Sunday, October 25, 2020

મસૂરીમાં ત્રણ માસ - 2

સવારે ઊઠી પરવારીને બીજા બહારના કામમાં મન લગાડીએ તે પહેલાં દાતણની જરૂર પડે. હવે તો મોટા ભાગના માણસો આવા અને બીજા સ્થળમાં દાતણને બદલે કાયમને માટે બ્રશનો ઉપયોગ કરે છે. છતાં પણ જેમને દાતણ જોઇતા હોય તેમને માટે મસુરીમાં દાતણ નથી એમ નહિ. બજારમાં કેટલેક ઠેકાણે તેજમલના દાતણ વેચાય છે. પર્વતોમાં તેજમલના ઝાડ થાય છે. તેમાંથી એ દાતણ તૈયાર કરવામાં આવે છે. તે કાંટાવાળા હોય છે. કાંટા કાઢી નાખીને પછી જ તેનો ઉપયોગ થાય છે. તેજમલના એ દાતણ ભારે વિચિત્ર ને યાદગાર હોય છે. તેનાથી મોંમાં એક જાતની ઝણઝણાટી ઉત્પન્ન થાય છે ને સુંદર સુવાસ પેદા થાય છે. થોડી જ વારમાં મોં બરાબર સાફ થઇ જાય છે. તે દાતણનો પ્રયોગ કરવા જેવો છે. અમે તો રોજ સવારે તેનો જ ઉપયોગ કરતા. તેજમલના ઝાડ પર્વતોમાં બધે જ ઠેકાણે કે બધા જ પર્વતોમાં નથી થતાં. અમુક ખાસ ઉંચાઇ પરના પર્વતોમાં થાય છે. દેવપ્રયાગ પાસેના દશરથાચલ પર્વત પર જતાં રસ્તામાં અમે તે ઝાડ જોયા હતા. ઊંચા પર્વતો પર તે પ્રમાણે દેવદાર, ચીડ ને ચિનારના ઝાડ પુષ્કળ પ્રમાણમાં થાય છે ને તે ઝાડ અહીં પણ જોવા મળે છે. તે ઉપરાંત, પાતળા ને લાંબા થડવાળા બીજા જાતજાતના ઝાડ પર્વતમાં બધે જ છવાયેલા છે. મકાનો પણ છૂટાછવાયાં અનેક જોવા મળે છે. લીલાંછમ પર્વતો છૂટાછવાયાં મકાનોને લીધે વધારે રમણીયતા ધારણ કરે છે.

ફુલોના વિશિષ્ટ બગીચા અહીં ક્યાંયે નથી દેખાતા. મકાનોમાં ક્યાંક ક્યાંક બગીચા છે તે જ. બજારમાં ક્યાંય ફુલ નથી મળતાં. શહેરથી દૂર દૂર એક તરફ મ્યુનિસિપલ ગાર્ડન છે પણ તે એટલું બધું આકર્ષક નથી. છતાં પણ સુંદર, પહોળા ને સ્વચ્છ રસ્તાને લીધે શહેર દેખાવડું લાગે છે. દુકાનો ને મકાનો પણ આધુનિક ઢબે સજ્જ છે. ઇંડા, માંસ ને દારૂનો વપરાશ અહીં ઘણા વધારે પ્રમાણમાં થાય છે. ઠંડા પ્રદેશમાં ગરમી ઉત્પન્ન કરવા એ બધું જરૂરી છે એમ કેટલાક માને છે ને કહી બતાવે છે. પણ તેમની માન્યતા બરાબર નથી. તેવા લોકો આદતના દાસ થઇ ગયા છે એટલું જ. બાકી ઠંડા પ્રદેશમાં એવી વસ્તુઓ જરૂરી છે એવું નથી. ઠંડા પ્રદેશમાં આજે પણ એવા કેટલાય લોકો છે જે એમના સિવાય સહેલાઇથી ચલાવે છે. એટલે એવી બધી દલીલોને છોડી દઇને માણસે પોતાનું જીવન વધારે ને વધારે સાદું, સંયમી, વ્યસન વિનાનું, સાત્વિક અને અહિંસક કરવાની જરૂર છે.

પર્વત પર ને પર્વતની માળા વચ્ચે વસેલા આ શહેરમાં ઉત્સવો પણ નથી થતાં એમ નહિ. દરેક પ્રજાને પોતાના આગવા ઉત્સવો ને તેમને ઉજવવાની વિશેષ પદ્ધતિ હોય છે. કેટલાક રાષ્ટ્રીય તહેવાર પણ હોય છે ને તેમની ઉજવણી લગભગ બધે જ થાય છે. પંદરમી ઓગષ્ટનો દિવસ એવો જ ને મસુરીના સુંદર શહેરમાં તે બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે. વહેલી સવારે જુદી જુદી નિશાળોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીના સરઘસ નીકળે છે ને સાંજે મ્યુનિસિપાલીટીના વિશાળ હોલમાં કાર્યક્રમ યોજાય છે. કુતૂહલથી પ્રેરાઇને અમે પણ એ કાર્યક્રમ જોવા ગયા હતા. તે વખતે ત્યાં જુદી જુદી નિશાળો ને પાઠશાળાના છાત્રોની ગીત હરિફાઇ ચાલી રહી હતી. પ્રેક્ષકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ને અવાજ કે કોલાહલનો પાર ન હતો. મસુરી જેવા આગળ પડતા શહેરના વિદ્યાર્થી ને નાગરિકો આવી અશાંતિ ઉભી કરે ને અસભ્ય રીતે વર્તે ને તે પણ પંદરમી ઓગષ્ટ જેવા ગંભીર દિવસે, તે જરા દુઃખ થાય તેવું હતું. પરંતુ એ તો આપણી દેશવ્યાપી અસભ્યતાનો પડઘો હતો. દેશે આઝાદી મેળવી છે પરંતુ હજી વિનય, વિવેક, પ્રામાણિકતા, દેશપ્રેમ ને શિષ્ટાચારની બાબતમાં પ્રજાએ ઘણું ઘણું શીખવાનું છે. આવા રાષ્ટ્રીય ઉત્સવોની બાબતમાં પણ આપણે શિસ્ત કેળવવાની છે. ઉત્સવોને દિવસે આપણે સરઘસ કાઢીએ, કાંતીએ, લાઇટ કરી મકાનોને શણગારીએ, પ્રાર્થના અને ચર્ચા ને બીજા કાર્યક્રમ કરીએ તેની હરકત નથી. પરંતુ બાકીના દિવસોમાં સ્વચ્છંદી ને નિયંત્રણ રહિત જીવન જીવવાની જરૂર નથી. આપણું આખુંય જીવન સેવામય, શિસ્તબદ્ધ અને આદર્શ બનાવવાની આપણી નેમ હોવી જોઇએ. તે માટે જાગ્રત રહીને આપણે મહેનત કરવી જોઇએ. દેશનું મુખ ત્યારે જ ઉજ્જવળ થઇ શકે. જે સારું છે તેને રોજિંદા જીવનમાં ને કાયમ માટે વણી લેવાની આવશ્યકતા છે.

જન્માષ્ટમી ને નાનક જયંતિના દિવસો પણ મસુરીમાં બહુ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. તે દિવસે સરઘસ કાઢીને શહેરના મુખ્ય માર્ગે ફેરવવામાં આવે છે. સરઘસમાં અંગકસરત ને જાદુના પ્રયોગો તથા તલવાર ને છરાના દાવ કરવામાં આવે છે. શહેરની જુદી જુદી સંસ્થાઓ એ કાર્યક્રમમાં ભાગ લે છે. ઉત્સવ, પર્વ કે જયંતિના દિવસોને નિમિત્તરૂપ બનાવીને લોકો એ રીતે બને તેટલો આનંદ કરે છે.

નવરાત્રીના દિવસો દરમ્યાન મસુરીમાં દસેક દિવસનો મોટો ઉત્સવ થાય છે. તેને ઓટમ ફેસ્ટીવલ કહે છે. તે વખતે પર્વતોની અંદરના લોકો ઘણી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાતભાતના પોશાક પહેરીને ટોળે વળતા એ લોકો પર્વતીય સભ્યતાનો પરિચય કરવા માગનારને અત્યંત કીમતી સામગ્રી પૂરી પાડે છે. એ દિવસોમાં પર્વતોના બીજા કેટલાક પ્રદેશોમાં થાય છે તેમ રામલીલાનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. રાતે મોડે સુધી રામલીલાનો રસિક કાર્યક્રમ ચાલ્યા કરે છે ને તેનો લાભ લેવા અત્યંત ઠંડી હોવા છતાં અનેક લોકો ભેગા થાય છે. નવરાત્રી શરૂ થતાં પહેલાં શ્રાદ્ધ પક્ષના પ્રારંભથી જ મસુરીમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે ને વાતાવરણ બદલાઇ જાય છે. સાંજે છ વાગે અંધારુ થવા માંડે છે ને બહાર નીકળનારે ભારે હિંમત ને તૈયારી સાથે નીકળવું પડે છે. છતાં કોઇ કોઇ વિરલા પ્રવાસી એ ઋતુમાં પણ ત્યાં આવી પહોંચે છે. એ વખત અત્યંત ઠંડો છતાં સુંદર અને આહલાદક હોય છે. વરસાદે હવે વિદાય લીધી હોવાથી આકાશ તદ્દન સ્વચ્છ વાદળ વિનાનું થઇ ગયું હોય છે ને પર્વતો અત્યંત રળિયામણું રૂપ ધારણ કરીને ઊભા રહ્યા હોય છે. ઠંડી ને કારમી ઠંડીને સહન કરવાની હિંમત કે શક્તિ હોય તો પ્રવાસને માટે એ વખત પસંદ કરવા જેવો છે.

ઓટમ ફેસ્ટીવલનું ઉદઘાટન એ વરસે - ઇ. સ. ૧૯૫૮માં ભારતના ગૃહપ્રધાન પંડીત ગોવિંદ વલ્લભ પંતને હાથે કરાવવામાં આવ્યું. તે નિમિત્તે તેમને જોવાનો લાભ મળી શક્યો. તેમનું શરીર ખૂબ જીર્ણ ને અશક્ત જેવું દેખાતું. બોલતી વખતે પણ તેમને કંપ થતો. દેશના મુખ્ય મુખ્ય અનુભવી નેતાઓ મોટી ઉંમરને લીધે આ રીતે શારિરીક અશક્તિવાળા છે. છતાં તે દેશસેવાના મહત્વના કામમાં બનતો ફાળો આપી રહ્યાં છે. ભવિષ્યમાં દેશને સારા અનુભવી નેતા વિના મુસીબતમાં મુકાવું ના પડે તે માટે નાની ઉંમરના નેતાને તૈયાર કરવાની ખૂબ ખૂબ જરૂર છે, એમ મને તે વખતે લાગ્યા વિના રહ્યું નહિ. જૂના નેતાઓની દોરવણી નીચે તે સારી રીતે ઉછરી શકે એમાં સંદેહ નહિ.

શ્રી વલ્લભભાઇ પટેલ છેલ્લે છેલ્લે મસુરી આવતા ત્યારે બિરલા હાઉસમાં રહેતા એવું મેં સાંભળ્યું હતું. ગાંધીજી પણ ત્યાં ઉતરતા. કુતૂહલથી પ્રેરાઇને એક દિવસ અમે એ બાજુ ફરવા ગયાં. પણ બિરલા હાઉસ કંઇ પાસે નથી. ગાંધી ચોકથી કેટલેય દૂર જઇએ ત્યારે ચાર્લીવેલી હોટલ આવે છે. ત્યાંથી કાચા રસ્તા પર લાંબે લગી ચાલવું પડે છે. ત્યારે ભારે તપ કર્યા પછી સાધકને જેમ સિદ્ધિ મળે તેમ બિરલા હાઉસના દર્શન થાય છે. મકાન ઘણું સુંદર ને ભવ્ય છે. પરંતુ આજુબાજુનું વાતાવરણ એટલું આકર્ષક ના લાગ્યું. પર્વતની છેક ખીણમાં આવેલી એ જગ્યા કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર ના જણાઇ. એટલે માત્ર તે સ્થાન સુધી ફરવા જવાનો સંતોષ માણીને અમે પાછાં ફર્યાં.

મસુરીના નિવાસ દરમ્યાન એક બીજો પણ નોંધપાત્ર બનાવ બન્યો. મદ્રાસથી લાભુબેન જગન્નાથપુરી ને કાશી જેવા તીર્થોની યાત્રાએ નીકળેલા. તે ફરતાં ફરતાં અમારી પાસે આવી પહોંચ્યા. તેમના ભાઇ પણ તેમની સાથે હતા. તે લગભગ બારેક દિવસ અમારી પાસે રહ્યાં. વરસોથી તે મદ્રાસ જવા માટે સંદેશા મોકલતાં. પરંતુ એક યા બીજા કારણે ને ખાસ તો ઇશ્વરની ઇચ્છા ના હોવાને લીધે જઇ શકાતું ન હતું. આ વખતે તો બંને ભાઇબેને રૂબરૂ આવીને ખાસ આગ્રહ કર્યો ને પ્રભુની પ્રેરણા પણ મળી ગઇ એટલે દિવાળી પર કે દિવાળી પછી જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે મદ્રાસ જવાની વાત મેં મંજૂર રાખી.

મસુરીમાં જોવા જેવી જગ્યાઓમાં લાલ ટિબ્બા, ગન હિલ, કેમ્પટી ફોલ, ભટ્ટા ફોલ, મ્યુનિસિપલ ગાર્ડન વગેરે ખાસ ગણાય છે. અહીં આર્યસમાજની શાખા ને સનાતન ધર્મનું મંદિર પણ છે. સનાતન ધર્મશાળા પણ છે. તેની બાજુમાં ગુરુદ્વારા પણ છે. ઉપરાંત ખ્રિસ્તી મંદિર કે ચર્ચ ઘણાં છે. ખાસ કરીને રવિવારે ત્યાં પ્રાર્થનાદિ થાય છે. તે વખતે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ને બીજા માણસો મોટી સંખ્યામાં ભેગા થાય છે. પંજાબી, શીખ ને બીજા યુવાનોને સરઘસાકારે ચર્ચમાં જતાં જોઇને મને થયું કે શીખ ધર્મ ને સનાતન ધર્મમાં એવું શું નથી કે જેથી આ યુવાનોને ખ્રિસ્તી ધર્મનું શરણ લેવું પડ્યું ! તોપણ જે શાંતિ ને ઉત્સાહથી નિયમિત રીતે આ બધા ચર્ચમાં એકઠા થાય છે એ આવકારદાયક ને અનુકરણીય છે. આપણે ત્યાં આવી નિયમિતતા ને આવા ઉત્સાહથી ધર્મસ્થાનોની મુલાકાત લેનારા કેટલા ? ભણેલા કે ભણવા માંડતા ને સંપન્ન લોકો વધારે ભાગે ધર્મથી વિમુખ થયેલા ને થતા દેખાય છે. ધર્મનો સાર જીવનને ધર્મમય બનાવવાનો છે એ સાચું છે, પરંતુ એ અંગે આપણે ત્યાં ખાસ પ્રગતિ થઇ હોય તેમ નથી દેખાતું. ધર્મને જીવનનું અગત્યનું અંગ માનનારા, ધર્મસ્થાનો ને ધર્મપુરુષો પ્રત્યે આદરભાવ રાખનારા, ને જીવનને ધર્મમય કરવા પ્રામાણિકપણે પુરુષાર્થ કરનારા માણસોની આપણને આવશ્યકતા છે. ધર્મ જો જીવનમાંથી કપાઇ જશે તો માણસમાં માણસાઇ જેવું કાંઇ નહિ રહે. તે પશુથી પણ પામર, હીન ને બદતર બની જશે.

મસુરીમાં હેકમન હોટલથી થોડેક આગળ એક મકાનમાં હાથે દોરેલાં ચિત્રોનું પ્રદર્શન યોજાતું. પહેલાં તો મને થતું કે આ કોઇ સાધારણ ચિત્રોનું પ્રદર્શન હશે. પરંતુ એકવાર મેં ને માતાજીએ તે જોયું ત્યારે જ ખબર પડી કે તેની મહત્તા ધાર્યા કે માન્યા કરતાં ઘણી વધારે છે ને ચિત્રકળાના રસિકોએ ને સામાન્ય માણસોએ પણ તે ખાસ જોવા જેવું છે. ચિત્રકારે વધારે ભાગે ગાંધીજી, નહેરુજી, સરદાર, ટાગોર અને એવા બીજા દેશનેતાનાં જ ચિત્રો દોરેલાં છે. પરંતુ એ એટલા બધા આબેહુબ, સજીવ કે સરસ છે કે વાત નહિ. બુદ્ધના ગૃહત્યાગનાં ને  બીજાં એવાં થોડાં પ્રસંગચિત્રો પણ એટલાં જ આકર્ષક છે. તે જોઇને આપણું અંતર આનંદથી ઉભરાઇને ઓતપ્રોત બની જાય છે ને બોલી ઉઠે છે કે ચિત્રકાર કોઇ બજારુ કે સામાન્ય ચિત્રકાર નથી પરંતુ ઉત્તમ કક્ષાના કલાકાર છે ને ચિત્રકળા તેમને વરેલી છે. આપણા વિશાળ દેશમાં ખૂણેખાંચરે આવાં કેટલાં કલાકાર રત્નો હશે તેની કોને ખબર છે ? દરેકને પ્રોત્સાહન મળે જ છે એમ નથી હોતું; ને કેટલાયની કળા ઉત્સાહ કે પોષણ ના મળવાથી કે બીજા કોઇ કારણે અકાળે કરમાઇ પણ જાય છે, તો કેટલાકની અર્ધવિકસિત અથવા અવિકસિત અવસ્થામાં જ રહી જાય છે. ગમે તેમ પણ ચિત્રોનું એ પ્રદર્શન જોઇને અમને અત્યંત આનંદ થયો. દેશમાં આવા ઉત્તમ કલાકારોનું સન્માન કે બહુમાન કરવામાં આવે એ અત્યંત આવશ્યક છે. તેથી તેમનું ને દેશનું હિત જ સધાશે.

વરસાદના દિવસોમાં મસુરીની શોભા જોવા જેવી હોય છે. ધુમ્મસ, વાદળ, વરસાદ, ઉઘાડ તથા તાપના નવા નવા પડદા ક્રમેક્રમે પડ્યે જાય છે. નવા પ્રવાસી કે મુલાકાતી તો એથી ગભરાઇ જ જાય છે. વરસાદમાં ઠંડી પણ વધી પડે છે. આ વરસે તો વરસાદ પહેલેથી જ સતત અને સખત રીતે પડ્યા કરતો. છેક શ્રાદ્ધ પક્ષમાં આકાશ રોજ રોજ ઉઘાડું રહેવા માંડ્યું. તો પણ ત્રણ મહિનાનો મસુરીનો નિવાસ અમારે માટે અત્યંત અનુકૂળ અને આનંદદાયક રહ્યો. 'મા'એ અને સાંઇબાબા જેવા સમર્થ પુરુષે અમારે માટે જે નવું સ્થાન આગલા વરસે નક્કી કર્યું હતું તે અમને ગમી ગયું.

'મા'ની પ્રેરણા પ્રમાણે આસો સુદી પાંચમે મસુરીથી નીકળીને અમે ઋષિકેશ પહોંચ્યા.

 

 

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok