Monday, July 13, 2020

ચંપકભાઇને અંજલિ

ચંપકભાઇ છેવટ સુધી એક મધ્યમવર્ગના માનવી તરીકે સાદાઇથી જ રહ્યા. છતાં પણ એમનો સ્વભાવ એવો ઉમદા અને અમીર હતો કે વાત નહિ. ગજવામાં કાંઇ પણ ન હોય તો પણ ઘણાં ઘણાં રૂપિયાનું જોર કરવાની એમની વૃત્તિ હતી. કેવળ પરિચિતો કે મિત્રોને માટે એ ઘસાઇ છૂટતા એમ નહિ, અપરિચિતો અને વિરોધીઓને માટે પણ એમના દિલમાં એવું જ સ્થાન હતું. ગરીબ, હડધૂત, અનાથ, ચિંતિત, પિડીત, દીન ને દુઃખીને મદદ કરવા એ સદાય તૈયાર રહેતા. એમના મનના અને ઘરના દ્વાર એમને માટે હમેંશા ઉઘાડાં રહેતાં. કોઇપણ એમની પાસે ગમે તે વખતે જઇને પોતાની દાદફરિયાદ સંભળાવી શકતું, અને એ દરેકને માર્ગદર્શન આપતા, પ્રેરણા પૂરી પાડતા તથા દરેકને મદદરૂપ થવા માટે પોતાનાથી બનતું બધું જ કરી છૂટતા. એ ગરીબોના બેલી હતા એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી થતી. શક્ય હોય ત્યાં પોતાની મેળે મદદ કરીને તથા જરૂર પડ્યે બીજાની પાસે મદદ કરાવીને બીજાને ઉપયોગી થવાનો એ પ્રામાણિક પ્રયત્ન કરતા. બીજાને ઉપયોગી થવાની ભાવનાથી પ્રેરાઇને જ એ રાજકીય તથા સામાજિક સેવાના ક્ષેત્રમાં પડેલા. ભિન્ન ભિન્ન પ્રકારની એમની પ્રવૃત્તિઓ એ હેતુથી પ્રેરાઇને શરૂ થઇ હતી. અંગત યશ, માન, મોટાઇ કે મરતબાની તથા સમૃદ્ધિની લાલસા એમનામાં સ્વપ્ને પણ પેદા નહોતી થતી. એ એક સાચા અને મૂંગા લોકસેવક હતા. લોકસેવાના સિદ્ધાંતોમાં એમને ઊંડી શ્રદ્ધા હતી. એમનું જીવન નખશીખ નિર્મળ હતું. આજના અને ભવિષ્યના લોકસેવકોએ એમના જીવનમાંથી ઘણું ઘણું શીખવા જેવું છે.

ઇ. સ. ૧૯૪૭માં ક્ષયરોગમાંથી મુક્તિ મેળવ્યા પછી ઇચ્છા કે અનિચ્છાએ એ લગ્નજીવનમાં પ્રવેશ્યા તો ખરા પરંતુ એમનો આત્મા એથી અલિપ્ત જ રહ્યો. લગ્નજીવનની મોહિની એમને કદીપણ બાંધી ના શકી. સંયમની મહત્તા એ શરૂઆતથી જ સમજ્યા હતા. એટલે છેવટ સુધી સંયમી જ રહ્યા. લગ્ન પછી પોતાની પત્નીની સંમત્તિથી એમણે વ્રત લીધેલું કે અંબાજીના દર્શન પછી જ શરીરસંબંધ કરવો. એ વ્રત એમણે પાળ્યું. તે પછી બીજું વ્રત લીધું કે પાટવારા હનુમાનના દર્શન પછી જ સંબંધ કરવો. દર્શનનો દિવસ પણ એ બને તેટલો પાછો ઠેલતા જતા. એ પછી પણ એમણે પોતાની સમજુ ને સંયમી પત્ની કનકબેનની સહાયથી એવું જ બીજું વ્રત લીધું. એવી રીતે એમને ત્રણ સંતાનો થયા. ત્રણે ત્રણ છોકરીઓ. પરંતુ એમના પર એ છોકરા જેવો જ પ્રેમ રાખતાં. છોકરા અને છોકરીનો ભેદ એમના મનમાં ન હતો. વિલાસી જીવન જીવનારા તેમજ લગ્નજીવનને આજીવન કામુકતાની પૂર્તિનો ઇજારો માનનારા માનવો, જો સમજુ હશે તો, આવા સંયમી જીવનની સિદ્ધિ માટે જે અનંત અને અડગ આત્મબળ જોઇએ છે તેની કલ્પના સહેલાઇથી કરી શકશે. વિલાસીતામાં માનતાં-મનાવતાં માનવોની મોટી સંખ્યાવાળા યુગમાં સંયમી જીવનનો આવો સ્વૈચ્છિક સ્વીકૃતિનો આદર્શ એક અજાયબી મનાશે એવો પણ સંભવ છે. છતાં પણ વ્યક્તિ તથા સમષ્ટિના વિશાળ હિતની દૃષ્ટિએ વિચારીએ તો એ આદર્શ એક અથવા બીજી રીતે અનુકરણીય છે અને અતિશય ઉપયોગી કે આશીર્વાદરૂપ છે એમાં શંકા નથી. કામુકતા કે વિલાસીતાની વચ્ચે પળાતા સંયમી જીવનના આવા ઉચ્ચતમ આદર્શનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે. લોકસેવકો પોતાના વ્યક્તિગત જીવનમાં પણ વિશુદ્ધિનો આગ્રહ રાખતા શીખે તો તેની છાપ બીજાની ઉપર પણ ઘણી જ સારી પડવાની અને એમને તો લાભ થવાનો જ.

ચંપકભાઇના એવા સંયમી લગ્નજીવનમાં જ નહિ પરંતુ સમગ્ર જીવનમાં પડદા પાછળ રહીને એક પ્રેરક અને સહાયક બળ બનનાર એમની પત્ની કનકબેન પણ ભારે ધીરજ, હિંમત ને મનોબળવાળી સ્ત્રી છે. એમણે ચંપકભાઇને સદાયે સાથ આપ્યો. એટલું જ નહિ, ચંપકભાઇ પરદેશપ્રધાન જેવા બનીને બહારના કામ કરતા રહ્યા, ત્યારે એમણે ગૃહપ્રધાનની પેઠે ઘરની સંપૂર્ણ સંભાળ રાખવા માંડી અને આર્થિક સ્થિતિને ઠીકઠીક રાખવા માટે લગ્ન પછી પણ પોતાની હાઇસ્કૂલ શિક્ષિકાની જૂની નોકરીને ચાલુ રાખી. એમને લીધે ચંપકભાઇનો સેવામાર્ગ ઘણો સરળ થયો. એમણે એક આદર્શ ગૃહિણી તરીકેની પોતાની ફરજ પૂરેપૂરી બજાવી.

ચંપકભાઇ એક આદર્શ અને મૂંગા લોકસેવક તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા કરતા કરતા શાંતિથી જીવી ગયા છે. ધનની મોહિની એમને હતી જ નહિ અને ધનને એકઠું કરવા તરફ એમનું ધ્યાન જ ન હતું એટલે એ કોઇ ધનનો નાનો મોટો સંગ્રહ, મોટરકાર, નોકરચાકર કે વિશાળ બંગલો નથી મૂકી ગયા. કોઇ લૌકિક સંપત્તિ પણ નથી છોડી ગયા. છતાં પણ ઉત્તમ કર્મોની એવી અસાધારણ થાપણ મૂકી ગયા છે, જેની કિંમત લૌકિક ધનભંડારથી અનેક ગણી અધિક છે અને જે અમર છે. એની સૌરભ વખતના વીતવાની સાથે વધતી જ જશે. રાજકોટ શહેરનાં સુંદર કાર્યો એમની સ્મૃતિરૂપ બનીને ભાવિ પ્રજાને પ્રેરણા પાતાં રહેશે. પેલી લોકોક્તિમાં કહ્યું જ છે કે 'નામ રહંતા ઠક્કરા, નાણાં નવ રહંત, કીર્તિ કેરાં કોટડાં પાડ્યા નવ પડંત.' એ પ્રમાણે નાણાં નથી રહેતા પણ નામ રહે છે. સાધારણ મકાનો તો કોઇવાર પડી પણ જાય છે પરંતુ કીર્તિની ઇમારત અક્ષય રહે છે. ચંપકભાઇનું શરીર પડી ગયું છે પણ નામ અમર છે. એમનું કીર્તિમંદિર અક્ષય છે અને અક્ષય રહેશે. એને ઘડપણ કે કાટ કશું જ નહિ લાગે.

જે રાજકોટ શહેરને સર્વાંગસુંદર કરવા માટે એમણે જીવનભર પુરુષાર્થ કર્યો ને જેના એ કર્ણધાર કે પ્રાણ રહ્યા તે રાજકોટ શહેર અને એની મ્યુનિસિપાલિટી એમના સ્મારકને માટે ગુણગ્રાહી તથા કૃતજ્ઞ થઇને કાંઇ કરશે ખરી ? એમનું સ્મારક થાય એ ખરેખર ઇચ્છવા જેવું છે. એથી એમના ઋણાનુબંધમાંથી છૂટાશે તો ખરું જ પરંતુ સાથે સાથે ભવિષ્યની પેઢીને પણ પ્રેરણા મળશે. એમના જેવા પ્રામાણિક અને આદર્શ લોકસેવકોના સ્મારક કરવામાં આવે એ બધી રીતે યોગ્ય જ છે. જો કે એમનું સાચું સ્મારક તો એમના જીવનમાંથી પદાર્થપાઠ લઇ, એમણે ચીંધેલા સેવામાર્ગે આગળ વધવું તે જ છે, છતાં પણ એમની વિશેષ સેવાની કદર રૂપે એમનું કાંઇ સ્થૂળ સ્મારક કરવામાં આવે તે પણ એમને માટે મોટી અંજલિ ગણાશે.

એમના અવસાનથી સૌ કોઇને દુઃખ થયું છે. સૌએ એમને ભાવે ભરાઇને અંજલિ આપી છે. સૌને પોતાના સ્વજનની વિદાય થઇ હોય તેવી ખોટ પડી છે. એમનું અવસાન સૌને સાલ્યું છે. એમ કેમ બન્યું ? એ આટલા બધા લોકપ્રિય કેમ બન્યાં ? કારણ કે એ નિસ્વાર્થ, ભેદભાવ તથા પક્ષાપક્ષીથી રહિત, સૌને માટે કાંઇ ને કાંઇ કરી છૂટનારા અને સૌના પર સ્નેહ રાખનારા હતા. એમનું દિલ સૌને માટે લાગણીનો અનુભવ કરતું. જીવનમાં એમણે કોઇની સાથે શત્રુતા નહોતી રાખી. વિરોધીઓ પણ એમને માટે પ્રેમ રાખતા તથા માન આપતા, એ એમની વિશેષતા હતી. એમનામાં સમજ હતી, સૂઝ હતી, દૃષ્ટિ હતી, ભાવના હતી ને નવી નવી યોજના કરવાની- વિચારવાની શક્તિ હતી. ભાવનાઓ તથા યોજનાઓને સિદ્ધ કરવા માટે એ બનતું બધું જ કરી છૂટતાં.

કાળનો અકાળ પડદો વહેલો મોડો સૌના પર પડવાનો છે. તેવી રીતે એમના પર પણ પડી ચૂક્યો છે. કોઇ એનાથી મુક્ત નથી. આજે કે કાલે સૌએ જવાનું જ છે એ નક્કી છે. સંસારમાં કોઇનુંય શરીર સનાતન નથી, સૌની ઘડીઓ ગણાય છે. કાળ સૌનો હિસાબ કરી રહ્યો છે. જે વખત જાય છે તે સોનાનો વીતે છે અને જીવનને વધારી નહિ પણ ઘટાડી રહ્યો છે. એમ કરતાં છેલ્લી સફરમાં, અંતિમ કૂચમાં જોડાઇ જવાની વિપળ પણ આવી પહોંચશે. છતાં પણ એવા વિચાર કરીને ડરવાની, ગભરાવાની, નાહિંમત થવાની કે બેચેન બનવાની જરૂર નથી. ઉલટું, જીવનને ઉત્તમોત્તમ બનાવવાના ને ધરતીને સરસ તેમજ સુખશાંતિમય કરવાના પ્રયાસમાં લાગી જવાની જરૂર છે. જીવનના રૂપમાં જે મળ્યો છે તે સમય ખરેખર બહુમૂલ્ય છે એવું સમજી લઇ, એની પ્રત્યેક પળનો સદુપયોગ કરવાનો સંકલ્પ કરવામાં આવે તો જીવન યાદગાર, સફળ અને પ્રેરક થાય એમાં સંદેહ નથી. એવું જીવન સૌ કોઇને માટે આદર્શરૂપ અને પ્રશંસનીય બની શકે. કબીરે કહ્યું છે કે 'જગતમાં આવ્યો ત્યારે તું રડતો હતો, અને બીજાં બધાં હસતાં'તાં. હવે એવા ઉત્તમ કર્મો કર અને જીવનનો સદુપયોગ કર કે જગતમાંથી વિદાય થતી વખતે તું તારા જીવનને સફળ કર્યાના સંતોષ સાથે સ્મીત કરે અને બીજા તારી ખોટનો અનુભવ કરતાં રડે. એમની આંખ ભીની બને તથા એમનાં અંતર ઘેરી કરુણાનો અનુભવ કરે.' કર્મવીરોના જીવન એવાં જ અસરકારક હોય છે. ચંપકભાઇ એવાં જ ઉત્તમ કર્મવીર હતા. પોતે શાંત રહીને બીજાને રડાવતાં એ વિદાય થયા છે. પરંતુ વખત રડવાનો કે શોક કરવાનો નથી, જીવનની ઉજ્જવળતાને સારું સંકલ્પ કરીને કામે લાગી જવાનો છે. એમના આત્માનું એ સૌથી સુંદર, ઉત્તમ તર્પણ થશે. એથી એ પ્રસન્નતા અનુભવશે.

એમના આત્માને શાંતિ તો મળી જ છે. ઇશ્વર એવા આત્માને શાંતિ ના આપે તો બીજા કોને આપે ? એવી શાંતિના એ અધિકારી હતા.
રીક્ષાના અકસ્માતથી ભયંકર રીતે ઘવાયા પછી ચંપકભાઇને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યાં તેમણે ભાનમાં આવ્યા પછી રીક્ષાવાળાના સમાચાર પૂછ્યા. એના સમાચારને સાંભળીને એમણે સત્વર જણાવ્યું કે રીક્ષાવાળો ખૂબ જ ગરીબ છે. એને કોઇ પ્રકારની હેરાનગતિ ના થાય કે કોઇ સજા કરવામાં ના આવે તેનું ધ્યાન રાખજો.

જે થઇ ગયું તે થઇ ગયું; હવે અન્યથા નથી થવાનું, એવું સમજીને જ એમણે એવા શબ્દો ઉચ્ચારેલા. એ શબ્દોમાંથી એમની દયા, નિર્વેરતા, સહાનુભૂતિ તથા સેવાભાવના ટપકે છે.

એમને નાળિયેરનું પાણી આપવામાં આવ્યું ત્યારે પણ એમણે તરત જ જણાવ્યું કે રીક્ષાવાળાને પાણી આપો. એની સ્થિતિ વધારે ખરાબ છે. રીક્ષાવાળાને પાણી આપવામાં આવ્યું ત્યારે જ એમને સંતોષ થયો. એ એવી અનોખી માટીના બનેલા. એ આદર્શ માનવ હતા. એમણે સમય પર શાંતિથી આંખ મીંચી દીધી. જેમને જીવતાં જ શાંતિ તથા સદગતિ સાંપડેલી એમની મરણોત્તર શાંતિ તથા સદગતિની ચિંતા કે કામના કરવાની હોય જ નહિ. એ વાસનારહિત, સ્વાર્થરહિત બનીને જીવનને અને મરણને જીવી તેમજ જીતી ગયા. એમની સ્મૃતિ સદાય સજીવ રહેશે.

 

 

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok