if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 થોડીવારમાં તો બધે અંધારું ફરી વળ્યું. મને થયું કે દસ પંદર મિનીટમાં તો રસ્તો પણ નહિ દેખાય. રાત પણ અંધારી છે. પાસે કોઇ ગામ કે ધર્મશાળા છે નહિ. હવે શું કરીશું ? જો રસ્તો ના દેખાય ને આગળ વધવાનું અશક્ય જ થઇ પડે, તો રસ્તા પર જ રાત પસાર કરીશું અથવા તો ગંગા કિનારાના કોઇ પથ્થર પર આરામ કરીશું. જંગલમાં હિંસક પશુ જરૂર હોય પણ આપણને તેમનો શો ભય ? ઇશ્વરની કૃપાથી તે આપણને કાંઇ નહિ કરી શકે. ઇશ્વર જે કરશે તે સારું જ કરશે. એ પ્રમાણે વિચાર કરતાં કરતાં હું 'શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ'ના મંત્રનું ગાન કરતો ને આગળ વધતો હતો ત્યાં તો પાછળથી કોઇનો અવાજ સંભળાયો. મને થયું કે ઇશ્વરે મને મદદ કરવા માટે કોઇ માણસોને મોકલ્યા લાગે છે ! ઝડપથી માર્ગ કાપતાં બે પુરુષ અને એક સ્ત્રી મારી પાસે આવી પહોંચ્યા. 'કેમ બાબા, કોના બળ પર આટલા અંધારામાં ચાલી રહ્યા છો ?' તેમાંના એક પુરુષે પ્રશ્ન કર્યો.

'બીજા કોના બળ પર ?' મેં તરત જ ઉત્તર આપ્યો, 'ઇશ્વરના બળ પર. તેના વિના બીજું બળ ક્યાં કામ લાગે તેવું છે ?'

પણ મારો ઉત્તર તેમને ગમ્યો નહિ. એટલે તે જરા ગુસ્સો કરીને કહેવા માંડ્યા, 'ઇશ્વરના બળ પર ? ઠીક ત્યારે ઇશ્વરના બળ પર આગળ ને આગળ ચાલતા જાવ.' થોડીવારમાં તો તે માણસો આજુબાજુના અંધકારમાં અદૃશ્ય થઇ ગયાં. ધીરે ધીરે હું પ્રભુનું સ્મરણ કરતો આગળ વધ્યો.

ત્યાં તો મારા આશ્ચર્ય વચ્ચે પેલો પુરુષ પાછો આવ્યો. મને સંબોધીને તેણે જરા મીઠી ભાષામાં કહેવા માંડ્યું : 'તમારે ક્યાં જવું છે ?'

'ટિહરી.'

'ટિહરી ? ટિહરી તો હજી અઢારથી વીસ માઇલ દૂર છે. હવે નજીકમાં કોઇ ધર્મશાળા પણ નથી. અમારું ગામ પાસે જ છે. અહીંથી પર્વત પર એકાદ ફર્લાંગ જેટલે. તમે ત્યાં ચાલો. રાતે અમારે ત્યાં આરામ કરજો ને કાલે સવારે આગળ વધજો. અમે તમને ટિહરીના માર્ગ પર મૂકી જઇશું. અમે અહીંથી દોઢેક માઇલ પર એક મહાદેવનું મંદિર છે, ત્યાંથી દર્શન કરીને આવીએ છીએ. આજે ત્યાં મોટો મેળો ભરાય છે. અમારે ત્યાં તમને કોઇ જાતની તકલીફ નહિ પડે, સમજ્યા ?'

અંધારું હવે બધે ફેલાઇ ગયેલું. વળી એ પર્વતીય ભાઇ એક વાર આગળ જઇને ફરી વાર મારી પાસે આવેલા, તેથી તેની પાછળ ઇશ્વરની પ્રેરણા માનીને મેં એમના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો. ઇશ્વરે મારે માટે છેક અણીને વખતે મદદ મોકલી આપી તેનો વિચાર કરીને મારું હૃદય ગદગદ થઇ ગયું. બેમાંના એક ભાઇ પાસે બેટરી હતી. તેના પ્રકાશમાં યાત્રાનો મુખ્ય માર્ગ મૂકીને અમે પર્વત પર ચઢાઇને રસ્તે ચાલવા માંડ્યું. પ્યારા પ્રભુની ઇચ્છાને મેં પણ અપનાવી ને પ્યારી માની લીધી.

'ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિપ્યારું ગણી લેજે !'

લગભગ અર્ધા કલાકમાં અમે પર્વત પર વસેલા નાનાસરખા ગામમાં આવી પહોંચ્યા. પર્વત પર મોટું વિશાળ મેદાન હતું. તેમાં છૂટાંછવાયાં મકાનોના સ્વરૂપમાં વસેલું ગામ આકાશમાં આવેલી કોઇ નવી દુનિયા જેવું દેખાતું. મેદાની પ્રદેશમાં ખેતી પણ સારા પ્રમાણમાં દેખાતી. જ્યાં જોઇએ ત્યાં લીલોતરીનું દર્શન થતું. રાત્રિના ઘોર અંધકારમાં બેટરીના સાધારણ પ્રકાશમાં બધો પ્રદેશ તો ક્યાંથી દેખાય, છતાં જે પ્રદેશ જોવા મળ્યો તેના પરથી ગામ વિશે સારો ખ્યાલ બંધાયો.

મારી સાથેના માણસો સાથે મેં એક નાનાસરખા ઘરમાં પ્રવેશ કર્યો. ઠંડી સખત હતી. હવે અમે પર્વતની છેક ઉપરના પ્રદેશમાં હતા. એટલે ઠંડો પવન સારા પ્રમાણમાં ફુંકાતો. મારી સાથેના માણસો પર્વતીય જીવન અને આબોહવાથી ટેવાઇ ગયેલા છતાં પણ તેમને ઠંડી લાગતી. તેથી તે થથરતા. તે મને એક નાનાસરખા ઓરડામાં લઇ ગયા. તેનો ઉપયોગ વધારે ભાગે રસોડા તરીકે થતો. તેમણે મને પ્રેમથી બેસવાનું કહ્યું ને તે પણ મારી પાસે બેસી ગયા. પછી તેમણે તાપણી કરી. તાપણી પાસે બેસીને અમે ઠંડીને દૂર કરતાં વાતે વળગ્યા.

એક જણે પૂછ્યું : 'બાબા, આટલી નાની ઉંમરમાં સાધુવેશ કેમ ધારણ કર્યો ?'

મેં કહ્યું : 'ઇશ્વરની ઇચ્છા. તેની ઇચ્છા વિના કશું બને છે ? આ માનવજીવન મહાદુર્લભ છે. તેનો સદુપયોગ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. માટે સંસારમાંથી મનને પાછું વાળીને પરમાત્મામાં લગાડી દેવું જોઇએ. તે માટે મોટી ઉંમર થતાં સુધી રાહ જોવાની જરૂર નથી. મોટી ઉંમર થશે એવો ભરોસો પણ ક્યાં છે ? જીવન તો ચંચળ છે. ક્ષણે ક્ષણે ઓછું થતું જાય છે. ક્યારે પૂરું થશે તેની કોને ખબર છે ? માટે જાગ્યા ત્યાંથી સવાર સમજીને સમજ શક્તિની પ્રાપ્તિ થાય ત્યારથી જ પરમાત્માનું દર્શન કરવાનો પ્રયાસ કરવો જોઇએ. નાની ઉંમરમાં પ્રભુપ્રાપ્તિને માર્ગે વળવાથી વહેલામાં વહેલી તકે શાંતિ ને મુક્તિ મેળવવાનો અવકાશ રહે છે ને મોટી ઉંમરે પ્રભુની કૃપાનું પેન્શન મળે તે ભોગવવાનું બાકી રહે છે. વિચાર કરી જોશો તો સમજાશે કે ઉછરતી યુવાનીમાં માણસ ધારે તે કામ કરી શકે છે. તે વખતે તેની શક્તિ તાજી ને પ્રબળ હોય છે. મન પણ ઉત્સાહ ને અવનવી આકાંક્ષાથી ભરેલું હોય છે. તેને જે વસ્તુમાં લગાડવામાં આવે તેમાં સહેલાઇથી રસપૂર્વક લાગી જાય છે. વધારે ભાગના લોકો તે વખતે સંસારના સુખની કામનાથી પ્રભુની પ્રાપ્તિના કામને ભૂલી જાય છે. તેમની વધારે ભાગની શક્તિ સંસારમાં જ વેડફાઇ જાય છે. પણ એનો અર્થ એવો નથી કે બધાએ તેમ જ કરવું. જેનામાં શ્રદ્ધા, હિંમત ને ઉમંગ હોય તે પોતાના સંસ્કારોને કેળવીને સંસારના વિષયોથી બને તેટલો અલગ રહી શકે છે ને ઇશ્વરની કૃપા મેળવવાનો પ્રયાસ પણ કરી શકે છે. તેમ કરવામાં મુશ્કેલી જરૂર રહેલી છે. ભયસ્થાનો પણ ઘણાં છે. પરંતુ માણસ ધારે તો તેમનો સામનો કરીને પોતાના કામને સહેલું કરી શકે છે. યુવાનીને અમારે ત્યાં ગધાપચીસી કહેવામાં આવે છે. તે દરમ્યાન જે મન ને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને ઇશ્વરની કૃપા પામવાનો પ્રયાસ કરે છે તે કાંઇ ઓછો બહાદુર નથી. સાચા અર્થમાં તે જ શૂરવીર છે.'

પર્વતના પહેલા દિવસના પગપાળા પ્રવાસને લીધે મને થોડી થાકની અસર જણાતી હતી. તેથી જરા વહેલા વિશ્રાંતિ કરવાની મને ઇચ્છા હતી. મેં પેલા ભાઇની આગળ મારી ઇચ્છા પ્રદર્શિત કરી તો તેમણે કહ્યું : 'આરામ કરવાની વાત બરાબર છે. પણ એમ ને એમ કાંઇ આરામ કરાય ? અમારે ત્યાં આવો ને તમે ભૂખે સુઇ રહો તે ઠીક કહેવાય કે ? હમણાં રોટી બને છે, તે ખાઇને જ આરામ કરજો.'

તેમના પ્રેમ અને આગ્રહને માન આપીને મેં ભોજન કરી લીધું. પછી એ જ ઓરડામાં આરામ કરવા માંડ્યો. સવારે સ્નાનાદિથી પરવારીને મેં કહ્યું : 'હવે મને રસ્તો બતાવો. ધીમે ધીમે ચાલીને સાંજ સુધીમાં હું ટિહરી પહોંચી જઇશ.'

'રસ્તો તો બતાવવાનો જ છે.' તે બોલી ઉઠ્યા: 'પણ હમણાં શી ઉતાવળ છે ? તમને સવારના પહોરમાં કાંઇ એમ ને એમ જવા દેવાય ? હમણાં ભોજન થઇ જશે. પછી તમને રસ્તા પર મૂકી જઇશું અને અમે પણ ખેતરમાં જઇશું. તમે તો આખો દિવસ ચાલ્યા જ કરશો. રસ્તામાં ખાસ કોઇ ગામ પણ આવતાં નથી. ભિક્ષાની પણ મુશ્કેલી પડશે. માટે અહીંથી જમીને જ જાવ એટલે આગળની ચિંતા નહિ.'

મેં કહ્યું: 'મને જરા પણ ચિંતા નથી. ઇશ્વર દયાળુ છે. તેના પર મને શ્રદ્ધા છે. યોગ્ય વખતે તે યોગ્ય વ્યવસ્થા જરૂર કરી દેશે. તમે અત્યાર સુધી જે સેવા કરી તે ઘણી છે.'

પણ તે માને તેમ ન હતા. તેથી બીજો કોઇ ઉપાય પણ ન હતો. થોડીવારમાં મારી પાસે દાળભાતની થાળી આવી પહોંચી ને મેં ભોજન કર્યું. પછી મારો સામાન તૈયાર કરીને હું બહાર નીકળ્યો એટલે તેમણે મને પૈસા આપવાનો પ્રયાસ કર્યો. 'આ પૈસા રસ્તામાં કામ લાગશે.' તેમણે કહેવા માંડ્યું, 'નહિ તો સાંજે ટિહરી પહોંચીને દૂધ પી લેજો.'

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.