Tuesday, September 29, 2020

વેદબંધુનો સમાગમ - 1

 સાચા સંતો સત્સંગનો મહિમા ગાતા થાકતા નથી. સંસારમાં નાનામોટાં અનેક જાતનાં સુખ છે. તેમાં સત્સંગનું સુખ સૌથી શ્રેષ્ઠ છે, એમ સંતો કહ્યા કરે છે. બીજા કેટલાક સુખો તન ને મનને અસર કરે છે. પણ સત્સંગનું વિલક્ષણ સુખ તો આત્માના પ્રદેશમાં પહોંચી જાય છે ને આત્માને અસર કરે છે. એટલે સુધી કે પોતાની જાતને પલટાવીને આત્મા કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવામાં પણ મદદ પહોંચાડે છે. વિતરાગ ને ઇશ્વરદર્શી મહાત્માઓ પણ તેનો લાભ લેવા સદા તૈયાર રહે છે ને તેનાં ગુણગાન ગાતા થાકતા નથી. મને પોતાને પણ સત્સંગ પ્રિય છે. સાચા સંતોના સમાગમ માટે મારું અંતર હમેંશા આતુર રહ્યા કરે છે. તેમના સમાગમમાં મને સ્વર્ગસુખ સાંપડે છે.

હિમાલય તો સંતોનું ઘર, ધામ ને આશ્રયસ્થાન. હિમાલયને સંતોની આરાધ્યભુમિ કહીએ અથવા સંતોના માતાપિતાની ઉપમા આપીએ તો કાંઇ જ ખોટું નથી. ત્યાં તો સંતોનું દર્શન સહેલાઇથી થઇ શકે. એમાં આશ્ચર્ય જ ક્યાં છે ? અલબત્ત, આજે તો હિમાલયમાં પણ સાચા સંતોના દર્શન દુર્લભ થઇ ગયા છે. સંતોના દર્શન ને સમાગમ સારુ આવતા કેટલાય લોકો તેથી નિરાશ પણ થાય છે. આખી દુનિયામાં પરિવર્તન થઇ રહ્યું છે, ત્યારે હિમાલયમાં પણ થાય એ સમજી શકાય તેવું છે. હિમાલય પણ તેનાથી અસ્પૃશ્ય ને પર કેવી રીતે રહી શકે ? તોપણ હિમાલયની ભૂમિમાં હજી સાચા સંતો છે. ભલે તેમની સંખ્યા ઓછી હોય, પણ તેમને લીધે હિમાલયની પવિત્રતા હજી કાયમ છે. તેમનું દર્શન સહેલાઇથી નથી થઇ શકતું. છતાં સારા સાધક તેમના સમાગમનો લાભ ઇશ્વરની કૃપાથી કોઇવાર મેળવી શકે છે. મને પણ તેવો લાભ આજ સુધી અનેકવાર મળ્યો છે. ટિહરીના નિવાસ દરમ્યાન ઇશ્વરકૃપાથી તેવો લાભ મળી ગયો. એક સાચા અને સારા સંતનો મેળાપ થયો. તેનું વર્ણન શરૂ કરું તે પહેલાં થોડા વખત માટે ટિહરીનું ક્ષેત્ર છોડીને આપણે હરદ્વારના પવિત્ર ક્ષેત્રમાં પ્રવેશ કરવો પડશે. માટે કલ્પનાની પાંખ પર ઉડીને ચાલો આપણે હરદ્વાર પહોંચી જઇએ.

આગળના એક પ્રકરણમાં મેં અમદાવાદના એક સંસ્કારી કુટુંબનો ઉડતો ઉલ્લેખ કરી લીધો છે. તે કુટુંબના સભ્યો સાથે ઇ. સ. ૧૯૪૩માં હું દેવપ્રયાગની પહેલવહેલી મુસાફરી કરીને હરદ્વાર આવ્યો હતો. તે વખતે શ્રવણનાથના મંદિરના હોલમાં ઉત્તરપ્રદેશના સુપ્રસિદ્ધ સંત શ્રી પ્રભુદત્ત બ્રહ્મચારીજી ભાગવત સપ્તાહ કરાવી રહેલા. ત્યાં અમે થોડો વખત બેઠેલા. ભાગવતની કથા પૂરી થયા પછી પ્રભુદત્તજી પોતાના નિયમ પ્રમાણે ઊભા થયા ને નૃત્ય સાથે કીર્તન કરવા માંડ્યા. તેમના હાથમાં મંજીરા હતા. બીજા કેટલાક ભક્તોના હાથમાં મંજીરા, કરતાલ ને ઢોલકનું દર્શન થતું. તે ભક્તો પણ નૃત્ય સાથે નામસંકીર્તન કરતાં કરતાં પ્રભુદત્તજીને સાથ આપવા માંડ્યા. નામનો ધ્વનિ મારી સમજ પ્રમાણે 'રાધે રાધે શ્યામ બોલો રાધે રાધે શ્યામ' એવો હતો. ધીરે ધીરે કીર્તનનો રસ વધવા માંડ્યો, ને નામનો ધ્વનિ કેવળ 'રાધે રાધે રાધે રાધે' એમ જ સંભળાવા લાગ્યો. મને પણ કીર્તનમાં રસ હતો. તે વખતે હું કરતાલ રાખતો તે મારી પાસે હાજર હતી. એટલે આનંદમાં આવી જઇને હું પણ કીર્તનમાં સામેલ થયો. કીર્તન લગભગ દસેક મિનીટ સુધી ચાલ્યું. તેને અંતે પ્રભુદત્તજી મંજીરા મૂકીને પોતાના ખંડમાં દોડી ગયા. એટલે ભક્તોએ પણ કીર્તન બંધ કરી દીધું. પરંતુ દસેક મિનીટનું એ સમૂહ કીર્તન ખરેખર રસથી ભરેલું હતું. શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભાવમાં આવી જઇને કીર્તન કરતા ને કરાવતા તે વિશે મેં વાચેલું. તેમની કીર્તનમંડળીનું એક ચિત્ર પણ મારા જોવામાં આવેલું. તે મને ખૂબ ગમી ગયેલું. ચૈતન્ય મહાપ્રભુના એ કીર્તનના આદર્શને નજર સામે રાખીને પ્રભુદત્તજી કીર્તનનો કાર્યક્રમ ચલાવતા હોય એવી મારી છાપ પડી. ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તનની મસ્તી ને મજા તો અનેરી જ હોય. તેનું દર્શન પણ અપવાદરૂપ જ હોય. પ્રભુદત્તજીના સંકીર્તનને તેની સાથે સરખાવવાનું સાહસ બરાબર ના કહેવાય છતાં પણ એટલું તો કહેવું જોઇએ કે તેમનું સંકીર્તન પણ આકર્ષક ને આનંદકારક હતું. પ્રભુનું નામસંકીર્તન સદાયે સુખમય અને આનંદકારક, શાંતિદાયક અને રસપ્રદાયક છે. જેને તેમાં રસ ના મળે તેની રસવૃતિ કાચી છે એમ જ કહેવું જોઇએ.

સમૂહકીર્તનના પ્રયોગો ને કાર્યક્રમો આજે વધતા જાય છે તે સારી વાત છે. કીર્તનપ્રેમી પુરુષો ને સ્ત્રીઓને તેથી આનંદ થશે. પણ તેના ભયસ્થાનથી સૌએ સાવધ રહેવાની જરૂર છે. વધારે ભાગના ભજનકીર્તનના પ્રયોગો લોકોનું રંજન કરવા, વાહ વાહ બોલાવવા, ભક્તમાં ખપવા ને ધન એકઠું કરવા કરવામાં આવે છે. એ હકીકત કડવી છતાં સાચી છે ને તેનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. નામસંકીર્તન ને ભજન માણસના પોતાના હૃદયમાં પ્રેમ પ્રકટાવીને ઇશ્વરને પ્રસન્ન કરવા માટે છે. તે એક પ્રકારની ઊંચી આરાધના છે. તેના આરાધ્યદેવ એક ઇશ્વર જ છે. તે ઇશ્વરના પવિત્ર આસન પર સાધારણ જનતા કે લૌકિક સ્વાર્થ ના બેસી જાય, ને ઇશ્વરને બદલે તેની જ આરાધનાનો આરંભ ના થાય તે કીર્તન ને ભજન કરનારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મીરાં, નરસી, તુકારામ ને ચૈતન્ય મહાપ્રભુની જેમ જો તે કેવળ ઇશ્વરપ્રેમથી પ્રેરાઇને ઇશ્વરની પ્રસન્નતા માટે જ ભજન કીર્તન કરશે તો તેનું જીવન ધન્ય થઇ શકશે. તે ઇશ્વરનું દર્શન પણ કરી શકશે. ને જો તેની ઇચ્છા હશે તો તેને ધન ને પ્રતિષ્ઠા તો આપોઆપ મળી રહેશે. પોતાને ભજનારની બધી રીતે રક્ષા કરવી ને તેના જીવનની જરૂરતો પૂરી પાડવી એ તો ઇશ્વરનો સહજ સ્વભાવ છે, ધર્મ છે. તે માટે ઇશ્વરે પ્રતિજ્ઞા કરી છે. શરૂઆતમાં માણસ લોકરંજન ને ધનકીર્તિને માટે ભજન કીર્તન કરે તો પણ પોતાના આરાધ્યદેવ તો એક ઇશ્વર જ છે તે વાતને સદાયે યાદ રાખીને છેવટે તેણે ઇશ્વરના જ ભક્ત ને પૂજારી બની રહેવું જોઇએ, ને ભજન કીર્તનનો કેવળ શોખ ખાતર નહિ પણ સાધના માટે પ્રયોગ કરવો જોઇએ. તો જ જીવનની ઉન્નતિ થઇ શકે.

કીર્તન પૂરું થયા પછી અમે પ્રભુદત્તજીના દર્શન માટે ગયા. અમને જોઇને તે ખુશ થયા. અમને પણ તેમના દર્શનથી આનંદ થયો. તે વખતે તેમના ઓરડામાં એક બીજા મહાત્મા બેઠેલા. તેમણે સફેદ વસ્ત્રો પહેરેલાં. તેમના મુખ પર તેજ હતું. તેમની આંખ પણ તેજસ્વી ને ઊંડી શાંતિથી ભરેલી હતી. તેમને જોઇને મને થયું કે આ કોઇ મહાપુરુષ છે. થોડીવાર સુધી મેં તેમને જોયા કર્યા. તેમણે પણ મને જોયો. પણ એટલા બધા માણસોની વચ્ચે વાત કરવાનો વખત ના મળ્યો. અમે ત્યાંથી વિદાય થયા ત્યારે પણ એ શાંત સાધુપુરુષની આકૃતિ મારા મનમાં કાયમ માટે વસી ગઇ. તે મહાપુરુષના સંબંઘમાં મને પ્રથમ નજરે જ પ્રેમ કહીએ તેવું થઇ ગયું.

તે વાતને દિવસો થઇ ગયા ને મારે ટિહરીમાં રહેવાનું થયું ત્યારે એક દિવસ અચાનક જ એમનો મેળાપ થઇ ગયો. હું ગંગા તરફ જતો હતો ને તે ગંગા તરફથી આવતા હતા. બંનેની નજર એક થઇ ગઇ. આનંદ થયો. વધારે આનંદ તો એ વાતનો થયો કે અમે બંને બદરીનાથ મંદિરની એક જ ધર્મશાળામાં ઉતરેલા. ઇશ્વરની કૃપાથી એક મહાન સંતનો સમાગમ આમ સહેલો બન્યો. તેમને મળવાની મારી લાંબા વખતની ઇચ્છા આમ એકાએક પૂરી થઇ. તેમનું નામ વેદબંધુ હતું.

 

 

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok