Saturday, June 06, 2020

પુષ્પની કૃપાપ્રસાદી

વાત આશરે ઇ. સ. ૧૯૬૩ની છે.
એ વખતે ઇશ્વરેચ્છાને અનુસરીને હું માતાજી સાથે હિમાલયના મસુરી નગરમાં નિવાસ કરતો.
મસુરીમાં કેવી રીતે રહેવાનું થયું એનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ, અવનવો અને અનોખો હોવાથી જાણવા જેવો છે.
દેવપ્રયાગના મારા દીર્ઘકાલીન નિવાસ દરમ્યાન મને કોઇ કોઇવાર વિચાર આવતો કે મસુરીના શાંત સ્વચ્છ સ્થળમાં રહેવાનું હોય તો સારું. પરંતુ એ સ્થળમાં રહેવાનું ધાર્યા જેટલું સહેલું નહોતું, એની મને માહિતી હતી. ઇશ્વરની ઇચ્છા હોય તો જ રહી શકાય. મારા સમગ્ર જીવનનો અથવા એની નાની મોટી ગતિવિધિનો દોરીસંચાર પરમાત્માની પરમ શક્તિ દ્વારા થઇ રહેલો. વરસોથી એ જ મારી પ્રેરક, પથપ્રદર્શક તથા સહાયક હતી. મારા ઋષિકેશના નિવાસ દરમ્યાન વરસો પછી ઇ. સ. ૧૯૫૬માં પરમાત્માની એ પરમ શક્તિએ એક દિવસ મને ધ્યાનાદેશ આપતાં જણાવ્યું : તમારે આવતા વરસે મસુરી રહેવા જવાનું છે.
મસુરીમાં ક્યાં રહેવાનું થશે ?
નવભારત હોટલમાં.
ત્યાં કેટલો સમય રહેવાનું થશે ?
ત્રણ મહિના.
વાર્તાલાપ ખૂબ જ સ્પષ્ટ હતો. આદેશના એ પ્રકારના અનુભવો આજ સુધી અનેક વાર થઇ ચૂકેલા હોવાથી એ અનુભવથી મને કશું આશ્ચર્ય ના થયું.
બીજે વરસે અમે મસુરી માટેનો કાર્યક્રમ બનાવ્યો. મસુરીના ગાંધી ચોકના બસ સ્ટેન્ડે ઊતરી પડ્યાં. ત્યાંથી આગળ વધીને મસુરી નગરમાં દાખલ થયા. હોટલના ભોમિયાઓ પોતપોતાની હોટલની ભલામણ કરતા અને પસંદગીનો આગ્રહ સેવતા. અમારા અને એમના કાર્યને સરળ બનાવવા માટે અમારી પાછળ પડ્યા. માર્ગે મળતી હોટલોને નિહાળતા અમે ક્રમશઃ આગળ વધ્યાં પરંતુ કોઇયે હોટલ પર અમારી દૃષ્ટિ ઠરી નહિ. ખૂણા પરની એવરેસ્ટ હોટલને પણ જોઇ લીધી. અમારી સાથે બસસ્ટેન્ડથી જ ચાલ્યા આવતા હોટલના એક ગઢવાલી ગાઇડે અમને કહ્યું : 'તમે બીજી હોટલોને જુઓ છો ને પાછા ફરો છો તો મારી હોટલ તો જુઓ.'
'તમારી હોટલ ક્યાં છે ?'
'તદ્દન પાસે, સામે જ છે. ચઢાઇ ઉતરાઇ જેવું કશું જ નથી. તમને જોતાંવેંત જ ગમી જશે.'
અમે એમની હોટલમાં પ્રવેશ કર્યો. હોટલનો રૂમ વિશાળ, સ્વચ્છ ને સુંદર હતો. અમને તે પસંદ પડી ગયો. સામાનને અંદર મંગાવ્યો એટલે ગાઇડની પ્રસન્નતાનો પાર ના રહ્યો. સામાનને સુવ્યવસ્થિત રીતે મૂકાવ્યા પછી મેં એમને પૂછ્યું : 'આ હોટલનું નામ શું ?'
એમણે તરત જ ઉત્તર આપ્યો : 'નવભારત હોટલ.'
મને આશ્ચર્ય અને આનંદ બંનેનો અનુભવ થયો. ઇશ્વરનો આદેશ નવભારત હોટલમાં જ ઊતરવાનો હતો, તે કેવી અજ્ઞાત છતાં અદભુત રીતે સફળ થયો ? ઇશ્વરની વિરાટ સર્વોપરી શક્તિ કેવી અલૌકિક રીતે ચોક્કસપણે કાર્ય કરે છે એના વિચારથી અમે ગદગદ બની ગયાં. એની લીલા અતિ ગહન, અવર્ણનીય, અજબ છે.
અગાઉના આદેશ અનુસાર નવભારત હોટલના એ સ્થાનમાં અમારે બરાબર ત્રણ મહિના જ રહેવાનું થયું. અમારો આવાસ સર્વ પ્રકારે અનુકૂળ રહ્યો.
પીક્ચર પેલેસ સિનેમાની સામેની એ નવભારત હોટલમાં અમે છ વરસ જેટલાં લાંબા કાળ સુધી - પ્રત્યેક વરસે ત્રણ મહિના વાસ કર્યો. ઠંડી વધતાં ઓક્ટોબરના આરંભે ઋષિકેશ આવી જતાં. પાછળથી મૂળ મકાનને વધારીને ત્યાં અપ્સરા હોટલનું નિર્માણ કરવામાં આવ્યું.

મસુરીના નિવાસ દરમ્યાન છઠ્ઠે વરસે એકાએક એવો અવસર ઉપસ્થિત થયો કે મારે ત્યાંની સત્સંગ પ્રેમી જનતા સમક્ષ એક પ્રવચન કરવું પડ્યું. પ્રવચનની પ્રવૃતિ મને પસંદ ન હતી અને હિન્દીમાં પ્રવચન કરવાનો મારો અભ્યાસ પણ ન હતો. તો પણ થિયોસોફીકલ સોસાયટીના આગ્રહપૂર્વકના આમંત્રણથી મારે યોગ પર એક પ્રવચન આપવાનું થયું. પ્રવચન સંપૂર્ણ સંતોષકારક રહ્યું. એ એક જ પ્રવચનથી મસુરીની સત્સંગપ્રેમી સુશિક્ષિત શિષ્ટ સંસ્કારી પ્રજામાં મારી પ્રખ્યાતિ થઇ. જનતા મને પ્રેમપૂર્વક જોવા લાગી.

બીજું પ્રવચન એ જ વરસે જનમાષ્ટમીને દિવસે ત્યાંની સુપ્રસિદ્ધ 'ચિત્રશાળા' સંસ્થાના મધ્ય ખંડમાં ગોઠવાયું. પ્રવચનનો વિષય ભગવાન કૃષ્ણના જીવન સંબંધી રાખવામાં આવેલો. વ્યાસપીઠ પરની મારી બેઠકની પાછળ, ઉપર દિવાલ પર ભગવાન કૃષ્ણનું વિશાળ ચિત્તાકર્ષક તૈલચિત્ર રાખવામાં આવેલું. એ તૈલચિત્રને તાજાં ગુલાબનાં ફુલોનો સુંદર હાર પહેરાવવામાં આવેલો.

પ્રવચન પૂરું થયું ને મેં ભગવાન કૃષ્ણના નામની સમુહ ધૂન બોલાવવા માંડી ત્યારે વાતાવરણ ખૂબ જ રસમય અને આહલાદક બની ગયું. પરંતુ અધિક આહલાદક, આશ્ચર્યકારક પ્રસંગ તો એ પછી બન્યો. સમૂહ ધૂનની સમાપ્તિ થઇ કે તરત જ ભગવાન કૃષ્ણને પહેરાવેલા હારમાંથી એક સુંદર ફોરમવંતુ ફુલ મારા મસ્તક પર, ખોળામાં, અને પછી વ્યાસપીઠ પર મારી સમીપ પડ્યું. મને અને અન્ય અનેક શ્રોતાજનોને એ ઘટનાથી નવાઇ લાગી.

