અશ્રુ

ઈચ્છાશક્તિનો થોડોક ઉપયોગ કરીને મેં મારા મનને શાંત રાખ્યું. એમાં વિશેષ વિચારો ના પ્રકટ્યા. જે તરત જ પેદા થયા તે પણ વ્યોમનાં નાનાં વાદળની પેઠે વિખરાઈ ગયા. મેં મહર્ષિની મહાન વિશાળ તેજસ્વી આંખમાં આંખને એક કરીને અનવરત રીતે અવલોકવા માંડ્યું.

અને મને એકાએક જ સમજાવા લાગ્યું. મને જે સાચેસાચ સમજાયું એને આપણી ભૌતિક ભાષામાં કેવી રીતે વ્યક્ત કરી શકું ? વધારે ઊંચી ઉદાત્ત વસ્તુઓનું આલેખન અક્ષરોમાં કેવી રીતે કરી શકું ? એવી વસ્તુઓનું નિરૂપણ સર્વસાધારણ માનવોના સામાન્ય વિચારો અને અનુભવમાંથી પેદા થતી ને પોષાતી ભાષામાં ભાગ્યે જ કરી શકાય. મને સહેલાઈથી સુચારુ રૂપે સમજાયું કે મહર્ષિનું જીવન આપણી આ ભૌતિક ભૂમિકા પર કેન્દ્રિત નથી થયું. એ આપણી પૃથ્વીને અતિક્રમીને ઘણું આગળ વધેલું છે. એ પરિવર્તનશીલ પીડાગ્રસ્ત પૃથ્વીને પરિત્યાગીને બીજા જ વાસ્તવિક વિશ્વમાં વિહરે છે. એ પરમાત્માના પરમપવિત્ર પ્રકાશના પૂર્ણ પ્રતિનિધિ - મંદિરના છાપરામાંથી વાદળી વ્યોમ તરફ ઉપર ઊઠતા ધૂપ જેવા છે. મારા તરફ સ્થિર થયેલી એમની દૃષ્ટિ શો સંદેશ આપી રહી છે તેની સમજ મને ના પડી.

મારા મુખમંડળ પરથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. અશ્રુઓ પુષ્કળ પ્રમાણમાં શાંતિપૂર્વક વહેવા લાગ્યાં. એમના મૂળમાં ખેદ, પીડા કે પશ્ચાતાપ ન હતો. એમના કારણને કેવી રીતે કહી બતાવું તેની સમજ મને ના પડી. એ અશ્રુઓની આરપારથી મેં મહર્ષિ તરફ જોવા માંડ્યું. એમને એમના કારણની માહિતી હતી. એમની શાંત ગંભીર મુખમુદ્રામાંથી ઊંડી સમજ તેમજ મિત્રતા નીતરતી. એની ઉપર જે આત્મિક પ્રકાશની આભા છવાયેલી એને લીધે એ બીજી બધી જ માનવીય મુખાકૃતિ કરતાં જુદી જ તરી આવતી. એમની પ્રખર દૃષ્ટિના પ્રકાશમાં મને મારા અશ્રુપ્રવાહનું કારણ એકાએક સમજાયું.

મારાથી એટલું કહી શકાય તેમ છે કે જીવનમાં આત્મિક અનુભૂતિની એવી અગત્યની દૂરગામી પરિણામોવાળી પળો આવે છે જે એક નહિ પરંતુ અનેક અવતારોપર્યંત અસરો પહોંચાડે છે. વિશેષ પ્રકાશને પેખી શકાય તે પહેલાં કેટલાક ધબ્બાઓને ધોઈ નાખવા પડે છે. કોઈ પણ પાર્થિવ પાત્રનું પાણી એમને ધોઈ નથી શકતું; આત્માને પવિત્ર નથી કરતું. એ હેતુની સિદ્ધિ કરનારું એક જ પાત્ર છે અને એ હૃદય; એક જ પાણી છે અને એ અનવરત અશ્રુપ્રવાહ.

ધ્યાનની એવી બેઠકો થોડાક વધારે દિવસો સુધી ચાલુ રહી, અને એ પછી બીજી ભૂમિકાનો આરંભ થયો. અશ્રુને બદલે અંદરની નીરવતાનો અને અવર્ણનીય, અભિવ્યક્તિરહિત સુખની લાગણીનો અનુભવ થવા લાગ્યો. મનની એ અંતરંગ અવસ્થા બહારની કોઈ પણ પરિસ્થિતિ પર આધાર નહોતી રાખતી. કલાકો સુધી આસન પર બેસવાથી થતી શારીરિક પીડા, મચ્છરો તથા તીખો તાપ, કશાથી એ અંતરંગ સુખને ઉની આંચ નહોતી આવતી. મનની અંદર નવા વિચોરોને પેદા થવાનો અવસર નહોતો આપતો ત્યાં સુધી એવી અવસ્થા ચાલ્યા કરતી. પરંતુ એકાગ્રતાનો અંત આવતાં શાંતિનો પણ અંત આવતો. જગત પોતાની સમસ્યાઓ સાથે ફરી પાછું પ્રવેશ પામતું. આધિ, વ્યાધિ, ઉપાધિ, આકાંક્ષાઓ વળી પાછી સક્રિય બનતી.

પરંતુ એક વાર એ અનુભૂતિના રહસ્યને શોધી કાઢ્યા પછી એના પુનરાવર્તનનું દ્વાર ઊઘડી જાય છે. એ અવસ્થાને આપણી ઈચ્છા પ્રમાણે પાછી મેળવી શકાય છે. મને બરાબર ખબર છે કે અતીન્દ્રિય અવસ્થાની એવી આરંભની અનુભૂતિઓને માટે સદગુરુની સહાયતાની અનિવાર્યરૂપે આવશ્યકતા હોય છે. એ ચોક્કસ અને સક્રિય રીતે હસ્તક્ષેપ કરે છે એવું નથી કહી શકાતું, પરંતુ એમની ઉપસ્થિતિ, એમનો અનવરત રીતે વહેનારો શક્તિપ્રવાહ, એવી અસર ઊભી કરે છે.

મેં મંદિરના હોલમાં એકઠા થયેલા દર્શનાર્થીઓ તરફ દૃષ્ટિપાત કર્યો. મહર્ષિની સંનિધિમાં સૌ સુખી દેખાયા. પ્રત્યેકને પોતપોતાની યોગ્યતા અને ગ્રહણશક્તિની માત્રા પ્રમાણે એ સુખનો સ્વાનુભવ થઈ રહેલો.

પંડિતને લાગતું કે અહીં આવવાથી પોતે જન્મમરણનાં ચક્રમાંથી મુક્તિ મેળવવાની તૈયારીમાં છે. કૃષ્ણવર્ણના કિસાનને લાગતું કે મહર્ષિના દર્શન પછી ડાંગરના પોતાના નાના ખેતરમાંથી વધારે પાક ઉતરશે. અમેરિકન મોક્ષની ને ઊંડા સમાધિસુખની આશા રાખતો. ઉત્તર ભારતમાંથી પધારેલી ભુખરા રંગની રેશમી સાડીવાળી સિનેમાજગતની એક અગાઉની અભિનેત્રી મહર્ષિની સુખદ સંનિધિમાં સ્વર્ગસુખને અનુભવતી. મને પોતાને એવી પ્રતિતી થતી કે જીવનના સાધનાત્મક ક્ષિતિજ પરનું ધુમ્મસ પાતળું પડતું જાય છે અને મારી અને પરમાત્મા અથવા સ્વરૂપની વચ્ચેના સઘળા અંતરાયોનો અંત આવવાનો સમય સમીપ આવતો જાય છે. એ સમય દરમિયાન મારે ભવિષ્યમાં જે પ્રખર પરિશ્રમ કરવાનો હતો તેનું પણ મને ભાન થયું. મને સમજાયું કે મારામાં અનેક પ્રકારની આવશ્યક યોગ્યતાઓનો અભાવ છે. તો પણ એવી વિચારસણીને લીધે મને પહેલાંની પેઠે નિરાશા ના થઈ. મેં જે શાંતિનો સ્વાનુભવ કરેલો એને લીધે મારી કેટલીય અનિશ્ચિતતાઓનો અંત આવેલો.

મહર્ષિએ એવી જ સમસ્યાનો ઉકેલ કરતાં આપેલો ઉત્તર મને યાદ આવ્યો. મેં એ ઉત્તરને પાછળથી વાંચ્યો ત્યારે મને સંતોષાનુભવ થયો.

‘સ્વરૂપ અથવા આત્મા પૂર્ણ છે, સર્વવ્યાપક છે, એટલે આપણી પાસે જ છે. એની અંદર સ્થિતિ કરવી તે સાક્ષાત્કાર કહેવાય છે.’

 - © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.