વિશ્વાસની આવશ્યકતા

જીવનના આધ્યાત્મિક અભ્યુત્થાનની અભિરુચિવાળા માનવો ઘણા ઓછા મળે છે. મોટા ભાગના માનવો ભૌતિક સુખસમૃદ્ધિની લાલસાથી પ્રેરાઈને લૌકિક વ્યવહારોમાં જ રત રહે છે. એમને એના સિવાય બીજું કશું નથી ગમતું. આધ્યાત્મિક વિકાસનો વિચાર પણ એમના મનમાં પેદા નથી થતો. જેમના અંતરમાં આધ્યાત્મિક અભ્યુત્થાનની અભિરુચિ અથવા આકાંક્ષા હોય છે તે પણ કેટલીક વાર એ અભ્યુત્થાનની દિશામાં સંપૂર્ણપણે અને સુચારુરૂપે આગળ નથી વધી શકતા. દિવસો અને વરસોના સાધનાત્મક અભ્યાસક્રમને અંતે પણ એમને આનંદ નથી મળતો, સંતોષ નથી થતો, અને પોતાનો આધ્યાત્મિક વિકાસ અધૂરો રહ્યો હોય એવી લાગણી થયા કરે છે. આત્મવિકાસનો એવો અસંતોષ શમી જાય એટલા માટે આધ્યાત્મિક અભ્યુત્થાનના અભ્યાસક્રમનો આધાર લેનારી કેટલીક મહત્વની સાધનાત્મક સૂચનાઓ યાદ રાખવી જોઈએ. એ સૂચનાઓ સામાન્ય અને અસામાન્ય સર્વે પ્રકારના સાધકોને માટે ઉપયોગી હોવાથી એમનો વિચાર કરી લઈએ. એ વિચાર આશીર્વાદરૂપ થઈ પડશે.

આત્મવિકાસના સાધકોએ યાદ રાખવા જેવી પ્રથમ વાત વિશ્વાસની છે. આત્મવિશ્વાસ સાધનાત્મક અભ્યાસક્રમમાં અતિશય આવશ્યક છે. કેટલીક વાર સાધક સાધના કરતો હોય છે ખરો, પરંતુ તેની અંદર આત્મવિશ્વાસનો અભાવ હોય છે અથવા આવશ્યક આત્મવિશ્વાસ નથી હોતો. એને લીધે એ પોતાની સમગ્ર શક્તિ લગાવીને, મન મૂકીને સાધના નથી કરી શકતો. એને હંમેશાં લાગ્યા કરે છે કે મારામાં સાધનાત્મક અભ્યાસક્રમનું અનુષ્ઠાન કરવાની કે સાધનાની સિદ્ધિ મેળવવાની શક્તિ નથી. મારી શક્તિ અત્યંત અલ્પ છે અને બીજી યોગ્યતા પણ છેક જ મર્યાદિત. હું આત્મોન્નતિના અસાધારણ માર્ગમાં કેવી રીતે આગળ વધી શકીશ ?  એવો સાધક જપ કરે કે ધ્યાન કરે તોપણ પોતાની જાત પ્રત્યે સતત શંકાશીલ રહેતો હોય છે. તેથી એની એ સાધનામાં શક્તિ નથી આવી શકતી, રસ પણ નથી પડતો.

પોતાની જાત પ્રત્યે શંકા સેવનારો આત્મવિશ્વાસથી વંચિત સાધક કેટલીક વાર પોતે પસંદ કરેલી સાધનાના વિશ્વાસથી, ગુરૂ અથવા પથપ્રદર્શક પ્રત્યેના અને પરમાત્મા અથવા સાધ્યના વિશ્વાસથી પણ વંચિત હોય છે. એવા સાધકની મનોદશા ખૂબ જ દયાજનક અને વિચિત્ર થઈ પડે છે. જે સાધનાપદ્ધતિ એણે અપનાવી હોય છે એના પ્રત્યે સતત શંકાશીલ રહેવાને પરિણામે એ સાધના સાચેસાચ ફળશે કે નહિ ફળે અને એના અભ્યાસથી કશુંક મહત્વનું મળશે કે નહિ મળે એવી વિપરીત વૃત્તિ એની અંદર અહર્નિશ ઉદ્ ભવે છે. ગુરૂ અથવા પથપ્રદર્શકમાં પણ એને સંપૂર્ણ શ્રદ્ધા નથી હોતી. એને લીધે એમના પથપ્રદર્શન પ્રમાણે ચાલીને આગળ વધીને પોતાનું શ્રેય નથી સાધી શકતો. ગુરૂએ દર્શાવેલો સાધનામાર્ગ સાચો હશે કે કેમ એવી દ્વિધા એને હંમેશા રહ્યા કરે છે. પછીથી એનો આધાર એ સમગ્ર શક્તિ તથા ભક્તિ અને રસવૃત્તિથી કેવી રીતે લઈ શકે !

