સંકલ્પબળ

સાપ અત્યંત ઝેરી હોય છે અને મોટા ભાગના માણસો એનાથી ડરે છે તથા એને દેખીને જ દૂર ભાગે છે પરંતુ મદારીનું તેવું નથી હોતું. તેનું કારણ શું ? કારણકે તે સાપને વશ કરવાની કળામાં કુશળ છે. સંગીતના સુમધુર સ્વરોથી સાપને મંત્રમુગ્ધ કરીને તે પકડે છે, અને તેની ઝેરની કોથળી કાઢી નાખે છે. બસ, એ કોથળીને કાઢી નાખવાથી તેની બધી જ ભયંકરતા ને ભીતિ મટી જાય છે અને મદારી નિર્ભય બને છે. તે તેને હાથમાં પકડે છે, નચાવે છે, ઈચ્છા અનુસાર ચલાવે છે તથા તેની પાસે વિવિધ પ્રકારના ખેલ કરાવે છે. એના પરથી શું શીખવા મળે છે તે જાણો છો ? સંસારરૂપી સર્પ તમારી બહાર જ નથી, અંદર પણ છે. એ સર્પને હૃદયશુદ્ધિ, તેમ જ પરમાત્માના પરમ પ્રેમ-સંગીતથી અથવા નામસ્મરણથી વશ કરો અને પછી એની બે પ્રાણઘાતક ઝેરની કોથળીઓ કાઢી નાખો, તો તે તમને નુકસાન નહિ કરે. તમે તેનાથી નિષ્ફિકર તેમ જ સલામત બની જશો.

એ ઝેરની બે કોથળીઓ કઈ છે તેની માહિતી કદાચ તમને નહિ હોય. એ કોથળીઓ અહંતા અને મમતાની છે. એ બંને કોથળીઓમાંથી નીકળેલું ઝેર જ માણસને વ્યાપે છે, અસર કરે છે અને બેહાલ અથવા બેહોશ બનાવે છે. એની વિકૃત, વિઘાતક અસરને લીધે જ માણસ પોતાની સૂધબૂધ ભૂલી જાય છે. અહંતા અને મમતાની એ વિષમય, વિઘાતક અસરમાંથી રાગ અને દ્વેષ, હર્ષ અને શોક, કામ ને ક્રોધ, સુખ ને દુઃખ, ઉત્થાન ને પતન, બંધન તથા જન્મમરણની સૃષ્ટિ થાય છે, અવનવી ઈચ્છાઓ ને વાસનાઓ આવિર્ભાવ પામતી જાય છે ને જીવ એનાથી જકડાય છે. એની કરુણ, અતિકરુણ કથનીનો અંત જ નથી આવતો. જો પેલી પ્રાણઘાતક કોથળીઓ કાઢી નાખવામાં આવે તો સંસારને તરવાનું કામ અત્યંત સહેલું બની જશે. પછી સંસારનો ભય નહિ રહે. તેનું સ્વરૂપ ડરાવી, હરાવી કે ગભરાવી નહિ શકે. તે આપણે માટે સુહૃદસમો બની જશે.

સાપ ગમે તેવો તોફાની તથા ભયંકર હોય તોપણ, જેમ તેને આધુનિક સાધનોનો આધાર લઈને સિફતથી તરવામાં આવે છે, તેમ સંસારને તરવાની કળા જાણી લો, સદ્ ગુણ તથા સુવિચારથી સંપન્ન બનો, અને ઈશ્વરસ્મરણ કે ભક્તિનો આશ્રય લો, એટલે સંસારને સહેલાઈથી તરી જશો. તમારા જીવનની મુસીબતો, પ્રતિકૂળતાઓ, પીડાઓ, સમસ્યાઓ તથા આધિ, વ્યાધિ ને ઉપાધિને જોઈને ડરી ન જતા. હિંમત ન હારી જતા. નાસીપાસ ન બની જતા અને મનને ઢીલું પણ ન કરી દેતા. મનોબળને મજબૂત રાખીને કર્તવ્યના ક્ષેત્રમાં આગળ વધજો. તમારી ઈચ્છાશક્તિને તથા તમારા સંકલ્પબળને તીવ્ર બનાવજો. હિમાલય જેવું અડગ અથવા અચળ રાખજો, અને કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ કારણે નિર્બળતાનો શિકાર ન બનતા. નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે પુરૂષાર્થના પાવન, પ્રશસ્ય ને પસંદગી કરેલા પથ પર, એકધારા ઉત્સાહથી આગળ વધતા રહેજો તો તમારા ધારેલા ધ્યેયની સિદ્ધિ કરી શકશો.

દ્રઢ ઈચ્છાશક્તિ અથવા તો મજબૂત મનોબળ આત્મોન્નતિના માર્ગમાં અત્યંત આવશ્યક છે. જે મનોબળ મુશ્કેલીઓથી મહાત ન બને, પ્રતિકૂળતાથી પીડિત ન થાય કે પામર ન બની જાય, તોફાનોના તાંડવથી તપી ન ઊઠે, દુઃખ ને દરદ તથા દુર્દિનના દાવાનળથી ડગે કે દાઝે નહિ, નિંદા ને ટીકાના વિષવાયુ જેને વ્યાકુળ કે વિહ્ વળ ન કરી નાખે, ચિંતા જેને ચલાયમાન ન કરે, હતાશા જેને હંફાવે નહિ, અને નિષ્ફળતા જેનો નાશ ન કરી દે; પોતાના ધ્યેય તરફ જે પ્રેમ ને પ્રસન્નતાપૂર્વક એકસરખી એકધારી કૂચ કર્યા કરે, અને પંથનાં પ્રલોભનોથી પ્રભાવિત તથા પથભ્રાંત થઈને તેમ જ ભયસ્થાનની ભયભીત બનીને જે પોતાના મૂળ-માર્ગ અને મનોરથને ભૂલી ન જાય; એવા મજબૂત મનોબળની અનિવાર્ય આવશ્યકતા છે. એવા મજબૂત મનોબળથી મંડિત થશો તો સંસારને પાર કરવાનું કામ સરળ બનશે. બાકી રણસંગ્રામમાં લડવા જતાં પહેલાં જે યોદ્ધાના પગ ઢીલા બની જશે તે શું લડી શકશે ને વિજયી પણ શું થઈ શકશે ? અથવા તો સાગરમાં પડતાં પહેલાં જ જેની છાતી તૂટી જશે તે સફળતા તથા શાંતિ ને શૂરવીરતાપૂર્વક મન મૂકીને કેવી રીતે તરી શકશે ?

સંસારને તરવાની પાછળ શું રહસ્ય સમાયેલું છે, જાણો છો ? સંસારમાં જે અહંતા છે, મમતા છે, આસક્તિ છે, આકર્ષણ છે, કાદવ છે અથવા તો બુરાઈ છે, અને જે દ્વન્દ્વોની સૃષ્ટિ છે, એની અસરમાંથી મુક્તિ મેળવવી, પોતાના જીવનધ્યેયને સદાયે યાદ રાખવું અને એ ધ્યેય તરફ આગળ વધવું અથવા તો સંસારમાં રહીને કર્તવ્યો કરતાં-કરતાં સંસારથી અનાસક્ત રહેવું. એ કાર્યમાં મજબૂત મનોબળ જેમ મહત્વનો ભાગ ભજવે છે, તેમ ઈશ્વરની ભક્તિ કે શરણાગતિ પણ ભારે સહાયક સાબિત થાય છે. ઈશ્વરની ભક્તિ કે શરણાગતિથી આત્માની અંદર એક પ્રકારના અભૂતપૂર્વ અસાધારણ બળનો ઉદય થાય છે, એક પ્રકારની પ્રેરણા પેદા થાય છે, એક પ્રકારના અદ્ ભૂત પવિત્ર પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે અને ઈશ્વરની અસીમ કૃપાનો લાભ મળતાં એક નહિ પરંતુ અનેક અટપટી સમસ્યાઓનો આપોઆપ ઉકેલ થઈ જાય છે. ઈશ્વરની કૃપામાં એવી શક્તિ છે. એથી કામ અનેકગણું સહેલું થઈ શકે છે. ભક્તિ કે શરણાગતિથી ઈશ્વરની સાથે સંબંધ બંધાય છે અને પરિણામે માતા જેમ બાળકનો બધો જ બોજો ઉપાડી લે અથવા બાળકની સંપૂર્ણ સંભાળ રાખે, તેમ ઈશ્વર માણસની સઘળી સંભાળ રાખે છે. સંસારને તરવાની કે પાર કરવાની શક્તિ પણ એ જ આપે છે. એ જ સંસારને તરાવે છે કે પાર કરાવે છે. ભક્ત પછી નચિંત બની જાય છે. એ ફક્ત એકમાત્ર ઈશ્વરની ચિંતા કરે છે, અને એની બધી જ ચિંતા બદલામાં ઈશ્વર કરે છે. એની બધી જ જવાબદારી ઉપાડી લે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.