if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દિન ૭
ગંગાનો દેખાવ કેટલો સુંદર લાગે છે !
પવિત્ર હૃદયના પ્રેમપ્રવાહ જેવી વહી રહેલી ગંગા આંખ ને અંતરને જોતાંવેંત જ આનંદ આપે છે, ને મનની મરુભૂમિમાં ભાવનાની ઉત્તમોત્તમ ફોરમ ફેલાવી દે છે.
માણસો તેમાં સ્નાન કરે છે, તેના નિર્મળ જળમાં ઊભા રહીને સૂર્યને સાંજ-સવાર અર્ઘ્ય આપે છે, તેના તટ પર આસન વાળીને જપ, ધ્યાન, સંધ્યા ને પ્રાર્થના કરે છે.
કોઇ એની આરતી ઉતારે છે, કોઇ પ્રસન્ન થઇને તેના પવિત્ર પાણીમાં પુષ્પો પધરાવે છે, તો કોઇ તેને હાથ જોડીને વંદન કરીને તેના તરફની પૂજ્ય બુદ્ધિ પ્રકટ કરે છે.
માણસો તેને જડ નહિ પણ ચેતનાથી ભરેલી માને છે, ને એ રીતે તેનું માન કરે છે.
ગંગાને આટલી બધી મહત્તા મળી છે તેનું કારણ શું ?
કારણ એ જ છે કે તે નિર્મળ છે, સરળ છે, ને બીજાને માટે મંગળ કે ઉપકારક છે.
તે ઉપરાંત, સાગરના પરમ દેવની તરફ પ્રસન્નતાથી વહી જવામાં જ તેનો આનંદ છે.
જીવન પણ આવું નિર્મળ, પ્રેમાળ, સરળ ને ઉપકારક થઈ જાય, તથા પોતાની બધી જ શક્તિથી તમારી તરફ વહેતું થાય તો તેની મહત્તા થાય અને તે એવા આનંદ ને રસથી તરબોળ બને, જેની બરાબરી કોઈની પણ સાથે ના થાય.
તમારી પૂર્ણ કૃપા વિના એવું કેવી રીતે બને ?
માટે જ ગંગાને પવિત્ર કિનારે બેસીને કહું છું - કહો કે વિનવું છું કે પ્રકાશનો પૂર્ણ ભંડાર ભરીને હિમાલયની હરિયાળી પર્વતમાળાની પાછળથી જેમ પૃથ્વીના પ્રાણ જેવો સૂરજ પ્રકટ થાય છે, તેમ પ્રેમીના પ્રાણ જેવાં તમે, કૃપાની પૂરેપૂરી પ્રસાદી લઈને મારી સામે પ્રકટ બનો, ને મને પ્રકાશ, જીવન ને શાંતિ ધરો.
તમને વધારે શું કહેવું ?
આ સમયમાં તો અન્નસમા પ્રાણ કહેવાય છે.
પ્રાણીમાત્ર અન્નના આધાર પર જ જીવે છે.
છતાં તમે મને આટઆટલા દિવસથી દૂર ને દૂર રહીને તલસાવ્યા કરો છો ને શાંતિનો શબ્દસરખો કહેતાં નથી એ ખરેખર અજબ જેવું છે.
છતાં મારે તો તમારી કૃપાપ્રાપ્તિ ગમે તેમ કરીને કરવી જ છે, તે વિના મારા લગીર જેટલા જીવનની સફળતા નથી, એટલે મારે તમારે માટે તલસ્યા વિના છૂટકો જ નથી.
છતાં મને એમ થાય છે કે તમે આમ ને આમ આકરા કષ્ટમાં નાખ્યા કરશો, તો આ સમયના ચંચળ ને અશક્ત માણસો તમારા પ્રેમી થવાની ઉમેદવારી કરવા કેવી રીતે તૈયાર થશે ?
ગંગામાં પડેલું નાવડું આમતેમ અથડાય છે, ને હિંમત હાર્યું હોય તેમ ડોલ્યા કરે છે.
ઉપરાઉપરી ઊછળતાં તરંગો તેને હલાવ્યા કરે છે, ને પવન તેમાં સાથ આપતો હોય તેમ સૂસવાટા કરતો વહી રહે છે.
જોનારા માણસોને આથી આનંદ થાય છે. પણ તેની અસહાય દશાનો કોઈને વિચાર આવતો નથી.
ત્યાં તો કોઈ ખલાસી આવે છે, ને તેમાં કૂદી પડી, હલેસાં મારીને તેને હંકારવા માંડે છે.
આ વખતે નાવના આનંદનો પાર રહેતો નથી, ને ઊડાં પાણીમાં પ્રેમ ને પ્રસન્નતાથી તે વહેવા માંડે છે.
મારા જીવનનું નાવડું પણ શું અત્યારે આવું નથી ?
તમારા પ્રેમ ને વિરહના પાણીમાં  તે ડોલ્યા કરે છે.
તેને કોઈ તારણહારની જરૂર છે. પણ તમારા વિના તેનો તારણહાર બીજો કોણ થઈ શકે તેમ છે ?
માટે જ કહું છું કે જલદી પધારો, ને જીવનની મારી નૈયાને સહીસલામત પાર કરો.
-  આસો સુદ ૬, બુધવાર તા. ૧૪-૧૦-૫૩
*
દિન ૮
આજે આઠ આઠ દિવસનાં વ્હાણાં વાઈ ગયાં છતાં મારી વેદના જોઈને તમારું રુંવાડુંયે હાલતું નથી, ને બીજું તો ઠીક, પણ આશ્વાસનના બે શબ્દો બોલવા જેટલી દયા બતાવવાનું પણ તમને મન થતું નથી, તે જોઈને મને અચંબો થાય છે.
સમજુ માણસોએ સ્ત્રીના હૃદયને કુસુમ જેવું કોમળ ને પ્રેમમય તથા વહેલામાં વહેલી તકે પીગળી જાય તેવું કહ્યું છે.
પણ મારી આટઆટલી લાંબી ને આકરી પીડા છતાં તમારું હૃદય હજી લેશ પણ પીગળતું નથી, ને પ્રેમ, કરુણા ને કૃપાનો અસ્ખલિત પ્રવાહ બનીને મારા તરફ વહેતું નથી. તેને મારે કરુણ, પ્રેમાળ ને સહેજે પીગળે તેવું કેવી રીતે માનવું ?
શાસ્ત્રકારો ને સંતોએ પણ આ યુગમાં તમારી સહજમાં થઈ જનારી કૃપાનો મહીમા સારી પેઠે ને સુંદર શબ્દોમાં ગાઈ બતાવ્યો છે.
પણ તમારી કૃપા એટલી સહજ ક્યાં છે ?
વિપત્તિ, વિરહ ને વેદનાની ભઠ્ઠીમાં દિવસરાત જલતા રહીને પ્રેમીએ તમારે માટે ખાખ જેવા થઈ જવું પડે છે.
તમારા પ્રેમની ભભૂતિ ચોળી, બધા જ પ્રકારની ભોગેચ્છા ને વાસનાનો ત્યાગ કરી, તમારા ચરણોમાં સ્વર્ગ, મુક્તિ ને વૈકુંઠનું સુખ માની, તમારે માટે દિવસોના દિવસો ને વરસોના વરસો સુધી તલસવું પડે છે.
બધા પ્રકારની મમતા ને આસક્તિનો ત્યાગ કરી, તમને જ સર્વસ્વ માની, તમારી પાછળ ફકીરી લેવી પડે છે, ને ઉપાસનાના પવિત્ર થયેલા અગ્નિથી પોતાની જાતને જલાવવી પડે છે.
તમારા પ્રેમનો પંથ એવો ભારે છે.
કાચાપોચા મનના માણસો તેના પર ચાલવાનો પણ વિચાર કરતાં નથી. ને જે વિચાર કરીને બે ચાર પગલાં ભરે છે તે પણ જો કાયર હોય છે તો અધવચ્ચેથી પાછા ફરે છે.
પોતાને બળીયા માનતા માણસોના મનમાં પણ જો મોટાઈનો વિચાર આવી જાય તો તેમનું આવી બને છે ને એમની દશા ખરેખર જોવા જેવી થઈ જાય છે.
તેમને તમારી કૃપાના સિંધુના એક બિંદુનો પણ સ્વાદ મળી શકતો નથી.
મહાપુરુષો કહે છે કે તમારા પ્રેમ ને તમારી કૃપાનો સ્વાદ તેને જ સાંપડી શકે છે, ને તમારા પ્રેમનો પંથ તેને જ સારુ સરળ થઈ શકે છે, જે નિરહંકાર ને નમ્ર બનીને એક તમારે જ માટે તલસ્યા કરે છે ને ચાતક જેમ લગની લગાવીને તમારી તરફ તાકી રહે છે.
એકાદ બડભાગી ક્ષણે તેના બધા જ તપ તથા તલસાટનો અંત આવે છે, તેના મુખમાં તમારી કૃપાનો અમૃતરસ ટપકી પડે છે, ને તેના દુઃખ તથા દર્દ સદાને માટે દૂર થાય છે.
આમ હોવાને લીધે જ, એક તરફ વેદનાની સીમા નહિ હોવા છતાં, બીજી તરફ તમારા પ્રેમ ને વિશ્વાસનું ભાથું ભરી તમારી કૃપાની આશામાં તમારી તરફ તાકી રહેતાં બેસી રહ્યો છું.
છતાં તમે હજી વાર કેમ કરો છો ?
મારામાં તમારા માટેની યોગ્યતા કદાચ ઓછી હશે, પણ તે તો તમારા દર્શનમાત્રથી પૂરી થઇ જશે.
મારામાં કોઇ દુષણ કે દુષ્કર્મો પણ ભરાઇ બેઠા હશે, પણ તે તો તમારી કૃપા થતાંવેંત જ દૂર થઇ જશે.
તમારા દર્શન, સ્પર્શ ને વચનામૃતના પ્રભાવથી મારો નવો જ ઘાટ ઘડાઇ જશે, મારું તન, મન, અંતર બધું જ પલટાઇ જશે, ને મારું જીવન અલૌકિક બનશે.
માટે પ્રેમી ભક્તોને માટે હે પારસમણિ ! હવે લેશ પણ વિલંબ કર્યા વિના પ્રકટ બનો, ને તમારા શીતળ સુવાસિત સ્પર્શથી મને પણ સુવર્ણમય જ નહિ, પણ પ્રેમ, પવિત્રતા ને પૂર્ણતાનો પારસ કરો.
-  આસો સુદી ૭, ગુરુવાર તારીખ ૧૫-૧૦-૧૯૫૩
*
દિન ૯
આજે તો નવરાત્રીના પવિત્ર પર્વનો છેલ્લો દિન.
મારી કાકલૂદીભરી પ્રાર્થના છે કે આજે તો તમારી કૃપા મારા પર જરૂર જરૂર કરી દો, ને મારી બધી જ ચિંતા ને વેદનાનો સુખદ અંત લાવો.
આ દિવસોમાં તમારા નામ પર કેટલો આનંદ થઇ રહ્યો છે !
તમારા ગુણગાન ગાનારા લોકો આખી રાતનું જાગરણ કરે છે ને ગરબા તથા રાસ રમીને આનંદે છે.
મને પણ આ દિવસોમાં પરમાનંદનો ભાગી બનાવવા તમે કૃપા કરો, ને તમારા અજોડ જેવા સ્વરૂપનું દર્શન આપી, મારા તન, મન, અંતરમાં કદિ પણ તૂટે કે ખૂટે નહિ એવા રાસને જાગ્રત કરો.
-  આસો સુદી ૭, ગુરુવાર તારીખ ૧૫-૧૦-૧૯૫૩
*
દિન ૧૦
આજે તો વિજયાદશમી.
ધાર્યું'તું કે મારે માટે પણ આજનો દિવસ ખરેખર વિજયાદશમીનો દિવસ બનશે ને સંસારી લોકોના અંતરમાં જેવો આનંદ ફરી વળેલો દેખાય છે એથીયે અનેરો અને અદકો આનંદ મારા અંતરમાં પણ ફરી વળશે.
પરંતુ આનંદનો એ દિવસ હજી મારે માટે ઊગી શક્યો નથી, એ એક મોટી કમનસીબીની વાત છે.
કહે છે કે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો નાશ કર્યો હતો.
તે વાત બરાબર હોય તો પણ, મારી જીવનનગરીમાં બેઠેલા વિરહરૂપી રાવણનો નાશ થવો હજી બાકી જ છે.
તમારા ધર્મરાજ્યમાં આ રાવણનું આટલા લાંબા વખત લગી ચાલી રહેલું રાજ્ય ખરેખર નામોશીરૂપ ને તમારા પવિત્ર એકછત્ર સામ્રાજ્યમાં આતંક અને અંતરાયરૂપ છે.
તમે રણચંડી બનીને મહિષાસુર તથા ચંડ, મુંડ, શુંભ-નિશુંભ જેવા મહાબળિયા રાક્ષસોને નિમિષમાત્રમાં મારી નાખ્યા, તથા બીજા કૈંકને ક્ષુલ્લક જંતુની જેમ રણમાં રોળી નાખ્યા. છતાં વિરહનો સાધારણ શત્રુ તમારા રાજ્યમાં આટલો બધો ઉલ્કાપાત મચાવે છે એ આશ્ચર્યકારક છે.
તમારી શક્તિને માટે તે પડકારરૂપ છે.
વિરહના એ મહાન અસુરનો નાશ થવાથી સિદ્ધિરૂપી સીતા છૂટી શકશે એમાં સંદેહ નથી.
તમારે માટે આ કામ ઘણું સહેલું છે.
વળી આતંકકારીનો નાશ કરવો એ તો તમારો સ્વભાવ છે - કહો કે જીવનધર્મ છે.
છતાં તમે આવી સાધારણ ને સ્વભાવસહજ બાબતમાં પણ વિલંબ કરો છો તે વિચિત્ર જ છે.
નગરમાં આજે બધે સ્થળે પૂજા થઇ રહી છે, ને લોકોની મંડળી આનંદમાં ફરી રહી છે.
ઘર ને દુકાનોનો શણગાર થઇ રહ્યો છે, ને ગંગાસ્નાન તથા દેવદર્શન માટે માણસોનો જાણે કે મેળો જઇ રહ્યો છે.
મારી નાનકડી મઢૂલીમાં પણ આ જ પ્રમાણે શણગાર થયો હોત, ફુલમાળાની ફોરમ ફેલાઇ હોત, ને દીપકનો પ્રકાશ પ્રકટ્યો હોત.
પરંતુ તે ભાગ્ય હજી દૂર છે. કેટલું દૂર છે તે તમે જ જાણો છો.
છતાં હવે તો હદ થઇ.
મારા પર ઘણું ઘણું વરસી ચૂક્યું. સહન થાય તેનાથી પણ વધારે વરસી ચૂક્યું.
જેમ તેમ કરીને મેં તે સહન કરી લીધું, ને હજી પણ સહન કરી રહ્યો છું.
એ જ આશાથી પ્રેરાઇને કે તમારું દિલ આજે નહિ તો કાલે પણ જરૂર જરૂર પીગળશે, ને મારી બધી જ ચિંતા, વેદના ને તપશ્ચર્યા સફળ બનશે.
એ ઘડી જલ્દી જલ્દી આવે એવી મારી અરજ છે.
એ બધું તમારા જ હાથમાં છે. ને તમે ધારો તો આ વિજયાદશમીના દિવસને તમારો ને મારો વિજય ને આનંદનો પર્વદિવસ બનાવી શકો છો, રજનીનો અંધકાર દૂર થાય ને પ્રભાતનું પ્રથમ કિરણ સંસારના પુણ્યમય પ્રવાસે ચાલી નીકળે તે પહેલાં જ મારા જીવનમાં પ્રશાંતિ ને પૂર્ણતાનું પ્રભાત પ્રકટાવી શકો છો, ને એ રીતે આજના દિવસને મારે માટે અમર જીવનનો દિવસ બનાવી શકો છો.
-  વિજયાદશમી, શનિવાર તારીખ ૧૭-૧૦-૧૯૫૩

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.