આ વરસે હિમાલયમાં કયે ઠેકાણે તપવું તે નક્કી ન હતું. ગયે વરસે ઉનાળામાં દેવપ્રયાગમાં રહી ચુકેલા પોલીસ ઇન્સ્પેક્ટર મુરારીલાલ મસુરીમાં હતા એમ સાંભળ્યું હતું. એથી પ્રેરાઇને મેં તેમને મસુરી પત્ર લખ્યો. પણ તે મસુરી ન હતા. તો પણ પત્ર તેમને પહોંચ્યો ખરો. તેમણે ઉત્તરમાં લખ્યું કે 'મસુરીથી મારી બદલી થઇ છે. તમારી ઇચ્છા મસુરી જવાની છે પણ દૂર હોવાને લીધે સેવા કરવા જેટલું મારું ભાગ્ય નથી. દેવપ્રયાગમાં રઘુનાથજી ને ગંગાજીનું દર્શન કરતાં તેમજ પર્વતોનો કુદરતી આનંદ લુંટતા વખત ક્યાં વહી જતો તે જણાતું નહિ. અહીં તો વખત જતો નથી. અત્યારે ઊની લૂ વાય છે. પણ પરાધીનતામાં સુખ ક્યાં ? તમારી સેવાનું સદભાગ્ય નહિ મળે તે માટે મને અફસોસ છે. પણ મારા માણસો ત્યાં છે. તે પરિચિત માણસો દ્વારા તમારી સર્વ પ્રકારે વ્યવસ્થા થઇ જશે. તે માટે ત્રણ માણસો પર હું તમને પત્રો લખી મોકલું છું. તમારે ત્યાં રહેવાનું થાય એટલે જણાવજો. ના થાય તો પણ જણાવજો જેથી છેવટે સાત દિવસની રજા લઇને પણ હું ત્યાં આવી જઇશ ને મારાથી બનતું કરીશ.'
તેમણે મોકલેલા ત્રણે પત્રો સારા માણસો પર હતા. જો કે પત્રો ખાસ કામ કરતા નથી એ અનુભવ હજી ગયા ઊનાળામાં જ અમને આલ્મોડામાં મળ્યો હતો, છતાં હિમાલયના ગમે તે સ્થળે રહેવાનું જ હતું ને મસુરી તે જ વિસ્તારમાં હતું એટલે મસુરીનો વિચાર નક્કી રાખ્યો.
પરંતુ ઇશ્વરની ઇચ્છા કંઇ જુદી જ હતી. એ અનુસાર અમારે સીધું ઋષિકેશ જ આવવાનું થયું. એ જ ભરત મંદિરમાં જ્યાં અમે ગયા ઉનાળા ને ચોમાસા દરમ્યાન નિવાસ કર્યો હતો ત્યાં આવીને અમે વિશ્રામ કર્યો. પતિતપાવની ગંગા ને હિમાલયની તળેટીના પર્વતો પોતાની ચિરપરિચિત દૃષ્ટિથી અમને જોઇ રહ્યાં. ભરત મંદિરમાં શ્રી લીલાધર ભટ્ટજી તથા જ્યોતિપ્રસાદભાઇનો પ્રેમ પુષ્કળ હતો. તે પ્રસન્ન થયા. બે દિવસ પછી મેં તેમની પાસે મસુરી જવાની વાત મૂકી ત્યારે તેમણે કહ્યું : 'તમારી ઇચ્છા હોય તો ભલે, બાકી અમે તો એમ જ ઇચ્છીએ છીએ કે તમે અહીં જ નિવાસ કરો.'
તો પણ ભરત મંદિરમાં પાંચેક દિવસ તો થઇ જ ગયા. અમદાવાદ ને બીજા પ્રદેશ કરતાં ત્યાં તાપ ઓછો હતો. તેમાંયે ગંગાકિનારે તો ખૂબ આનંદ આવતો હતો. યુગોયુગથી અસ્ખલિતપણે વહેતી ને સંગીતમાં તન્મય બનતી ગંગા સંસારને માટે કેવું ગીત ગાઇ રહી છે ? એના આનંદનો ને પુરુષાર્થનો અંત નથી. એને થાક કે નિરાશા પણ ક્યાં છે ? આત્મિક પંથના પ્રવાસીને એ એવું જ આશા, ઉત્સાહ તેમજ પ્રેરણાનું અખૂટ ભાથું ભરીને નિરંતર આગળ ને આગળ ચાલવાનું કહે છે. તાપ ને છાયા, સુખ કે દુઃખ, તેમજ પતન ને ઉત્થાનમાં અવિચલ રહીને હે સાધક પ્રવાસી, તું સત્ય પથ પર ચાલવા માંડ, જગતને માટે અમૃતની વર્ષા કરતો, જીવનમાં કૈંક વાસ્તવિક એવું મેળવવું હોય તો તન ને મનના તારને એક કરી દઇને ચાલવા માંડ.
ઋષિકેશમાં સાધુસંતો ઘણાં છે. તેમાંના કેટલાક ઝાડીમાં પણ રહે છે. ઝાડી ગીચ નથી પણ પ્રમાણમાં ત્યાં ઝાડ વધારે છે. પાસે જ ગંગા છે એટલે સ્થળ રમણીય લાગે છે. એક સાંજે ત્યાં એક સાધુ મળ્યા. તેમણે કાનમાં કુંડલ પહેર્યાં હતાં એટલે નાથ સંપ્રદાયના જણાતા હતા. તેમણે વાતવાતમાં પ્રેમપૂર્વક કહ્યું : 'નહાન તરફ ભીષ્મનાથ નામના એક મહાન યોગી છે. તે હઠયોગની ક્રિયામાં પારંગત છે. વજ્રોલી પણ જાણે છે. તેવા સમર્થ યોગી આ બાજુ બીજા કોઇ દેખાતા નથી. તમારી ઇચ્છા હોય તો એ બાજુ ચાલો. હું હવે થોડા જ દિવસમાં તે તરફ જવાનો છું.' ને પછી તેમણે જાણે એક નાનું સરખું પણ કેટલાંક સાધુઓને માટે ખૂબ મહત્વનું પ્રલોભન મૂક્યું : 'અત્યારે એ બાજુ કેરી ખૂબ થાય છે. કેરી ખાવાની મજા માણવી હોય તો ચાલો.'
મેં પૂછ્યું : 'મહાત્માજી યોગી છે, પણ યોગની સિદ્ધિ તેમનામાં દેખાય છે ? પાતંજલ યોગદર્શનમાં તો યોગ સિદ્ધિનું વિસ્તૃત વર્ણન છે.'
તેમણે કહ્યું : 'હા. તેમનામાં ઘણા પ્રકારની સિદ્ધિ છે.'
આ વખતે મને ઉત્તરકાશીમાં નહાન તરફના એક નાથ-મહાત્મા મળેલા તે પ્રસંગ યાદ આવ્યો. સીમલામાં નેપાલીબાબાએ મને તેમની પાસે જવાની ના પણ કહેલી. પણ આ મહાત્મા તે જ છે એ કોણ કહી શકે ?
'નહાન તરફ એવા બીજા કોઇ યોગી નથી. તે તરફ તે જ એક મહાપુરુષ છે ને ખૂબ વિખ્યાત છે. કોઇ વાર પાછળથી આવવાની ઇચ્છા થાય તો દહેરાદુનથી નહાન આવજો. ત્યાં કાલી મંદિરમાં રાજગુરુ રહે છે. તે યોગીરાજના શિષ્ય છે. તે તમને બધી માહિતી આપશે. નહાનથી તેમનું સ્થાન જરા દૂર છે ને ત્યાં સુધી મોટરની વ્યવસ્થા પણ છે.'
મેં તેમનો માહિતી માટે આભાર માન્યો. ભારતમાં છુટાંછવાયાં સ્થાનોમાં આવા સમર્થ સંતો હજી પણ વાસ કરે છે તે જાણીને મને આનંદ થયો. મેં કહ્યું : 'પ્રભુની ઇચ્છા હશે તો કોઇ વાર તે તરફ આવી પહોંચાશે. પણ કેરી ખાવા નહિ, મહાત્માજીનાં દર્શન કરવા.'
તે મહાત્માજીમાં કેવી શક્તિ છે તેની માહિતી મેળવવાની બેચાર દિવસ બાદ મને ઇચ્છા થઇ. પણ પેલા સાધુપુરુષ પાછળથી દેખાયા નહિ. તે નહાન ઊપડી ગયા હોય એમ લાગ્યું.

