Text Size

ઉપવાસની ના

(1) દેવપ્રયાગનું દર્શન

ઋષિકેશના દિવસો એકંદરે આનંદકારક રહ્યા. ઋષિકેશમાં આ વખતે વરસાદ પ્રમાણમાં ઓછો હતો. વરસાદ ચાલુ રહે તેટલો વખત ઠંડક સારી રહેતી. પરંતુ વરસાદ બંધ રહેતાં ગરમી સારા પ્રમાણમાં પડવા માંડતી. ઋષિકેશની આબોહવા ચોમાસામાં આવી જ રહે છે. છતાં પણ વહેલી સવારે ને સાંજે વાતાવરણ સુંદર ને શીતળ રહે છે. ગંગાની મીઠી ને તાજી નહાઇને નીકળેલી લહરી ચારેકોર ફરી વળે છે ત્યારે મન બધી જાતનો થાક ભૂલી જઇને એકવાર ફરી આનંદમય બની જાય છે. ઋષિકેશ પર્વતની તળેટીમાં વસેલું છે તેથી વધારે રળિયામણું દેખાય છે. ચોમાસામાં ગંગા નવા વારિથી ભરપૂર ને વિશાળ બની જાય છે ને પર્વતો લીલાછમ શણગાર સજીને ઊભા રહે છે ત્યારે આંખ અને અંતર અપાર આનંદમાં ડૂબી જાય છે. એ શોભાને શબ્દોમાં આલેખવાનું કામ કપરું છે.

આ વરસે ઋષિકેશની પરિસ્થિતિ જરાક જુદી હતી. પાકા ડામરના નવા રસ્તા લગભગ બધા જ મુખ્ય માર્ગો પર થઇ ગયેલા અને વધુમાં સ્થળે સ્થળે પાણીનાં નળ પણ મૂકવામાં આવેલા. પાકિસ્તાનની રચના પછી ઋષિકેશ ઉત્તરોત્તર વધતું જ જાય છે. જે દિવસોમાં ધોળે દિવસે ઋષિકેશમાં હાથીનાં ટોળાં દોડી આવતાં ને ટ્રેન તથા મોટરના સાધનોનો અભાવ હતો તે દિવસો જેમણે જોયાં છે તેમને આજનું ઋષિકેશ તદ્દન જૂદું જ જણાય એ સમજી શકાય તેવું છે. છતાં એકાંત અને શાંતિપ્રિય માનવોને માટે આ પ્રખ્યાત ને પાવન પ્રદેશમાં હજી પણ શાંતિ ને કુદરતી જીવનની એટલી જ સામગ્રી પડી રહી છે ને સાધનાને માર્ગે મુસાફરી કરતાં મહાપુરુષોને માટે આજે પણ અનુકૂળ વાતાવરણની એટલી જ તક છે. ઋષિકેશનો પ્રદેશ જ એવો સુંદર ને શાંત છે કે એની અસર અંતરના ઉંડાણમાં એકધારી થયા કરે છે.

દેવપ્રયાગમાં જે સ્થાનમાં રહીને મેં સાત વરસ જેટલાં લાંબા સમય સુધી સાધના કરી તે સ્થાન જોવાની ઇચ્છાથી પ્રેરાઇને અમે બે દિવસ દેવપ્રયાગ પણ જઇ આવ્યા. પહાડી માર્ગ પરથી પસાર થઇને અમે આશ્રમની ભૂમિની મુલાકાતે ગયાં. આશ્રમનું મકાન તો તૂટી ગયું હતું. તેનું નિશાન ન હતું, પરંતુ ભુમિ હજી એવી જ હતી. પેલું પાણીનું વરસોનું પરિચિત શાંતા નદીનું ઝરણું પણ વહી રહ્યું હતું. એ સ્થાનમાં થોડી વાર બેસીને અમે ભૂતકાળના કેટલાક પ્રસંગો પર ઊડતી નજર નાખી લીધી. મોટા મોટા સામ્રાજ્યો અને શહેરો પણ જમીનદોસ્ત થઈ જાય છે ત્યાં-તેવા પરિવર્તનશીલ સંસારમાં એક સાધારણ કુટિરનો શો હિસાબ ? પરંતુ તેણે બજાવેલી સેવા અને જીવનના ઉત્થાનમાં ભજવેલો ભાગ કાંઇ ભૂલી જવાની વસ્તુ થોડી જ છે ? તેની સ્મૃતિ જીવનને માટે સદાય સહાયક થઇ પડે છે.

દેવપ્રયાગના ગંગાના સંગમનો આનંદ ઓર જ છે. અલકનંદા અને ભાગીરથીનો મેળાપ મનને મુગ્ધ કરે છે અને ગમે તેવા દિલને પણ બે ઘડી ડોલાવી દે છે. એવી છે એની હૃદયંગમતા.

દેવપ્રયાગમાં વરસો પહેલાં વિખૂટા પડેલા રામદાસજી પણ એકાએક મળી ગયા. ગંગા કિનારે આવેલા જોગીવાડાના મશહુર સ્થાનમાં તે રહેતા. તેમને લાંબે વખતે મળીને ખરેખર આનંદ થયો.

(૨) ઉપવાસની ના

ઋષિકેશના પાવન પ્રદેશમાં દિવસો શાંતિ અને પ્રસન્નતાપૂર્વક પસાર થયે જતા. જુદા જુદા અનુભવો પણ થયે જતા. ઋષિકેશના પાવન પ્રદેશમાં પ્રવેશ કરતાં વેંત જ પ્રેરણાની પરંપરા શરૂ થઇ હતી. હવે નવરાત્રિનો સમય આવી રહ્યો હતો. સાધનાનું કામ હજી બાકી હતું અને તેને પરિપૂર્ણ કરવા મારાથી બનતા તમામ પ્રયાસ કરી હું રહ્યો હતો.

'મા'ની કૃપા દ્વારા સાધનાની જે સફળતાને મળવવાનો મેં મનોરથ કર્યો છે તેની સિધ્ધિ માટે આજ સુધીનાં વરસોમાં મારાથી થાય તેટલી મહેનત મેં પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરી હતી, તેનો મને ઊંડો આત્મસંતોષ હતો. તો પણ મારા મનનું ઘડતર જ એવું છે કે ધારેલા કામને જ્યાં સુધી પૂરું ના કરું ત્યાં સુધી મને તૃપ્તિ ના વળે. તેથી આ વખતે પણ નવરાત્રિના દિવસોમાં પાણી પર ઉપવાસ કરવાનો મેં વિચાર કર્યો.

પરંતુ 'મા'નો વિચાર તેવો ન હતો. જે મહાશક્તિ મને દોરી રહી છે અને મારા જીવનને ચલાવી રહી છે તેની પ્રેરણા કે ઇચ્છા જુદી હતી. મારું સમગ્ર જીવન તે પ્રમાણે જ ચાલે છે. એટલે મારે તે પ્રમાણે ચાલ્યા વિના છુટકો જ ન હતો. સાધનાની આ એક ખાસ મહત્તા છે. તે દ્વારા માણસે ઈશ્વરની ઈચ્છાને ઓળખતાં શીખવાનું છે, ને તે ઇચ્છાને એક વાર જાણ્યા પછી તેમાં સંપૂર્ણ શ્રધ્ધા રાખી અને તેને મંગલ માનીને તે પ્રમાણે ચાલવાનું છે. દરેક વખતે માણસની બધી ઈચ્છા પર ઇશ્વર તરફથી મંજુરીની મહોર નથી મરાતી. તેવે વખતે તેની ખાસ કસોટી થાય છે. જે પોતાને પસંદ હોય તે ઇશ્વર તરફથી નાપસંદ કરવામાં આવે ત્યારે અને જે પોતાને પસંદ ના હોય અથવા જેની ઈચ્છા કે કલ્પનાયે ના હોય તે માટે ઇશ્વર તરફથી આજ્ઞા કે પ્રેરણા કરવામાં આવે ત્યારે તે બંને દશામાં માણસે શાંત અને પ્રસન્ન રહેતાં શીખવું જોઈએ. એવું મનોબળ ક્રમે ક્રમે કેળવી શકાય છે. પછી ભૂત કે ભાવિનું જ્ઞાન સારું હોય કે નરસું પણ માણસને વિચલિત કે ચંચળ નથી કરી શકતું.

તારીખ ૩ સપ્ટેમ્બર ૧૯૫૭ને મંગળવારે સવારે ધ્યાનમાં બેઠો હતો તે વખતે સવારે પા વાગે 'મા'એ અનુભવ આપીને જણાવ્યું કે 'ઉપવાસની શી જરૂર છે ? તે વિના તો તમને બધું જણાયા કરે છે. ઉપવાસનું નકામું દુ:ખ શા માટે ભોગવવું છે ? આ વખતે તમારે નવરાત્રીના ઉપવાસ ના કરવા. ફક્ત એક આઠમનો ઉપવાસ કરજો. '

ફરીવાર જણાવવાની પ્રાર્થના કરવાથી શ્રી સાંઈબાબાએ અનુભવ આપીને તેવો જ ખુલાસો કર્યો. તે દિવસ તા.૧૦ સપ્ટેમ્બર ને મંગળવારનો હતો.
મેં તેમને પૂછ્યું: 'હું ઉપવાસ કરું ?'
તેમણે તરત ઉત્તર આપ્યો: 'શું કામ? તમને જણાયું છે તેમ ઉપવાસ નથી કરવાના. કામ તમને કહ્યું છે તેમ થઈ જશે.'

ઉપવાસ ના કરવાનો અંતિમ નિર્ણય થઈ ગયો. મારું જીવન આ પ્રમાણે જ ચાલે છે. આ કથાનો વિચાર કરનાર તે સહેલાઈથી સમજી શકશે. આ પ્રેરણા કે અનુભવો મેં વારંવાર કહ્યું છે તેમ મારા મનનાં તરંગ કે ખ્યાલ નથી. મારી કલ્પનાના પરપોટા પણ નથી, પરંતુ ધ્યાનાવસ્થા કે જાગૃતિમાં 'મા' કે સાંઈબાબા જેવા સમર્થ મહાપુરુષો સાથે થયેલી વાતો છે. કોઈ વાર તે અંતરમાંથી સંભળાયેલી સાફ વાતચીત કે વાણી રૂપે હોય છે. તે વિશે મેં આજ સુધી બનતું સ્પષ્ટીકરણ કરી દીધું છે, એટલે વધારે સ્પષ્ટીકરણની જરૂર નથી લાગતી. આજની દુનિયાને માટે આ વસ્તુ તદ્દન નવી છે એ જાણું છું. ને માનું છું કે મોટા મોટા ને સારા સાધકો ને સંતોને પણ આ જાતના અનુભવ નથી થતાં, તો પણ જે સાચું છે તે સાધનાની સેવા માટે લખવું જ જોઈએ. એટલે સ્વાભાવિક રીતે જ આ બધું જ લખી રહ્યો છું.

ઉપવાસ કરવાનો વિચાર પહેલા પાકો હતો. પરંતુ 'મા'ની પ્રેરણા પ્રમાણે ચાલવું જ જોઈએ. છેલ્લાં કેટલાંય વરસોથી નવરાત્રીના પાણી પર ઉપવાસ ચાલતા હતા. તેમાં લગભગ આઠનવ વરસે આ વખતે ઉપવાસ ના કરવાની સૂચના મળી. 'મા'ની તે સૂચનામાં મંગલ માનીને મેં ઉપવાસની વાતને પડતી મૂકી. તે જે કરે છે તે સારું જ કરે છે, એવો મારો દૃઢ વિશ્વાસ છે. ભૂતકાળમાં તે વિશ્વાસ દરેક વખતે સાચો જ ઠર્યો છે.

 

 

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok