Friday, June 05, 2020

જ્ઞાનેશ્વર મહારાજની આલંદીમાં કૃપા

 સાબરમતીથી રાજકોટ થઇને મુંબઇ ગયા પછી બે નોંધવા જેવા વિશેષ પ્રસંગો બન્યા. એક દિવસે આંતરજગતમાં એવો અનુભવ થયો કે પ્રભુની દૈવી શક્તિ રિદ્ધિસિદ્ધિએ કુમારીવેશ ધારણ કરીને સૂર્યમાંથી નીકળીને મારામાં પ્રવેશ કર્યો. પ્રભુની એ દિવ્ય વિભૂતિ શક્તિઓ સૂર્યલોકની નિવાસિની છે કે કેમ તે પ્રશ્નનો વિચાર અહીં અસ્થાને છે. અહીં તો એટલું જ કહીશ કે એ અનુભવથી મને અનેરો આનંદ થયો. પણ હવે મારું દિલ આવા આવા અનુભવો જ નહિ પરંતુ ચોક્કસ વાસ્તવિક પૂર્ણતાની દશા અથવા જગદંબાની પરિપૂર્ણ કૃપા માટે ઝંખ્યા કરતું હતું. આધ્યાત્મિક અલૌકિક અનુભવોની હારમાળા મારા સાધનામય જીવનમાં ચાલી જ આવે છે. તે મારે માટે નવી વાત નથી. સાધનાના માર્ગના એવા અલૌકિક અનુભવો પણ બહુ થોડા સાધકોના ભાગ્યમાં હોય છે, ને તે પણ સાધકની કસોટી કરનારા નીવડે છે. ધ્યાનાવસ્થામાં કોઇ સિદ્ધપુરુષ કે દેવતાનું દર્શન કરીને અથવા સમાધિની આછીપાતળી અનુભૂતિ મેળવીને વધારે ભાગના સાધકો પોતાને કૃતાર્થ માની બેસે છે, ને સિદ્ધ પુરુષોમાં પોતાની ગણતરી કરાવે છે. કેટલાક બીજાને તારવા માટે ગુરુ થઇને પણ નીકળી પડે છે. પણ એ સાધનાનું મોટામાં મોટું ભયસ્થાન છે એ યાદ રાખવું જોઇએ. બીજાને તારવા નીકળતાં પહેલાં માણસે પોતે પૂરી રીતે તરવાની જરૂર છે, ને પોતાની જાતને અપૂર્ણતા, અશાંતિ, ભય, ભેદ તેમજ બંધનમાંથી તાર્યા પછી બીજાના તારણહાર થઇ શકાય છે. આધ્યાત્મિક અનુભવોની વિવિધતાથી આનંદ થાય છે ખરો, પણ તે અવસ્થા સાધકની કસોટી કરનારી છે. પરમ શાંતિ, મુક્તિ, પૂર્ણતા કે પરમાનંદનો પ્રવાસી એવા કામચલાઉ આનંદથી પોતાને મહાભાગ ને કૃતાર્થ માની લઇને પુરુષાર્થ છોડીને બેસે એ તેને માટે આત્મહત્યા જેવું લેખાશે. જુદા જુદા અનુભવોથી સાધકનો આનંદ વધવો જોઇએ તેની ના નથી. પણ તેથી આત્મિક વિકાસના માર્ગમાં તેની શ્રદ્ધા વધુ મજબૂત બનવી જોઇએ, ને ઉત્સાહ ને આશા સાથે પૂર્ણતાની છેલ્લી ક્ષણ લગી તેણે સાધના કરવી જોઇએ.

આ વખતે ફરી આલંદી જવા વિચાર થયો. મહાન સંત જ્ઞાનેશ્વર મહારાજના ધામમાં તેમના મહેમાન બનીને જવા નક્કી કર્યું. જ્ઞાનેશ્વર મહારાજ કૃપા કરીને મને કોઇ રીતે દર્શન આપે ને મારી સાધના વિશે ચોક્કસ આગાહી કરે તો મને આનંદ થાય. એ જ એકમાત્ર આકાંક્ષાથી મેં આલંદી જવા ઠરાવ્યું. જે દિવસે પૂના રહ્યા તે દિવસે રાતે સ્વપ્નમાં આજ્ઞા થઇ કે ‘રાતે આલંદી ગામમાં નહિ પણ મંદિરમાં રહેજો.’ એથી મને આનંદ થયો ને જ્ઞાનેશ્વર મહારાજ કૃપા કરશે એમ ચોક્કસ લાગ્યું.

