ભક્તિની સાધના

નામજપનો આધાર લઈને આગળ વધનારા સાધકના જીવનમાં જ્યારે અનન્ય ભક્તિનો અથવા પરમાત્માના પરમ પવિત્ર પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે પોતાના સમગ્ર જીવન દ્વારા એ સર્વભાવે પરમાત્માને સમર્પિત બનીને પરમાત્મામય થઈ જાય છે. એના હૃદયમાં પરમારાધ્ય પરમાત્મા વિના બીજું કાંઈ જ નથી રહેતું. હૃદય અને રોમરોમ એમના પ્રેમરંગથી રંગાઈ જાય છે. અણુએ અણુમાં એમના અલૌકિક અસાધારણ અનુરાગનો અર્ણવ ઊછળવા માંડે છે. આંખથી એ જડ ચેતનાત્મક સમસ્ત જગતમાં પોતાના પરમ પ્રેમાસ્પદ પ્રિયતમ પરમાત્માનું દર્શન કરે છે ને મનથી એમનું મનન તથા ધ્યાન. એમના સુધાસભર સ્વરૂપમાં મનને જોડવામાં ને લીન કરવામાં એને સ્વર્ગસુખ જણાય છે. વાણી દ્વારા નામજપ તેમ જ પરમાત્માનું ગુણસંકીર્તન કરીને એ અહર્નિશ આનંદે છે, અને કાન દ્વારા પરમાત્માના મહિમાનું મંગલ જયગાન સાંભળીને અમૃતનો અસાધારણ આસ્વાદ અનુભવે છે. હાથથી પરમાત્માની સેવા-પૂજા અથવા આરાધના કરે છે, ને પગથી તીર્થાટનનો ને પરમાત્માની પુણ્યમયી પરિકમ્માનો લાભ મેળવે છે. સંક્ષેપમાં કહીએ તો પોતાના સમસ્ત જીવન દ્વારા એ સર્વ સ્થળે, સર્વ કાળે, ને સર્વે સાધન તથા શક્તિ દ્વારા ભગવાનને ભજે છે. ભક્તનું જીવન એવી રીતે ભગવાનને સર્વપણે સંપૂર્ણ રીતે સમર્પિત થયું હોય છે. એવા સમર્પિત જીવનવાળા આત્માને જ ભક્ત કહેવાય છે. સમર્પણભાવને ભક્તિનો આત્મા માનવામાં આવે છે. તેના સિવાય ભક્તિ ટકી નથી શકતી.

સમર્પણભાવથી ભક્તનો ભગવાનની સાથેનો સંબંધ વધારે ને વધારે સુદ્રઢ બને છે ને ભગવાનની કૃપાનો અધિકાધિક અનુભવ શક્ય થાય છે. ભક્તનું  ભક્તિરસ-ભરપૂર અંતર આખરે ભગવાનના દર્શન માટે આક્રંદ કરે છે અને અતિશય આતુર બને છે. ભગવાન સિવાય એ નથી રહી શકતું. ભક્તનું મન ભગવાનના અસીમ અનુરાગથી ઊભરાઈને નિરંતર નામજપ તથા પ્રાર્થનામાં ડૂબી જાય છે, ને ભગવાનનાં દેવદુર્લભ ધન્ય દર્શનની પ્રતીક્ષા કરે છે.

