Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 અનેક પ્રકારની ભાવનાઓમાં સ્નાન કરતો હું બેલુડ મઠના એ ચિરસ્મરણીય સુંદર સ્થાનને જોઇ રહ્યો. બેલુડ મઠમાં રામકૃષ્ણદેવની સમાધિ પણ છે. સાંજે સાડા ચાર વાગે તેના દ્વાર ઊઘાડવામાં આવ્યાં એટલે અમે તેના દર્શને ગયા. સમાધિહોલની રચના ખૂબ જ કલાત્મક ને સુંદર છે. શાંતિથી એ સ્થાનમાં થોડો વખત ઊભા રહીને અમે રામકૃષ્ણદેવની સામે વિરાજેલી પ્રતિમાનું દર્શન કર્યું, અને એ દિવ્ય કાળની સંસ્મૃતિ કરી જ્યારે સ્વામી વિવેકાનંદ ને તેમના બીજા સમર્થ ગુરુભાઇઓ આ સ્થળમાં વિચરતા હશે ! તેમનું દર્શન કરવાનો સુયોગ જેમને પ્રાપ્ત થયો હશે તેમને પણ ધન્યવાદ ઘટે છે. એવા મહાપુરુષોનાં દર્શન પણ ક્યાં સુલભ છે ? વિવેકાનંદના તે વખતના જીવનપ્રસંગોની હારમાળા મારી દૃષ્ટિ સમક્ષ આવીને ઊભી રહી અને મેં અજબ લાગણી અનુભવી. સંસારમાં કીટ ને પતંગ કે ઉપનિષદના પેલા ઋષિની ભાષામાં કહીએ તો ઘાસની જેમ અનેક માણસો જન્મે છે ને મરે છે. તેમની ગણતરી કે યાદ કોણ રાખે છે ? પણ જે બીજાને માટે જીવે છે ને દેહ ત્યજે છે, કોઇ ઉત્તમ આદર્શને માટે સર્વસમર્પણ કરે છે, તેને જગત પોતાના ઇતિહાસમાં નોંધી લઇને શાશ્વત સમયને માટે યાદ કરે છે. યુગો જાય છે તો પણ તે યાદ ભૂંસાતી નથી કે તેની પ્રેરણા મટતી નથી.

હે પ્રભુ ! અમારા જીવનને પણ એવું ઉત્તમ બનાવો, ને તમારી સ્મૃતિરૂપે સંસારમાં સુશોભિત કરો.

આ પહેલાનાં મારા દક્ષિણેશ્વરના પ્રવાસ દરમ્યાન જે પ્રેમી ભાઇની મુલાકાત થઇ હતી તે પુલિનબાબુને મળવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક હતું. તેમને પત્ર લખ્યો હતો. પણ તે આવી ના શક્યા. તેથી એક દિવસ અમે જ તેમને ત્યાં જવા ઠરાવ્યું. રસ્તામાં જ એક ભાઇ દ્વારા માહિતી મળી કે દોઢેક વરસ પહેલાં પુલિનબાબુનું દેહાવસાન થઇ ગયું છે !

પુલિનબાબુને ઘેર તેમનાં પત્ની બેઠાં હતાં. અમને જોઇને તે ગદ્દગદ્દ બની ગયાં. તેમને પગે કાચ વાગેલો એટલે ઘણી ઇચ્છા છતાં તે અમને મળવા ક્યાંથી આવી શકે ? તેમને માટે તો ચાલવાનું પણ મુશ્કેલ હતું. અમારી સાથે તેમણે ખૂબ જ પ્રેમથી વાતો કરી. પુલિનબાબુની વાત નીકળતા તે બોલ્યા, ‘તેમને ભયંકર માંદગી આવેલી. તેની પીડા પુષ્કળ હતી. બાબુ તો પહેલેથી જ ઠાકુરને પ્રાર્થના કરતા કે હવે આ શરીરને લઇ લો. પણ અમે તેમને સાંત્વન આપતાં. તેમની પીડા છેવટે ખૂબ જ વધી ગઇ. અમારાથી જોઇ શકાય તેમ પણ ના રહ્યું. ત્યારે મેં કહ્યું કે ઠાકુર, આટલું બધું દુઃખ આપો છો તેનાં કરતાં તો બાબુને લઇ લો તે જ સારું છે, ને તે જ દિવસે તેમનું દેહાવસાન થયું.’

મેં કહ્યું, ‘તમારા પર પ્રભુની કૃપા છે. તમે તેને સાચા દિલથી યાદ કરો છો એટલે તેણે તમારી સંભાળ રાખવી જ જોઇએ. તે તમને દુઃખી નહિ કરે. તેનું સ્મરણ ખૂબ જ પ્રેમથી કરજો. સંસારમાં સૌએ આખરે તો એ માર્ગે જવાનું જ છે.’

તેમની આંખ ભરાઇ ગઇ. પ્રભુ પ્રત્યેનો તેમનો પ્રેમ અજબ હતો. મારાથી સહજ પ્રાર્થના થઇ ગઇ કે હે પ્રભુ, જે તારા આશ્રયે બેસીને તને આટલા પ્રેમથી પૂજે છે તેને કોઇ પણ વિપત્તિમાં નાખીશ નહીં-તેની હરહંમેશ રક્ષા કરજે !

પણ તેમાં નવું કહી બતાવવા જેવું શું છે ? માણસ ભાવવશ થઇને એવા શબ્દોચ્ચાર કરે તે ભલે, બાકી પ્રભુ તો અંતર્યામી છે, ઘરઘરનો જાણનાર છે. તેનું શરણ લેનારની રક્ષા કરવાનું તો તેનું વ્રત છે. પ્રહલાદના જીવનપ્રસંગો એ વ્રતના પાલનના પરમ દૃષ્ટાંત છે. માણસમાં એટલી બધી શ્રદ્ધાભક્તિ જાગે તો પ્રભુ દૂર નથી. પ્રભુ તેની સાથે પ્રેમથી બંધાઇ જાય છે. પણ નિર્બળ મનના માનવમાં એટલી શ્રદ્ધાપરાયણતા ક્યાં છે ? તેને તો વિષયો જ વહાલા લાગે છે. સંસારના આકર્ષક પદાર્થોની પાછળ પડીને જીવનની શક્તિને તે વેડફી નાખે છે, ને સુખદુઃખ, રાગદ્વેષ. અહંતામમતા ને જન્મમરણના ચક્રમાં ફર્યા કરે છે. એનાથી અધિક દયનીય દશા બીજી કયી હોય ? તેથી જ શાસ્ત્રોએ કહ્યું છે કે જે ઇન્દ્રિયો ને મનને વશ કરીને પ્રભુના ચારુ ચરણોનો આશ્રય લે છે તે બડભાગી છે. એવા બડભાગી માનવો આ સંસારમાં થોડાં જ છે, ને તેમના પર પ્રભુની છત્રછાયા સદાને માટે છવાયેલી છે, એમાં લેશ પણ સંદેહ નથી. પુલિનબાબુનાં પત્ની એવાં બડભાગી માનવમાંનાં એક હતાં. તેમના સુરદુર્લભ સર્વોત્તમ સદભાગ્ય માટે અમે તેમને ધન્યવાદ આપીને ઊભાં થયાં. પગમાં કષ્ટ થતું હોવા છતાં તે અમને વળાવવા ઘરની બહાર આવ્યાં.

‘ફરી વાર આવવાનું થાય ત્યારે જરૂર દર્શન આપજો.’ એ એમના અંતિમ શબ્દો હતા. પરંતુ ફરી આવવાનું ક્યારે થશે તે કોણ જાણે ?