સાધકોમાં કેટલાયને સાધ્યની સુસ્પષ્ટ કલ્પના નથી હોતી અને હોય છે તો એની પ્રાપ્તિની જોઈએ તેવી ને તેટલી શ્રદ્ધા એમની અંદર નથી જાગી હોતી. એને લીધે એ નિઃશંક નથી બની શકતા. જે સાધનાનો આધાર લીધો છે તે ફળશે કે નહિ ફળે - મોટે ભાગે તો નહિ જ ફળે, એવો વિરોધી વિષાદપૂર્ણ વિચાર એ સદાય કરતા રહે છે. સાધના દ્વારા શું મેળવવાનું છે એની સમજ એમને નથી પડતી. એ સાધના કર્યે જાય છે ખરા; પરંતુ પરંપરાગત રીતે કરવાને ખાતર, બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી હોતી માટે કર્યે જાય છે. એને લીધે એમને કામચલાઉ સાધારણ આત્મસંતોષ મળે છે એટલું જ. બીજી કોઈ વિશેષ ઉપલબ્ધિ નથી થતી.

એવા સાધકો કેટલીક વાર પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાથી પણ વંચિત હોય છે. પરમાત્માના અસ્તિત્વમાં એમને પૂરેપૂરો વિશ્વાસ પેદા નથી થઈ શકતો. એટલે સાધનાને પરિણામે પરમાત્માની પરમકૃપા થશે કે નહિ થાય એનો નિર્ણય પણ એ નથી કરી શકતો. જે પ્રાર્થના કરવામાં આવે છે તે પરમાત્માને પહોંચે છે કે નથી પહોંચતી, જે જપ થાય છે તેમને એ જાણે છે કે નથી જાણતા, અને જે ધ્યાનનો આધાર લેવાય છે તે ધ્યાન એમની પાસે પહોંચાડી શકે તેમ છે કે નહિ એવી શંકા-કુશંકા એમના મનમાં થયા કરે છે.

એ સર્વે પ્રકારનાં અવિશ્વાસ અને શંકા-કુશંકાના વિષવમળમાંથી મુક્તિ મેળવવાનો અને શ્રદ્ધાને જગાડવાનો તથા દ્રઢાવવાનો માર્ગ કયો ? એ માર્ગનો સુવિચાર સાધકને સારું શ્રેયસ્કર થઈ પડશે. એ બધી શ્રદ્ધાને જગાવવા તથા દ્રઢાવવા માટે શ્રદ્ધાભક્તિસંપન્ન સંતપુરૂષોના પવિત્ર પ્રેરણાત્મક જીવનપ્રસંગોનો વધારે ને વધારે વિચાર કરવાની આવશ્યકતા છે. એથી એમની શ્રદ્ધાભક્તિ કેવી રીતે પ્રકટી અને સુવિકસિત બની એનો ખ્યાલ આવે છે. એ કાર્યમાં સત્સંગ અથવા સ્વાધ્યાય પણ મહત્વનો ફાળો પ્રદાન કરે છે. એથી જીવનોપયોગી પ્રકાશ તથા પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. એ ઉપરાંત પ્રેમપૂર્વકની પ્રાર્થના દ્વારા પણ મોટી મદદ મળે છે. એથી અંધકાર અને અલ્પતાનાં અનેકવિધ આવરણો દૂર થાય છે ને નવી આવકારદાયક આશીર્વાદરૂપ આત્મશક્તિનું નિર્માણ સહજ બને છે.

આત્મવિચારથી પણ એ કલ્યાણકાર્યમાં આગળ વધીને અવનવી શ્રદ્ધાથી સંપન્ન થવાય છે. આત્મવિચાર અલ્પતાનો અંત આણીને અનેરી પ્રેરણા પ્રદાન કરીને અસાધારણ શક્તિસંચાર કરે છે. 'હું શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મને કામ નથી, ક્રોધ નથી, રાગ નથી, દ્વેષ નથી. હું અવિનાશી, અજર, અમર આત્મા છું. મારી ચારે તરફ ચૈતન્યનો સાગર ઊછળી રહ્યો છે. મારા પ્રત્યેક પરમાણુમાં પ્રેમ, પ્રસન્નતા ને પરિતોષનો પ્રવાહ પ્રગટે છે. એ પ્રવાહનો હું અનુભવ કરું છું. હું જે ધારું છું તે બધું જ કરી શકું છું. મારી ઉપર પરમાત્માની પરિપૂર્ણ કૃપા છે. એ કૃપાનો હું નિત્યનિરંતર અનુભવ કરું છું. હું કલ્યાણકારક આત્મા છું. શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્, ચિદાનંદરૂપઃ  શિવોહમ્ શિવોહમ્’ એવા આત્મવિચારો સાધકની કાયાપલટ કરી નાખે છે. એની અંદર આવશ્યક સર્વોત્તમ શક્તિસંચાર કરે છે. એ શક્તિસંચાર લાંબે ગાળે અમોઘ ઠરે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.