Text Size

સરીલામાં

મસુરીમાં મારા પ્રવચનોમાં અવારનવાર આવતા સરીલાનરેશે મને એક દિવસ સરીલા આવવાનું આમંત્રણ આપ્યું. મૌખિક આમંત્રણથી સંતોષ માનીને બેસી રહેવાને બદલે એ આમંત્રણને પાકું કરવા માટે પત્ર પણ લખ્યો :

सरीला लोज
मसूरी
६–९–१९६५

श्री १०८ श्री योगेश्वरजी महाराज,

मैं आपको निमंत्रण करता हूं कि इस झाडेमें आप सरीला राज्य पधारें ओर हमारे परिवारको व सरीलाकी जनताको श्री गीता सुनावें ।
अति कृपा होगी ।
आपके पधारनेको १ दीसम्बर बहुत अच्छा होगा ।
दिल्ली से झांसी ओर वहाँ से मानिकपुर लाइन पर हरपालपुर स्टेशन ।
शुभ चिंतक
महिपालसिंह
सरीला नरेश

એ આમંત્રણને અનુસરીને અમે સરીલાની મુલાકાત લેવાનું નક્કી કર્યું. સરીલાના મહારાજા અગાઉથી નિશ્ચિત કર્યા પ્રમાણે અમને દિલ્હીમાં પણ મળ્યા અને કાર્યક્રમની સુવ્યવસ્થા માટે બે-ત્રણ દિવસ અગાઉથી સરીલા ગયા. એમનો પ્રેમભાવ પ્રામાણિક હતો એની એવી રીતે પ્રતીતિ થઇ. દિલ્હીથી ટ્રેન મારફતે ઝાંસી થઇને અમે હરપાલપુર સ્ટેશને પહોંચ્યા ત્યારે એમના પ્રતિનિધિએ અમારો સત્કાર કર્યો. એ મોટર લઇને આવેલા એટલે સરીલા સુધીની આગળની મુસાફરી અમે મોટરમાં જ પૂરી કરી. મોટરમાર્ગ નહેરની એક તરફથી પસાર થતો હોવાથી અત્યંત આકર્ષક અથવા આહલાદક લાગતો.

અમે રાજપ્રસાદમાંના અમારા એક તરફના ઉતારામાં પ્રવેશ કર્યો. સરીલા નરેશને મેં અલગ ઉતારા માટે પહેલેથી જ સુચના આપેલી. મસુરીમાં એમણે મને પૂછેલું : 'તમને અમારું ભોજન ચાલશે ? અમારે ત્યાં રસોઇયો છે.'
'તમે શાકાહારી છો ?' મેં પૂછ્યું.
'ના. માંસાહારી છું. પરંતુ તમારે માટે શાકાહારી ભોજન બની શકશે.'
'રસોઇયો કોણ છે ?'
'મુસલમાન. ખૂબ જ સરસ રસોઇ બનાવી શકે છે.'
પરંતુ અમારે માટે એવો પ્રબંધ પ્રતિકૂળ હોવાથી એમણે અમારા ઉતારા પર જ અલગ ભોજનની ને સ્વતંત્ર રસોઇયાની વ્યવસ્થા કરેલી.
રાજપ્રાસાદના પ્રાંગણમાં સુંદર મંડપ બાંધવામાં આવેલો. ત્યાં સત્તર દિવસ સુધી સાંજે દોઢ કલાક સુધી ગીતાપ્રવચનો ચાલ્યા. સરીલા નરેશ પોતે એ અવસર પર રાજકુટુંબ સાથે સાદો ભારતીય પોશાક પહેરીને ત્યાં સાંભળવા બેસતાં. છેલ્લે દિવસે મારા દ્વારા એમના પૌત્રનું નામકરણ પણ કરવામાં આવ્યું.

સરીલા નગર છેક જ સાધારણ અને પછાત લાગ્યું. એનો સમુચિત વિકાસ નહોતો સધાયો. એક રાજ્ય તરીકેના એના વિલીનીકરણ પહેલાં પણ એનું સ્થાન એટલું બધું મહત્વનું નહોતું મનાતું. તો પણ સરીલા નરેશની નામના ઘણી સારી હતી અને રાજવી મંડળમાં એમનું સ્થાન આગળ પડતું ગણાતું. એ અતિશય નમ્ર, ઉદાર અને પરગજુ હતા. એમને મળ્યા પછી મને થયું કે ભારતમાં સારા રાજાઓનો પણ અભાવ નથી.

સરીલાથી પ્રયાણ કર્યા પછી અમે ખજૂરાહોની અને ચિત્રકૂટની મુલાકાત લીધી.
મુંબઈમાં રત્નાગર સેનેટોરિયમના નિવાસ દરમ્યાન વરસો પછી મહાત્મા વેદબંધુનો મેળાપ થયો. પૂર્વસંસ્કારોથી પ્રેરાઇને એમણે લગ્નજીવનમાં પ્રવેશીને મુંબઈના બાણગંગા વિસ્તારમાં રહેવાનું શરૂ કરેલું. એ આયુર્વેદમાં અભિરુચિ રાખતા હોવાથી વૈદ તરીકે ઓળખાતા. એમના બાહ્ય જીવનમાં આમૂલ પરિવર્તન થયું હોવા છતાં એમનો આત્મા જાગ્રત અને સાધનાપરાયણ હતો. એ જોઇને મને આનંદ થયો. કોઇને સંસ્કારવશ લગ્નજીવનમાં પ્રવેશવાનું થાય અથવા કોઇ કારણથી અવિવાહિત રહેવાનું બને તો પણ એના આત્મવિકાસની અભિરુચિ અખંડ રહે છે કે નથી રહેતી એ જ અગત્યનું હોય છે, અને એની ગુણવત્તાનો નિર્ણય પણ એના પરથી જ કરી શકાય છે. વેદબંધુ એ મૂળભૂત પરીક્ષામાંથી પાર ઊતર્યા.

 

 

Today's Quote

Contentment is not the fulfillment of what you want, but the realization of how much you already have.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok