Text Size

પરમાત્માના પ્રાકટ્ય માટે શું જરૂરી ?

ભગવાન રામની મૂર્તિપ્રતિષ્ઠા મંદિરમાં તો થઈ પરંતુ એ પ્રતિષ્ઠા અધૂરી છે, કારણ કે એમની પ્રતિષ્ઠા ફક્ત બહાર જ નથી કરવાની, અંદર પણ કરવાની છે. અંદર એટલે આપણા મનરૂપી મંદિરમાં, હૃદયમાં, અંતરમાં કે અંતરાત્મામાં. ત્યારે જ એ મૂર્તિપ્રતિષ્ઠા સંપૂર્ણ થઈ શકે. પરંતુ અંદરની એ મૂર્તિપ્રતિષ્ઠા ક્યારે થાય ? અથવા તો જીવનમાં શ્રી રામની કે પરમાત્માની પધરામણી ક્યારે થઈ શકે ? એને માટે કેવી ભૂમિકા કે કયા પ્રકારની યોગ્યતાની પ્રાપ્તિ કરવી જોઈએ ? એની સમજ માટે તુલસીકૃત રામાયણનો ઉલ્લેખ કરવા જેવો છે. રામાયણના અયોધ્યાકાંડમાં લક્ષ્મણ તથા સીતા સાથે શ્રી રામ વાલ્મીકિ મુનિના આશ્રમ પર જઈ પહોંચે છે. મુનિ એમના દર્શનથી કૃતાર્થ થાય છે. રામ પણ પ્રસન્નતા પ્રકટ કરે છે. ને કેટલીક વાતચીત પછી પૂછે છે કે હવે હું કયા સ્થળમાં જઈને નિવાસ કરું ? એના ઉત્તરમાં વાલ્મીકિ કહે છે કે તમે મને રહેવા માટેનું સ્થાન પૂછો છો પરંતુ તમે ક્યાં નથી તે તો કહો. છતાં પણ સીતા ને લક્ષ્મણ સાથે તમારે રહેવાલાયક સ્થાન બતાવું છું તે વિષે સાંભળો.

જેમના કાન સાગર જેવા વિશાળ બનીને સુંદર કથાવાર્તાઓ સાંભળ્યા કરે ને તમારા મહિમાનું જયગાન સાંભળતાં કદી પણ નથી થાકતા એમની અંદર તમે તમારું ઘર કરો. જે ભક્તોનાં લોચન તમારા મંગલમય મુખનાં દર્શન માટે ચાતકની પેઠે તલસે છે, રડે છે, ને ઝંખે છે એમના હૃદયમાં, હે રઘુનાયક, તમે સદાને માટે નિવાસ કરો. તમારા ગુણાનુવાદ અને યશને જેમની જીભ દિવસરાત ગાયા કરે છે, તમને અર્પણ કરીને જે તમારા પ્રસાદરૂપે ભોજન કરે છે, તમારાં ચરણકમળની સેવા કરે છે, તમારા વિના બીજા કોઈનો આધાર નથી રાખતા, અને જે જ્ઞાની તથા ગુરૂને સન્માનની નજરે જોઈને નમસ્કાર કરે છે, એમના હૃદયમાં, હે રામચંદ્રજી, તમે વાસ કરો. જે તમારા જપ કરે છે, તમારું ધ્યાન ધરે છે, ને તમારા પદપંકજની પ્રેમથી પ્રાર્થના કરે છે, જેમની અંદર કામ, ક્રોધ, મદ, મોહ તથા દંભ, છળ કે કપટ નથી, જે સૌનું સારું તાકે છે ને સૌના હિતમાં કામ કરે છે, સત્ય તથા પ્રિય વચન બોલે છે, સૂતાંજાગતાં તમારું જ શરણ લે છે, પરસ્ત્રીને માતાતુલ્ય માને છે ને પરધનને ઝેર જેવું જાણે છે, બીજાનાં સુખ ને સંપત્તિ જોઈને સુખી થાય છે તથા જે તમને માતાપિતા, સખા, સ્વામી તથા ગુરૂ માને છે એમના મનરૂપી મંદિરમાં, હે રામ, તમે વાસ કરો.

વળી જે બીજાના દુર્ગુણ નહિ પણ ગુણ જુએ છે, નીતિમાં જે નિપુણ છે, ભક્તો, સંતો ને સજ્જનો પ્રત્યે પ્રેમ રાખે છે, ને મન, વચન તેમ જ કર્મથી જે તમારાં જ કામ કરે છે, એમનું હૃદય તમારે રહેવા માટે બધી રીતે યોગ્ય છે. ત્યાં તમે ઘર કરો. મુનિ વાલ્મીકિનાં એવાં વચન સાંભળીને રામચંદ્રજી હસ્યા. પછી મુનિએ કહ્યું કે ચિત્રકૂટ પર્વત તમારા વસવાટ માટે સર્વથા અનુકૂળ રહેશે. એ પછી રામચંદ્રજી ત્યાં જવા માટે વિદાય થયા.

વાલ્મીકિ મુનિએ એમના શબ્દોમાં આપેલો સંદેશ સનાતન છે અને એટલા માટે જ વાલ્મીકિ તથા રામ અને એમની કથાના શબ્દશિલ્પી સંત તુલસીદાસને થયે વરસો વીતી ગયાં તોપણ એ સંદેશ એટલો જ અસરકારક કે કીમતી લાગે છે. આજને માટે પણ એ એટલો જ ઉપયોગી છે. પરમાત્માના સાક્ષાત્કારની ઈચ્છા જેમને હોય, પરમાત્માની સાથે જેમને સંબંધ બાંધવો હોય અથવા તો પોતાના હૃદય કે જીવનરૂપી મંદિરમાં એમની પધરામણી કરવાનાં જે સ્વપ્નાં સેવતા હોય કે મિનારા ઘડતા હોય તેમણે પોતાનાં સ્વપ્નાંની સફળતા માટે કેવું જીવન જીવવાની જરૂર છે એનો એ સંદેશમાં નિર્દેશ રહેલો છે. ઈશ્વરની કૃપાની ઝંખના કરનારાં સ્ત્રીપુરૂષોએ પોતાના જીવનને પલટાવી કેવું અણિશુદ્ધ મધુમય, સેવાસભર અને ઈશ્વરપરાયણ બનાવવું જોઈએ એની સૂચના મહર્ષિ વાલ્મીકિના શબ્દો પરથી સહેજે મળી રહે છે. એ શબ્દો સાધક કે શ્રેયાર્થીએ જીવવાના ઉત્તમ પ્રકારના જીવન તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે. એવું જીવન જીવવામાં આવશે તો ઈશ્વર આપણાથી દૂર નહિ રહે, અને આપણા જીવનમાં ઈશ્વરની પ્રતિષ્ઠાનો ઉત્સવ સંપૂર્ણ બનશે. એવું આદર્શ, ઈશ્વરમય જીવન નહીં હોવાને લીધે જ આપણા પર ઈશ્વરની સંપૂર્ણ કૃપા નથી અને એની અનુમતિ પણ આપણને નથી મળતી.

મહર્ષિ વાલ્મીકિએ રામને ચિત્રકૂટમાં રહેવાનું કહ્યું છે. એને ચિત્રકૂટ કહો કે ચિત્તકૂટ બધું એક જ છે. આપણે એને ચિત્તકૂટ કહીશું. એ ચિત્તમાં પરમેશ્વરની પધરામણી થશે; પણ તે ક્યારે ? જ્યારે તે ચિત્રકૂટ પર્વતની પેઠે પવિત્ર, પ્રશાંત અને સુંદર બની જશે ત્યારે. જ્યાં સુધી એમાં ગંદકી છે, ભ્રાંતિ છે અને લૌકિક પદાર્થોની લાલસા છે ત્યાં સુધી એમાં પરમાત્માનું પ્રાકટ્ય નહિ થઈ શકે.

અયોધ્યાકાંડમાં આગળ ઉપર અગસ્ત્ય મુનિએ રામચંદ્રજીને પંચવટીમાં ગોદાવરી નદી પાસે, નાશિક ધામમાં રહેવાનું કહ્યું છે. અને ભગવાન શ્રી રામ ત્યાં રહ્યા છે પણ ખરા. એનું આધ્યાત્મિક રહસ્ય શું છે ? પંચવટી એ પંચ મહાભૂતના શરીરમાં રહેલું નિર્મળ હૃદય છે. ગોદાવરી ઈન્દ્રિયોનો સંયમ છે અને નાસિકા કહો કે નાશક કહો - એ સર્વ પ્રકારના ક્લેશ, સંતાપ ને દુઃખદર્દ તથા બંધનનો નાશ કરનાર પવિત્ર પ્રેમભાવ છે. એને ભક્તિ પણ કહી શકાય. એ ભક્તિ બધી જાતની અવિદ્યાનો નાશ કરનારી અને કલ્યાણકારક છે. એ ભક્તિરૂપી નાસિક-તીર્થનું જ્યાં નિર્માણ થાય, ