Saturday, July 04, 2020

ખેચરીનો પ્રયોગ ને ફરી ઋષિકેશ

ટિહરીથી ઋષિકેશનો મોટર વ્યવહાર ચાલુ થતાં ઘણો વખત વીતી ગયો એટલે વેદબંધુ ને તેમની સાથેના મહાત્માને તેટલો વખત ઈચ્છા કે અનિચ્છાએ પણ ટિહરી રહેવું પડ્યું.  બીજો કોઈ ઉપાય ન હતો. પગ રસ્તે ઋષિકેશ જઈ શકાય તેમ હતું, પણ તે માટે તેમની તૈયારી ન હતી. તેમના ભોજનની વ્યવસ્થા ટિહરીના એક અમલદાર દ્વારા થતી હતી. તે ટિહરીનરેશના સંબંધી થતા હતા. નેપાળના રાજકુટુંબ સાથે તેમને પરિચય હતો. વળી તે સાધક હતા. તેમને દેવીની સાધનામાં રસ હતો. તેથી તે ખૂબ પ્રેમથી સેવા કરતા. મારા પર મંદિરના પૂજારીઓને પ્રેમ હતો, તેથી મંદિરમાં મને બંને વખત ભોજન મળતું. મારો વિચાર ઉત્તરકાશી જવાનો હતો. પણ પૂજારીઓને તે બિલકુલ પસંદ ન હતો. તેમની ઈચ્છા હું તેમની પાસે જ રહું તેવી હતી. તેમણે મને કાયમને માટે મંદિરમાં રહેવાનો આગ્રહ કરી જોયો. મંદિરની ઉપરના ભાગમાં સારી ઓરડી આપવાનું વચન પણ આપ્યું. પરંતુ મારું મન માન્યું નહિ. તેમના પવિત્ર પ્રેમનું આકર્ષણ અજબ હતું, તે સાચું; પરંતુ ઉત્તરકાશીના અજ્ઞાત પ્રદેશનું આકર્ષણ એથી પણ અજબ હતું, એટલે તેમનો પ્રસ્તાવ મારાથી સ્વીકારી શકાય તેમ ન હતો. મેં તેમને શાંતિ આપતાં કહ્યું; 'ઉત્તરકાશીમાં થોડા દિવસ રહી ને પછી બની શકશે તો અહીં જરૂર આવીશ. અહીં મને ગમી ગયું છે.' પણ તેમને મારા પાછા આવવાની ખાતરી ન હતી. એકવાર નીકળ્યા પછી ફરીવાર એ જગ્યામાં આવવાનું મુશ્કેલ છે એમ તેમને લાગતું. ને બન્યું પણ તેમ જ. ટિહરીના એ મંદિરમાંથી નીકળ્યે આજે વરસો વીતી ગયાં છે પણ ત્યાં ફરી રહેવા માટે જઈ શકાયું નથી.

મારો વિચાર ટિહરીથી પગ રસ્તે ઉત્તરકાશી જવાનો હતો. પરંતુ વેદબંધુના પ્રેમ અને આગ્રહને વશ થઈને મારે એ વિચાર પડતો મૂકવો પડ્યો. તેમની ઈચ્છા મને ઋષિકેશ લઈ જવાની હતી. ત્યાંથી મસૂરી થઈને ઉત્તરકાશી જઈ શકાય તેમ હતું. તેથી તેમના પ્રેમથી પ્રેરાઈને મેં તેમની સાથે ઋષિકેશ જવાનું કબૂલ કર્યું. તેમણે મને સૂચના આપી; 'ઉત્તરકાશીમાં બને તો લક્ષેશ્વર મહાદેવના સ્થાનમાં મેં કહેલી કુટિયામાં જ રહેજો. ત્યાંનું વાતાવરણ તમને ગમી જશે. ઉત્તરકાશીમાં ચરણદાસ કરીને એક ભાઈ છે. તેમની પાસે તે કુટિયાની કુંચી રહે છે. તે તમને ત્યાં રહેવાની મંજૂરી જરૂર આપશે.' મેં તેમની સૂચના આગળ પર મદદરૂપ થાય તેમ હોવાથી ધ્યાનમાં રાખી.

બદરીનાથના મંદિરમા કોઈ કોઈ વાર નાથસંપ્રદાયના સાધુ પણ આવતા. નાથસંપ્રદાય બહુ પ્રાચીન સંપ્રદાય છે. કેટલાક બીજા સંપ્રદાયોની જેમ તે પણ ભગવાન શંકરના નામ સાથે સંકળાયેલો છે. શકંર એના આદિ ગુરુ કે પ્રણેતા છે. મત્સ્યેન્દ્રનાથ ને ગોરખનાથ જેવા મહાપુરુષોથી સુશોભિત બનેલો એ સંપ્રદાય વધારે ભાગે યોગસાધના પર ભાર મૂકે છે. યોગ તેનો પાયો ને પ્રાણ છે. ષટક્રિયા ને ખેચરી મુદ્રાને તે સારું મહત્વ આપે છે. અખંડ યૌવન, અંખડ આરોગ્ય, મૃત્યુંજયપણું ને લોકોત્તર શક્તિની પ્રાપ્તિ તેનું મુખ્ય પ્રેરકબળ છે. તેની ઉપાસનાની આડમાં તે આત્મદર્શનની સાધનાને ભૂલી જતો કે ગૌણ ગણતો નથી. તે તો તેનું ધ્યેય છે. નાથસંપ્રદાયના સાધુ સાથે વખત મળતા હું યોગસાધના વિશે વાતો કરતો. હવે તો એ સંપ્રદાયમાં સાધના કરનારા સાધુ બહુ ઓછા મળે છે. કાનમાં કુંડલ પહેરીને જટા ને ભસ્માદિ ધારણ કરવામાં ને બહુ બહુ તો દમ લગાવીને વારંવાર અલખ અલખ બોલવામાં જ વધારે ભાગના સાધુઓ સાધનાની સિદ્ધિ સમજી ને બેસી રહે છે. પરંતુ કોઈ ધન્ય ઘડીએ કોઈ સાધક સાધુનો સમાગમ થાય છે ત્યારે અંતર આનંદથી ઉભરાઈ જાય છે. મત્સ્યેન્દ્ર, ગોરખ, ગોપીચંદ, ભર્તુહરી ને ગૈનીનાથ જેવા મહાપુરુષોની સ્મૃતિ ત્યારે તાજી થાય છે ને તેમણે મેળવેલી મહાન સિદ્ધિઓ બદલ તેમની આગળ મસ્તક નમી પડે છે. નાથ સંપ્રદાયમાં દાખલ કે દીક્ષિત થનારા પુરુષોને આપણે કહીશું કે એ લોકોત્તર મહાપુરુષો અને એમણે મેળવેલી સિદ્ધિઓને સદાયે નજર સામે રાખીને એમાંથી પ્રેરણા મેળવી જીવનને ઉજજ્વળ કરવા કોશિશ કરો, ને ચલમ, જટા, ભસ્મ, ચીપિયા ને ત્રિશૂળમાં જ સર્વસ્વ માનવાની વૃત્તિનો ત્યાગ કરીને તેમાંથી ઊંચા આવો. તેમના પવિત્ર વારસાને તો જ શોભાવી શકાશે.

મંદિરમાં આવતા નાથસંપ્રદાયના એક યુવાન સાધુ સાધનામાં રસ લેતા. તેમને ખેચરી ક્રિયાનો અભ્યાસ કરવાની ઈચ્છા હતી. મને પણ ખેચરી પર પ્રેમ હતો. વેદબંધુ ખેચરીમાં પારંગત હતા. તે જાણીને મને તરત જ લાગી આવ્યું કે મારામાં ખેચરીનું જ્ઞાન નથી. તે વખતના મારા સ્વભાવની એ એક વિશેષતા હતી. મારા કરતાં સાધનાના કોઈ વિલક્ષણ અનુભવવાળા સાધકને જોતાંવેંત મને થતું કે આ અનુભવ મેં નથી મેળવ્યો; એટલા પ્રમાણમાં મારામાં કમી છે. વેદબંધુએ પોતાના પૂર્વજન્મની વાત કહી ત્યારે પણ મારી એ સ્વભાવિક વિશેષતાને લીધે મારા પર એવી અસર થઈ. ખેચરી તો ઈચ્છાનુસાર સમાધિ માટે મદદરૂપ હતી. તેથી તેનો પ્રયોગ કરવાની મને ખાસ ઈચ્છા થઈ. તે વિશે મેં વેદબંધુને વાત કરી તો તે બોલી ઊઠ્યા, 'તમારે વળી ખેચરીનું શું કામ છે ? અનુભવની આટલી ઊંચી અવસ્થાએ પહોંચ્યા પછી ખેચરીના કાંઈ જ જરૂર નથી. એ તો સાધારણ માણસોને માટે છે. તમે તો મુક્ત પુરુષ છો.'

મેં કહ્યું : 'તમારા કહેવાથી એ વાત માની લઉં છું. તો પણ ખેચરીનો પ્રયોગ કરવાની મારી ખાસ ઈચ્છા છે. યોગની સાઘનાના મહત્વના પ્રયોગો અને અનુભવો મારે કરી જોવા છે, જેથી ભવિષ્યમાં તેમના સબંધી સાંભળીને એમ ના થાય કે આ અનુભવ કે પ્રયોગ મારાથી કરી શકાયા નહિ.'

તેમણે કહેવા માંડ્યું, 'પણ મુખ્ય વાત એ છે કે તમારી આજ સુધીની સાધનાને જોતાં તમારે તેની બિલકુલ જરૂર નથી. જેનું મન સહેલાઈથી એકાગ્રતા અને શાંતિ અનુભવી શકે છે તેને ખેચરીનું શું કામ ? ખેચરી મારફત સાધવાનો મુખ્ય હેતુ તો તેણે સાધી લીધો છે. છતાં તેનો અનુભવ કરીને તમારી  જિજ્ઞાસાને સંતોષવા સારું તેનો પ્રયોગ કરવો હોય તો હું તૈયાર છું. મારી ના નથી,'

તેમની સંમતિ મળવાથી મને સંતોષ થયો. તેમનો પ્રેમ અજબ હતો. બજારમાં જઈને તે મારે માટે કાતર ને જરૂરી સામગ્રી લઈ આવ્યા. જીભ ટૂંકી ને લાંબી બે જાતની હોય છે. લાંબી જીભને સર્પજીહ્વા કહે છે. કેટલાકને બાળપણથી જ લાંબી જીભ વારસામાં મળી હોય છે. જીભને બહાર કાઢીને તે નાક પર સહેલાઈથી લગાડી શકે છે. તેમને ખેચરી કરવામાં ખાસ મુશ્કેલી નથી પડતી. પરંતુ ટૂંકી જીભવાળા સાધકોને જરા વિલંબ થાય છે ને મુશ્કેલી પડે છે. તેમની જીભને સૌથી પહેલા લાંબી કરવી પડે છે, તે માટે ઘર્ષણ ને દોહન કરવું પડે છે, ને જીભની નીચેની નાડી કાપવી પડે છે. મારી જીભ પહેલેથી ટૂંકી હતી. એટલે તેને કાપવાની જરૂર હતી. વેદબંધુએ એક દિવસ બપોરે મારી જીભની નીચેની નાડી કાતરથી કાપી નાખી, ને તેના સિંધવ, મીઠું, હરડેનું ચૂર્ણ તથા કાથાને દબાવી દઈને મને આરામ કરવાનું કહ્યું. તે પછી તેમના કહ્યા પ્રમાણે મેં ક્રમે ક્રમે બે વાર જીભની નીચેની બીજી નાડી કાપી હતી. તે વિશે વધારે ઉલ્લેખ આગળ પર કરીશું.

એ પ્રમાણે સત્સંગ ને સાધનાના જુદા જુદા અનુભવોમાં બધો વખત આનંદમાં વીતી ગયો. છેવટે મોટરવ્યવહાર શરૂ થયો. વેદબંધુના વારંવારના આગ્રહથી હું તેમની સાથે ઋષિકેશ જવા તૈયાર થયો. મંદિરના પૂજારી જરા નિરાશ થયા. તેમને ભવિષ્યની આશા આપીને હું નીકળી પડ્યો.

ટિહરીના પેલા અમલદાર અમને વળાવવા આવ્યા. તેમની સાથે અમે રસ્તામાં આવતાં પોલીસ સ્ટેશનની પાસેથી પસાર થયા. મને પુસ્તકાલયમાં ભેગા થઈને તપાસ માટે પોલીસ સ્ટેશને આવવાની આજ્ઞા કરનારા પોલીસ ઈન્સ્પેક્ટર બહાર જ બેઠેલા. અમને જોઈને તે ઉભા થયા કેમકે પેલા અમલદાર તેમના ઉપરી હતા. તેમની સાથે મને જોઈને તે નવાઈ પામ્યા. કેટલાય દિવસે અમે ફરી મળ્યા. ખુરશી પર બેઠા પછી પેલા અમલદારે તેમને મારો ને સૌનો પરિચય કરાવ્યો. મેં કહ્યું, 'વધારે માહિતી મેળવવી હોય તો આજે હું આવી પહોંચ્યો છું.' તેમનો સંકોચ સમાતો ન હતો.

ઋષિકેશની મોટર ઉપડી એટલે પેલા માયાળુ ને સેવાભાવી અમલદાર વિદાય થયા. રસ્તામાં નરેન્દ્રનગરમાં મોટર ઉભી રહી. ત્યાં બજારમાં દેવપ્રયાગના પેલા ચંપકભાઈ પર વહેમે ભરાનાર અમલદાર ઊભેલા. મને તેમણે પૂછ્યું કે પેલા ભાઈ ક્યાં છે ? મેં કહ્યું : 'દેવપ્રયાગથી ગયા પછી તે મને મળ્યા નથી, એટલે શી સમજ પડે ?'

તે હજી ચંપકભાઈને ભૂલ્યા ન હતા. કદાચ તેમની શોધમાં હતા.

સાંજે ઋષિકેશ આવી પહોંચ્યું. ત્રણેક માસ પછી પાછું ઋષિકેશનું દર્શન થયું. અમારે ભગવાન આશ્રમમાં ઉતરવાનું હતું. નેપાળના રાજકુમાર ત્યાં ઉતર્યા હતા ને વેદબંધુ તથા પેલા વૃદ્ધ મહાત્માની રાહ જોતા હતા.

 

Today's Quote

He is poor who does not feel content.
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok