ પૂરા થયેલા. તે વખતે ત્યાં ઇન્ટર સુધીની કોલેજ ચાલતી. ટિહરીની આજુબાજુ સુંદર પર્વતો છે પણ ગામ મોટેભાગે મેદાનમાં જ વસેલું છે. બદરીનાથનું મંદિર ગંગાના કિનારે આવેલું છે. ગંગાનું નામ અહીં ભાગીરથી છે. મંદિરની પાસે જ ભાગીરથી ને ભીલંગણાનો સંગમ થાય છે. તે દૃશ્ય ઘણું રમણીય દેખાય છે. લાંબા વખત લગી તેને જોયા કરીએ તો પણ મન ધરાતું નથી ને તેની સુંદરતા ઓછી થતી નથી.

કેદારનાથના મંદિરમાં એક બ્રહ્મચારી મહાત્મા રહેતા. તે કુરુક્ષેત્રના નિવાસી હતા. ટિહરીના શાંત વાતાવરણમાં લાંબો વખત રહીને ગાયત્રીનું અનુષ્ઠાન કરવાનો તેમનો વિચાર હતો. તે જ વિચારથી પ્રેરાઇને તે ટિહરી આવેલા. તે પોતે સ્વયંપાકી હતા. ભક્તોની સહાયતા સાથે તે આટલે દૂર આવી પહોંચેલા પણ આવતાવેંત જ તેમને ટિહરીના તીર્થસ્થાનનો કડવો અનુભવ થયો. તેમના છસો રૂપિયા મંદિરની તેમની રહેવાની ઓરડીમાંથી કોઇ ચોરી ગયું. તેથી તેમને ચિંતા થતી. એટલી રકમમાં તે બે અઢી વરસ સહેલાઇથી કાઢી શકે તેમ હતા. તે રકમ તેમની જીવાદોરી જેવી હતી. તેમની સાથેનો મારો પરિચય વધ્યો ત્યારે તેમણે મારી પાસે દિલ ખોલ્યું. તેમની વાત સાંભળીને મને જરા ખેદ થયો.

હિમાલયના આવા શાંત અને એકાંત પ્રદેશમાં પણ આ રીતે ચોરી થાય છે તે જાણીને મને વધારે ખેદ થયો. હિમાલયની મારી કલ્પના શરૂઆતમાં જરા જુદી જ હતી. મને એમ લાગતું કે હિમાલય તો ઋષિમુનિનો મુલક ને ત્યાગી તથા તપસ્વીનો પ્રદેશ કહેવાય છે. આજે પણ ત્યાં મોટેભાગે ઋષિમુનિ ને ત્યાગી તપસ્વી જ ત્યાં રહેતા હશે. ફળફૂલ ને કંદમૂળથી ત્યાંનો પ્રદેશ ભરપૂર હશે. લોકો પણ પવિત્ર, પ્રામાણિક ને પ્રભુપરાયણ હશે. ચોરી, વ્યભિચાર, જૂઠ ને કપટનું તો ત્યાં નામનિશાન નહિ હોય. પરંતુ હિમાલયનું દર્શન કર્યા પછી મારી કલ્પના ખોટી ઠરી. મને સમજાયું કે પહેલાંનું વાતાવરણ ગમે તેવું હોય પણ અત્યારે તો હિમાલયનું વાતાવરણ બહું વખાણવા જેવું નથી. ચોરી, વ્યભિચાર, જૂઠ, કપટ અને અનીતિનું સામ્રાજ્ય હિમાલયમાં પણ સારી પેઠે ફેલાવા માંડ્યુ છે. જ્યાં જ્યાં માનવ ને તેનું મન છે ત્યાં ત્યાં મનના સારાં ને નરસાં બધાં તત્વોનું દર્શન સહેજે થયા કરે છે. હિમાલયના કેટલાક પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ એટલી બધી અનીતિમય ને વિકૃત થઇ ગઇ છે કે બહારના પ્રદેશમાંથી આવીને વસેલા મોટાભાગના જૂના વિવેકી લોકોને પણ તે સાલે છે. શું પર્વતોમાં કે શું મેદાનોમાં, પ્રજાનું નૈતિક જીવન ઝડપથી કથળતું જાય છે એ એક હકીકત છે. તેની દવા કર્યા વિના પ્રજાના જીવનધોરણને ઊંચુ આણવાનો ને સુખશાંતિમય સમાજની રચના કરવાનો આપણો કે કોઇનોય પ્રયાસ ભાગ્યે જ સફળ થઇ શકશે.

કુરુક્ષેત્રના એ મહાત્મા પુરુષ સાથે થોડા વખતમાં તો મારે સારો સ્નેહસંબંધ થઇ ગયો. મને બદરીનાથ મંદિરમાં રોજ તૈયાર ભોજન મળે તે માટે તેમણે બનતો પ્રયાસ કર્યો. મંદિરના પૂજારીઓને પણ મારા પર પ્રેમ થવા માંડ્યો. પરિણામે મને મંદિરમાં બંને વખત ભોજન મળવા માંડ્યું.

 

 

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok