Monday, July 13, 2020

ગાંધીનિવાસ સોસાયટીમાં

મસુરીના નિવાસકાળ દરમ્યાન ઇ. સ. ૧૯૬૩ના આરંભમાં થિયોસોફીકલ સોસાયટીના આશ્રયે એની પ્રત્યેક બુધવારે ગાંધીનિવાસ સોસાયટીમાં યોજાતી પ્રવચન સભામાં અને પછી ગાંધી નિવાસ સોસાયટીના આશ્રયે એના હોલમાં મારા પ્રવચનો યોજાયા. ગાંધીજી જ્યારે મસુરી આવતા ત્યારે તે બિરલા હાઉસમાં રહેતા. એ વખતે એમણે ઇચ્છા દર્શાવેલી કે મસુરીમાં એક ગરીબોની સેવાની સંસ્થા હોય તો સારું. એવી સંસ્થા સમાજ કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી શકે અને આવશ્યકતા અનુસાર હું પોતે પણ બિરલા હાઉસને બદલે એમાં રહી શકું. એમની ઇચ્છાને અનુસરીને મસુરીમાં એક મકાનને સોસાયટીની સ્થાપના કરીને ખરીદવામાં આવ્યું. ગાંધીજી એ પછી પોતાની ઇચ્છાને પૂરી કરવા માટે મસુરીની મુલાકાતે ના આવી શક્યા. એમનું સ્થુળ શરીર શાંત થયું, પરંતુ એમની સ્મૃતિમાં ગાંધી નિવાસ સોસાયટી સાકાર બની. ઇશ્વરની ઇચ્છાથી એની જ કોઇ સર્વશ્રેયસ્કરી મંગળમયી ઇચ્છાની પૂર્તિ માટે મારે એના સંપર્કમાં આવવાનું થયું. મારા મસુરી નિવાસની એ એક અત્યંત અગત્યની ચિરસ્મરણીય ઘટના સાબિત થઇ. મસુરીની સત્સંગપ્રેમી ને બીજી જનતાનો પ્રેમ મારા પર દિનપ્રતિદિન વધવા માંડ્યો.

નવભારત હોટલ પછીના બે વરસો દરમ્યાન ત્રણ ત્રણ મહિના જેટલા સમય સુધી મારે માતાજી સાથે રામા હોટલમાં રહેવાનું થયું. એ પછીનો બીજો કેટલોક સમય અમે ઋષિકેશમાં પસાર કરતાં. રામા હોટલના નિવાસ દરમ્યાન દિલ્હીના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી એચ. એસ. દાસનો મેળાપ થયો. દાસ સાહેબ મારા પ્રવચનોમાં નિયમિત રીતે આવવા માંડ્યા. પરિણામે એમનો પ્રેમભાવ વધતો ગયો. એમણે કેટલાક ભાવિક ભક્તોને જણાવ્યું કે યોગેશ્વરજી હોટલમાં ભાડે રહીને પોતાના ખર્ચે આજીવિકા ચલાવીને કોઇપણ પ્રકારની અપેક્ષા વિના સૌની સેવા કરે છે. એમને લીધે જનતાને ઘણો લાભ પહોંચે છે. આપણે એ ઉનાળામાં પણ અહીં આવી શકે અને હોટલના ભાડાને ભરવાની જવાબદારીમાંથી મુક્ત રહે એટલા માટે એમના રહેવાની વ્યવસ્થા કરવી જોઇએ. ભાવિકોએ એમની વાતને વધાવી લીધી. એના પરિણામરૂપે એક યોજના બની. ગાંધી નિવાસ સોસાયટીનો ઉપરનો ભાગ જીર્ણાવસ્થામાં અને સંડાસ, બાથરૂમ, રસોડાથી રહિત હતો. એને આવશ્યક સંશોધન તથા સંવર્ધન સાથે નવેસરથી તૈયાર કરવાનો નિર્ણય લેવાયો. દાસ સાહેબે પોતે એ શુભ કાર્ય માટે પાંચ હજાર રૂપિયાની મદદ કરી અને અન્ય આવશ્યક રકમને એકત્ર કરવાનો સંકલ્પ કર્યો. તારીખ ૨૮-૮-૧૯૬૫ની સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં નીચે પ્રમાણે સર્વસંમતિથી ઠરાવ થયો.

'વર્તમાન હોલની ઉપરના ઓરડાઓને બાથરૂમ, રસોડું વગેરે સાથેના સંપૂર્ણ નિવાસસ્થાનમાં બદલી નાખવા.
એનો નક્શો શ્રી મહાવીરપ્રસાદજી તૈયાર કરશે.
શ્રી યોગેશ્વરજી મહારાજના પ્રવચનોથી સોસાયટીને મોટો લાભ પહોંચે છે, માટે એમને એ નિવાસસ્થાનમાં કોઇપણ રકમ લીધા સિવાય રહેવાની પ્રથમ પસંદગી આપવી.
આવશ્યક સંશોધન અને સંવર્ધન માટેના જરૂરી ફંડને એકત્ર કરવા માટે સ્વતંત્ર પ્રયત્ન આદરવો.'

એ પ્રસ્તાવ એ જ વરસે અમલી બનવાથી મારે ઇ. સ. ૧૯૬૬થી ગાંધી નિવાસ સોસાયટીના એ અભિનવ સ્થાનમાં પ્રત્યેક વરસે પાંચેક મહિના જેટલા લાંબા સમયપર્યંત રહેવાનું થયું. પ્રવચનો પ્રત્યેક વરસે ચારેક મહિના સુધી ચાલતાં રહ્યાં. એને લીધે જનતાનું ધ્યાન સોસાયટી પ્રત્યે વધારેને વધારે પ્રમાણમાં ખેંચાતું ગયું, જનતા એમાં રસ લેવા લાગી, એની સદસ્યતા વધી, અને એની કાયાપલટ શરૂ થઇ. પ્રવચનની પ્રવૃતિ એક સુખદ નિમિત્ત બની.

પ્રવચનોની પ્રવૃતિનું એક બીજું શુભ પરિણામ એ આવ્યું કે દેશના ભિન્ન ભિન્ન ભાગોમાંથી આવતા પુરુષોનો સંપર્ક સધાયો. એમનામાંના કેટલાકના આમંત્રણથી મારે શિયાળા દરમ્યાન જુદા જુદા પ્રદેશોમાં પ્રવચનો કરવા જવાનું થયું. દહેરાદૂન, ઋષિકેશ, મેરઠ, મુજફ્ફરનગર, દિલ્હી, આગ્રા, વૃંદાવન, અલીગઢ, કાનપુર, અલ્હાબાદ, કલકત્તા, કોટા, દેવબંધ, જગાધરી, અમૃતસર, કપૂરથલા જેવાં કેટલાંય સ્થળોમાં મને આમંત્રવામાં આવ્યો. ઠેક ઠેકાણે કોલેજોમાં પણ કાર્યક્રમો ગોઠવાયા. મુંબઈ, પૂના, નાગપુર, વડોદરા, સુરત, વલસાડ, અતુલ, ભરુચ, ઝઘડિયા, નડીયાદ, આણંદ, અમદાવાદ, ધોળકા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, માંગરોળ તથા જામનગરના કાર્યક્રમો પણ ગોઠવાતા ગયા. પ્રવચનની પ્રવૃતિ એવી રીતે વિશાળ બની.

એની સાથે મસુરીમાં ગરીબ વિદ્યાર્થીઓની સેવાનું કલ્યાણકાર્ય પણ આરંભાયું. ઇ. સ. ૧૯૬૯ થી માંડીને ઇ. સ. ૧૯૭૬ સુધીના સમયમાં જનતા પાસેથી પ્રવચનો દરમ્યાન રૂપિયા ચાલીસ હજાર જેટલી રકમ એકઠી કરવામાં આવી અને મસુરીની જુદી જુદી છ સ્કૂલોના છસોથી વધારે વિદ્યાર્થીઓને ફીની ને બીજી મદદ કરાઇ.

સોસાયટીની સામાન્ય સભાએ પોતાની તારીખ ૯ જુલાઇ ૧૯૭૨ની બેઠકમાં એ બધી લોકોપયોગી પ્રવૃત્તિઓથી પ્રેરાઇને પસાર કરેલો વિશેષ પ્રસ્તાવ જોવા જેવો છે :
'સંત શ્રી યોગેશ્વરજી છેલ્લાં કેટલાંય વરસોથી સોસાયટીને માટે મહાન પ્રેરણાના સર્વોત્તમ સતત ઉદભવસ્થાન જેવા બન્યા છે. એની ભાવિ સામાજિક પ્રવૃત્તિઓની ઊંડી ભૂમિકાના નિર્માણકાર્યમાં કારણભૂત બનીને એના સર્વશ્રેષ્ઠ સહાયક થયા છે. સોસાયટી દ્વારા એના હોલમાં કરાવવામાં આવતાં એમના દૈનિક પ્રવચનો દ્વારા અને ગરીબ વિદ્યાર્થીઓને એમની પ્રેરણાથી અપાતી નક્કર મદદના સામાજિક સેવાકાર્યને લીધે સોસાયટીની પ્રતિષ્ઠા જનસમાજની દૃષ્ટિમાં વધી છે. સોસાયટી પોતાના 'મેમોરન્ડમ ઓફ એસોસિએશન'માં સુચવ્યા પ્રમાણે પોતાના અનેકવિધ આદર્શોને કાર્યાન્વિત કરવા માટે પોતાની પ્રવૃત્તિઓને વધારવા માંગે છે.

એ બધાં કારણોને લીધે સર્વસંમતિથી ઠરાવ કરવામાં આવે છે કે સંત શ્રી યોગેશ્વરજીને આજથી સોસાયટી સાથે એના માર્ગદર્શક તરીકે જોડવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે એ અમને બધી જ મહત્વની વાતોમાં માર્ગદર્શન આપે.'
સોસાયટીના ઇતિહાસમાં એ પ્રકારનો પ્રસ્તાવ એ પહેલો જ હતો.

મસુરીના નવભારત હોટલના છેલ્લાં વરસના અમારા નિવાસ દરમ્યાન રાજકોટથી શ્રી ચંપકભાઇ થોડા દિવસો માટે સહકારી પ્રવૃત્તિની તાલીમ લેવા માટે આવી પહોંચ્યા. ધરમપુરથી છૂટા પડ્યા પછી પ્રત્યેક વરસે એ એક અથવા બીજી રીતે મળતાં અને મારા જીવનપ્રવાહથી પરિચિત બનતાં. એ વખતે શી ખબર, કલ્પના સરખી પણ ક્યાંથી કે અમારું સ્થૂળ મિલન વધારે વરસો સુધી નહિ થઇ શકે ? અંતે તો કર્મના નિશ્ચિત નિયમાનુસાર કે કુદરતના ક્રમ પ્રમાણે જે થવાનું હોય છે તે જ થાય છે. માનવનું એની આગળ કશું જ નથી ચાલતું. એની એક વાર પુનઃ પ્રતીતિ થઇ.

 

 

Today's Quote

We are not human beings on a spiritual journey, We are spiritual beings on a human journey.
- Stephen Covey

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok