વેદબંધુનો સમાગમ - 2
વેદબંધુના સમાગમથી મને આનંદ થયો. ધીરેધીરે અમારી વચ્ચે સ્નેહસંબંધ બંધાઇ ગયો. તે મદ્રાસ પ્રાંતના નિવાસી હતા. તેમની ઉંમર પાંત્રીસથી ચાલીસની અંદરની હશે. તેમનું શરીર પાતળું ને ઘઉંવર્ણનું હતું. તેમના તેજસ્વી ને શાંત મુખને જોતાંવેંત તેમને માટે મનમાં માનની ભાવના ઉત્પન્ન થતી. નાની ઉંમરમાં તે ઘેરથી નીકળી ગયેલા. તે પછી શ્રી અરવિંદ ને રમણ મહર્ષિના આશ્રમમાં રહ્યા. તે ઉપરાંત અનેક સ્થળોમાં ફર્યા ને અનેક સંતમહાત્માઓના પરિચયમાં આવ્યા. તેમણે પોતે કેટલીય જાતની સાધના કરી. તેમનો સ્વભાવ નમ્ર ને માયાળુ હતો. તેમને અંગ્રેજી અને સંસ્કૃતનું સારું જ્ઞાન હતું. અત્યારે તે ઉત્તરકાશીથી આવી રહેલા. તેમની સાથે એક વૃદ્ધ સંન્યાસી પુરુષ હતા. તે દેવીના ઉપાસક હતા ને ઉત્તરકાશીમાં રહેતા. નેપાલના રાજકુમારને તેમના પર ને વેદબંધુ પર પ્રેમ હતો. રાજકુમારના મસૂરી ને દહેરાદૂનની વચ્ચે આવેલા જડીપાણીના સ્થાનમાં વેદબંધુ વારંવાર રહેતા. રાજકુમારના કહેવાથી તે પેલા સંન્યાસી મહારાજને લઇને ઋષિકેશ તરફ જઇ રહેલા પણ વચ્ચે એક અણધારી મુશ્કેલી ઉભી થઇ. ટિહરી ને ઋષિકેશનો મોટરમાર્ગ એકબે ઠેકાણે તૂટી જવાથી મોટરવ્યવહાર બંધ થઇ ગયો. તે ચાલુ ના થાય ત્યાં સુધી તેમણે ટિહરીમાં જ રહેવાનો નિર્ણય કર્યો. મોટરવ્યવહાર ચાલુ થતાં વીસેક દિવસ રહેજે નીકળી ગયા. એટલે તે દરમ્યાન અમે એકમેકના ગાઢ સંસર્ગમાં આવી ગયા. તે સંસર્ગમાંથી પ્રેમનો પવિત્ર પ્રવાહ પ્રકટ થયો. એટલા થોડા વખતમાં એવો પ્રબળ પ્રેમ મને બહુ ઓછા સંતપુરુષો પર થયો હશે.
અમે બદરીનાથના મંદિરની ધર્મશાળામાં ભેગા થયા ત્યારે વેદબંધુએ પ્રસન્નતાપૂર્વક કહેવા માંડયું : 'આખરે આપણે મળ્યા ખરાં. હરદ્વારમાં તમને પ્રભુદત્તજીની પાસે જોયા ત્યારે જ મને થયું હતું કે તમારામાં કાંઇક વિશેષતા છે. તમને જોઇને આનંદ થયેલો ને તમને મળવાની ઇચ્છા જાગેલી.'
તેમના શબ્દો સાંભળીને મારા હૃદયમાં તેમને જોઇને જાગેલા એવા જ ભાવની મને સ્મૃતિ થઇ. તેમની આગળ મેં તેનો ચિતાર રજૂ કર્યો. તેથી તેમને આનંદ થયો. મેં તેમને પ્રશ્ન કર્યો, 'શું તમને કીર્તન નથી ગમતું ? તમે પ્રભુદત્તજીની સાથે જ રહેતા તો પણ તેમના કીર્તનમાં નહોતા દેખાયા.'
'સાચી વાત છે.' તેમણે ઉત્તર આપ્યો, 'હું કીર્તનમાં સામેલ નહોતો થતો. કોઇક જ દિવસે હું કથા કીર્તન કરતી વખતે હાજર રહેતો. પણ એનો અર્થ એવો હરગીઝ નથી કે મને કીર્તન પર પ્રેમ નથી. મને કીર્તન ગમે છે પણ જનસમૂહમાં બેસવા કરતાં એકાંતમાં બેસવાનું વધારે સારું લાગે છે. તેથી વધારે ભાગે હું અંદર ઓરડામાં જ બેસી રહેતો. કોઇવાર કીર્તનમાં બેસવાનું થાય તો પણ કીર્તન ચાલતું હોય ત્યારે હું ખેચરી મુદ્રા કરીને બેસી રહેતો. એટલે મને આજુબાજુ શું થાય છે તેનું ભાન રહેતું નહિ.'
'તમને ખેચરી મુદ્રા આવડે છે ?'
'હા.' તેમણે સહેજ પણ સંકોચ સિવાય જવાબ દીધો.
'યોગશાસ્ત્રો તો ખેચરી મુદ્રાનાં ખૂબ જ ગુણગાન કરે છે. ખેચરીથી સમાધિમાં સિદ્ધિ મળે છે, આકાશગમન થઇ શકે છે, મસ્તકમાંથી ટપકતાં અમૃતનું પાન કરીને તેના દ્વારા યોગી અખંડ યૌવનની પ્રાપ્તિ કરે છે ને મૃત્યુંજય બની જાય છે. એવી વાતોનો યોગના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને તેનો અનુભવ મળ્યો છે ?'
'મને કેટલોક અનુભવ મળ્યો છે.' તેમણે સ્પષ્ટતા કરી, 'તેથી મને સંતોષ થયો છે. ખેચરી દ્વારા અમૃતરસનું પાન થાય છે ને સમાધિમાં સિદ્ધિ મળે છે એ સાચું છે. મારી દશા અત્યારે એવી છે કે હું ખેચરી મુદ્રા કરીને જીભને તાળવા પર લગાડું એટલે મને સમાધિ સહેલાઇથી થઇ જાય છે. એ દશામાં હું ઇચ્છાનુસાર રહી શકું છું. ખેચરી કરતી વખતે હું નક્કી કરું કે બરાબર અર્ધા, પોણા કે એક કલાકે મારી સમાધિદશા પૂરી થાય ને ભાન આવે તો તે પ્રમાણે બરાબર અર્ધા, પોણા કે એક કલાકે જ મને ભાન આવે છે. મારી મરજી મુજબનો વખત પૂરો ના થાય ત્યાં સુધી જીભ તાળવા પર લાગેલી જ રહે છે.'
તેમનો ખુલાસો મારે માટે નવો હતો. પુસ્તકોમાં મેં તે વિશે વાંચેલું, પરંતુ એક અનુભવ પ્રાપ્ત પુરુષની મારફત મળતો આવો વિશદ ખુલાસો મારા જીવનમાં આ પહેલો જ હતો. એટલે મને જિજ્ઞાસા થઇ. મેં તેને વ્યક્ત કરતાં કહ્યું, 'તે પ્રમાણે બની શકે ખરું ?'
'જરૂર.' તેમની આંખ ચમકી ઉઠી ને તેમના મુખ પર સ્મિત ફરી વળ્યું : 'જરૂર બની શકે. એ બધું સંકલ્પનું જ કારણ છે. સંકલ્પની શક્તિ ઘણી ભારે છે. તેને ધીરે ધીરે કેળવી ને વધારી શકાય છે. આપણે જોઇએ છીએ કે મજબૂત મનના માણસો સૂતી વખતે અમુક વાગે ઉઠી જવાનો સંકલ્પ કરે છે ને તેના પ્રભાવથી તેટલા વાગે અચૂક ઉઠી જાય છે. સમાધિનું પણ તેવું જ છે. લાંબા અભ્યાસ પછી સમાધિ દશામાં પણ ઇચ્છાનુસાર રહી શકાય છે. એવી શક્તિ ભારે સાધના પછી મળી શકે છે એ સાચું છે, પણ તેની સત્યતામાં કોઇ જાતનો સંદેહ નથી.'
નેપાલના રાજકુટુંબ સાથે તેમને કેવી રીતે સંબંધ થયો તે વિશે મેં પૂછી જોયું તો તે ભારે પ્રસન્નતાપૂર્વક કહેવા માંડ્યા : 'એ વાત આપણી વર્તમાન વાતના અનુસંધાનની જ છે. સાંભળો, થોડા વરસ પરની વાત છે. તે વખતે પણ હરદ્વારના શ્રવણનાથ મંદિરમાં પ્રભુદત્તજી તરફથી શ્રીમદ્ ભાગવતની કથા ચાલતી. એક દિવસ સાંજની કથામાં હું પણ સામેલ થયો. કથા પૂરી થવાને થોડોક વખત બાકી રહ્યો ત્યારે મેં ખેચરી મુદ્રા કરી લીધી. તેના પ્રભાવથી મને તરત જ સમાધિ થઇ ગઇ. બાહ્ય ભાન ભુલાઇ ગયું. કથા પછી કીર્તન શરૂ થયું ને તે પણ પૂરું થયું. શ્રોતાજનો એક પછી એક વીખરાવા માંડ્યા પણ મને ભાન આવ્યું નહિ. લગભગ બધા લોકો વિદાય થયા પણ એક વૃદ્ધા ત્યાં બેસી રહી. તેની નજર પહેલેથી જ મારી તરફ મંડાયેલી. મને અચલ અવસ્થામાં આટલા લાંબા વખત લગી બેઠેલો જોઇને તેને નવાઇ લાગતી. મારા જાગ્રત થવાની રાહ જોઇને તે થાકીને મારી પાસે આવીને મને બારીકાઇથી જોવા માંડી. તેને યોગમાર્ગનો થોડો અનુભવ હતો. એટલે મારી અવસ્થાને ઓળખી લઇને તેણે મને જાગ્રત કરવાનો પ્રયાસ કરવા માંડ્યો. થોડા વખતમાં હું જાગ્રત થયો ત્યારે મારી પાસે એ અજાણી વૃદ્ધા માતાને બેઠેલી જોઇને મને આશ્ચર્ય થયું. તેનું શરીર ગોરું હતું ને પોશાક પરથી તે કોઇ શ્રીમંત કુટુંબની સ્ત્રી હોય એવું અનુમાન કરી શકાતું. તે દિવસથી તે માતાનો ને મારો સંબંધ વધતો ગયો ને ગાઢ સ્નેહમાં પરિણમ્યો. તે માતા નેપાલના રાજકુટુંબની હતી. તેનું મકાન સપ્તસરોવર પર હતું. ત્યાં પણ મારે થોડા દિવસ રહેવાનું થયું. એ રીતે નેપાલના રાજકુટુંબના બીજા સભ્યો સાથે મારો પરિચય થયો. તે પ્રસંગ બન્યા પછી હું વધારે ભાગે એકાંતમાં જ બેસવાનું રાખું છું.'
તેમની વાત સાંભળીને મને આનંદ થયો. અનુભવી સંતોનો સમાગમ સદાયે સુખકર અને શાંતિદાયક હોય છે. તેવા સંતો સાધનાના અનેક ગ્રંથોની ગરજ સારે છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી.