if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 દિન ૧

હે પતિતપાવની ગંગા ! હે યોગીવર હિમાલય !

પરમાત્માના પ્રતીક જેવા હે ભરતજી ભગવાન !

તમારા સૌના સાંનિધ્યમાં 'મા'ની કૃપા માટે એક વાર ફરી વ્રત કરતો બેઠો છું.

તમારા સાંનિધ્યમાં રહીને કેટલાય સંતો ને તપસ્વી પૂર્ણતા ને પરમાનંદનું ભાથું ભરી ગયાં હશે.

હું પણ એની જ ઈચ્છા કરું છું.

'મા'ની પૂર્ણ કૃપામાં સ્નાન કરાવીને મને પણ પાવન ને કૃતાર્થ કરો.

મારા મનોરથને પૂરા કરો.

સૂર્યનો ઉદય જેમ સમસ્ત સૃષ્ટિને માટે સુખકારક બની જાય છે તેમ 'મા'નું દર્શન મારા તન, મન, અંતરને માટે મંગલ અને આશીર્વાદરૂપ થઈ પડશે.

- આસો સુદી ૧, ગુરૂવાર તા. ૮-૧૦-૫૩

*

દિન ૨
તમારા વિરહની વેદનામાં વળી એક આખો દિવસ વીતી ગયો. હજી તમારી કૃપા ના થઈ.

તમારા મંગલ મિલન માટે જે ઝંખે છે તેના પર આ જ પ્રમાણે વેદનાનો વરસાદ વરસાવ્યા કરશો તો તમારું કૃપાસાગરનું બિરુદ કેવી રીતે સાચું થઈ શકશે ?

તમે પ્રેમસિંધુ છો એ કેમ સિદ્ધ થશે ?

જે તમને પ્રેમપૂર્વક ચાહે છે તેના બધા જ લાડકોડ પૂરા કરી, તેના યોગક્ષેમનું તમે સ્મિત સાથે વહન કરો છો, એ ગીતામાં ગવાયેલી તમારી વાણી પણ કેમ સાચી ઠરશે ?

શું શાસ્ત્રો, તમારા પ્રેમી ભક્તો ને મહાપુરુષોએ તમારાં ગુણગાન નકામાં જ ગાયાં છે ?

શું તેની પાછળ કોઈ જ આધાર નથી ?

શું તમારી પૂર્ણ કૃપાની વાત તદ્દન પાયા વિનાની છે ?

ના. તેમ બની શકે જ નહિ. તેવા પ્રશ્નો ને તેવું કુતૂહલ અસ્થાને છે.

મારા પોતાના જીવનમાં તમે શરૂઆતથી જ તમારી કૃપાનાં કિરણો વરસાવ્યાં છે ને જુદી જુદી રીતે ઝાંખી કરાવીને મને કૃતાર્થ કર્યો છે.

એટલે જ કહું છું કે તમારે માટે આ વાત નવી નથી, તેમ જ અસંભવ પણ નથી.

એક પ્રેમાળ માતાની જેમ તમે આજ સુધી મારી સંભાળ લીધા કરી છે.

તેવી જ રીતે હજી પણ લો, આજે પણ લો, ને મને પૂરેપૂરો સંતોષ આપીને જીવનની પૂર્ણતા ને ઉજ્જવળતાનું દાન દો.

- આસો સુદી ૧, શુક્રવાર તારીખ ૯-૧૦- ૫૩

*

દિન ૩
તમારા મધઝરતા મધુર મંગળ મુખને જેણે આંખ ભરીને જોઈ લીધું છે ને તમારી પરમ કૃપાના પારાવારમાં જેણે સારી રીતે સ્નાન કર્યું છે તે જ સંસારમાં સાચો બડભાગી છે, ને પૂજ્ય, સ્તુત્ય ને પ્રશસ્ય પણ તે જ છે.

સંસારમાં જન્મ લઈને તેણે મેળવવા જેવું અમર ધન મેળવી લીધું.

તમારાં કમળકોમલ ચરણોમાં પોતાના મનને લીન કરીને જેણે પરમાનંદની પ્રાપ્તિ કરી લીધી તે જ સંસારમાં સાચો ભાગ્યશાળી છે ને તેના જેવો ભાગ્યશાળી બીજો કોઈ જ નથી.

એવા મહાન બડભાગી બનવાની જ મારી ઈચ્છા છે ને તે ઈચ્છાથી જ રાતદિવસ હું તમારી તરફ તાકીને બેઠો છું.

ચારે તરફ લાગી ઊઠેલા દાવાનળની વચ્ચેથી બચવા માટે જેમ કોઈ અંતરના ઊંડાણમાંથી પોકાર કરે તેમ હું તમારી કૃપા માટે પોકારી રહ્યો છું ને તમારી મદદની માંગણી કરી રહ્યો છું.

હૃદયમાં તમે કોણ જાણે એવું તે શું જાદું કર્યું છે કે તમારી પરિપૂર્ણ કૃપા વિના મને ચેન પડતું નથી, ને ચેન નહિ પડે.

આંખોમાં પણ તમે કોણ જાણે કેવું અંજન આંજી દીધું છે કે તમારા સુમધુર દૈવી દર્શન વિના તેને આરામ નથી ને આરામ નહિ મળે.

તમારા સુધામય સ્પર્શ ને સંગીતમય શબ્દો વિના રોમરોમ ને શ્રવણને સુખ નથી ને સુખ નહિ મળે.

મારા દિલમાં ઊંડે ઉઠેલા દરદની દવા તમારી જ પાસે છે, કહો કે તમે જ છો.

બાકી તમારા વિના ત્રિલોકના વૈભવથી પણ દિલને શાંતિ અને આરોગ્ય નહિ મળે.

છતાં તમે વિલંબ કેમ કરો છો ?

તમે દયાળુ, કૃપાળુ, પ્રેમસિંધુ કહેવાઓ છતાં વિલંબ કેમ કરો છો ?

ઉપવાસની વેદનાથી કે ગમે તેવા તીખા તપથી પણ તમારું અંતર ઓગળી જશે ને તમારી કૃપા થશે એમ માનીને મેં આ વ્રત શરૂ કર્યું નથી.

જે તમારી કૃપા માટે તલસે છે, તેને માટે તપ, વ્રત, વિદ્યા કે સાધનાનો જરા જેટલો અહંકાર પણ નકામો છે એ હું જાણું છું.

તમારી કૃપા તો તમારે માટે તલસવાથી ને તમારી કૃપાના પ્રભાવથી જ થઈ શકે છે. છતાં તમારા મંદિરમાં મારો પોકાર સંભળાવવા હું આ વ્રતની વેદના સહેવા ફરી વાર તૈયાર થયો છું.

તમે જે ક્ષણે કૃપા કરી દેશો તે ક્ષણ મારે માટે ઉત્સવક્ષણ બની જશે, ને તે ક્ષણે મારું તપ ને વ્રત, મારી સાધના ને સિદ્ધિ બધું જ સંપૂર્ણપણે સફળ થશે.

- આસો સુદી ૨, શનિવાર, તારીખ: ૧૦-૧૦-૧૯૫૩

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.