કહે છે કે સમુદ્રમાં એક વિશેષ પ્રકારની માછલી થાય છે તે સ્વાતિ નક્ષત્રનું જ પાણી પસંદ કરે છે. આકાશમાં જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે છે ત્યારે તે તેના વરસાદી વાદળમાંથી વરસતા જલબિંદુને ઝીલી લે છે, ને સમદ્રમાં ડૂબકી મારીને ઊંડે જતી રહે છે. દિવસો પછી એની જીવનસાધના પૂરી થાય છે અને એના ઉદરમાં મોતી બને છે. માછીમારો એને પકડીને એ મોતીને હસ્તગત કરે છે. ભગવાનના ભાવભીના ભક્તના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. પરમાત્માના પરમ કૃપાપાત્ર સત્પુરુષ સ્વાતિ નક્ષત્રના વરસાદી વાદળ જેવા છે. એમનો આપેલો મંત્ર કે સદુપદેશ જલબિંદુ જેવો જીવનપ્રદાયક છે. તેને ઝીલીને ભક્ત સંસારસાગરમાં જીવનને કૃતકૃત્ય કરનારી આત્મિક સાધનામાં લીન બને છે. જેને સદ્ ગુરૂના સદુપદેશ કે મંત્રશ્રવણનો લાભ મળ્યો છે તેને માટે બીજું કયું સાધન શેષ રહે છે ? તે તો પોતાની સમગ્ર ચિત્તવૃત્તિને તેમાં પરોવીને એની સાથે એકરૂપ બની જાય છે તો છેવટે તેને પરમાત્મદર્શન, સ્વાત્મસિદ્ધિ કે પ્રશાંતિરૂપી પરમ મૌક્તિકની પ્રાપ્તિ થાય છે. તેનું જીવન ધન્ય બને છે.

ભક્તના જીવનનો સાચો આનંદ શેમાં રહેલો છે ? પરમાત્માના પરમ પવિત્ર પ્રેમમાં અને એને પરિણામે થતા પરમાત્માના દિવ્ય દર્શનમાં. એ સિવાયની બીજી કોઈ પણ વસ્તુઓ મળે કે સિદ્ધિઓ સાંપડે તોપણ એનું અંતર પરિતૃપ્તિને નથી પામતું. ભક્તજીવનની સાચી કૃતાર્થતા ભગવાનની સુખદ સંનિધિમાં જ રહેલી છે. ભક્તિની સાધનાનું સાફલ્ય એમાં જ સમાયેલું છે. એને યાદ રાખીને ભક્ત ભક્તિની સાધનામાં આગળ વધે છે.

નામજપની સાધના ભક્તિસાધનાના સારતત્વ સમાન છે. 'જપથી સિદ્ધિ સાંપડે છે, જપથી ને જપથી જ વારંવારના એકધારા અભ્યાસથી સિદ્ધિ મળે છે 'जपात् सिद्धिः जपात् सिद्धिः जपात् सिद्धिः प्रयत्नतः’ કહીને એ જ હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. નામજપથી ક્રમેક્રમે જીવનની શુદ્ધિ થાય છે, મન એકાગ્ર થાય છે, પરમાત્માનો પ્રેમ પ્રકટે છે, શાંતિ અનુભવાય છે, સમાધિનું સુખ સાંપડે છે, ને દર્શનનો મોટામાં મોટો લહાવો મળી રહે છે. અને ભગવાનનું દર્શન થતાં શું બાકી રહે છે ? ભગવાન પોતાનું દૈવી દર્શન આપીને ભક્તની સઘળી મનોકામના પૂરી કરે છે - અલબત્ત, એની એવી કોઈ મનોકામના હોય તો.

યોગી યોગની દીર્ઘકાલીન કષ્ટપ્રદ સાધનાથી જે પામે છે તથા પામી નથી શકતો તેવી કેટલીય વસ્તુઓની પ્રાપ્તિ ભક્ત ઈષ્ટના દર્શનથી, એમના અસાધારણ અમોઘ અનુગ્રહના પરિણામ રૂપે, સહજ રીતે જ પ્રાપ્ત કરી લે છે. ભક્ત એમની આગળ અખંડ યૌવનવાળા, વ્યાધિરહિત, દિવ્ય મૃત્યુંજય શરીરની અને અણિમાદિ સિદ્ધિઓ માગણી કરે તો ભગવાન એમને ઉચિત લાગતાં તથાસ્તુ  કહી વરદાન આપીને એ સઘળું અર્પણ કરે છે. ભગવાનના અનંત ભંડારમાં કશાની ખોટ નથી. પરંતુ તેને માટે ભગવાનનો સાક્ષાત્કાર કરીને એમના શ્રીમુખમાંથી તથાસ્તુ કહેવડાવવા જેટલી યોગ્યતા હોવી જોઈએ. એ યોગ્યતા કે શક્તિને કાંઈ નાનીસૂની નથી સમજવાની. એની સંપ્રાપ્તિ થતાં જીવન ધન્ય બને છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.