Wednesday, July 08, 2020

અમૃતસર વેદાંત સંમેલનમાં

અમૃતસરમાં વેદાંતકેસરી સ્વામી નિર્મલજી મહારાજે શરૂ કરેલાં વેદાંત સંમેલનનો રજતજયંતિ મહોત્સવ ઈ. સ. ૧૯૭૫માં દિવાળી પહેલાં થવાનો હોવાથી સ્વામી નિર્મલજીના શિષ્ય અને સંમેલનના પ્રધાન શ્રી હરકિશનદાસના આગ્રહપૂર્ણ આમંત્રણને માન આપીને અમે અમૃતસર ગયાં. એ અવસર યાદગાર બની ગયો.

અમૃતસરનું વેદાંત સંમેલન વિશાળ પાયા પર યોજાયેલું. એમાં અનેક વિખ્યાત મહાત્માઓ, મહામંડલેશ્વરો, વિદ્વાનોએ ભાગ લીધો. શ્રોતાઓની સંખ્યા ઘણી મોટી હતી. એમાં મારા પ્રવચનો રોજ થતાં. પ્રત્યેક દિવસે એકેક મહાત્માની અધ્યક્ષપદે નિયુક્તિ થતી. છેલ્લે દિવસે મારી પણ નિયુક્તિ થઈ. બે દિવસના પ્રવચનો પછી મહંતો, મંડલેશ્વરો અને સંતો મારા પર પ્રેમ પ્રદર્શાવતા થયાં. એક મંડલેશ્વર મહારાજને તો એટલો બધો પ્રેમ થયો કે એ બીજા મહાત્માઓને અને મંડલેશ્વરોને કહેવા લાગ્યા કે, યોગેશ્વરનું પ્રવચન સાંભળો. ધન્ય બની  જશો. કેવું સરસ સારગર્ભિત બોલે છે ? એ સ્વયં સુંદર વક્તા હતા તો પણ ગુણગ્રાહી વૃત્તિથી પ્રેરાઈને મારી પ્રશંસા કરવા લાગ્યા, એ એમની મહાનતા હતી.

સંમેલનમાં બીજા સારા પ્રવક્તાઓ પણ આવેલા. એમને લીધે સંમેલન સર્વ પ્રકારે સફળ અને સાર્થક હતું.

ભારતમાં સાંપ્રત સમયે સાધનાપરાયણ, સિદ્ધિસંપન્ન અને પ્રાતઃસ્મરણીય સત્પુરુષોનો અભાવ છે. એવું વિધાન કેટલાકો તરફથી થાય છે, પણ સાચી રીતે એવું નથી જ. એવા સાધુપુરુષોનો દર્શન-સમાગમનો લાભ દુર્લભ હોય તે ભલે, પરંતુ એમનું અસ્તિત્વ આજે પણ છે, અને પ્રભુની અસીમ, અહેતુકી કૃપાથી એમના દર્શનનો દેવદુર્લભ લાભ મળી રહે છે એ હકીકત છે.

ઈ. સ. ૧૯૭૫ના ઓક્ટોબર-નવેમ્બર માસ દરમિયાન અમૃતસરમાં થયેલા 'અખિલ ભારતીય વેદાંત સંમેલન' વખતે મને એની પ્રતીતિ થઈ. આજે ચારે તરફ માનવીય મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે અને આત્મિક અભ્યુત્થાનને બદલે સાંસારિક સુખોપભોગની ભાવના વધતી જાય છે, ને તે પ્રવૃત્તિ પ્રબળ બનતી જાય છે ત્યારે એવા અપરિગ્રહી, આત્મારત, આત્મકામ મહાપુરુષો પણ પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે એ ઓછું આશ્ચર્યકારક નથી લાગતું. એવા એક મહાપુરુષનું રેખાચિત્ર અહીં રજૂ કરું છું.

વેદાંત સંમેલનમાં લગભગ સો જેટલા સંતપુરુષો પધારેલા. એમાંના કેટલાક ખ્યાતિપ્રાપ્ત, તો કેટલાક ખ્યાતિ વગરના પણ હતાં. એમનામાંના ઘણા સંમેલન સ્થાનની બહારના મુખ્ય માર્ગની બેઉ બાજુની ફૂટપાથ પર બેસતાં. સંમેલનમાં જતી વખતે મારે એ માર્ગ પરથી પસાર થવું પડતું, એટલે એમના દર્શનનો લાભ આપોઆપ મળી રહેતો.

એ સંતપુરુષોમાંના એક પ્રત્યે મારું લક્ષ સહજ રીતે આકર્ષાયું. એમને અવલોકતાં જ મને એવી લાગણી થઈ કે આ કોઈ સામાન્ય મહાત્મા નથી, પણ આત્મિક સાધનાનો આધાર લઈને જીવનસિદ્ધિના ઉચ્ચ શિખરે પહોંચેલા કોઈ અપવાદરૂપ મહાપુરુષ છે. સંસારમાં એમની કોઈ સ્થૂળ સંપત્તિ ભલે ન હોય, પણ મુખ્ય માર્ગના વિશાળ વૃક્ષ નીચે બેસી રહેલા એ સંત અધિકારી મહાત્મા હતા. આસન અને કમંડલ સિવાય બીજું એમની પાસે કાંઈ નહોતું. એમનું અંગ અતિ સ્થૂળ હતું. મુખમંડળ ગૌર અને તેજસ્વી. ઊંડી શાંતિથી આચ્છાદિત અને પ્રસન્નતાથી પુલકિત. એના જેવી અદભુત મૂર્તિ મેં મારા આજ સુધીના જીવનમાં બીજી નથી જોઈ.

અમે સંમેલનમાં પ્રવેશવા માટે બીજે દિવસે એમની પાસેથી પસાર થયા ત્યારે એમણે અમને જોઈને સુખદ-સંમોહક સ્મિત કર્યું. ત્રીજે દિવસે એમના હાથમાં ચ્હાનો પ્યાલો હતો. એમને જોઈ મને થયું કે આ મહાત્મા પુરુષ વૃક્ષ નીચે બેસી રહે છે. એમની પાસે ભૌતિક સંપત્તિ કે સાધન-સામગ્રી દેખાતી નથી. તેઓ રાતે ક્યાં રહેતા-સૂતા હશે ?

મારા આ મનોભાવોને સમજી લઈ, મારી જિજ્ઞાસાના જવાબમાં, એમણે મને નમસ્કાર કરીને કહેવા માંડ્યું :

યા નિશા સર્વભૂતાનામ્ તસ્યાં જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ॥

ગીતાજીના બીજા અધ્યાયના એ શ્લોકનો ભાવાર્થ સ્પષ્ટ હતો. એ દ્વારા મહાપુરુષ સૂચવવા માગતા હતા કે સામાન્ય રીતે માનવો રાતે નિદ્રાધીન બને છે. પરંતુ યોગી નિદ્રાજીત થઈ રાતે જાગે છે. એ અવિદ્યાના જગતમાં કદિ પણ સૂતો નથી. અખંડ જાગ્રત રહી, પ્રજ્ઞાથી પવિત્ર પરમાત્માના પ્રેમના જગતમાં જાગે છે. હું પણ એવી રીતે જાગું છું. આમ કહીને એમણે મને પુનઃપ્રણામ કર્યા. મારા મનોભાવોને પોતાની સવિશેષ સાધનાશક્તિથી સમજી લઈને એમણે સંતોષકારક સમ્યક્ પ્રત્યુત્તર આપ્યો. એથી મને સાનંદ એમની શક્તિનો સહેજ અનુભવ પણ થયો. એ સુંદર, સ્વચ્છ, વિશાળ રાજમાર્ગ પરથી મને પોતાની પાસેથી પસાર થતો જોઈ, એ રોજ પ્રણામ કરતાં તો પણ હું એમની સાથે ખાસ બોલતો નહિ. મારે નક્કી થયેલા સમયે સંમેલનમાં જવાનું હોવાથી ત્યાં જવાની ઉતાવળ રહેતી. પાછા ફરતી વખતે પણ રોકાવાનો સમય ન મળતો. એક દિવસ મને થયું કે હું આ સંતપુરુષને પ્રેમથી બોલાવતો નથી તો પણ એ મને બોલાવે છે. એમને માન અપમાન જેવું કશું જ નથી. મારા આ વિચારને એમણે જાણી લીધો હોય તેમ, એના જવાબમાં કહ્યું : 'માનાપમાન યો સ્તુલ્યઃ'

એનો અર્થ એ કે મહાત્મા પુરુષો માન અને અપમાનને સરખાં ગણે છે, અને માન અથવા અપમાનની વચ્ચે પણ મનને સ્થિર, શાંત અને સ્વસ્થ રાખી શકે છે.

એ ઉદગારો સાધુપુરષની અંતરંગ અસાધારણતાના પરિચાયક હતા. કોઇને જિજ્ઞાસા જાગવાનો, શંકા થવાનો સંભવ છે કે એવા આત્મદર્શી અને પરમસિદ્ધિ પામેલા મહાત્માને અરણ્યનો એકાંતવાસ છોડી, એવી રીતે જાહેર સંમેલન સમયે, વસ્તી વચ્ચે આવીને બેસવાનું કારણ શું ?

આ શંકા અથવા પ્રશ્નનો જવાબ એટલો જ આપી શકાય, આપણે એમને સંપૂર્ણપણે સમજી ન શકીએ માત્ર અનુમાન જ કરી શકીએ. છતાં એટલું સાચું છે કે એમની ગમે તે સ્વરૂપની ઉપસ્થિતિ, એમના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવનારા માટે પ્રેરક અને આશીર્વાદરૂપ જ બને છે. એમના જીવન દ્વારા વસતી કે જંગલ સર્વત્ર લોકો માટે કલ્યાણકાર્ય જ થતું હોય છે. એ કયા જીવોના કલ્યાણ કાજે ક્યાં, કેવા સ્વરૂપે અને ક્યારે પ્રકટે છે તે કોઈ કહી શકતું નથી. એમના દ્વારા પ્રેરણા ને પ્રકાશ પામીએ એટલું જ આપણે માટે પર્યાપ્ત છે. 'વંદે મહાપુરુષ તે ચરણારવિન્દમ્ '

 

 

Today's Quote

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok