if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 એ વરસે હિમાલયમાં હરિદ્વારમાં કુંભમેળો હતો. ચૈત્ર વદી અગીયારસને દિવસે છેલ્લું સ્નાનનું પર્વ હતું. તે સમયે હિમાલય પહોંચી જવા વિચાર હતો. સાથે સાબરમતીના ત્રણેક ભાઇઓ આવવાના હતા. એ માટે અમે ચૈત્ર વદી સાતમ-આઠમે વડોદરાથી પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું.

પ્રસ્થાન કરવાની છેલ્લી સાંજે એક પ્રસંગ બન્યો. વડોદરાના એક પ્રતિષ્ઠિત વકીલ પોતાના કામે આવ્યા. તેમનો મેળાપ લોહાણા બોર્ડીગમાં થઇ ગયો. માતાજીના ભાઇ રમણભાઇ તે બોર્ડીંગમાં કામ કરતા હોવાથી ઉતરવાનું અમે તેમને ત્યાં જ રાખ્યું હતું.

વકીલશ્રીને મારો પરિચય પહેલાં પણ એક વાર થઇ ચૂક્યો હતો. તેમની સાથે કેટલીક ધાર્મિક ચર્ચા થઇ. તે પોતે યોગીરાજ અરવિંદના ભક્ત પ્રશંસક હોવાથી તેમણે મને અરવિંદ વિશે પૂછયું, ‘તમે અરવિંદ વિશે શું માનો છો ?’

પ્રશ્ન અજબ હતો. હમણાં જ મેં વકીલશ્રીને કહ્યું હતું કે, ‘ગાંધીજીના વિદાય થવાથી ભારતના કર્મમાર્ગમાં સક્રિય રસ લેતું ને પ્રેરણા પાતું એક મહાન આધ્યાત્મિક બળ જતું રહ્યું છે તેની ખોટ હજી પૂરાયા વિનાની છે. ભારત ને સંસારની શાંતિ સમૃદ્ધિ માટે એવું બીજું વ્યક્તિત્વ ભારતે તૈયાર કરવાની જરૂર છે. એ વ્યક્તિત્વ સાધના દ્વારા પૂર્ણતાપ્રાપ્ત અને અલૌકિક શક્તિશાળી હોવું જોઇએ. સંસારમાં એવું વ્યક્તિત્વ લોકકલ્યાણ ને શાંતિના યજ્ઞમાં મહાન ફાળો આપી શકે, ને સ્વતંત્ર ભારતને વધારે સમૃદ્ધ ને સુખી કરવાની સાથે સાથે ભારત ને સારા વિશ્વમાં આધ્યાત્મિક સંદેશ પહોંચાડે. ગાંધીજીએ પોતાની રીત ને શક્તિ પ્રમાણે કાર્ય કર્યું હતું, પણ તે મહાન કાર્ય હજી અધૂરું છે. આ માટે ભારતે એક પ્રબળ આધ્યાત્મિક વ્યક્તિત્વ જગાવવું જોઇએ.’ આના અનુસંધાનમાં તો તેમણે અરવિંદ વિશે આ પ્રશ્ન નહીં પૂછ્યો હોય ?

મેં કહ્યું, ‘અરવિંદ એક મહાન પુરુષ ને યોગી છે. એથી વધારે એમના વિશે શું કહી શકાય ? તે સંસારના સમર્થ ચિંતક ને તત્વજ્ઞ છે.’

‘એ તો બરાબર.’ એ બોલ્યા, ‘પણ તમને એમ નથી લાગતું કે તમે કહો છો તેવું વ્યક્તિત્વ શ્રી અરવિંદનું છે ? ભારતને દોરવા તે બહાર આવશે એમ તમે નથી માનતા ?’

મેં કહ્યું, ‘તેમની સાધના વિશે કૈં નક્કર અભિપ્રાય આપવો મુશ્કેલ છે. કેમ કે તે વધારે ભાગે અજ્ઞાત છે. તે વિશે આપણને કડીબંધ સામગ્રી નથી મળતી. છતાં પણ એટલું જરૂર કહી શકાય કે આટલાં વર્ષના એકાંતવાસ ને પરિશ્રમ દ્વારા તેમણે ઘણી વસ્તુઓ સિદ્ધ કરી હશે. એક દિવસ તો એમના આશ્રમમાં એમના સાક્ષાત્કારનો દિન ઉજવાતો હતો. તે દિવસે તે દર્શન આપતા. પણ સાક્ષાત્કાર શબ્દ કેટલાય અર્થમાં વપરાય છે. સાક્ષાત્કારની અવસ્થા પણ ભિન્નભિન્ન છે. ગીતા કહે છે કે સાક્ષાત્કારની પરિપૂર્ણ અવસ્થા તે જ છે જે પ્રાપ્ત કર્યા પછી માનવને કશું પ્રાપ્તવ્ય રહેતું નથી. પરમ સુખ ને શાંતિથી ભરાઇને માનવ મુક્ત ને પરિપૂર્ણ બની જાય છે. તેનું વ્યક્તિત્વ ચૈતન્ય પરમાત્માના વિરાટ ચેતન સાથે એકાકાર થઇ જાય છે. એ દૃષ્ટિએ જોઇએ તો તેમનો સાક્ષાત્કાર વિકાસની અવસ્થા પૂરતો સમજી શકાય છે. કેમકે હજી સાધનાની ઇચ્છા તેમનામાં શેષ રહેલી. અથવા એમ પણ હોય કે સાધના કરીને તેમણે પૂર્ણતા મેળવી હોય. તેમના વિશે કોઇ જરૂરી ને પ્રમાણભૂત માહિતી ના મળે ત્યા લગી કૈં જ કહી શકાય નહીં. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે શ્રી અરવિંદ બહાર આવીને ભારત કે સંસારને દોરી શકશે એમ લાગતું નથી. આ વસ્તુ હું મારા અનુભવ ને આંતરપ્રેરણાના બળ પર વિશ્વાસ રાખીને કહી રહ્યો છું. હું પણ ઇશ્વરની કૃપાનો ભિક્ષુક થયો છું. ને મેં હિમાલયમાં થોડી ઘણી શક્તિ પ્રમાણે સાધના કરી છે. તેના જ આધાર પર વિષય નીકળ્યો છે ત્યારે આ અભિપ્રાય આપી રહ્યો છું. ગાંધીજી પછી સંસારને દોરવા શ્રી અરવિંદ આવશે એવું હું સ્વીકારતો કે માનતો નથી. ગાંધીજીના મૃત્યુ પછી રમણ મહર્ષિ, અરવિંદ અને એવા યોગીપુરુષોએ બહાર આવવું જોઇએ એમ જયપ્રકાશ નારાયણે એક નિવેદનમાં જણાવ્યું હતું. આમ થાય એ ઘણું સારું છે. શ્રી અરવિંદ પ્રત્યે ઘણા આશાની દૃષ્ટિથી જોઇ રહ્યા છે. પણ મારી અંતઃપ્રેરણા એથી ઉલટી જ છે. ભારતને એવી આધ્યાત્મિક વિભૂતિ સાંપડશે એ નક્કી છે. પણ તે વિભૂતિ બિલકુલ નવી જ હશે. વર્તમાનપત્રોની દુનિયા કે પ્રસિદ્ધિ દ્વારા જગત જેને પહેલેથી જાણતું ન હોય એવી એ વિભૂતિ હશે. દેવોને જે ફૂલ ચઢે તે કાંઇ રાજમહેલની શય્યા પર રાતે નાખેલાં ફૂલ ચઢતાં નથી, માળી તે ફૂલોને તાજાં ને તાજાં જ ઉપવનમાંથી ચુંટી લાવે છે. આ પુરુષ યુવાન હશે, મોટી ઉંમરનો કે વૃદ્ધ નહિ હોય. કારણ કે લાંબા સમય સુધી તે દેશ ને દુનિયા પર પ્રભાવ પાડી શકે તે જરૂરનું છે.’

વકીલને મારું વક્તવ્ય રુચિકર ના લાગ્યું. તેમનો શ્રી અરવિંદ વિશેનો વિશ્વાસ અફર હતો. તે કહેવા માંડ્યા, ‘મને તો લાગે છે કે હવે વધુમાં વધુ પાંચ વરસમાં શ્રી અરવિંદનો યુગ આવવાનો છે. અરવિંદ બહાર આવશે એમ તેમના નજીકના શિષ્યો પણ કહે છે.’

‘એ બધું ગમે તેમ હોય.’ મેં કહ્યું, ‘પણ મને જે લાગે છે તે હું તો કહી રહ્યો છું. આથી એમ ના માનશો કે મને અરવિંદ પ્રત્યે માન નથી. તેમની મેઘા, કાર્યશક્તિ, ઇચ્છાશક્તિ બધું જ અદ્દભુત છે. તેમના વિચારો પણ સુંદર છે. તે મહાન પુરુષ છે. પણ એટલે જ કાંઇ તેમના વિશે ગમે તેવી વાત માની લેવાય ? રમણ મહર્ષિએ પણ એકવાર કહ્યું છે કે અરવિંદ જે ધારે છે તે થઇ શકશે નહીં. પણ તેમ માનીને નિર્માન થઇ કાંઇ બેસવાનું નથી. જે મહાન આદર્શ તેમને સુઝ્યો છે તે તેમને માટે વિચારકોમાં અસાધારણ આદરભાવ ઉત્પન્ન કરનારો છે. અનેક પુરુષાર્થીઓને તેમાંથી પ્રેરણા સાંપડશે એ નક્કી છે. તેમની મહત્તાનો તે પરિચાયક છે.’

થોડીવાર પછી તે ભાઇ બોલ્યા, ‘પણ તમે જ જુઓને, અરવિંદનો જન્મ પંદરમી ઓગષ્ટે જ થયો છે. તેમના જન્મદિવસે જ તેમણે ભારતને આઝાદી અપાવી. વળી છેલ્લા વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોને જીત પણ તેમણે જ પોતાના યોગબળથી અપાવી. આ વાત ખુદ અરવિંદે ને તેમના શિષ્યોએ જાહેર કરી છે. ’

મેં કહ્યું, ‘પણ તેને માનવાનું કોઇ પણ કારણ નથી. આપણે તે વિશે સ્વતંત્ર વિચાર તો કરવો જોઇએ ને ? છેલ્લી માન્યતાને માની લેવી ઠીક નથી. તેથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. વળી પંદરમી ઓગષ્ટે તો મારા જેવા સાધારણ માણસનો પણ જન્મ થયો છે અને એવાં કેટલાય બાળકો તે દિવસે જન્મ્યા હશે. તેટલા જ પરથી કોઇ આવો દાવો કરે તો માની લેવાય કે ? હા, આઝાદી મળ્યા પહેલાં ભારતની આઝાદીનો દિવસ શ્રી અરવિંદે જાહેર કર્યો હોત તો કૈંક માનવાનું કારણ રહેત. કૈંક એટલા માટે કે ભારતની આઝાદી ઇશ્વરની મંગલમયી ઇચ્છાને જ આભારી છે એમ માનવું વધારે સારું ને હિતાવહ છે. બાહ્ય રીતે તેમાં ગાંધીજીનો ફાળો સૌથી મહત્વનો છે.’

એ પછી અમારે બીજી વાતો થઇ. છેવટે તેમણે કહ્યું, ‘અરવિંદ આશ્રમવાળા શ્રી અંબાલાલ પુરાણી અહીં ચારપાંચ દિવસમાં આવવાના છે. ત્યાં લગી તમે અહીં રહો ને તેમને મળો તો તમારી શંકાનો તે બરાબર ખુલાસો કરી દેશે.’

મેં કહ્યું, ‘મારે કોઇ શંકા જ નથી પછી પૂછવાની કે ખુલાસો મેળવવાની જરૂર ક્યાં રહે છે ? મારી શંકાના ઉત્તર કૃપાળુ પરમાત્મા મને એક યા બીજી રીતે આપી દે છે. તમારે કોઇ શંકા હોય તો તેમને પૂછી લેજો. હા, સહેજે મળાતું હોય તો તેમને મળવાનું ગમે. પણ કાલે હિમાલય માટે પ્રસ્થાન કરવાનું નક્કી જ કર્યું છે.’

છેલ્લે મેં કહ્યું, ‘વાત તમે પૂછી છે ત્યારે જે સાચું લાગ્યું છે તે જ મેં કહ્યું છે. એનો અર્થ એમ નથી કે અરવિંદ પ્રત્યે મને ઓછું માન છે. મારો વિરોધ તેમને માટેની ખોટી માન્યતા પ્રત્યે છે. તે પોતે ભારત ને સંસારના મહાપુરુષ છે, ભારત ને સંસાર તેમના ઋણી છે એમાં શંકા નથી, મારા અંતરમાં તેમને માટે ભારે આદરભાવની લાગણી છે.’

વકીલને એ વાર્તાલાપથી તે વખતે શું થયું તે તો તે જાણે. કદાચ તે મને વિચિત્ર માન્યતાનો માની બેઠા હશે. પણ એ પ્રસંગ પછી આઠેક મહિને મહાન યોગી શ્રી અરવિંદનું દેહાવસાન થયું, તે સૌ જાણે છે. એ વિશે આપણે આગળ પર વિચારીશું. અહીં તો એટલું જ કહું છું કે આના પરથી કોઇ મને ભવિષ્યવેત્તા ના માને. તેવા હોવાનો કે મનાવવાનો મારો દાવો યે નથી. હું તો એક સાધારણ અપૂર્ણ માણસ છું. ને જે મને ઇશ્વરકૃપાથી અંતઃપ્રેરણા દ્વારા સમજાય છે તે જ માનું છું ને બોલું છું. 'મા'ની પ્રેરણા પર મને પરમ શ્રદ્ધા છે. પણ એ વાત જવા દઇને હવે કુંભમેળાનાં દર્શને ઉપડીએ.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.