Saturday, July 04, 2020

એક અજ્ઞાત મહાપુરુષનું સાક્ષાત દર્શન

 ઋષિકેશને છોડ્યે ત્રણેક મહિના થઈ ગયેલા. ત્રણેક મહિનાનો સમય કાંઈ લાંબો સમય ના ગણાય, પણ તે દરમિયાન થયેલા અનુભવો ખૂબ જ મોટા ને મહત્વના હતા. જીવનમાં તેમણે નવી ને જુદી જ ભાત પાડેલી. ઋષિકેશને છોડતી વખતે અંતરમાં જે અશાંતિ હતી તે હવે અદૃશ્ય થઈ ગઈ, મન વધારે પ્રસન્ન થયું, અને આત્મવિશ્વાસ વધી ગયો. ત્રણ મહિનાના ટૂંકા સમય દરમ્યાન સાધનાનો રસાસ્વાદ મને સારા પ્રમાણમાં મળી ગયલો. તેથી હૃદયમાં જીવનની ધન્યતાનો અખંડ અનુભવ થયા કરતો. એ સમય દરમિયાન મેં દેવપ્રયાગના સુંદર સંગમસ્થળનો લાભ લીધો, દશરથાચલ પર્વતના કલ્પનાતીત એકાંત પ્રદેશમાં આસન વાળીને અનેક અવનવા અનુભવનો આનંદ મેળવ્યો, કૃષ્ણના પ્રેમમાં સ્નાન કરીને કૃષ્ણાકૃપાનું કઠિન વ્રત કર્યું ને ભાગીરથી ને ભીલંગણાના સંગમથી સુશોભિત ટિહરીમાં સુખપૂર્વક વસવાટ કર્યો. એ બધા દિવસો ખરેખર યાદગાર હતા. હવે હું પાછો એ જ ઋષિકેશમાં આવી પહોંચ્યો.

ઋષિકેશની ભૂમિને જોઈને મને આનંદ થયો. શરૂઆતમાં માતાના જેવી મધુરતાથી મને પાળનારી અને આશ્રય ને શાંતિ આપનારી ભૂમિ આજ હતી. તેનું ફરી વાર દર્શન કરીને મારા દિલનો ભાવદરિયો ઉછાળા મારી રહ્યો. ખરેખર હિમાલયનું દર્શન કરીને મને અસાધારણ આનંદ થાય છે. મારા પોતાના પ્રદેશમાં આવ્યો હોઉં એવો ભાવ થાય છે. રાજપાટનો ત્યાગ કરીને જીવનની આખરી અવસ્થામાં રાજાઓ આ પ્રદેશમાં રહેવા માટે પ્રયાણ કરતાં અને અનેક ઋષિમુનિ તથા તપસ્વી આ પવિત્ર પ્રદેશને વધારે પાવન કરતા તપ કરતાં, તે દૃશ્યો મારી દૃષ્ટિ સામે હાજર થાય છે. આજે એવા તપસ્વીઓનાં દર્શન દુર્લભ થયાં છે તો પણ, તેમનાં પરમાણું હયાત છે. કોઈને પણ પાવન કરવા તે પૂરતાં છે ને દૃષ્ટ-અદૃષ્ટ રીતે વહેતા કોઈ તપસ્વીના દર્શનનો લાભ પણ કોઇવાર મળી જાય છે ત્યારે અંતર અનેરા આનંદનો અનુભવ કરે છે. એવા જ એક મહાપુરુષના દર્શનની વાત અહીં લખી રહ્યો છું.

ભગવાન આશ્રમ એક સુંદર સ્થાન છે. ત્યાં નેપાલના રાજકુમાર ઉતર્યા હતા. મને તેમની સાથે પરિચય ને પ્રેમ કરતાં વાર ના લાગી. વેદબંધુને લીધે અમે એકમેકની નજીક વિનાસંકોચ ને સહેલાઇથી આવી શક્યા. તેમણે મને તેમની સાથે રહેવાનો આગ્રહ કર્યો. મેં તેનો સ્વીકાર કર્યો પણ સૂવાનું બીજે રાખ્યું. તે વખતે ભગવાન આશ્રમમાં વલ્લભદાસ નામે એક ભાટિયા ભાઈ રહેતા. તે મૂળ કચ્છના હતા પણ લાંબા વખતથી ઋષિકેશમાં નિવૃત્તિમય જીવન ગાળતા. તે મારા પર ખૂબ પ્રેમ રાખતા. મારે દેવકીબાઈ ધર્મશાળામાં રહેવાનું થયું ત્યારે તેમનો પરિચય થયેલો. તેમને અમે કાકા કહીને બોલાવતા. મેં ધર્મશાળાનું રાજીનામું આપ્યું તેથી તે રાજી થયેલા. મને અચાનક આવેલો જોઈને એમને આનંદ થયો. એમના આગ્રહને માન આપીને રાતે એમની ઓરડીમાં જ સૂઈ રહેવાનું મેં નક્કી કર્યું.

એમની ઓરડી નાની હતી. ઠંડીના દિવસો ચાલતા હોવાથી ઠંડી સારા પ્રમાણમાં પડતી, એટલે બહાર ખુલ્લામાં સુવાય તેમ ન હતું. ઓરડી નાની હતી છતાં તેમાં જ સૂવાની સગવડ કરવાની હતી. વલ્વભભાઇ બહુ માયાળુ હતા. તેમણે જોઇતી સગવડ કરી દીધી. ઓરડીમાં તેમની પાટ પાસે મારે માટે ખાટલો પાથરી દીધો. ભોજન કરીને હું તેમની પાસે પહોંચી ગયો. લાંબા વખત લગી વાતો કરીને અમે છેવટે આરામ કરવાનો આરંભ કર્યો. ઋષિકેશના નિવાસની એ પહેલી જ રાત હતી.

તે દિવસોમાં રાતના પાછલા પહોરમાં મેં ગાયત્રી-જપ કરવાની ટેવ પાડેલી. રોજના એક હજાર જપ કરવાનો મારો નિયમ હતો. તે પ્રમાણે પાછલી રાતે ખાટલામાં બેસીને મેં જપ શરૂ કર્યા. જપની સંખ્યા લગભગ અર્ધી થઈ હશે. તે વખતે મારી દૃષ્ટિ મારી સામેની દીવાલ પર પડી તો મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. મારાથી ચારેક હાથ દૂર, એક મહાપુરુષ બેઠેલા. ઓરડામાં બધે જ અંધારું હતું. પણ તે મહાપુરુષ તદ્દન સ્પષ્ટ રીતે દેખાતા. મને થયું કે ઓરડીનાં બારીબારણાં તો બંધ છે, આ મહાપુરુષ અંદર આવ્યા કેવી રીતે ? પણ ભૂતકાળના અનુભવોને યાદ આવવાથી તે વિચાર તરત જ દૂર થઈ ગયો. મને ખબર હતી અને એકવાર ફરી ખબર પડી કે મહાપુરુષો કે સિદ્ધોની શક્તિ અજબ હોય છે. સાધારણ માણસની જેમ મકાનની અંદર આવવા માટે તેમને પ્રવેશદ્વાર કે બારીબારણાંની જરૂર નથી હોતી. પ્રકૃતિ પર તેમનો કાબૂ હોવાથી તે તો ઈચ્છાનુસાર ગમે ત્યાં પહોંચી ને પ્રવેશી શકે છે. મંડનમિશ્ર ઘરને બંધ કરીને યજ્ઞ કરી રહેલા છતાં પણ શંકરાચાર્યે પોતાની યોગશક્તિથી તેમના ઘરમાં સૂક્ષ્મરૂપ ધારણ કરીને પ્રવેશ કર્યો, ને મંડનમિશ્ર તેમને જોઈને નવાઈ પામ્યા. સિદ્ધ પુરુષોની શક્તિ એવી અજબ હોય છે. તે ધારે તે કરી શકે છે.

આજે કેટલાક વિચારકો એવા છે જે આવી શક્તિમાં માનતા નથી. કેટલાક એવા છે જે સિદ્ધિની આવી વાતોને ઉપજાવી કાઢેલી કે કપોળકલ્પિત માને છે. કેટલાકને તેમાં અતિશયોક્તિ દેખાય છે તો કેટલાક તેને રૂપકના રૂપમાં ઘટાવે છે. તેથી તેમની સત્યતાનો નાશ થતો નથી. વિચારકો વિચાર ને ચિંતનમનનની દુનિયામાં ગમે તેટલા મોટા હોય પણ જ્યાં સુધી તેમણે સાધનાનો આધાર નથી લીધો ને સ્વાનુભવની દુનિયામાં ડોકિયું કર્યું નથી ત્યાં સુધી તેમનો અભિપ્રાય યથાર્થ ગણાય નહિ, અને એવો અભિપ્રાય આપવાનો તેમનો કોઈ ખાસ અધિકાર પણ મનાય નહિ. એટલે જેના વિશે પોતાની પાસે અનુભવપૂર્ણ માહિતી નથી તેવા મહત્વના આધ્યાત્મિક વિષયો પર જીભ કે કલમ ચલાવવાને બદલે તે મૌન સેવે તે ડહાપણભર્યું ગણાશે. તેમ કરવાથી સાધારણ સમાજમાં ભ્રાંતિજનક વિચારો ફેલાતા બંધ થશે અને આધ્યાત્મિકતાની સેવા થશે.

તે મહાપુરુષના અચાનક દર્શનનું આશ્ચર્ય હવે ઊંડા આનંદમાં પલટાઈ ગયું.તે દર્શન ખરેખર દિવ્ય હતું. તે મહાપુરુષે દૂધ જેવા સફેદ વસ્ત્રો પહેરેલાં. શરીરે કફની ને તેની નીચે ધોતી હતી. તેમની આંખો બીડેલી હતી. વદન ખૂબ જ તેજસ્વી. માથે ને મોઢે વાળ બિલકુલ ન હતા. તેમની મુખાકૃતિ પરથી તેમની  ઉંમર ઘણી મોટી દેખાતી, છતાં તેમના ચહેરા પર વૃદ્ધાવસ્થાની સહેજ પણ છાયા ન હતી. ત્યાં તો જાણે કે અંખડ યૌવન વિલસી રહેલું. તેમના હાથમાં મોટા મણકાની માળા હતી. મણકા ફરતા હતા. તેનો અવાજ ટક્...ટક્... એમ ધીમે ધીમે આવતો. તે પરથી તે કોઇ ગાયત્રીમંત્રથી જરા ટૂંકા મંત્રનો જપ કરી રહેલા, એવું અનુમાન કરી શકાતું. આખુંયે દર્શન અત્યંત આનંદદાયક અને આશ્ચર્યકારક હતું. વધારે આશ્ચર્ય તો એ હતું કે તેમનું શરીર જમીન પર ન હતું. જમીનના આધાર વિના અદ્ધર અવકાશમાં તે પદ્માસન વાળીને બેઠેલા. આવું દર્શન મારે માટે પહેલું જ હતું. દેવો ને સિદ્ધો ઈચ્છાનુસાર વિચરણ કરે છે. પડછાયા વિનાના હોય છે, ને જમીનથી અદ્ધર રહે છે, એવું મેં વાંચેલું. આજે તેનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો. તે મહાપુરુષનું સ્વરૂપ પ્રકાશમય ને ગોરું હતું.

જ્યારે જ્યારે આવું દર્શન થાય છે ત્યારે અંતરમાં તે દર્શન કોનું થઈ રહ્યું છે તેની પ્રેરણા પણ મળી જાય છે. પણ આ મહાપુરુષના સંબંધમાં તેવી કોઈ ખાસ પ્રેરણા ના મળી. મને થયું કે આ મહાપુરુષ કોણ હશે ? શું તે વસિષ્ઠ હશે કે સપ્તર્ષિમાંના કોઈ એક હશે ? અથવા તો કોઈ ચાલુ જમાનાના મહાપુરુષ હશે ? તેમના ચિત્રને પણ મેં ક્યાંય જોયું ન હતું. તેથી તેમને ઓળખી કાઢવામાં મુશ્કેલી પડી.

પણ તેથી શું ? સાકરને ઓળખવામાં ના આવે તેથી તે કાંઈ સાકર મટી જાય છે ? તેનો સ્વાદ તે છોડી દે છે ખરી ? તે મહાપુરુષના દર્શનનો સ્વાદ મને મળ્યા કરતો હતો. તેથી મારું મન અમૃતપાનનો અનુભવ કરી રહ્યું. મારે માટે એટલું પૂરતું હતું.

તે મહાપુરુષનું અચાનક દર્શન થયું ત્યારે મને થયુ કે આવી રીતે વલ્લભદાસભાઈ તો નથી બેઠા ! પણ બરાબર જોવાથી કે ખબર પડી કે આ તો જમીનથી  ઊર્ધ્વ પ્રદેશમાં વિરાજેલું કોઈ મહાપુરુષનું સ્વરૂપ છે. એટલે મારી શરૂઆતની ભ્રાંતિ ટળી ગઈ. કેટલાક વખત પછી મેં 'કાકા કાકા' કરીને વલ્લ્ભદાસભાઈને બોલાવ્યા. તે ઊંઘમાં હતા એટલે ક્યાંથી બોલે ? થોડી વાર પછી મેં 'કાકા કાકા' કહીને તેમને ફરી બોલાવ્યા. તે વખતે પણ તે ના બોલ્યા. પરંતુ પેલા મહાપુરુષનું સ્વરૂપ જરાક ઝાંખું થયું. 'કાકા કાકા' એમ ત્રીજીવાર કહીને છેવટે હું ખાટલા પરથી ઊભો થયો. તે વખતે પેલા મહાપુરુષનું સ્વરૂપ તદ્દન ઝાંખું પડી ગયું ને તે અદૃશ્ય થઈ ગયા. તે વખતે  'કાકા' બોલી ઊઠ્યા 'કેમ, મને શું કામ બોલાવો છો ?'

હું તેમની પાસે પહોંચી ગયો. 'શું કરો છો ?' કહીને જોયું તો તે હજી મોઢે માથે કાળો કામળો ઓઢીને સુતેલા.

ખાટલા પર બેસીને મેં બાકીના જપ પૂરા કર્યા.   

સવારે સ્નાનાદિથી પરવારીને વલ્લભદાસભાઈને મેં મારા અનુભવની વાત કરીને કહ્યું: 'તમારી ઓરડી ખૂબ જ પવિત્ર લાગે છે.'

તે બોલી ઊઠ્યા, 'ઓરડી પવિત્ર કે તમે પવિત્ર ? ઓરડી પવિત્ર હોય તો તેમાં હું વરસોથી રહું છું. મને તો આવો અનુભવ કોઈ વાર નથી થયો.'

મેં કહ્યું: 'આપણી પવિત્રતા શી વિસાતમાં છે ? સૌથી પવિત્ર તો પ્રભુ ને તેની કૃપા છે. તેના વિના આવા અનુભવ ના થઈ શકે.'

 'પણ મને જગાડ્યો હોત તો હું પણ તે મહાત્માનું દર્શન કરી લેત ને ?' તેમણે ફરીયાદ કરી.

'તમને જગાડવાનો પ્રયાસ કર્યો પણ તમેં જાગ્યા જ નહિ.'

તે જાગતા હોત તો પણ શું ? મહાપુરુષોની એ વિશેષતા છે કે તે ધારે તેને જ દર્શન આપે છે ને ધારે તેની સાથે જ વાત કરે છે, બીજાને તેની ખબર પણ નથી પડતી.

 

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok