Sunday, October 25, 2020

મોરારજીભાઈનો મેળાપ અને અન્ય પ્રસંગો

શ્રી મોરારજી દેસાઈને મળવાનો સુયોગ ઈ. સ. ૧૯૭૦ના આરંભમાં અનાયાસે પ્રાપ્ત થયો. મુંબઈમાં એ એમના સુપુત્રને ત્યાં ઊતરેલા. ત્યાંથી એમણે કહેવડાવ્યું કે હું તમને મળવા આવીશ તો લોકો ભેગા થશે માટે તમે જ આવો તો સારું. એટલે અમે એમને મળવા ગયાં. પ્રેમકુટિરનો અમારો ઊતારો એમના ઊતારાની તદ્દન પાસે હતો.

એમણે અમને સત્કાર્યા. એ શાંતિપૂર્વક બેઠેલા. એમના મુખમંડળ પર વેદના છવાયેલી. દેશની પ્રવર્તમાન પરિસ્થિતિથી એ પીડિત દેખાયા. એમની સાથેની વાતચીતથી એની સ્પષ્ટતા થઈ. તાજેતરની ઘટનાઓએ એમને અસાધારણ અસર પહોંચાડેલી. એમણે વાતવાતમાં કહ્યું : મોટા ભાગના લોકો હજુ પણ સાચું સમજતા નથી, પછી શું થાય ? વખત વિતશે ને જેમ જેમ અનુભવ મળશે તેમ તેમ સમજશે. એને માટે ઈશ્વરને પ્રાર્થના કરવી રહી. બીજો કોઈ રસ્તો નથી.

એમના ખંડમાં એક તરફ રમણ મહર્ષિનો ફોટો પડેલો. એમણે એ તરફ દૃષ્ટિપાત કર્યો. સંભવ છે કે એમને એમના પ્રત્યે શ્રદ્ધા હોય.
ગાંધીગૌરવ વિશે વાત નીકળતાં એમણે મને જણાવ્યું કે એના આમુખની નકલો તમને તથા નવજીવન કાર્યાલયને હું સાત દિવસમાં મોકલી આપીશ.

ઊઠતી વખતે એ અમને દરવાજા સુધી વળાવવા આવ્યા ને પ્રણામ કરીને બોલ્યા : આશીર્વાદ આપો કે સઘળું સારું થાય.

મેં કહ્યું : તમારી ઉપર તો ઈશ્વરના આશીર્વાદ છે.

એવા સેવાવ્રતધારી લોકહિતૈષી પવિત્ર પુરુષ પર ઈશ્વરના અનંત આશીર્વાદ જ હોય. સમસ્ત દેશને સારું સર્વસમર્પણ અને ચિંતા કરનારા એવા મહાપુરુષો હશે અને એમની શુભ ભાવનાઓ સાંપડશે ત્યાં સુધી દેશ સુરક્ષિત રહેશે. એમને જોઈને સંત તુલસીદાસની પેલી પંક્તિઓ યાદ આવી :

પરહિત બસ જિનકે મનમાંહી,
તિનહ કહં જગ દુર્લભ કછુ નાહીં.

વચનપાલનનું આદર્શ ઉદાહરણ પૂરું પાડવામાં આવતું હોય તેમ બરાબર સાતમે દિવસે મને અને નવજીવનને એમણે મોકલેલા આમુખની નકલોની પ્રાપ્તિ થઈ.

જ્ઞાનેશ્વર મહારાજનું  દર્શન

મહાપુરુષોએ જે સ્થાનમાં પોતાની જીવનલીલા કરી હોય છે તે સ્થાન સાધારણ સ્થાન મટીને અસાધારણ તીર્થસ્થાન બની જાય છે અને બહુજન સમાજને માટે પ્રેરણાત્મક થાય છે. એ સ્થાનમાં એમની સ્મૃતિઓ વધારે સજીવ બને છે ને જીવનઉપયોગી ઠરે છે. સંત શિરોમણિ જ્ઞાનમૂર્તિ જ્ઞાનેશ્વર મહારાજના લીલાસ્થાન આલંદીનું પણ એવું જ છે. એના દર્શનનો સુયોગ મારા જીવનમાં અનેક વાર આવ્યો છે અને પ્રત્યેક વખતે મને કાંઈ ને કાંઈ લાભ જ થયો છે.

ઈ. સ. ૧૯૭૦ દરમિયાન એ પવિત્ર ભૂમિમાં એક રાત રહેવાનું થયું ત્યારે મને જ્ઞાનેશ્વર મહારાજના દર્શનની  ઈચ્છા થઈ. રાતે હું એમનું આત્મિક અનુસંધાન સાધીને એમની પ્રાર્થના કરતાં બેસી રહ્યો એ વખતે અમારો ઊતારો સમાધિ મંદિરની પાસેની ધર્મશાળામાં હતો. લગભગ રાતે બે વાગે મારું મન અસાધારણ શાંતિને અનુભવવા લાગ્યું અને મને જ્ઞાનેશ્વર મહારાજનું દર્શન થયું. એમનું સ્વરૂપ અત્યંત ઓજસ્વી, આહલાદક અને આકર્ષક હતું. થોડોક પ્રેમપૂર્ણ વાર્તાલાપ કરીને એ અદૃશ્ય થઈ ગયાં. પછી હું આરામ કરવા માટે પથારી પર આડો પડ્યો.

આલંદીની એ યાત્રામાં અમારી  સાથે મુંબઈથી કાંતિભાઈ પણ જોડાયેલા.

પુનાનાં મારા પ્રવચનોની પરિસમાપ્તિ વખતે એ મારી સાથે થોડાક દિવસ એકાંતવાસ માટે પુના આવી પહોંચ્યા એટલે ત્યાંથી અમે નાશિક ગયાં. નાશિકમાં એ મારી સાથે જ રોજ ધ્યાનમાં બેસતાં. એક દિવસ મને ધ્યાનમાં મારા પૂર્વજન્મોને અનુભવવાની આકાંક્ષા થઈ. એના પરિણામે મને મારા ચાર પૂર્વજન્મોનું દર્શન થયું. એ ચારે જન્મો સંતપુરુષોના જ હતા. ધ્યાનમાંથી ઊઠ્યા પછી મેં કાંતિભાઈને પૂછ્યું કે તમને કોઈ અનુભવ થયો, તો તેમણે જણાવ્યું કે અત્યંત અસાધારણ આનંદદાયક અનુભવ થયો. ધ્યાનાવસ્થા દરમ્યાન મન સહેજ શાંત થઈ ગયું અને મને જુદા જુદા સ્વરૂપવાળા ચાર મહાત્મા પુરુષોનું દર્શન થયું. એમનામાંના એકને હું ઓળખી શક્યો પરંતુ બીજાની ઓળખાણ ના પડી. મારા પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે એમણે એ મહાત્માઓનું વર્ણન કરી બતાવ્યું ત્યારે સમજાયું કે મને પણ જન્માંતર જ્ઞાનના પરિણામે એ જ ચાર મહાત્મા પુરુષોનું દર્શન થયેલું. એમના સરળ નિષ્કપટ હૃદયને લીધે જ એવો અદભુત અનુભવ થઈ શકેલો.

કાંતિભાઈનો સ્વર્ગવાસ

પાંચેક વરસના ટુંકા પરિચય-ગાળામાં કાંતિભાઈ ખૂબ જ નજદીક આવી ગયેલા. એમણે અમારી સાથે સૌરાષ્ટ્રની, બદરીકેદારની અને છેલ્લે છેલ્લે ગંગોત્રી તથા પશુપતિનાથની યાત્રા કરી. બીજે વરસે એમનું શરીર બગડ્યું અને એ ઈ. સ. ૧૯૭૫ની ૧૫મી ઓગષ્ટની વહેલી સવારે સ્વર્ગવાસી થયાં. મૃત્યુ પહેલાં એમણે આપેલા આદેશને અનુસરીને એમનાં ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. એમના જવાથી નાના-મોટા અનેકને અસાધારણ ખોટ પડી. સુમન ગયું, સુવાસ રહી ગઈ. સરિતા સરી કિન્તુ ધરતીને સલિલવંતી કરી ગઈ.

ઘરનાં સૌ કોઈને એમણે સૂચના આપેલી : મારી પાછળ કોઈ રડશો નહિ. શોક ના કરશો. જે જન્મ્યું છે તે દરેકને જવાનું તો છે જ. ઘરમાં રોજ ગીતા અને વિષ્ણુસહસ્ત્રનામનો સમૂહ પાઠ શરૂ કરો. સારા સારા સંતો વિદ્વાનોને બોલાવીને સત્સંગ કરાવો. મનને પરમાત્મામાં લગાડો. એ જ કાર્ય કરવા જેવું છે.

એમને પૂછવામાં આવ્યું કે કોઈ કામના છે ? કોઈને કાંઈ કહેવું છે ? તો એમણે ઉત્તર આપ્યો કે ના, કોઈયે કામના નથી ને કાંઈયે નથી કહેવું. સૌમાં સદબુદ્ધિ છે. એને અનુસરીને સૌ આગળ વધશે. મને એની લેશ પણ ચિંતા નથી થતી.

એમના અસ્થિ-વિસર્જન માટે હરિદ્વારને પસંદ કરવામાં આવ્યું. એમના કુંટુબીઓ મને ને માતાજીને મસુરીથી અત્યંત આગ્રહ કરીને ત્યાં લઈ ગયાં. હરિદ્વારના બ્રહ્મકુંડમાં એમનાં અસ્થિને પ્રવાહિત કરવામાં આવ્યાં. અમે ઉતારા પર પહોંચ્યાં તે પછી મધ્યાહ્ન સમયે એ મારી સમક્ષ સૂક્ષ્મરૂપે ઉપસ્થિત થઈને સંતોષ પ્રદર્શાવતા કહેવા લાગ્યા કે તમારી શુભ સંનિધિમાં અસ્થિ-વિસર્જનનું કાર્ય કરાયું એથી મને આનંદ થયો છે. હું સંપૂર્ણ શાંત, સંતુષ્ટ ને સુખી છું.

જે બીજાની સમુન્નતિ, સુખાકારી અને શાંતિની સદા કામના કરે છે તથા તેને માટે પ્રયત્નો આદરે છે એ સુખી ને શાંત જ હોય. એને કશું પણ અશાંત ના કરી શકે. એ સંદર્ભમાં એમના શબ્દો સાચા હતા.

કાંતિભાઈના સ્વર્ગવાસ પછી પંદર દિવસે ડોક્ટર રસિકલાલનો સ્વર્ગવાસ થયો. એ પણ ખૂબ જ પરગજુ ને સેવાભાવી હતા. એમના આત્માની ઉદાત્તતા પણ અમર રહી ગઈ.

 

 

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok