ભક્તિનું હાર્દ

ભક્તિમાં ભજ ધાતુ છે. એ રીતે જોતાં ભક્તિ ભજવાની ક્રિયા છે. એમાં શરણ લેવાનો અને ભજવાનો કે સેવવાનો - એવા બે પ્રકારના ભાવ સમાયેલા છે. જેનું સેવન કરવાનું છે તેનું શરણ પણ લેવું રહે છે. એ વાત આપોઆપ અથવા તો એકદમ સહેલાઈથી સમજી શકાય તેમ છે.

માણસો શરણ લે છે અને સેવે છે કે ભજે છે પણ ખરા; પરંતુ મોટા ભાગના માણસો શેનું શરણ લે છે ને કોને સેવે છે ? ધન, ધરા અને રમાને અથવા તો પદ તથા પ્રતિષ્ઠાને. પરંતુ બૃહદારણ્ય ઉપનિષદમાં મૈત્રેયી પૂછે છે કે આ વિશાળ સૃષ્ટિમાં જે ધન કે ઐશ્ચર્ય છે તે બધું જ મળી જાય તોપણ શું પરમ શાંતિની પ્રાપ્તિ થઈ શકે અથવા તો બંધનોથી મુક્તિ મળી શકે ? તો એના ઉત્તરમાં મહાત્મા યાજ્ઞવલ્ક્ય સંક્ષેપમાં જ કહે છે કે 'અમૃતત્વસ્ય આશા નાસ્તિ વિત્તેન !’ મૈત્રેયી ! ધન,  વૈભવ કે ઐશ્ચર્યથી કોઈને અમૃતપદની પ્રાપ્તિ નથી થઈ શકતી. એવી રીતે સાંસારિક પદાર્થોના શરણ તથા સેવનથી માણસને શાંતિ, જીવવાની તૃપ્તિ કે મુક્તિ નથી મળતી. એથી ઊલટું, એને લીધે અતૃપ્તિ અને અશાંતિ વધતી જ જાય છે. એને ભક્તિ કહો તોપણ એ ભક્તિ કોઈનું કલ્યાણ કરનારી સાબિત નથી થતી. એટલે જ એને માટેની ભલામણ કોઈ નથી કરતું.

માણસોનો મોટો ભાગ જે પદાર્થોને ભજે છે અને જે પદાર્થો કે વિષયોને માટે પરિશ્રમ કરે છે તે તો ક્ષણભંગુર, અથવા અસ્થાયી છે. તેમના કાયમીપણાની બાંહેધરી કોઈ નથી આપી શકતું. માટે જ બુદ્ધિમાન માણસો એમાંથી પોતાના મનને પાછું વાળી લઈને અવિનાશી કે સનાતન પદાર્થમાં એને જોડવાનો પ્રયાસ કરે છે. આ પલટાતી જતી પૃથ્વીમાં, એની અંદર અને બહાર, એવું કોઈ સનાતન તત્વ છે જેનો કદી નાશ ન થાય, જેને જાણવાથી, સેવવાથી કે ભજવાથી શાંતિ મળે, દુઃખ તથા બંધન દૂર થાય ને જીવન ધન્ય બની જાય ? એવી જિજ્ઞાસા એમના મનમાં જાગી ઊઠે છે. વિચારનો આશ્રય લઈને એવા પરમાત્મતત્વના અસ્તિત્વનો એ નિર્ણય કરે છે. અને પછી તો માત્ર નિર્ણય કરીને બેસી રહેવાને બદલે, એ તત્વનો સાક્ષાત્કાર કરવા અથવા તો એનો પ્રત્યક્ષ અનુભવ કરવા કમર કસે છે કે સાધનામાં પડે છે. એનું નામ જ ભક્તિ. ભક્તિ એવી રીતે જિજ્ઞાસાવૃત્તિમાંથી જન્મે છે, પરંતુ પ્રેમના પીયુષથી પોષાય છે, અને પરમાત્માના પ્રત્યક્ષ પરિચય વિના બીજા કશાથી પણ પરિતૃપ્ત કે પ્રસન્ન નથી થઈ શકતી. જ્ઞાન એની અંદર તાણા અને વાણાની પેઠે વણાયેલું હોય છે એ સાચું, પરંતુ એની મુખ્ય આધારભૂમિ હૃદય અને એમાં રહેલો ભાવ હોય છે.

એ ભાવની મદદથી જ એ પરમાત્માની પાસે પહોંચવાનો પ્રયાસ કરે છે. એ રીતે જોતાં ભક્તિ સંસારના ક્ષણભંગુર મરણધર્મી પદાર્થોની પ્રાપ્તિ, વાસના, કામના, આસક્તિ કે અનુરક્તિ નથી, પરંતુ એક પરમાત્માની જ શરણાગતિ, સેવા કે સંશક્તિ છે. પરમાત્માને માટેની જ પ્રગાઢ પ્રીતિ છે. એવી પ્રગાઢ પ્રીતિ ન પ્રકટે ત્યાં લગી ભક્તિ થઈ છે એવું ન કહી શકાય. માટે જ નારદજી પોતાનાં ભક્તિસૂત્રોમાં એનો પરિચય કરાવતાં કહે છે કે 'સા તુ અસ્મિન્ પરમપ્રેમરૂપા !’ એટલે કે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમરૂપ છે. સાધારણ નહિ પરંતુ પરમ પ્રેમ. પ્રખર પ્રેમ. એકધારો અને પુષ્કળ પ્રેમ. એવા પ્રેમનું પ્રાકટ્ય થતાં જીવન અમૃતમય બની જાય છે. એમાંની અશાંતિ, અજ્ઞાન, ભેદભાવ અને અહંકારનું બધું જ ઝેર જતું રહે છે. માટે જ ભક્તિને અમૃતમયી પણ કહેવામાં આવે છે. એનો આસ્વાદ લેનાર અમૃતમય બન્યા વિના નથી રહી શકતો. એનું તન, મન, અને અંતર અનેરું અથવા અલૌકિક બની જાય છે.

એવી ભક્તિની ભાગીરથી જેના દિલમાં પ્રકટીને વહેવા માંડે છે, એના જેવો ભાગ્યશાળી સંસારમાં બીજો કોઈ જ નથી. એના ભાગ્યોદયનો દિવસ શરૂ થઈ ગયો એમ જ સમજવું. એને સુખશાંતિ ને જીવનના કલ્યાણની કૂંચી મળી ગઈ. કામધેનુ, કલ્પલતા કે પારસની પ્રાપ્તિ થઈ. એના જીવનમાં ઉષાનો ઉદય થયો ને પરમાત્માના દર્શનનો સૂર્યોદય હવે દૂર નથી એ નક્કી સમજી લેવું.

નામસ્મરણ ભક્તિની સર્વોત્તમ સાધનાનું હાર્દ છે. એના સિવાય ભક્તિની સુંદર સાધનાનો વિકાસ ન થઈ શકે. પ્રેમપૂર્વક કરાતા નિયમિત નામસ્મરણથી મન નિર્મળ ને સ્થિર થાય છે તથા પરમાત્માના સાક્ષાત્કારની તાલાવેલી પેદા થાય છે. એ તાલાવેલી ભક્તનું સાધન સર્વસ્વ છે એમ સમજી લેવું. એવી તાલાવેલી, લગન અથવા તો ઈશ્વરને માટે આકુળવ્યાકુળતાનો ઉદય ભક્તના જીવનમાં થવો જ જોઈએ. ત્યારે જ ભક્તિની સાધના સફળ બની શકે. ભક્તિનો પ્રકાશ થતાં ભક્તનાં નેન ને વેણ બંને બદલાઈ જાય છે. એનો અર્થ એ છે કે એની આંખમાં ઈશ્વરના પવિત્ર પ્રેમનું અંજન અંજાવાથી એ સર્વત્ર ઈશ્વરની પરમ સત્તાની ઝાંખી કરે છે અને એની વાણી સરળ, સાચી તથા મધુમયી બની જાય છે. એ નમ્રતા, સરળતા ને સરસતાની મૂર્તિ બની જાય છે. એ દ્રષ્ટિએ જોતાં ભક્તિ સ્વભાવનું, વિચાર તેમ જ વ્યવહારનું આમૂલ પરિવર્તન છે. કહો કે શુદ્ધિકરણ અથવા ઊર્ધ્વીકરણ છે. એનો સમાવેશ કેટલાક માણસો માને છે તેમ કેવળ બહારનો દેખાવ, રૂપરંગ તથા બહારની ક્રિયાઓમાં જ નથી થઈ જતો. કેવળ ટીલાંટપકાં કરવાથી, ભજનો ગાવાથી, સ્તોત્ર, પાઠ, તીર્થાટન ને દેવદર્શન કરવાથી તથા સત્સંગમાં સામેલ થવાથી જ એનો સાચો સ્વાદ નથી મળી જતો. એનો આત્મા ઘણો ઊંડો ને ઊંચો છે. બહારની ક્રિયા-પ્રક્રિયાઓ એના રહસ્યનો ઉકેલ કરવામાં મદદરૂપ થાય છે એટલું જ, બાકી એની સાચી અનુભૂતિ નથી કરાવી શકતી. એ ક્રિયા-પ્રક્રિયાનો આધાર લઈને માણસે આગળ વધવાનું છે ને ભક્તિના અસલ આસ્વાદનો અનુભવ કરવાનો છે. ભક્તિ શબ્દનો ઉચ્ચાર સહેલો છે પરંતુ ભક્તિતત્વનો સ્વાનુભવ કરવો એટલો સહેલો નથી, એ ખાસ યાદ રાખવાનું છે.

ભક્તિ બધા જ દુઃખદર્દોની દવારૂપ રામબાણ અકસીર ઉપાય છે. એથી ઈશ્વર સાથેના સંબંધની સ્થાપના તો થાય છે જ; પરંતુ સાથેસાથે ઈશ્વરની કૃપાના પરિણામરૂપે દુન્યવી રીતે પણ મદદ મળે છે. એવી કોઈ જ ચિંતા, ઉપાધિ, મુશ્કેલી કે આફત નથી જે ઈશ્વરની કૃપાના ફળરૂપે દૂર ન થઈ શકે. તન ને મનનાં બધાં જ દર્દો એથી મટી જાય છે ને જીવન સુખી, શાંતિમય તથા સફળ થાય છે. ફક્ત ઈશ્વરની એ મહામહિમામયી કૃપાનો આધાર લેવાવો જોઈએ અને એને માટે ભક્તિમાર્ગના મુસાફર થવું જોઈએ. એટલા માટે જ ભક્તિનો સાચો સ્વાદ લઈ ચૂકેલા જ્ઞાનીશિરોમણી સંત કબીરે ભક્તિની ભલામણ કરતાં કહ્યું છે કે હે ભાઈ, રામની, ગોવિંદની કે હરિની ભક્તિ કર. સંપત્તિની, સુખની કે બીજી કોઈ લાલસાથી પ્રેરાઈને લૌકિક પદાર્થોની પાછળ શા માટે પડે છે ? તારી ભૂલને સુધારી લે અને ઈશ્વરનું સ્મરણ કર. એમાં કાંઈ બહુ મોટી તપશ્ચર્યા કે સાધનાની જરૂર નથી અને ધનનું ખર્ચ પણ નથી થવાનું. તુ વિચાર તો કરી જો કે આ મનુષ્યજીવન અને મનુષ્યશરીર ઈશ્વરના સ્મરણ વિના બીજા કયા કામમાં આવવાનું છે ? કબીર કહે છે કે જે મુખમાં રામનું નામ ન હોય તે મુખમાં ભલે ધૂળ ભરવામાં આવે. એ મુખ એવી જ શિક્ષાને પાત્ર છે.

પરંતુ 'મુખમેં રામ બગલમેં છૂરી’ની નીતિને અનુસરવામાં પણ સાચા સંતપુરૂષો નથી માનતા. મુખમાંથી રામનામ કે ઈશ્વરનું કોઈ પણ નામ અંતરના ઊંડાણમાંથી નીકળવું જોઈએ. તથા તેની અસર પણ સમસ્ત જીવન પર પડવી જોઈએ. ઈશ્વરના નામનો આધાર લેનારનો વ્યવહાર પણ ઈશ્વરી નિયમોને અનુકૂળ, ઈશ્વરને પ્રસન્ન કરે તેવો અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ અને નીતિની મર્યાદામાં રહીને કરાવો જોઈએ. ઈશ્વરનો ભક્ત કોઈ તરંગી, નશાબાજ કે ઢંગધડા વગરના માણસને યાદ કરાવે તેવો વ્યવહાર કરનારો નહિ; પરંતુ આદર્શ જીવન જીવનારો કે આદર્શ જીવન જીવવાનો પ્રયત્ન કરનારો પ્રામાણિક માનવ હોવો જોઈએ. એ વાતમાં કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન ન જ હોઈ શકે. ભક્તિનો રંગ એવી રીતે માનવના વદન કે અંતરમાં જ નથી રહેતો, પરંતુ એના સમસ્ત જીવનમાં ફરી વળે છે. અને સમસ્ત જીવનને અણિશુદ્ધ બનાવી એક પ્રકારની અવનવી સૌરભથી ભરે છે. જીવનમાંથી આસુરી સંપત્તિના ઓળાને દૂર કરી તેને ઠેકાણે દૈવી સંપત્તિનો પાવન પ્રકાશ પાથરી દઈ, ક્રાંતિ કરે છે. ભક્તિ એ રીતે કોઈ વ્યસન કે કેફ નથી, પરંતુ સાધના છે, અને સ્વતંત્ર તથા સંપૂર્ણ સાધના છે. એની સંપૂર્ણતાએ પહોંચતાં ભક્તને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.

એ સાક્ષાત્કાર બે જાતનો છે : એક તો મનપસંદ રૂપમાં, પોતાની રુચિ પ્રમાણે થતો ઈશ્વરનો સાક્ષાત્કાર અને બીજો સમસ્ત સંસારના સ્વરૂપમાં થનારો સાક્ષાત્કાર. ભક્ત, યોગી કે જ્ઞાની સૌને માટે એ બંને જાતનો સાક્ષાત્કાર અત્યંત અનિવાર્ય છે. એવા બેવડા સાક્ષાત્કારથી જ જીવનનું શ્રેય સાધી શકાય. બંને જાતના સાક્ષાત્કારમાં પોતપોતાની વિશેષતા છે. પહેલો સાક્ષાત્કાર ઈશ્વરનો પ્રત્યક્ષ પરિચય કરાવી જીવનને ધન્ય કરે છે. તો બીજી જાતના સાક્ષાત્કારથી ઈશ્વરના વિશાળ વિશ્વરૂપનો અનુભવ થાય છે, ભેદભાવની નિવૃત્તિ થાય છે, અને સૌના સુખદુઃખના તટસ્થ નિરીક્ષક થઈ, સૌને મદદરૂપ થવાની કોશિશ થાય છે. એ જ સેવાભાવના અથવા તો કર્મયોગ. નિષ્કામ કર્મયોગનો ઉગમ એવી રીતે ભક્તિમાંથી આપોઆપ થાય છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

I know God will not give me anything I can't handle. I just wish He wouldn't trust me so much.
- Mother Teresa

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.