આ વખતે મારી સાથે માતાજી, મુંબઇથી વિઠ્ઠલભાઇ, નારાયણભાઇ તેમજ બીજા ચારેક ભાઇઓ હતા. આલંદી સ્થળ કેટલું સુંદર છે ? જ્યાં મહાન સિદ્ધપુરુષ જ્ઞાનેશ્વરે જન્મ લીધો, વાસ કર્યો, ને બાવીસ વર્ષ જેટલી નાની અવસ્થામાં અનેક ચમત્કારિક કામ કરી, જ્ઞાનેશ્વરી ગીતા જેવા મહાન ગ્રંથની રચના કરીને જીવંત સમાધિ લીધી, તે સ્થળની મહત્તા વિશે શું કહેવું ? તેની ઉત્તમતાને શેની ઉપમા આપવી ?

સ્નાનાદિથી પરવારીને રાતે અમે મંદિરમાં ગયા. સુવાનો કાર્યક્રમ મંદિરમાં જ રાખ્યો. રાતની શાંતિમાં પ્રેમ ને ભક્તિથી ઉભરાતા હૃદયે મહાન સંત જ્ઞાનેશ્વરના ચરણમાં મેં અરજ  કરી-

‘હે.....જ્ઞાનેશ્વર મહારાજ !
તમારું હોય ખરેખર સાચ, (ર)
સજીને બધો સાજ, મને તો દર્શન આપો આજ !
હે...............જ્ઞાનેશ્વર મહારાજ !’

‘હે જ્ઞાનેશ્વર મહારાજ ! તમારો અતિથિ થઇને મંદિરમાં હું તમારે બારણે આવ્યો છું. પ્રેમથી તમારું સ્તુતિગાન ગાઇ રહ્યો છું. તમારામાં સત્યતા હોય, તો પ્રેમથી બહાર આવીને મને દર્શન આપો ને મારો સત્કાર કરો. હે જ્ઞાનેશ્વર મહારાજ ! તમારો જય હો !’

સમાધિ મંદિરમાં દિનરાત કીર્તન થાય છે. રાતની નીરવ શાંતિમાં પૂર્ણિમાના પ્રકાશની વચ્ચે મંદિર શોભી રહ્યું હતું. હાથમાં તંબુરો લઇને કરતાલના અવાજ સાથે આમતેમ આંટા મારતો એક ગાયક મંદિરના ચોકમાં ભજન ગાઇ રહ્યો હતો. કેવી અદ્દભુત દુનિયા ? જ્યાં રાતદિવસ હરિનામ ગવાય છે, કીર્તનના ધ્વનિથી વાતાવરણ ભરાઇ જાય છે, તે સ્થળમાં રહેવાનું ભાગ્ય પણ કેટલું મહાન છે ?

રાતનો સમય વીતતો જતો હતો. મારી આતુરતા પણ એની સાથે વધતી ગઇ. છેવટે મધરાત પછી જ્ઞાનેશ્વર મહારાજે મારા પર કૃપા કરી. થાંભલાને ટેકે બેઠો બેઠો ધીરે ધીરે હું નિદ્રાધીન થઇ ગયો. તે વખતે જ્ઞાનેશ્વર મહારાજે દર્શન આપ્યું. તેમણે મારા હાથમાં ફૂલ આપ્યાં ને કહ્યું કે ‘આ વખતે દેવપ્રયાગમાં તમારું કામ થઇ જશે. ચિંતા કરશો નહિ.’

એ આશીર્વાદથી મને આનંદ થયે. જો જ્ઞાનેશ્વરે પ્રત્યક્ષ દર્શન આપ્યું હોત તો અત્યંત આનંદ થાત ને મારી જાતને હું પૂર્ણ કૃતાર્થ માનત. છતાં એક જ રાતમાં તેમણે એવી રીતે આશીર્વાદ આપીને મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો તે પણ કેમ ભૂલાય ? સિદ્ધપુરુષો શું નથી કરી શક્તા ? ફક્ત તેમનામાં પૂરો વિશ્વાસ જોઇએ. દૃઢ વિશ્વાસ જ સાધનામાં મહત્વનો ભાગ ભજવે છે. પોતાની સમાધિ પછી લગભગ 300 વરસે મહાત્મા એકનાથને સંત જ્ઞાનેશ્વરે સ્વપ્નમાં દર્શન આપીને આજ્ઞા કરેલી કે ‘જ્યાં મેં સમાધિ લીધી છે ત્યાં વૃક્ષની એક ડાળ મને નડે છે. તમે તે આલંદી આવીને ઠીક કરી જાઓ.’ એ પછી એકનાથ મહારાજ આલંદી ગયેલા ને ત્રણ દિવસ જ્ઞાનેશ્વર સાથે રહ્યા હતા, એ વાત સર્વવિદિત છે. ઇતિહાસની એ વાતો ખોટી નથી. ખોટ માત્ર તે વાતોને સમજવાની શક્તિની ને વિશ્વાસ કે અનુભવની છે. એ ખોટ દૂર થઇ જાય તો હજી પણ માણસ એવા અલૌકિક અનુભવોથી ધન્ય બની શકે. એ દિશામાં મારા જેવા નિર્બળ માણસના અલ્પ જેટલા અનુભવો સાક્ષીરૂપ છે. મારામાં કોઇ વિશેષ યોગ્યતા કે શક્તિ નહિ હોવા છતાં સિદ્ધપુરુષો ને ‘મા’ કૃપા કરે છે, તો પછી શક્તિશાળી ને સુયોગ્ય સાધકોના પર તો કેવી મહાન કૃપા થઇ શકે ? પરંતુ હે માનવ ! તારી મતિ ને તારું મન તેં વિષયરસથી રંગી નાખ્યું. આજીવિકા, માનમોટપ ને શરીરના ભોગો ભોગવવામાં મહામોંઘુ જીવન બરબાદ કરી નાખ્યું. ને દિવસ રાત સંસારના ક્ષણભંગુર પદાર્થો માટે મહેનત કરીને એક દિવસ આ સંસારમાંથી તું વિદાય થયો. આથી દસમા કે સોમા ભાગની મહેનત પણ તેં ઇશ્વરને માટે કરી હોત, ધ્યાન, ધારણા પ્રભુસ્મરણમાં થોડી વાર પણ ચિત્તને પરોવ્યું હોત, તો તું નશ્વર શરીરનો ઉપયોગ કરીને અમર બની જાત, હંમેશ માટે સુખી ને ઇશ્વરતુલ્ય બની જાત, ને જ્ઞાનેશ્વર મહારાજ, શુકદેવ, શંકર કે એકનાથ જેવા અનેક મહાપુરુષોની જેમ સ્વયં મુક્ત થઇને બીજાને મુક્ત કરવામાં મદદ કરી શકત. હજી પણ ચેતીશ ? સમય પર્યાપ્ત છે. ને તું ધારીશ તો એવી કોઇ વસ્તુ નથી જે આ મનુષ્ય-શરીરથી ઇશ્વરકૃપા દ્વારા ના થઇ શકે.

જ્ઞાનેશ્વર મહારાજના આશીર્વાદનો દિવસ તારીખ 3-૪-૧૯પ0 સોમવારનો હતો. એ પછી મુંબઇમાં જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ એ ચારે ભાઇબેને આંતરજગતમાં મને પુનઃ દર્શન આપ્યું. મહાપુરુષોનું દર્શન અમોઘ હોય છે. મહાત્મા જ્ઞાનેશ્વર મહારાજનો જય હો ! જ્ઞાનેશ્વરનો જય હો !

 

 

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok