Text Size

સાંઈબાબાના અનુભવપ્રસંગ

૧. ગીત લખવાનું કહે છે

સમર્થ સિદ્ધ મહાપુરુષ શ્રી સાંઇબાબાનો ફરીવાર ઉલ્લેખ કરતાં મને આનંદ થાય છે. હૃદય અનેરા ભાવે ભરાઇ જાય છે. વરસો પહેલાં તેમણે મારા જીવનમાં કેવી રીતે અચાનક પ્રવેશ કર્યો ને મને વારંવાર દર્શન આપવાનું કેવી રીતે શરૂ કર્યું તે બધી વાત હું આગળ પર વર્ણવી ગયો છું. મારા પર એમની અસીમ કૃપા છે. છેલ્લાં કેટલાંય વખતથી પરિસ્થિતિ એવી છે કે બે-ત્રણ દિવસ લાગટ તેમના દર્શન કે માર્ગદર્શન માટે ઝંખું કે પ્રાર્થું એટલે તે તરત દર્શન આપે છે ને જરૂરી કામ કરી દે છે. એક યા બીજી રીતે એમના અનુભવો થતાં જ રહે છે. મારી સાધનાનો પ્રવાહ તો સતત રીતે ચાલ્યા જ કરે છે. પરંતુ તેની વચગાળાની દશામાં આવા મહાપુરુષનો આ રીતે સંબંધ થયો ને તેમની કૃપાનો મને લાભ મળ્યો તે મારું સદભાગ્ય છે.

મહેસાણાના નિવાસ દરમ્યાન સાંઇબાબાના દર્શન માટે વારંવાર પ્રાર્થના કરતો ત્યારે તેમના દર્શન કે અનુભવનો લાભ મળી રહેતો. ડીસેમ્બર મહિનામાં એક ગુરુવારે સવારે લગભગ ચારેક વાગે હું મારા ખાટલા પર બેઠો હતો. તે વખતે મારી આંખ ઉઘાડી હતી. તે દિવસે ગુરુવાર હોવાથી સ્વાભાવિક રીતે જ હું શ્રી સાંઇબાબાનું સ્મરણ કરતો હતો. ત્યાં અચાનક મારી દૃષ્ટિ મારા પૂજાના ફોટા પર ને મારી બેસવાની ગાદી પર પડી. ગાદીની પાસે જ પલાંઠી વાળીને સાંઇબાબા બેઠા હતા. તેમને જોતાંવેંત મને આનંદ થયો. પરંતુ તે નીચે બેઠાં હોવાથી મને જરા સંકોચની લાગણી થઇ આવી. મેં તેમને પ્રણામ કરીને કહેવા માંડ્યું : પ્રભુ, તમે તો નીચે બેઠા છો. હું ઉપર બેઠો છું તે સારું ના કહેવાય.

તેમણે કહ્યું : 'ના. કશી જ હરકત નથી. તમે જ્યાં હો ત્યાં જ બરાબર છો. પ્રેમ હો ત્યાં ઊંચાનીચાની કાંઇ ગણતરી હોતી નથી. પરંતુ મારે તમને એક બીજી જ વાત કહેવાની છે.'
'શું ? શી વાત કહેવાની છે ?' મેં તેમને પ્રેમથી પૂછ્યું.
તેમણે કહ્યું : 'આજે ગુરુવાર છે માટે મારે માટે એક ગીત લખજો.'
મેં કહ્યું : 'તે તો લખીશ. પણ તેના બદલામાં તમારે એક કામ કરવું પડશે. ફી આપવી પડશે.'
'શું ?' તેમણે પ્રશ્ન કર્યો.
'મને એકવાર ફરી દર્શન આપવું પડશે.'
'તે તો આપીશ જ.' કહીને તે અદૃશ્ય થઇ ગયા. આવા મહાપુરુષોને ઊભા થઇને ચાલવાનું તો હોતું જ નથી. તે પોતાની શક્તિથી જ્યારે ધારે ત્યારે ને જ્યાં ધારે ત્યાં અદૃશ્ય થઇ શકે છે.
સાંઇબાબાએ કૃપા કરીને આપેલા એ અનુભવથી મને આનંદ થયો. તેમની સુચના પ્રમાણે મેં એક ગીત પણ તે દિવસે લખ્યું.

 ૨. મહાત્માજી કહીને બોલાવે છે.

સાંઇબાબાની શક્તિ સાચેસાચ મહાન છે. છેલ્લાં કેટલાંય વરસોમાં ભારતમાં આવા શક્તિશાળી સમર્થ સંત બીજા થયા નથી. તેમની એક વિશેષતા એ છે કે પૂર્ણ શક્તિથી સંપન્ન હોવાની સાથે સાથે તે બીજાને મદદ કરવા રાત-દિવસ તૈયાર રહે છે. કોઇપણ સ્ત્રીપુરુષ આ વાતની યથાર્થતાનો અનુભવ કરી શકે છે.

તારીખ ૨૬ ડીસેમ્બર ૧૯૫૬ને બુધવારે માગશર વદ દસમ હતી. તે દિવસે વહેલી સવારે હું શૌચાદિથી પરવારીને ખાટલા પર સૂતો હતો. તે વખતે શ્રી સાંઇબાબાએ અચાનક 'મહાત્માજી .... મહાત્માજી' કહીને બૂમ પાડી. શબ્દો તેમના ફોટા પરથી બહુ જ સ્પષ્ટ રીતે સંભળાતા હતા. બીજી વાર 'મહાત્માજી' કહ્યું ત્યારે હું જાગીને બેઠો થઇ ગયો.

એ અનુભવ પણ ખરેખર આનંદપ્રદ હતો. આજે પણ તેને યાદ કરીને મને અવનવો આનંદ થઇ રહે છે.

 ૩. દાન કરવાનું કહે છે.

સાંઇબાબાના આવા તો અવારનવાર કેટલાંય અનુભવ મને થયાં કરે છે. તે બધાંનો ઉલ્લેખ અહીં શક્ય નથી. જરૂર પણ નથી. બધું જ લખવા જાઉં તો વિસ્તાર વધી જાય. તેથી એક બીજા પ્રસંગનો ઉપસંહાર રૂપે ઉલ્લેખ કરી રહ્યો છું.

ઇ. સ. ૧૯૫૭ના જૂન-જુલાઇમાં સાબરમતી રહેવાનું થયું ત્યારે રક્ષાબેનનો વિશેષ પરિચય થયો. તેની ઉંમર ફક્ત સોળ વરસની હોવા છતાં તેમની ઊંડી સમજ, શ્રદ્ધા ને સેવાભાવના કોઇ મોટા માણસને પણ શરમાવે તેવી હતી. તે દિવસોમાં તેને તાવ શરૂ થયો. તેની તંદુરસ્તી માટે મેં સાંઇબાબાને પ્રાર્થના કરી. કેમ કે તેની તબિયત જરા વધારે નરમ હતી. તે વખતે લગભગ અષાઢ સુદ એકમ-બીજે સાંઇબાબાએ મને સુચના કરી કે 'સાત રૂપિયા દાન કરો તો રક્ષાબેનને તાવ મટી જાય.'

મને થયું કે દાન ક્યાં ને કોને કરવું ? સાત રૂપિયા શ્રી સાંઇબાબાની સેવામાં શિરડી જ મોકલવાનો મેં નિર્ણય કર્યો ને બીજે જ દિવસે રક્ષાબેનને આરામ થયો. મારા નિર્ણય મુજબ મેં શિરડી પૈસા મોકલી દીધા.

 

 

Today's Quote

Do well to your friend to keep him, and to your enemy to make him your friend.
- E.W.Scripps

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok