Text Size

રાજકોટ, વીરપુર, બીલખા

માસ્ટર મહાશયની શક્તિ

રાજકોટમાં બીજા એક બેન આવતાં. તે અપરિણીત હતાં. તેમણે તેમના જીવનનો એક પ્રસંગ કહ્યો. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના પ્રખ્યાત ચરિત્રકાર માસ્ટર મહાશયને મળવા તે પોતાની નાની ઉંમરે તેમની માતા સાથે કલકત્તા ગયાં હતાં. તે વખતે માસ્ટર મહાશય માંદા હતા. તે તેમના મકાનમાં છેક અંદરના ઓરડામાં આરામ કરતાં હતા. તેમની ઓસરીમાં તે બેને પગ મૂક્યો કે તરત માસ્ટર મહાશય 'આઇયે બ્રહ્મચારિણી' એમ બોલ્યા. આશ્ચર્યવશ થઇને તે બેન તેમના માતા સાથે અંદર ગયા તો માસ્ટર મહાશયે તેમને કહ્યું, 'ક્યોં માતા, મૈને કુછ જૂઠ તો નહિ કહા ?' માતાએ કહ્યું કે ના, સાચું જ કહ્યું છે. તે પછી તેમણે કેટલીક વાતો કરી ને છૂટા પડતી વખતે કહ્યું કે પ્રત્યેક શ્વાસમાંથી જ્યારે પ્રભુનું નામ નીકળશે ત્યારે તમારું બ્રહ્મચર્ય સફળ થશે.

માસ્ટર મહાશયની મહાન સાધનાશક્તિનો આ એક નમૂનો છે. પરમહંસદેવની કૃપાથી તે ખરેખર ખૂબ જ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા. પરમહંસદેવના અંતરંગ મંડળમાં ગણાતા પુરુષોમાંથી કેટલાકની આત્મિક ઉન્નતિ ખરેખર અસાધારણ હતી, તેની માહિતી આ નાની સરખી વાત પરથી મળી રહે છે.

વીરપુર, જૂનાગઢ, આનંદાશ્રમ

રાજકોટના બધા જ દિવસો ચંપકભાઇના સ્નેહાળ સહવાસમાં આનંદપૂર્વક પસાર થઇ ગયા. છેવટે અમે સાબરમતી જવા પ્રસ્થાન કર્યું. રાજકોટમાં એક ભાઇની ઇચ્છા મને આનંદાશ્રમ બતાવવાની હતી. તેથી અમે તેમની મોટરમાં રાજકોટની વિદાય લીધી. મારી સાથે તારાબેન, ચંપકભાઇ તથા તેમના મિત્ર વલ્લભભાઇ હતા. વલ્લભભાઇ ભારે વિવેકી ને પ્રેમી હતા. તેમના નાના ભાઇ અમેરિકામાં અભ્યાસ કરીને દેશમાં પાછા આવીને તેમની સાથે રહેતા ને વધારે ભાગે આત્મોન્નતિની સાધના જ કરતા. તેમને તે બધી રીતે મદદ કરતા. તે બંને ભાઇઓને મળીને મને ખૂબ ખૂબ આનંદ થયો.

રાજકોટથી મોટરમાર્ગે સૌથી પહેલાં અમે ગોંડલ થઇને વીરપુર આવ્યાં. વીરપુર નાનું ગામ છે. પરંતુ ત્યાં સૌરાષ્ટ્રના હમણાં હમણાં થઇ ગયેલા મહાન સંત જલારામની જગ્યા છે. ત્યાં સદાવ્રતની વ્યવસ્થા છે. સ્થાનમાં શ્રી હનુમાનજીની મૂર્તિ ને જલારામ ભગતની સમાધિ છે. જલારામ સૌરાષ્ટ્રના જ નહિ, ભારતભરના છેલ્લાં પચાસ વરસમાં થઇ ગયેલા મહાપ્રતાપી પુરુષ હતા. ભૂખ્યાને ભોજન, સાધુસંતોની સેવા ને રામનું નામ એ તેમના જીવનના મુખ્ય મંત્રો હતા. તેના પ્રભાવથી તે ભારે સિદ્ધ બની ગયા, પ્રભુરૂપ થઇ ગયા, ને કેટલાયનું કલ્યાણ કરી ગયા. તેમને માટે 'જલા સો અલા' કહેવત કહેવાય છે તે યથાર્થ જ છે. એવા મહાન પુરુષની લીલાભૂમિનું દર્શન કરીને મને આનંદ થયો.

ત્યારપછી આવ્યું જૂનાગઢ. જૂનાગઢ તો પહેલાં જોયું હતું, એટલે ત્યાંથી અમે પસાર જ થઇ ગયાં ને સીધાં આનંદાશ્રમ આવી પહોંચ્યા. આનંદાશ્રમનું સ્થાન બીલખાની બહાર ગિરનારની તળેટીમાં એકાંતમાં આવેલું છે. તે સ્થાન મહાત્મા શ્રી નથુરામ શર્માએ તૈયાર કરેલું. નથુરામ શર્મા સૌરાષ્ટ્રના એક મહાન જ્ઞાની, યોગી ને વિચારક મહાત્મા થઇ ગયા છે. તેમને પણ લાખો લોકો માને છે. આશ્રમમાં તેમનું મંદિર, તેમનો ખંડ, ધ્યાનનો ઓરડો, પુસ્તકાલય ને બીજા અનેક ઓરડા છે. આખુંય સ્થાન ખૂબ જ શાંત, ભવ્ય અને એકાંત લાગે છે. ત્યાં રહેતા સંચાલકો પણ ભારે સેવાભાવી ને નમ્ર છે. અમે ત્યાં બપોરે એકાદ વાગ્યે પહોંચ્યા. સામાન્ય રીતે તે વખત આરામનો ગણાય છે. છતાં પણ ત્યાંના વ્યવસ્થાપક ભાઇએ અમને ખબર પણ ના પડે એવી રીતે ને એટલા ટૂંકા વખતમાં અમારા ભોજનની વ્યવસ્થા કરી દીધી. તે જોઇને ત્યાંની સેવા ને સત્કારની ભાવનાની મારા પર ઊંડી છાપ પડી.

જમી પરવારીને થોડીક વાતચીત કરીને અમે બપોરે લગભગ ત્રણેક વાગ્યે ત્યાંથી વિદાય થયા ત્યારે થોડાક દિવસ પહેલાં મેં જોયેલું વાંકાનેર પાસેનું જડેશ્વર નામનું સ્થાન મને યાદ આવ્યું. તે સ્થાન વાતાવરણની દૃષ્ટિએ જરા જુદું પણ આવું જ એકાંત અને સુંદર હતું. સૌરાષ્ટ્રમાં આવાં કેટલાંય સુંદર અને એકાંત સ્થળો છે. તે ખરેખર આનંદની વાત છે.

લગભગ બપોરે સાડા ત્રણ વાગ્યે અમે જૂનાગઢ સ્ટેશને પહોંચ્યા ત્યારે સોમનાથ મેલ પ્લેટફોર્મ પર ઊભો જ હતો. ટિકીટ લઇને અમે ટ્રેનમાં બેઠા. પછી વલ્લભભાઇ કંડકટરને બોલાવી લાવ્યા. તેણે અમારા ડબા પર રિઝર્વેશનનું લેબલ માર્યું કે તરત ગાડી ઉપડી. જાણે અમારે માટે જ રાહ જોતી ના ઊભી રહી હોય ! ચંપકભાઇ ને વલ્લભભાઇ જેતપુર ઉતરી ગયા. તે રાજકોટ જવા વિદાય થયા અને અમે આગળ વધ્યાં. અમે સાબરમતી જઇ રહ્યાં હતાં. ચંપકભાઇ ને વલ્લભભાઇ બંને પ્રેમને લીધે ગદગદ થઇ ગયાં. બંનેની આંખમાં આંસુ હતાં. પ્રેમની વાત એવી જ અનેરી છે. હાસ્ય ને રુદન તેમાં સાથે જ રહે છે. બંનેને સમજી શકે ને બંનેમાં આનંદ લઇ શકે તે જ સાચું જીવી શકે.

 

 

Today's Quote

Arise, awake and stop not till the goal is reached.
- Swami Vivekananda

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok