Text Size

સાધનાની વિશેષ સમજ

સાધના દ્વારા પરમાત્માના પરમ પ્રકાશનો સાક્ષાત્કાર કરવાનો છે. સંક્ષેપમાં કહેવું હોય તો કહી શકાય કે અપરોક્ષાનુભૂતિ. આત્માનો અપરોક્ષ અથવા તો પ્રત્યક્ષ અનુભવ એ જ ધર્મનું ધ્યેય છે, સઘળી સાધનાનું સાધ્ય છે, અને આધ્યાત્મિકતાનો અર્ક, આદર્શ છે. ધર્મ, સાધના કે આધ્યાત્મિકતાની સૃષ્ટિ એને માટે જ છે. જેટલા પ્રમાણમાં ધર્મ, સાધના અથવા આધ્યાત્મિકતા એ હેતુની સિદ્ધિ કરી-કરાવી શકે તેટલા પ્રમાણમાં એ સફળ અથવા તો આદર્શ કહી શકાય, અને જેટલા પ્રમાણમાં એ હેતુને એ ભૂલે-ભુલાવે તેટલા પ્રમાણમાં એ અપૂર્ણ કે ત્રુટિપૂર્ણ કહી શકાય. ધર્મ, સાધના કે આધ્યાત્મિકતાનો આ આત્મા છે. અને જ્યારે આત્માની અવજ્ઞા કરીને શરીરને એટલે બહારનાં વિધિવિધાન કે ક્રિયાકાંડને જ સર્વસ્વ માનવા-મનાવવામાં આવે છે ત્યારે ધર્મ, સાધના કે આધ્યાત્મિકતાનું અનુષ્ઠાન અર્થ વગરનું અને નિષ્પ્રાણ બની જાય છે. કોઈનુંય કલ્યાણ નથી કરી શકતું.

એટલે માનવની અંદર રહેલા અજ્ઞાનરૂપી આવરણને અળગું કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપવો એ સાધનાનું ધ્યેય છે. એનું જ નામ સાધના છે. અને એને માટે જ સાધના છે. એને પરિણામે માણસ અહંતા અને મમતામાંથી મુક્તિ મેળવીને નમ્ર, નિરભિમાની ને નિર્મળ બની જાય છે : રાગદ્વેષરહિત થાય છે : અને આસક્તિથી અલગ બને છે. દુન્યવી લાલસા, કામના તથા તૃષ્ણા એને નથી સતાવી શકતી. એનું જીવન પરમાત્મમય બની જાય છે. પરમાત્માના પરમ પ્રકાશનું દર્શન કરીને એ સૌ પ્રત્યે પ્રેમ રાખે છે. ભેદભાવમાંથી મુક્તિ મેળવે છે, ને સૌના હિતમાં રાજી તથા પ્રવૃત્ત રહે છે.

પહેલાંના વખતમાં સ્વયંવરની પ્રથા હતી તે ખબર છે ને ? રાજ્યકન્યાઓના સ્વયંવર થતા. રાજ્યકન્યાઓ સ્વયંવરમાં ઈચ્છાનુસાર વરમાળા પહેરાવતી. એ સ્વયંવરની પ્રથા અત્યારે નાબૂદ થઈ છે, પરંતુ તેની ભાવના નાબૂદ નથી થઈ. તે તો હજુ કાયમ છે. રાજ્યકન્યાઓના સ્વયંવરમંડપો જતા રહ્યા છે, પરંતુ તેથી શું ? સંસારનો સ્વયંવર તો સનાતન છે. જીવ કન્યારૂપે છે. તેણે સંસારનાં બીજા નામરૂપ અને આકર્ષણોથી અંજાવા અને ભરમાવાને બદલે, શિવને પોતાનું સર્વસ્વ અર્પણ કરવાનું છે. પરમાત્માને જ વરવાનું છે. એમને પોતાની વરમાળા આરોપિત કરવાની છે ? એ તો અંદરનું આત્મસમર્પણ છે. પરમાત્માને મનોમન સંકલ્પથી વરવાનું છે. એને હાર પણ કાંઈ સ્થૂલ થોડો જ પહેરાવવાનો છે ? એ હાર તો હૈયાનો છે. મોતી, માણેક, હીરા કે ફૂલનો નથી. પરમાત્માને પોતાના હૈયાનો હાર પહેરાવવાનો છે. એનું નામ જ સાધના. સાધના દ્વારા સાધકે એ જ કરવાનું છે : પરમાત્માને પોતાનું સર્વસમર્પણ.

સાધનામાં યોગનો સમાવેશ થઈ જાય છે. પરંતુ યોગ એટલે એકલાં આસન નથી: ષટ્ ક્રિયા નથી: પ્રાણાયામ નથી: પ્રત્યાહાર, મુદ્રા, ધારણા કે ધ્યાન નથી : થોડા કે વધારે વખતની સમાધિ ય નથી : એને પરિણામે પ્રાપ્ત થનારી સાધારણ કે અસાધારણ સિદ્ધિઓ પણ નથી. યોગ તો પૂર્ણ જીવનનું પ્રવેશદ્વાર છે; મુક્તિના મહામંદિરનો મંગલ પ્રવેશ છે : જે સાચું છે અને સારું સમજવામાં આવે છે એનો જીવનમાં, આચારમાં અનુવાદ છે: આદર્શનો આગાર છે : ઘડતર છે : પરિવર્તન છે અથવા તો અનુભવ છે.

