Thursday, October 22, 2020

મસૂરીમાં ત્રણ માસ - 1

આ વરસે 'મા' ને સાંઈબાબાએ મસુરી જવાની પ્રેરણા પહેલેથી જ આપી હતી એટલે હિમાલયના એ નવા સ્થાનમાં રહેવાનું નક્કી હતું. મસુરીમાં ત્રણ મહિના રહેવાની આજ્ઞા અથવા કહો કે સૂચના પહેલેથી જ મળી ગઈ હતી. તે પ્રમાણે ત્રણ મહિના અમારે મસુરીમાં રહેવાનું થયું પણ ખરું. એ બધો સમય અમે પિક્ચર પેલેસની સામે આવેલી નવભારત હોટેલમાં પસાર કર્યો. તેનું મકાન જરા ઊંચાઈ પર ને પ્રમાણમાં નાનું હતું. ઉપર પહેલે માળે રહેવા માટે બધા મળીને ફક્ત ચાર ઓરડા હતા. તેમાંયે ચોમાસાના દિવસોમાં પ્રવાસી ભાગ્યે જ ને બહુ ઓછી સંખ્યામાં આવતા. એટલે વધારે ભાગે મકાન ખાલી જ રહેતું ને કોઈ હોટેલ નહિ પરંતુ સ્વતંત્ર ને શાંત મકાનમાં રહેતા હોઈએ તેવું લાગતું. મકાનના ઉપરના કઠેરામાંથી નજર નાખતાં દૂર દૂર દહેરાદૂનની ખીણ દેખાતી ને પર્વતમાળા તથા પર્વતની અંદરથી પસાર થતા મોટરમાર્ગનું દર્શન થતું. બીજી બાજુ ઓરડાની બારીમાંથી ચાર રસ્તા દેખાતા. માણસોની અવરજવર તેના પર એટલી બધી રહેતી કે કોઈ મેળાનું સ્મરણ થઈ આવતું. ઓરડાની અંદર એકદમ એકાંત અને વસતી બંનેનો રસ અથવા આનંદ એ મકાનમાં મળી શકે તેમ હતો. પાસે જ પુસ્તકાલય હતું - તિલક મેમોરિયલ લાયબ્રેરી. દેશના એક મહાન સેવાભાવી ને વિદ્વાન પુરુષનું નામ એની સાથે જોડવામાં આવ્યું એ ખરેખર ખુશ થવા જેવું હતું. મસુરી જેવા દૂરના પર્વતીય પ્રદેશમાં એ મહાપુરુષને એવી અંજલિ આપવામાં આવે એ જોઈને કોને હર્ષ ના થાય ? મસુરીમાં નાની ને મોટી, આકર્ષક અને અનાકર્ષક હોટલોનો પાર નથી, ને તેમાં અનેક લોકો ઊતરે છે પણ ખરા. પરંતુ ઈશ્વરે અમારે માટે સ્થાન નક્કી કરી રાખ્યું હતું ને બીજી અનુકૂળતાની દૃષ્ટિએ અમારે માટે તે સારું હતું. એટલે બીજા સારાંનરસાં ઘણાં સ્થળ જોયાં તો પણ, અમુક અગવડ વેઠીને પણ અમે તે જ સ્થાનમાં નિવાસ કર્યો. અમારો સઘળો સમય અત્યંત શાંતિ ને આનંદપૂર્વક પસાર થઈ ગયો. ઋષિકેશના છેલ્લા સાતેક વરસના વસવાટ પછી મસુરીનું સ્થાન નવીનતાની દૃષ્ટિએ પણ ખૂબ ગમી ગયું ને ઉપયોગી થઈ પડ્યું.

મસુરી હવે તો ખૂબ ખૂબ જાણીતું થઈ ગયું છે એટલે તેનો નવેસરથી પરિચય આપવાની જરૂર ભાગ્યે જ હોય. દહેરાદૂન શહેરથી મોટરમાર્ગે લગભગ દોઢ કલાકમાં ત્યાં પહોંચી શકાય છે. માર્ગ આખો પર્વતીય છે ને પર્વતોની આજુબાજુ વળાંક પર વળાંક લેતી મોટર ઉપર ચઢે છે ત્યારે દેખાવ ઘણો સુંદર લાગે છે. શરૂઆતમાં દહેરાદૂનથી રાજપુર સુધી સીધો રસ્તો છે ને પછી જ પર્વતીય માર્ગ શરૂ થાય છે. લીલાછમ પર્વતો એક પછી એક આવ્યા કરે છે ને મોટર તેમનું દર્શન કરતી ને કોઈ વાર તેમની પ્રદક્ષિણા કરતી આગળ વધે છે. છેલ્લા બે માઈલ જેટલા કે તેથી પણ વધારે લાંબા અંતરથી મસુરીનાં પર્વતીય મકાનો જોવા મળે છે ને થાકેલા મુસાફરને થાય છે કે મસુરી આ આવ્યું....પરંતુ મસુરી દૂર હોય છે ને તેના પ્રવેશ માટે જરા વધારે ધીરજ રાખવી પડે છે.

મસુરીનાં મોટર સ્ટેન્ડ પણ ત્રણ છે : લાયબ્રેરી કે ગાંધીચોક, કિંકરેટ ને પિક્ચર પેલેસ. તેમાંથી ક્યા સ્ટેન્ડે ઊતરવું છે તે મુસાફરે પહેલેથી જ નક્કી કરી દેવું પડે છે. નહિ તો કેટલીક મુસીભત ઊભી થાય છે. અમને એ વાતની ખબર ન હતી એટલે થોડીક તકલીફ પડી. અમારે ભારત હોટલમાં જવું હતું ને મોટરવાળાએ અમને ગાંધીચોક કે લાયબ્રેરી બજારમાં ઉતાર્યાં. પરિણામે અમારે ઘણું લાંબું ચાલવું પડ્યું. પાછળથી ખબર પડી કે દહેરાદૂનથી ગાંધીચોક ને પીક્ચર પેલેસની જુદી જુદી બસ ઉપડે છે ને ટેક્ષી પણ બંને ઠેકાણે જવા મળી રહે છે. કિંકરેટના ત્રીજા સ્ટેન્ડનો ઉપયોગ હવે મોટા ભાગના મુસાફરો નથી કરતા. એ બાજુ રહેનારા કેટલાક લોકો ને માલ લઇ જનારા મજૂર હવે તેનો લાભ લે છે. થોડાં વરસ પહેલાં લગભગ બધી મોટરો આ જ સ્ટેન્ડ પર ઊભી રહેતી ને મુસાફરોને હાંફ ચઢે તેવી ચઢાઇ પસાર કરીને શહેરમાં જવું પડતું. પરંતુ પિક્ચર પેલેસનો નવો રસ્તો તૈયાર થવાથી એ મુશ્કેલી દૂર થઇ છે ને ચઢાઇ ઉતરાઇનો ભય ટળી ગયો છે. એ જૂના માર્ગે માલ લઇ જતા, ધીરે ધીરે ચાલતા, શ્વાસ ખાવા વચ્ચે વચ્ચે ઊભા રહેતા, ને પરસેવે કેટલીક વાર લથપથ થઇ ગયેલા મજૂરોને જોઇને આજે પણ આપણને કરુણાની લાગણી થઇ આવે છે. તેમની મહેનત કાંઇ ઓછી નથી. તે ઉપરાંત બીજા મજૂરો ને સીમલાની પેઠે હાથે રીક્ષા ખેંચનારા ને ગરીબ તથા મધ્યમ વર્ગના માણસોનો અહીં પાર નથી. ભિખારી અને અપંગ પણ સારી સંખ્યામાં જોવા મળે છે. તે બધાને જોઇને આપણને થાય છે કે મસુરી જેમ માનવામાં આવે છે તેમ એકલા શ્રીમંત ને સાંસારિક રીતે સુખી લોકોનું જ નિવાસ ને આરામ તથા સહેલગાહનું સ્થાન નથી. ત્યાં મોટાં મકાનોમાં સુખપૂર્વક સૂનારાં લોકોની જેમ તે જ મકાનોને ઓથે વરસાદમાં ભીંજાતા ને ટાઢમાં થરથરતાં લોકો પણ વસે છે. દિવસમાં ચાર-પાંચ વાર નાસ્તાપાણી કરનારા લોકોની જેમ જેમને પેટ ભરીને એક ટંક ખાવાની પણ મુસીબત છે તેવા અર્ધભૂખ્યાં ને શરીરને જેમ તેમ ઢાંકીને ફરનારાં માણસો પણ ત્યાં વસે છે. મસુરીના બહારના ચળકાટ, વિલાસ ને દમામની પાછળ ગરીબીની એક કરુણ દુનિયા પણ વસે છે એ ભૂલવા જેવું નથી અને એવી દુનિયા ક્યાં નથી વસતી ? ગરીબી અને અમીરીનાં એ વિરોધાભાસી દૃશ્યો આ દેશમાં પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ બધે જ દેખાયા કરે છે. એક ઠેકાણે બધું જ છે ને બીજે ઠેકાણે કશું જ નથી. એક ઠેકાણે સંપત્તિ ને સુખસાહ્યબીની રેલમછેલ છે ને બીજે ઠેકાણે એની એકદમ અછત છે. આવી વિરોધાભાસી અવસ્થામાંથી આપણે સર્વોદય કે સમાજવાદી સમાજરચનાની સ્થાપના કરવાની છે. કામ ધાર્યા જેટલું, માન્યા જેટલું ને વાતો અથવા યોજનાઓ કરવા જેટલું સહેલું નથી, છતાં પણ તેને પૂરું કર્યા વિના છૂટકો નથી. આપણે ઈચ્છીએ કે એક દિવસે-દિવસોના પરિશ્રમને અંતે એક ધન્ય દિવસે તે સફળ થાય. આ દેશમાં ને દુનિયાના બધા જ દેશોમાં જીવનની જરૂરી ચીજો સૌને બરાબર મળી રહે ને સૌ સુખી થાય.

મસુરી સમુદ્ર સપાટીથી આશરે ૬૦૫૦ ફીટ ઉંચુ છે. ક્યાંક ક્યાંક ૭૦૦૦ ફીટથી વધારે ઊંચાઇ પણ છે. વરસાદના દિવસોમાં તે ખૂબ જ ઠંડુ થઇ જાય છે. વરસાદના દિવસોમાં લાગે છે પણ ઘણું અનેરું. વરસાદ પર્વતીય પ્રદેશ હોવાને લીધે પડે છે પણ ઘણો પરંતુ વરસાદ ના હોય ત્યારે ધુમ્મસના ગોટેગોટા ઊંચા ઊંચા પર્વતો, મકાનો તથા રસ્તાઓ પર બધે જ ફરી વળે છે. સાધારણ રીતે તો માણસને એવે વખતે ગમે પણ નહિ. પરંતુ એમાં પણ એક પ્રકારનો આનંદ છે. પર્વતીય પ્રદેશમાં રહેવાને ટેવાયેલા લોકો માટે એવું વાતાવરણ નવું નથી હોતું. એ વખતનું વાતાવરણ જોવા જેવું હોય છે. ઘડીમાં ધુમ્મસના ગોટેગોટા બધે પથરાઇ જાય ને જ્યાં જુઓ ત્યાં કોઇ નાટકનો પડદો પડે તેમ વિશાળ પડદો પડી જાય ને બીજી જ ઘડીએ અથવા થોડી વાર પછી એ બધું જ ધુમ્મસ વિખરાઇ જાય, અંધકારને બદલે બધે પ્રકાશ પ્રકાશ ફેલાઇ જાય ને બધું ચોક્ખે ચોક્ખું દેખાવા માંડે. પરંતુ એ દેખાવ પણ કાયમને માટે થોડો જ રહેવાનો છે ? લશ્કર જેમ આગેકૂચ કરતું હોય તેમ વળી પાછું ધીમે ને ઝડપી ગતિથી ધુમ્મસ દોડાદોડ કરવા માંડે ને વળી પાછો જ્યાં જુઓ ત્યાં બધે જ પડદો પડી જાય. કોઇવાર વરસાદની ધારા પર ધારા પડવા માંડે તો કોઇ વાર વરસવાની સંભાવનાવાળા વાદળ વરસ્યા વિના જ પસાર થઇ જાય. કુદરતના એવા અનેરા અભિનયનું દર્શન કરીને અંતરને અવર્ણનીય આનંદ થાય.

તો પણ દિવસ કરતાં રાતે ઠંડી વધારે હોય છે. તેમાં પણ વરસાદ પડે છે ત્યારે તો ઠંડી ઘણી જ વધી જાય છે. ઠંડીનો સફળતાપૂર્વક સામનો કરવા લોકો વધારે ભાગે ઊનના ગરમ કપડાં પહેરે છે. બાકી સુતરાઉ વસ્ત્રોમાં સજ્જ લોકો પણ કેટલાય જોવા મળે છે. રંગબેરંગી પોશાક પહેરીને સાંજે ને સવારે સ્ત્રીપુરુષો રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે દેખાવ અજબ જેવો લાગે છે. સ્ત્રી ને પુરુષોનું પ્રદર્શન ભરાયું હોય - કોઇ મોટો મેળો ભરાયો હોય તેવું લાગે છે. ખૂબ જ સરસ દૃશ્ય હોય છે.

મસુરી શહેર પ્રમાણમાં ચોક્ખું છે. રસ્તા મોટા, પાકા અને પહોળા છે. લાંબે લગી વિસ્તરેલા રસ્તા પર ફરવા જવાનો આનંદ ઓર જ હોય છે. ઠંડી વધારે હોવાથી શરૂઆતમાં કોઇને પાતળા મળ તથા શરદી જેવા વ્યાધિ થઇ જાય છે. તે માટે ઠંડીથી રક્ષણ મેળવવામાં મદદ કરે તેવા વસ્ત્રોની તથા આહાર વિહારમાં નિયમિત રહેવાની જરૂર પડે છે. અમને પણ - ખાસ કરીને માતાજીને શરૂઆતમાં પાતળા મળ શરૂ થયા. માતાજી જરા વધારે નરમ થઇ ગયા. પરંતું થોડાક દિવસોમાં જ તકલીફ દૂર થઇ ગઇ. વૈદ્યનાથ ફાર્મસીની ક્લોરોડીન નામની દવાએ એ બાબત બહુ જ ઉપયોગી કામ કર્યું. તે દવા ખરેખર અક્સીર લાગી. બે-ચાર વાર તેનો પ્રયોગ કરવાથી જ મળ બંધ થયા ને પૂરેપૂરી રાહત મળી. પછી તો તે દવાની એક બાટલી કાયમ માટે સામે ટેબલ પર જ રાખી મૂકતાં. એ ઠંડા પ્રદેશમાં તેનું મહત્વ એટલું બધું હતું. દવા અત્યંત અક્સીર હતી ને તેના પ્રમાણમાં ખાસ મોંઘી ન હતી. આજે તો બજારમાં જાત જાતની ને ભાત ભાતની દવાઓ દેખાય છે. અસલી દવામાં ભેળસેળ કરવાની ને નકલી દવા વેચવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે. દવાઓ મોંઘી પણ એટલી બધી મળે છે કે સાધારણ માણસ તેનો લાભ ભાગ્યે જ લઇ શકે. દવા ને ડોક્ટર બંનેની કિંમત વધી પડી છે. માણસનું ધ્યાન દર્દીની દવા કે સારવાર કરતાં પણ પૈસા પેદા કરવા તરફ વધારે છે. આપણે આયુર્વેદને વધારે ને વધારે લોકપ્રિય ને વ્યાપક બનાવવું હોય તો એ અક્સીર બને, સુલભ બને ને વધારે ને વધારે સસ્તું છતાં સારું બને તેનું ધ્યાન રાખવું જોઇશે. તે ઉપરાંત, સત્તા અને પદપ્રતિષ્ઠાની હોડ અને આંતરિક મતભેદ, ઇર્ષા અને વૈમનસ્યને દૂર કરીને સૌના હિતસાધનને માટે સંયુક્ત પુરુષાર્થ કરવો જોઇએ.

 

 

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok