દિન ૪
ભલભલા મથ્યા પણ તમારી કૃપા વિના પડદો દૂર થઈ શક્યો નહિ.
યોગી, મુનિ, તપસ્વી ને વૈરાગી પ્રયત્ન કરીને થાક્યા પણ તમારી કૃપા વિના પડદો દૂર થઈ શક્યો નહિ.
અંતર ને આંખ બંનેની આગળનું આવરણ માણસ હજારો પ્રયત્ન કરે તો પણ તમારી કૃપા વિના ટળી શકે તેમ નથી.
તમારી કૃપાનો મહિમા એવો ભારે છે.
છતાં તમારી તરસ જગાવીને ને તમારી શ્રદ્ધાથી સંપન્ન બનીને જે જીવે છે, ને તમારે માટે નમ્ર બનીને બને તેટલો પુરુષાર્થ પણ કરે છે, તેને તમારી કૃપાનો અધિકારી ગણી, તમારી પરિપૂર્ણ કૃપાથી કૃતાર્થ કરી દો છો, એ વાત પણ સાચી છે, ને તમારા જ પ્રેમમાં મસ્ત થયેલા ને તમારી જ કૃપાસુધા સારુ તરસ્યા બનેલા મહાપુરુષોએ કહેલી છે.
એટલે જ હું તમને પૂછું કે તમારા પ્રેમી પુરુષોએ ઉચ્ચારેલી એ વાણી શું સાચી નથી ?
શું તે વાણીને સાર્થક કરીને તમારા પ્રેમી પુરુષોનું માન રાખવાની તમારી ઈચ્છા નથી ?
તો તમે શું કામ વાર કરો છો ?
તમારી કૃપાની વૃષ્ટિ કરવામાં આટલો બધો વિલંબ કેમ કરો છો ?
તમારા સુધા ઝરતા પ્રકાશનાં પૂંજ જેવા રૂપ સાથે અત્યારે પ્રકટ થઈને મારી આંખને આનંદ અને અંતરને આરામ કેમ આપતાં નથી ?
મારી ઈચ્છા પૂર્ણ થાય તેના પર ઘણું ઘણું અવલંબે છે.
આજની અને ભવિષ્યની પેઢીઓને માટે મારું જીવન એક આરસીરૂપ બનશે.
ખુદ તમારે માટે પણ તે કસોટીરૂપ બનશે.
તમારી કૃપાથી વંચિત રાખશો તો માનવજાતિની શ્રદ્ધા તમારામાં ક્યાંથી થશે, ને જર્જર જેવી બની ગયેલી આધ્યાત્મિક પ્રકાશની પ્રભા ને તમારી
પ્રેમભક્તિ જડતા તરફ આગળ ને આગળ વધી રહેલા જગતમાં ક્યાંથી ફેલાશે ?
આમાં મારું તો હિત છે જ પણ તમારું ને તમારા જગતનું હિત પણ રહેલું છે. માટે હવે વિલંબ ના કરો.
શું તમારી દુનિયામાં ન્યાય નથી ?
તમે જ કહો છો કે જેની જે કામના છે તે કામના હું પૂરી કરું છું તો શુ તે વાત સાચી નથી ?
તો પછી આમ ઉપરાઉપરી મને વેદનાની જ્વાળામાં શું કામ જલાવો છો ?
વિરહ અને પરિતાપની ભઠ્ઠીમાં શું કામ તપાવો છો ?
હું તો તમારા વિના રહી શકીશ નહિ. તમારા વિના મને આનંદ નહિ મળે ને ચેન પણ નહિ પડે એટલે તમારે માટે હું પ્રાર્થના કર્યા કરીશ ને તલસ્યા કરીશ, ને ભૂખ્યું બાળક 'મા'ને માટે અધીરું બનીને આક્રંદ કર્યા કરે છે તેમ તમારે માટે અંતરના અંતરતમમાં આક્રંદ કર્યા કરીશ.
મારો તો આ સ્વાભાવિક ગુણધર્મ થયો પણ તમારો ગુણધર્મ પણ કાંઇ છે કે નહિ ?
જગતની જનની તરીકે તમારા પ્રેમી કે અપ્રેમી, સાધારણ કે અસાધારણ ને મેલાં કે ઉજળાં બાળકોની સંભાળ લેવાની તમારી પણ કાંઇ ફરજ છે કે નહિ ?
એ ફરજ તમે જાણો છો. છતાં દુઃખને લીધે મારે તમને એની યાદ આપવી પડે છે.
હું તો તલસ્યા ને પ્રાર્થ્યા કરું છું. પણ તમે ક્યાં સુધી તલસવા ને પ્રાર્થવા દેશો ?
તમારા મિલનનો ચોક્કસ દિવસ ને સમય જણાવો તો પણ મને કૈંક શાંતિ વળે.
પણ મારી એટલી નાની સરખી માંગણી પણ હજી તમે સંતોષી શકતાં નથી.
એ શું બતાવે છે ? શું તમારું હૃદય કઠોર છે ?
- આસો સુદી ૩, રવિવાર તારીખ : ૧૧-૧૦-૧૯૫૩
*
દિન ૫
આજે તો પાણી પરનો પાંચમો દિન.
હજી તમારી કૃપા નથી થઇ.
'મા' તરીકેનું નામ તો તમે ઘણું મોટું ધાર્યું છે પણ કામ ઘણું ઢીલું છે.
બાળકની સંભાળ લેવાનું કામ પણ વિના વિલંબ કરી દો ત્યારે જ તમારું જગદંબા કે જગતની જનનીનું નામ સાર્થક થાય.
આટલી સાધારણ ને સ્વાભાવિક વાતમાં આટલો વિલંબ શા માટે ?
જાણું છું કે એક વામનને માટે ઊંચે લટકતાં ફળને લેવાનું કામ મુશ્કેલ છે.
તેને માટે બે જ ઉપાય છે. કાં તો તે આળસ મૂકીને હિંમત ધરીને ઝાડ પર ચઢી જાય. કાં તો ફળ કોઇ કારણથી પોતાની મેળે જ ઝાડ પરથી નીચે પડી જાય.
એ વિના ફળ લેવાની તેની ઇચ્છા ભાગ્યે જ પૂરી થઇ શકે.
કદાચ તેનામાં શક્તિ જ ના હોય ને કોઇ દયાળુ વટેમાર્ગુ તે ફળ પાડી આપે, કે પવનના સપાટાથી તે તુટી પડે તો પણ તેનું કામ થઇ જાય. તેવી જ દશા મારી છે.
જે ફળને લેવાની ને માણવાની મારી તૈયારી છે ને જેને માટે ઊંચા નીચા થવાનો સાધારણ જેવો પરિશ્રમ કરી રહ્યો છું તે પરિશ્રમને તમે તટસ્થ થઇને જોઇ જ રહેશો તો તેથી ધારેલો હેતુ ભાગ્યે જ સરશે.
માટે સંસારના છેક સાધારણ વટેમાર્ગુના દિલમાં દેખાય છે તેવી દયા તમે પણ બતાવો ને મને સફળ કરીને કૃતાર્થ કરો.
જગતમાં આજ સુધી અનેક જાતનાં ફળ ચાખ્યાં છે.
પણ તે ફળ વિનાશી છે, ને તેથી સંપૂર્ણપણે સંતોષ આપવાની શક્તિ વિનાનાં છે.
મને તો તમારી જ લગની લાગી છે, ને તે કેટલાય સમયથી લાગી છે.
તમે જ એક અમૃતફળ છો, ને તમને મેળવવા કે માણવાથી જ માણસ અમર ને સુખી બને છે, એ મારી શ્રદ્ધા છે.
જીવન ને જગતનું એકમાત્ર ફળ પણ તમે જ છો.
બીજા બધાંયે ફળ વિનાશી, રસ કે કસ વિનાના છે. એટલે જ ડાહ્યાં માણસો તેમને છોડી દઇને એક તમારી જ પાછળ પડે છે, તમારી ઝંખના કરે છે, ને તમારે માટે તલપાપડ બને છે.
તમે જ પ્રકાશ છો, ને બીજા બધા જ પદાર્થો અંધકારથી ભરેલા છે. એટલે જ જ્ઞાની માણસો અંધકારથી દૂર રહેવા પરમ પ્રકાશરૂપી તમારા સ્વરૂપનું સેવન કરે છે.
તમે જ એકમાત્ર અવિનાશી અને અખંડ છો. તેથી અમૃતતત્વની ઇચ્છાવાળા માણસો તમારી સાથે મૈત્રી કરે છે ને આગળ જતાં તમારી સાથે અભેદ સાધે છે.
મેં પણ મારી જાતને તમારા પ્રેમના નાજુક છતાં પ્રબળમાં પ્રબળ તાંતણે બાંધી દીધી છે, તમારું શરણ લીધું છે, ને મારી જીવનમિલ્કત તમને સોંપી દીધી છે. છતાં શું કારણ છે કે હજી તમે મારી સામે પ્રકટ થઇને તેની સંભાળ લેતા નથી ?-
એક ને એક વાત વારંવાર કહેવામાં કહે છે કે કાંઇ મઝા નથી.
પણ શું કરું ? મારે માટે કોઇ ઉપાય જ નથી.
બગીચામાં જ્યાં સુધી સુંદરતા ના આવે ત્યાં સુધી માળી જળસિંચન ને સફાઇ કર્યા જ કરે છે, ને બગીચાની સજાવટના નવા નવા ઘાટ ઘડ્યા જ કરે છે, તથા વીણાના એકના એક તારને પણ આ સંગીતકાર ઠીક કર્યા જ કરે છે, ને ત્યાં લગી ઠીક કર્યા કરે છે જ્યાં લગી તેમાંથી સંવાદી ને કર્ણમધુર સૂર નથી છૂટતાં.
રસ ને કસ તથા સમૃદ્ધિ માટે તલસી રહેલી જમીનને ખેડૂત પણ જરાયે કંટાળ્યા કે હતાશ થયા વિના દિવસો સુધી એકનું એક પાણી પાયા કરે છે, ને બાળકના હિતનો વિચાર કરનારી મા પણ બાળકને રાતદિવસ એક જ ખોળામાં સુવાડી એકનું એક પય પાયા કરે છે.
આ બધાની પ્રવૃત્તિ ભલાઇને માટે જ થતી હોય છે.
તે જ પ્રમાણે મારા સંબંધમાં પણ સમજી લેવાનું છે.
જ્યાં સુધી મારા જીવનનો બગીચો પૂરેપૂરો ના ખીલે, મારી જીવનવીણામાંથી તમારી પરિપૂર્ણ કૃપાનો સૂર ના ઉઠે, ને રસ, કસ, સમૃદ્ધિ માટે તલસી રહેલું અંતર પૂરેપૂરો સંતોષ ના માણે, ને મારો પૂરેપૂરો ઉછેર ના થાય, ત્યાં સુધી એકની એક વાત મારે તમને કહ્યા જ કરવી પડશે. ને ગમે કે ના ગમે પણ તમારે તે સાંભળવી જ પડશે.
છતાં માળી, સંગીતશાસ્ત્રી, ખેડૂત ને સાધારણ માતા કરતાં તમે ઉત્તમ છો. તેથી જ કહું છું કે હે સર્વસમર્થ ! તમારી શક્તિથી આજે જ મને સંતોષ આપી દો ને મારા કોડ પૂરા કરી દો, જેથી એકની એક વાત જીવનમાં મારે તમને કદીપણ સંભળાવવી ના પડે.
- આસો સુદી ૪ સોમવાર તારીખ ૧૨-૧૦-૧૯૫૩
*
દિન ૬
નિરાશ કે હતાશ થઇને જે પોતાનું કામ મૂકી દે છે તે સફળતાનો આનંદ ભાગ્યે જ મેળવી શકે છે.
વિઘ્નો કે કષ્ટોથી ચલાયમાન થઇને જે પોતાનો માર્ગ મુકી દે છે, ને સાધનાના માર્ગની અધવચ્ચે જ જે માથે હાથ મુકીને દુઃખના ડુંગરભારથી દબાઇને ભગ્નહૃદય થઇને બેસી જાય છે તે સાધનાના રહસ્યની પ્રાપ્તિ ભાગ્યે જ કરી શકે છે.
મોતીને મેળવવાની ઉત્કટ ઇચ્છાથી મરજીવાએ વિશાળ સાગર તરફ દોટ તો મૂકી, પણ સાગરના આકાશને અડવા માટે ઉછળતાં તરંગોને જોતાંવેંત તેનો ઉત્સાહ શમી ગયો ને તેની આશા પર પાણી ફરી વળ્યું.
સમુદ્રની અનંતતાથી અંજાઈ ને ડઘાયને બે હાથ જોડી તે સમુદ્રને કિનારે બેસી ગયો.
એ દશામાં મોતી કેવી રીતે મળી શકશે ?
મોતી મેળવવા એ કાંઈ રમત થોડી છે ? એ તો શિર સટોસટનો સોદો છે.
જેની ઈચ્છા હોય તે સાગરની અંદર પ્રવેશ કરી લે.
તમારી કૃપાનો કે આત્મિક સાધનાનો સાગર પણ એવો જ અનંત છે.
માણસ તેમાં હિંમત ને પ્રેમથી પ્રવેશ કરે તો મોતી જરૂર મેળવી શકે.
પણ એ મોતીની પ્રાપ્તિમાં એક વાત યાદ રાખવાની છે.
અહંકારનો જરા પણ અંશ અડ્યો તો બધી જ બાજી બગડી જાય છે.
એથી ઉલટું, હૃદયને નમ્ર કરીને જે તમારી કૃપા માટે તલસે છે તેની સંભાળ તમે પોતે રાખો છો ને તમારી કૃપા ને સાધનાની સિદ્ધિના મોતી તેનાહાથમાં મૂકી દો છો.
તમારા પરમ પ્રેમસાગરને કિનારે બેસીને તલસે તો પણ કૃતાર્થ કરી દો છો.
તમારે દ્વારે આશાપૂર્વક આવેલું કોઈ પણ પ્રાણી નિરાશ થઈને પાછું વળતું નથી એમ કહેવામાં આવ્યું છે તે ખરેખર સાચું છે.
- આસો સુદી ૫, મંગળવાર, તારીખ ૧૩- ૧૦-૫૩