સાધનામાં ભક્તિય આવી જાય છે. પરંતુ ભક્તિ એટલે કેવળ જપ, કીર્તન કે ભજન નથી : દેવદર્શન, તીર્થાટન કે પુસ્તકપારાયણ પણ નથી : માળા, તિલક કે સાંપ્રદાયિક ચિહ્નમાં પણ એની ઈતિકર્તવ્યતા નથી આવી જતી. એ તો પ્રેમ છે, ભાવ છે, હૃદયનો ઈશ્વર માટેનો રાગ છે, પોકાર છે અથવા તો તલસાટ છે.
સાધનામાં જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. પરંતુ જ્ઞાન એટલે કેવળ વાચન, મનન, ચિંતન, લેખન કે સંભાષણ નથી : પ્રવચન નથી : વાદવિવાદ કે ઊંડો અભ્યાસ પણ નથી. એ તો જીવન સાથેનો મૂક અને પ્રશાંત પ્રેમાલાપ છે.
સાધનામાંથી કર્મ પણ બાકાત નથી રહી શકતું; પરંતુ એ કર્મ આંખ મીંચીને વિવેકને ગીરો મૂકીને કરાતી કોઈ જડ કે રૂઢ ક્રિયા નથીઃ અહંકારથી આવૃત્ત થયેલી લાલસાયુક્ત પ્રવૃત્તિ પણ નથી : એ તો સદસદ્ વિવેકથી અલંકૃત એવું કર્તવ્ય છે : નિર્મળતાથી પાલન કરાતી ફરજ છે : ઈશ્વરના હાથમાં હથિયારરૂપે થઈને બજાવવાનો કે અદા કરાતો સ્વધર્મ છે : અને પવિત્ર તેમ જ પૂર્ણ જીવનનો પ્રવાસ છે.

એ સાધના યોગની હોય, ભક્તિની હોય, જ્ઞાનની હોય કે કર્મની હોય, અથવા તો એ ચારેના સમન્વયના પ્રતીકરૂપે હોય, એની સાથે વધારે નિસ્બત નથી હોતી. મહત્વની મહામૂલ્યવાન વાત એટલી જ છે કે એની મારફત અંતરની આગળનું આવરણ હઠવામાં મદદ મળવી જોઈએ, પરમાત્માના ચરણોમાં સર્વસમર્પણ થવું જોઈએ, હૃદયની શુદ્ધિ સધાવી જોઈએ, અને સત્યસ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થવો જોઈએ. સાધનાનું લક્ષ્ય એ જ છે. એને મુક્તિ કહો, કૈવલ્ય કહો, પરમાત્મદર્શન કહો કે પરમશાંતિની પ્રાપ્તિ કહો, બધું એક જ છે.

સંસારને સાગરની સાથે સરખાવવામાં આવે છે. સાગરને પાર કરવો જેમ મુશ્કેલ છે, તેમ સંસારમાં રહીને મુક્તિ મેળવવાનું, તરવાનું કે અલિપ્ત રહેવાનું કામ પણ કપરું ને કષ્ટસાધ્ય છે. સાગરમાં જુદીજુદી જાતના જલચર જીવો તથા ખડકો અને તોફાની તરંગો હોય છે; તેવી રીતે સંસારમાં પણ પ્રલોભનો, વિઘ્નો, એશઆરામ અને સુખ હોય છે, ત્યારે તો સંસાર ગોળ જેવો ગળ્યો અથવા તો કંસાર જેવો સ્વાદિષ્ટ લાગે છે; પરંતુ વિરોધ, વ્યાધિ, વિઘ્નો ને વિપત્તિ તથા વિષાદની ક્ષણો આવતાં કટુ બની જાય છે. અળખામણો કે નીરસ લાગે છે અને અંગાર જેવો દઝાડનારો થાય છે. એવે વખતે સંસાર તરફથી મન સહેજે ઉચક બની જાય છે. વૈરાગ્યશતકના શ્લોકો શીખ્યા વિના વૈરાગ્ય એટલા વખત પૂરતો તો આપોઆપ જ પેદા થાય છે.

એવા સાગર જેવા તોફાની, મહાભયંકર અને અનેક પ્રકારની વિચિત્રતાઓથી ભરેલા સંસારને પાર કરવાનું કામ મુશ્કેલ છે પણ તેનાથી નિરાશ થઈ, ડરી અને હિંમત હારી જઈશું કે ? તેને તરવાનો વિચાર પડતો મૂકીશું કે ? બિલકુલ નહિ. તેવી રીતે ડરપોક ને નાહિંમત બનવામાં કઈ જાતની બહાદુરી છે ? કાયરોને માટે સંસારની ભયંકરતાનો વિચાર કરીને ભયભીત થવાનું ભલે બરાબર હોય. પરંતુ બહાદુરોને માટે, જવાંમર્દોને માટે, મજબૂત મનોબળવાળાને માટે, તેમ જ જેમને સંસારને તરી જઈને જીવનનું સાર્થક્ય કરવું છે તેમને માટે, એવી રીતે ભયભીત, નાહિંમત ને નિરાશ થઈને બેસી રહેવાનું જરા પણ બરાબર નથી. તેમણે તો શાંતિપૂર્વક વિચાર કરીને સંસારને સહીસલામત પાર કરવાનાં સાધનો શોધવાં પડશે અને એ સાધનોનો આધાર લઈને પોતાના મનોરથનો પૂરો વિચાર કરવો રહેશે. એવી રીતે જો પૂરતાં વિચાર, જ્ઞાન અને પુરૂષાર્થપૂર્વક ચાલવામાં આવે તો સંસાર કંઈ જ ન કરી શકે. તે આપણે માટે આત્મોન્નતિના સુખદ સાધનરૂપ થઈ પડે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok