if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 એવી જ રીતે એક બીજી સાંજે એક ગુજરાતી કુટુંબનો પરિચય થયો. તે પ્રસંગ પણ ગંગાકિનારે જ બન્યો. તે કુટુંબમાંના વડીલે કોઇ પણ પ્રકારની બીજી પ્રાસંગિક વાત વિના મને કહ્યું : 'અમારા ગુરુજી ખૂબ મહાન ને સમર્થ છે. તે વધારે ભાગે આલંદીમાં જ રહે છે. પણ અમારા આગ્રહથી છ છ મહિના જેટલો વખત અમારે ત્યાં પણ રહી જાય છે. પુનામાં હું તો છું જ પણ તે ઉપરાંત તેમના બીજા પણ ભક્ત છે. કેટલીક વાર તે તેમને ત્યાં પણ રહે છે. ગુરુજી ખૂબ વૃદ્ધ છે. ગુજરાતી છે અને ઉચ્ચ દશાએ પહોંચેલા છે. અમે તો વરસોથી તેમના પરિચયમાં છીએ. પણ અમે તેમની ગતિને કેવી રીતે જાણી શકીએ ? ઝવેરી વિના રતનને કોણ ઓળખે ? તમે એ માર્ગે જઇ રહ્યા છો એટલે તમને આ વાત કરું છું. દર્શનની ઇચ્છા થાય તો આપણે ત્યાં આવજો. હું તમને સરનામું આપીશ. તેમની પાસે તો કેટલાય માણસો આવે છે. તે કેટલાયની શંકા મટાડે છે.'

એ ભાઇના ગુરુપ્રેમ માટે શું કહેવું ? આશ્ચર્ય તો એ કે જેમની ગતિવિધિ કે વિચારની રીત વિશે જેમને જરાક પણ ચોક્ખો ખ્યાલ નથી તેને જ વિશે તે આટલો પ્રેમ રાખે છે ! પણ તે તો શ્રદ્ધાનો વિષય છે. કદાચ તેની પાછળ કોઇ બીજું પણ કારણ હશે. ધન્ય છે તેમની શ્રદ્ધાને.

મેં તેમને સમાધાન માટે કહ્યું : 'મારે પોતાને કોઇ ખાસ શંકા નથી. છતાં તમે સરનામું આપશો તો કોઇ વાર આવવાનું બનશે તો તેમની મુલાકાત થઇ જશે.' તેમને આનંદ થયો.

'ખરેખર તે દર્શન કરવા જેવા મહાત્મા છે. એવા મહાત્મા ભારતભરમાં ભાગ્યે જ મળશે.'

મેં કહ્યું : 'ઊંચી કોટિના કેટલાક મહાત્મા તો આ બાજુ પણ છે. ભારતમાં તેમનો લોપ નથી થયો. પણ તે ભાગ્યે જ મળે છે. વળી મળે તો પણ તેમને ઓળખવાની શક્તિ જોઇએ. પણ તમારા ગુરુદેવમાં આટલા વરસના સહવાસમાં તમને શી વિશેષતા લાગી ? તેમનામાં ભૂત-ભવિષ્ય કહેવાની શક્તિનો આભાસ તમને કોઇવાર મળ્યો ? તમે સાંઇબાબાનું નામ તો સાંભળ્યું હશે. તેમના જીવનમાં કેવા પ્રસંગ બન્યા છે ? શક્તિની લોકોત્તરતાની પ્રતિતી થાય એવો કોઇ પ્રસંગ તેમના જીવનમાં પણ બન્યો છે ખરો ? સંત જ્ઞાનેશ્વર કે સમર્થ રામદાસની જેમ તેમનામાં વચનસિદ્ધિ છે એવું તમારા કે બીજાના જીવનમાં બનેલા કોઇ પ્રસંગ પરથી જણાય છે ખરું ? શાંત સ્વભાવના, સત્વગુણી તેમજ વિદ્વાન સંતો તો ઘણા દેખાય છે. એવા વિદ્વાનો તો અહીં પણ એકેકથી ચડિયાતા મળે છે. તે પણ પ્રસંશનીય છે. પણ તે ઉપરાંત જો આત્મબળ કે શક્તિની વિશેષતા કે આત્મસાક્ષાત્કાર અથવા ઇશ્વરદર્શનના પરિણામરૂપે પ્રકટ થતું કોઇ લોકોત્તર સામર્થ્ય હોય તો તેનું દર્શન કરવામાં મને આનંદ આવે છે. કૈં નહિ તો ભાવિને સ્પષ્ટ જોઇને તે માટેની સમ્યક પ્રેરણા આપી શકે એવું કૈં તમને તમારા ગુરુદેવમાં દેખાયું ? અલબત્ત એવી શક્તિ કે સિદ્ધિ વિના પણ માણસ ઇશ્વરદર્શી કે સંત હોઇ શકે છે. પણ તેવા સંતમાં એવી શક્તિ કેટલીય વાર હોય છે ને હોય તો સાચા સંતને માટે બંધનકારક નથી. તે સોનામાં સુગંધની જેમ તેની શોભામાં વધારો જ કરે છે. તો તેવી કોઇ શક્તિના પ્રસંગો તમારા જીવનમાં બન્યા હોય કે કોઇના જીવનમાં બનેલા તેમ જાણ્યા હોય તો મને કહો.'

મારી આ માગણીના ઉત્તરમાં તેમણે તરત કહ્યું : 'ના, તેવો કોઇ પ્રસંગ તો બન્યો નથી. તેમ જ તેવી કોઇ શક્તિ દેખાઇ પણ નથી. પણ તેવી શક્તિનો ખ્યાલ પણ શી રીતે આવે ?'

'લાંબા વખતના સમાગમથી એનો આભાસ તમારા જેવા પ્રેમી પુરુષને તો જરૂર મળી શકે.' મેં કહ્યું : 'છતાં પણ સૌને એવા આભાસની જરૂર નથી હોતી. આ તો માત્ર માહિતી મેળવવા મેં તમને પૂછ્યું છે. બાકી એવા સંતની તમે પ્રેમપૂર્વક સેવા કરો છો તે ખુશી થવા જેવું છે. સંસારમાં પ્રવૃત્તિશીલ રહેનારા માણસોને માટે સંતસમાગમ જેવો મહત્વનો લાભ બીજો કોઇ નથી. તે દ્વારા ઇશ્વરની કૃપા પણ થઇ શકે છે ને શાંતિ મળે છે. સત્વગુણી સ્વભાવ, શાંતિ તેમજ સંસારના વિષયોમાં નીરસતા તેમજ ઇશ્વર કે આત્મદેવમાં સંપૂર્ણ પ્રેમ ને મમતા, તે સિદ્ધિ કાંઇ નાનીસુની નથી. તે મેળવવાનો પ્રયાસ કરવો અને જેનામાં તે મળે તેને પૂજ્ય કે સેવ્ય માનીને વળગી રહેવું લાભકારક છે. ઇશ્વરની કૃપા વિના એવા મહાન સંતોમાં પ્રેમ થતો નથી. ને તે વિના અજ્ઞાન કે સંસારનો મોહ દૂર થતો નથી અને ક્લેશ ટળતા નથી, એમ કહ્યું છે તે ખરેખર સાચું છે. એવા સંતો સાકાર સિદ્ધિ રૂપે વિચરે છે અને પદેપદે વિશેષતા તેમજ ચમત્કાર અને અલૌકિકતાથી ભરેલી આ અવનીમાં એક મહાન ચમત્કાર, અલૌકિકતા કે વિશેષતા છે એમાં સંદેહ નથી.'

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.