કાર્યક્રમ પૂરો થયો અને બધાં વીખરાવા લાગ્યાં ત્યારે પરમાત્માની પ્રસાદી જેવા એ પુષ્પને પેખીને કેટલાક ભાવિકો ભાતભાતના તર્કવિતર્ક કરવા લાગ્યા. સૌને સમજાયું નહીં કે ફુલહારમાંથી એક જ ફુલ કેવી રીતે પડ્યું ? મને લાગ્યું કે ભગવાન કૃષ્ણે પોતાના પ્રેમપૂર્વકના ગુણસંકીર્તનથી પ્રસન્ન બનીને પુષ્પવૃષ્ટિ કરીને મને અંતરના અંતરતમમાંથી આશીર્વાદ આપ્યો છે. તે આશીર્વાદથી મારું અહીંનું કાર્ય સફળ તથા સાર્થક થશે.

બીજે વરસે પણ એવી જ અલૌકિક ઘટના બની. ગાંધી નિવાસ સોસાયટીના આશ્રયે એના હોલમાં પ્રારંભાયેલા મારાં પ્રવચનોની પૂર્ણાહુતિ થઇ ત્યારે ચિત્રશાળાના આચાર્યે ભગવાન કૃષ્ણના પેલા પૂર્વપરિચિત તૈલચિત્રને મારી પાછળની દિવાલે લટકાવેલું. એને પહેરાવેલી સુંદર મનહર પુષ્પમાળામાંથી, ભગવાન કૃષ્ણની સમૂહ ધૂનની સમાપ્તિ થઇ કે તરત જ એક પુષ્પ મારા મસ્તક પર, ખોળામાં, ને છેવટે વ્યાસપીઠ પર પડ્યું. એ ઘટના સૌને માટે અતિશય આશ્ચર્યકારક થઇ પડી. મેં એને ભગવાન કૃષ્ણનો અદભૂત અમોઘ આશીર્વાદ માન્યો ને પુષ્પને સુખદ સ્મૃતિ તરીકે સાચવી રાખ્યું.

એ ઘટનાદ્વયનું રહસ્ય ગમે તે હોય પરંતુ એ પછીનો ઈતિહાસ ઉજ્જવળ બન્યો. મસુરીની કારર્કીર્દિ સર્વ પ્રકારે સફળ બની. જનતાનો મારે માટેનો પ્રેમ અને આદરભાવ વધતો ચાલ્યો. વખતના વીતવાની સાથે મારા ઉપર જાણે કે અકલ્પ્ય અજ્ઞાત અવર્ણનીય કીર્તિકળશ ચઢ્યો. પરમાત્માની પરમ કૃપાથી મારો માર્ગ સર્વ રીતે સરળ, સરસ, સુખમય બન્યો.

એ ઘટનાની સ્મૃતિ આજે પણ સુખદ ઠરે છે. અંતર એને લીધે અનેરી ભાવોર્મિનો અનુભવ કરે છે. પરિમલથી પરિપ્લાવિત પુષ્પરૂપે પ્રાપ્ત થયેલી પરમાત્માની એ અનોખી કૃપા મૂલ્યવાન થઇ છે અને અવિસ્મરણીય બની ગઇ છે.

ભક્તશ્રેષ્ઠ નરસૈંયાને એની પ્રાર્થનાના પ્રત્યુત્તરરૂપે હાર પહેરાવેલો એમ કહેવાય છે. મારામાં એવી અસાધારણ એકનિષ્ઠ ભક્તિ નથી. એવી પ્રાર્થનાની શક્યતા અને આવશ્યકતા નથી. એ વખતે પણ નહોતી. છતાં પણ ભગવાને એમની અલૌકિક કૃપા વરસાવી. જે ભગવાન હાર પહેરાવે તે પુષ્પને પ્રદાન ના કરી શકે ? એ સર્વ શક્તિમાન શું ના કરી શકે તે જ સવાલ છે. એ અલૌકિક ઘટનાપ્રસંગ પછી હું વધારે વિશ્વસનીય રીતે માનું છું ને સ્પષ્ટતયા સમજી શકું છું કે ભગવાને ભક્ત નરસિંહને હાર પહેરાવ્યો જ હશે.

 

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok