Thursday, October 22, 2020

મુંબઈ, આલંદી અને દેહુ

મને થયેલી 'મા'ની પ્રેરણા પ્રમાણે આસો સુદ પૂનમને દિવસે અમે ઋષિકેશની વિદાય લીધી. હિમાલયના પ્રદેશમાંથી પસાર થઈને આસો વદ બીજને દિવસે અમે મુંબઈ આવી પહોંચ્યાં. સેનેટોરિયમ મળવાની વાર હતી એટલે થોડા દિવસ અમારે માધવબાગના મકાનમાં રહેવું પડ્યું. વરસો પછી દિવાળીના દિવસો દરમિયાન મુંબઈમાં રહેવાનું બની શક્યું. એ એક નવો જ અનુભવ કહી શકાય. દિવાળી પછી દોઢેક માસ માટે અમે વાલકેશ્વરના ખીમજી જીવા સેનેટોરિયમમાં રહ્યાં.

માતાજીની તબિયત ઋષિકેશમાં જ બગડી હતી. તે મુંબઈ આવ્યા પછી વધારે બગડવા માંડી. તાવ અને શરીરની ગરમીના બીજા વ્યાધિથી તે તદ્દન પથારીવશ થઇ ગયાં. લગભગ એક મહિના સુધી તેમને ખોરાક આપવાની પણ ડોક્ટરે ના કહી. મુંબઈ છોડ્યું ત્યાં સુધી તેમની પ્રકૃતિ નરમ જ રહી. તેમના જીવનમાં ઇ. સ. ૧૯૪૪ પછી આવી ભયંકર બિમારી આ પહેલી જ હતી. આ શરીરનો કાંઇ જ ભરોસો નથી. તેનો સંચો ક્યારે બગડી જશે તે વિશે કશું જ ચોક્કસ કહી શકાય તેમ નથી. મૃત્યુ પણ વધારે ભાગે અચાનક જ આવે છે. એટલે સમજુ માણસે પ્રમાદનો પરિત્યાગ કરીને મળેલા સારા સમયનો સદુપયોગ કરીને જીવનને સફળ ને ઉજ્જવળ કરવા બનતો પ્રયાસ કરવો જોઇએ.

માંદગીને લીધે માતાજીનું શરીર ખૂબ જ નિર્મળ બની ગયું. તો પણ તેમને સાધારણ આરામ જેવું જણાતાં અમે પ્રસિદ્ધ તીર્થસ્થાન આલંદી અને દેહુ જવાનો વિચાર કર્યો. મુંબઈથી લગભગ ત્રીસેક ભાઇબેનોની હાજરીમાં એક દિવસ અમે યાત્રા માટે પ્રસ્થાન કર્યું અને રાત્રે પુના પહોંચ્યા.

પુનામાં ઉતારાની વ્યવસ્થા ઘણી સારી હતી. એક ખાસ બંગલો તે માટે પસંદ કર્યો હતો. બીજે દિવસે સવારે ત્યાંથી આલંદીની યાત્રા શરૂ કરી. થોડા વખતમાં જ અમે આલંદી આવી પહોંચ્યા. લાંબે વખતે એ અલૌકિક ધામના દર્શનથી અમને અપાર આનંદ થયો. છેલ્લાં થોડાં વરસોથી અમે શિરડીની યાત્રા કરતાં પરંતુ આ વખતે વિચાર બદલાયો અને થયું કે સમર્થ સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજના સમાધિસ્થાનને જોઇએ તો સારું. આલંદી મહાન સંત જ્ઞાનેશ્વરનું જન્મ, લીલા અને સમાધિસ્થાન છે. તેનો મહિમા ઘણો મોટો છે. મહાનપુરુષોના સ્મૃતિસ્થાનોમાં એક પ્રકારની તાજગી અને પ્રેરણા હોય છે. તેને મેળવીને માનવનું મન નૂતન થાય છે.

આલંદીની એ મારી ત્રીજી યાત્રા હતી. પેલા પ્રખ્યાત પ્રાચીન વૃક્ષનો આ વખતે ફરી ફોટો લીધો અને સમાધિ મંદિરના પ્રાંગણમાં બેસીને અમે એ સમર્થ સંતના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોનો વિચાર કર્યો. તે પછી મોડી સાંજે દેહુ ગામની મુલાકાત લીધી.

દેહુ ગામ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ અને સમર્થ સંત તુકારામનું જન્મસ્થાન છે. તે મહાન સંતનું જીવન પણ તે જ નાનાસરખા ગામમાં પસાર થયેલું. ગામ પ્રમાણમાં ખૂબ જ નાનું છે. પરંતુ તુકારામની સાથે સંકળાયેલું હોવાથી તેનું મહત્વ ઘણું વધી ગયું છે. મહાપુરુષોની લીલાભૂમિની મહત્તા એવી જ અનેરી હોય છે.

દેહુમાં પ્રવેશ કરીને અમે સૌથી પહેલાં પેલા ભંડારા પર્વતને જોયો, જેના પર બેસીને તુકારામ ભજનકીર્તન ને પ્રભુસ્મરણ કરતા. એ પર્વત પર જ તુકારામે વિઠ્ઠલના દર્શનનો નિર્ધાર કરેલો ને તેર દિવસના ઉપવાસ ને તપ પછી કહે છે કે તેમને વિઠ્ઠલ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો. નદીને લીધે આ પ્રદેશની શોભા વધારે હૃદયંગમ બની ગઇ છે. સંધ્યાના સુંદર રંગોથી રંગાયેલું પાણી ખૂબ જ સુંદર લાગે છે. તુકારામ મહારાજની યશગાથા ગાતો પર્વત આજે પણ પ્રશાંત યોગી જેવો ઊભો રહ્યો છે. સાધકો કે ભક્તોને પ્રેરણા પાય છે ને સંદેશ આપે છે કે તુકારામ જેવી ભાવભક્તિ હોય તો પ્રભુનું દર્શન દૂર નથી. પરમાત્માને જોવા માટે અંતર જ્યારે આતુર બને, આકુળવ્યાકુળ બને ને પરમાત્માની ચાહના કે ઝંખનામાં નિરંતર મગ્ન બને, ત્યારે પરમાત્માની કૃપા જરૂર થઇ જાય છે. તેને માટે કોઇ વિશેષ ભણતર કે ડીગ્રીની જરૂર નથી. પદ કે ધનની પણ જરૂર નથી. જોઇએ છે ફક્ત પ્રેમ ને પ્રેમના પરિણામે પીગળેલા પ્રાણમાંથી પ્રકટતો નિરંતર પોકાર. સંત તુકારામના જીવનમાં એ મહાન ને સનાતન સત્યનું પૂરેપૂરું પ્રતિબિંબ પડે છે.

નદીની બાજુમાં જ મંદિર છે. કહે છે કે આ મંદિરમાં તુકારામ સંકીર્તન કરતા. ત્યાંથી થોડેક દૂર જઇએ એટલે તુકારામનું મકાન આવે છે. મકાન તદ્દન જીર્ણ દશામાં છે. કેટલું નાનું, તૂટેલું-ફૂટેલું ઝૂંપડી જેવું મકાન છે ! કેટલાય મહાપુરુષો આવા જ નાના ગામમાં, નાના મકાનમાં ને તદ્દન ગરીબ માતા-પિતાને ત્યાં પેદા થયા છે. મહારાષ્ટ્રના બધા મોટા સંતોનો ઇતિહાસ આવો જ છે. તેમના જીવનકાળમાં કુટુંબ ને ગામના લોકોએ તેમની ટીકા ને નિંદા કરી તથા તેમનો બધી રીતે વિરોધ કર્યો. તેમને એકલે હાથે અનેકાનેક કષ્ટોનો ને મુસીબતોનો સામનો કરવો પડ્યો. પાછળથી લોકો તેમને પૂજવા ને માનવા લાગ્યા. તેમની મૂર્તિ કરીને તેમને મંદિરમાં સ્થાપ્યા. આજે તેમની પ્રતિષ્ઠા બધે જ ફેલાઇ ગઇ છે અને લોકો તેમનાં ગુણગાન ગાતાં થાકતાં નથી. માણસનું શરીર શાંત થાય પછી આંખો મીંચીને તેની પૂજા કરવી તેનાં કરતાં તેનું શરીર હયાત હોય ત્યારે જ તેની યોગ્યતા જોવી, વિવેકી બનીને તેનો લાભ લેવો અને તેનાં ગુણ ગાવા, તેમાં વધારે ડહાપણ અને મનુષ્યતા રહેલાં છે. પરંતુ મહાપુરુષો જ્યારે આપણી વચ્ચે શ્વાસ લેતા હોય ત્યારે એવું ડહાપણ વધારે ભાગના લોકોને સુઝતું નથી. નહિ તો ધર્મ અને સંતોના ગૌરવનું ગીત ગાતાં કદી ના થાકનારા આ દેશમાં સાચા સંતોની આવી દુર્દશા તેમના જ જીવન દરમ્યાન ના થઇ હોત.

તુકારામ જેવા મહાન સંતના જન્મસ્થાનને જોઇને ઘણો આનંદ થયો. પરંતુ તેમના જીર્ણ ઘરનો પુનરુદ્ધાર થવો જોઇએ અને તેમનું સારું સ્મારક પણ કરાવવું જોઇએ એમ લાગ્યા વિના ના રહ્યું. ભક્તો અને તુકારામના જીવનમાં રસ લેનાર પ્રસંશકો આ બાબતે ઘણું સારું કામ કરી શકે. ૩૬ કે ૩૭ વર્ષ જેટલી નાની વયમાં આ મહાન સંતે જે સુંદર પદોની રચના કરી છે તે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે અને ભવિષ્યમાં પણ વરસો સુધી આપ્યા કરશે. માનવ જાતિને સદાચાર અને પ્રભુમય જીવનને પંથે વાળવામાં તેનો ફાળો કાંઇ નાનોસુનો નથી. એકલા સાહિત્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ તેમની સેવા કિંમતી છે. ભારતના સંતસાહિત્યમાં તુકારામની ભક્તિવાણી ખાસ નોંધપાત્ર છે એ નિર્વિવાદ છે.

દેહુ ગામની નદી વિશે એક ખાસ ઉલ્લેખનીય વાત જાણવા મળી. કહે છે કે અગિયારસને દિવસે આ નદીનાં માછલાં અન્ન નથી ખાતાં. મતલબ કે તે ઉપવાસી રહે છે. ત્યાંના રહેવાસી આ વાતનો પ્રચાર પણ ખૂબ પ્રેમથી કરે છે. નદીનાં માછલાં પણ ખૂબ મોટાં થાય છે. નદીનું નામ ઇન્દ્રાયણી છે.

દેહુ ગામ તદ્દન નાનું અને સાધારણ છે. કેટલાક લોકો કહે છે કે આવા પછાત ગામ અને ઉજ્જડ પ્રદેશમાં જન્મીને જે ગરીબાઇમાં ઉછરે અને કુટુંબ અને ગામના લોકોની નિંદા સહન કરે તેનું મન સંસારના પદાર્થોથી ઉપરામ બનીને શું આપોઆપ પ્રભુપરાયણ ના બને ? પણ તેવા લોકોની વાત બરાબર નથી. આવાં પછાત ગામો ને ગરીબ કુટુંબોમાં તો કરોડો લોકો જન્મે છે. તેમને નિંદા, ટીકા, કષ્ટો ને નિર્ધનતાનો સામનો પણ કરવો પડે છે. છતાં તેમનું મન પ્રભુપરાયણ ને સંસારમાંથી ઉપરામ ક્યાં થાય છે ? એટલે મુખ્ય વસ્તુ જન્માંતર સંસ્કાર ને વિવેકની છે. તેનો ઉદય થાય એટલે માણસ સુખી કે દુઃખી ને નિર્ધન કે ધની - ગમે તે દશામાં હોય તો પણ પરમાત્માને માર્ગે વળીને જીવનનું શ્રેય કરવા તૈયાર થાય છે. એકલા દુઃખ ને દારિદ્રયને જ તેનું કારણ માનવું બરાબર નથી.

હવે દેહુની એક બીજી પ્રસિદ્ધ જગા જોવાની બાકી હતી. ગામમાં બધે ફરીને અમે તે જગાના દર્શન માટે વિદાય થયાં. તે જગા તુકારામ મહારાજના સ્વર્ગગમનની જગા તરીકે ઓળખાય છે. સંત તુકારામ સદેહે પ્રભુના ધામમાં ગયેલા અથવા અંતકાળે અદૃશ્ય થયેલા એ વાત જાણીતી છે. એ જગા તે જ મહાન અને અજોડ અમર ઘટના સાથે સંકળાયેલી છે.

એ પ્રસિદ્ધ સ્થાનમાં એક વૃક્ષ છે. તેની પાસે તુકારામ મહારાજના સશરીર અદૃશ્ય થયા પહેલાં રચેલા અભંગ લખેલાં છે. આ સ્થાનમાંથી પ્રભુના ગુણાનુવાદ ગાતાં તે મહાન સંતપુરુષ તિરોધાન થઈ ગયા હશે તે વખતે કેવું અલૌકિક દૃશ્ય ઉત્પન્ન થયું હશે ? શરીર સાથે અદૃશ્ય થવાની વાત નવાઈ લાગે તેવી જરૂર છે પરંતુ  નિરાધાર નથી. અને તેથી જ તેને મિથ્યા માનવાની ઉતાવળ કરવાની જરૂર નથી. યોગદર્શનના વિભૂતિપાદમાં યોગીની અદૃશ્ય થવાની સિદ્ધિનો ઉલ્લેખ કરેલો છે. ભક્તને પ્રભુની કૃપાથી તેવી શક્તિની પ્રાપ્તિ થઈ શકે છે.

તુકારામ મહારાજના અદૃશ્ય થયા પછી કહે છે કે તેમના કોઈ ભક્તે તેમના દર્શન માટે તે જ સ્થાનમાં બેસીને લગભગ ચાળીસ દિવસ ઉપવાસ કર્યા. કહે છે કે તેને પરિણામે તુકારામે તે ભક્તને ફરી દર્શન આપ્યું. તે ભક્તની પ્રતિમા આ સ્થાનમાં આજે પણ જોઈ શકાય છે.

દેહુથી રાતે પુના પાછા ફરીને બીજે દિવસે અમે મુંબઈ પાછાં ફર્યા.

 

 

Today's Quote

God's love elevates us without inflating us, and humbles us without degrading us.
- B.M. Nottage

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok