પોલીસનો પ્રસંગ
કુરુક્ષેત્રના પેલા મહાત્મા સાથે એક દિવસ હું ટિહરીમાં ફરવા નીકળ્યો. ટિહરીમાં મંદિરો ને સાધુમહાત્માના સ્થાનો ઘણાં છે. તેમાંના કેટલાક સ્થાનોનું દર્શન કરતાં અમે ગામની મુખ્ય ભૂમિમાં આવી પહોંચ્યા. ત્યાં મોટું બજાર હતું. તેનું નિરિક્ષણ કરીને અમે ગામના પુસ્તકાલયમાં પ્રવેશ કર્યો. લગભગ અડધો કલાક થયો હશે એટલામાં ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટર આવી પહોંચ્યા ને અમારી પાસે જરા અક્કડતાપૂર્વક ઊભા રહ્યા. થોડીવાર સુધી તો એમણે અમારું માથાથી પગ સુધી નિરીક્ષણ કર્યા કર્યું ને પછી પૂછવા માંડયા : 'તમે બન્ને અહીં ક્યાં રહો છો ?'
'હું બદરીનાથ મંદિરમાં રહું છું ને આ મહાત્મા કેદારનાથ મંદિરમાં.' મેં શાંતિથી ઉત્તર આપ્યો.
'તમે બંને કાલે સવારે આઠેક વાગ્યે પોલીસ સ્ટેશન પર આવજો.' તેમણે ફરમાવી દીધું.
એ ઓચીંતા ફરમાનથી મને આશ્ચર્ય થયું. મેં ખુલાસા માટે પૂછ્યું : 'કેમ ? અમારું કંઇ કામ છે ?'
'મારે તમારી તપાસ કરવી છે.' તેમણે તુમાખીથી ઉત્તર આપ્યો.
'તપાસ કરવી હોય અને અમારા વિશે માહિતી મેળવવી હોય તો અમે અત્યારે હાજર છીએ. તમારે જે કાંઇ પૂછવું હોય તે અમને પૂછી શકો છો. બાકી કાલે સવારે તો મારાથી પોલીસ સ્ટેશને નહિ આવી શકાય. કેમ કે સવારે લગભગ સાડા નવ સુધી હું મારા નિત્યકર્મમાં રોકાયેલો રહું છું. તેનો ત્યાગ કરીને મારાથી તમારી પાસે નહિ જ આવી શકાય.'
'નહિ. તમારે આવવું જ પડશે. તમને ખબર છે કે હું અહીંનો પોલીસ ઇન્સ્પેક્ટર છું ?' તેમણે જરા કડકાઇથી કહેવા માંડ્યું.
'તે તો તમારા કહેવાથી ખબર પડી.' મેં શાંતિથી ખુલાસો કર્યો; 'પણ તેનો અર્થ એવો નથી કે મારે કાલે સવારે તમારી પાસે આવવું જ જોઇએ. સવારે તો મને સમય જ નથી હોતો. હા, તમારી ઇચ્છા હોય તો મને અત્યારે જે કાંઇ પૂછવું હોય તે પૂછી શકો છો.'
મારા ખુલાસાથી તેમનો રોષ વધવા માંડ્યો. જો હું પોલીસ સ્ટેશન નહિ જાઉં તો સારું પરિણામ નહિ આવે એવી ધમકી આપીને તે ચાલી નીકળ્યા. તેમની ધમકીથી પેલા કુરુક્ષેત્રના મહાત્મા ડરી ગયા. મેં તેમને હિંમત આપી છતાં તેમણે પોલીસ સ્ટેશને જવાની વાત પસંદ કરી. પણ હું તો પોલીસ સ્ટેશને ગયો જ નહિ. મારા પર તે ઇન્સ્પેક્ટરની ધમકીની જરાપણ અસર ના થઇ. મેં નક્કી કર્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર મારી પાસે આવે તો મારે તેમને જરૂરી માહિતી પૂરી પાડવી પણ તેમની પાસે સામે ચાલીને તો ના જ જવું. પરંતુ તે પણ મારી પાસે ના આવ્યા.
એ નાના સરખા પ્રસંગે મને દિવસો સુધી વિચાર કરતો કરી મૂક્યો. મને થયું કે પોલીસની આ પદ્ધતિ કેવી છે ! રસ્તે ચાલનારા ગમે તે માણસને સાધારણ શંકા પરથી કે કોઇવાર શંકા ના હોય તોપણ તે તપાસ માટે પોતાની અનુકૂળતાએ પોલીસ સ્ટેશને બોલાવે છે ને કોઇ તેનો વિરોધ કરે છે તો તેને ખરાબ પરિણામની ધમકી આપે છે. મનમાની વાતની કબૂલાત માટે ત્રાસ, માર ને જુલ્મોનો પણ આશ્રય લે છે. પોલીસને તપાસ કરવી હોય તો નમ્રતાપૂર્વક માણસની મુલાકાત લઇને કરી શકે છે. બાકી ગમે તે માણસને પોતાની પાસે આવવાની ફરજ પાડવામાં વિવેક કે શિષ્ટાચારનો અભાવ જ દેખાઇ આવે છે. આજે પણ આવા પ્રસંગો નથી બનતા એમ નહિ. એક સ્વતંત્ર દેશની પ્રજા ને પોલીસ માટે આવા પ્રસંગો શોભારૂપ નથી. વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત કરનાર દેશમાં પોલીસના આવા પ્રસંગોને ચલાવી ના લેવાય. એટલે પોલીસે પોતાના વર્તનમાં ફેરફાર કરવાની ને વધારે ને વધારે નમ્ર, પ્રમાણિક, શિસ્તબદ્ધ, સેવાભાવી થવાની આવશ્યકતા છે. પલટાતા જતા સમયમાં તેમણે પણ પોતાની કાયાપલટ કરવાની છે. તો જ તે પ્રજાની સેવા કરીને પ્રજાને ઉપયોગી ને પ્રિય થઇ શકશે.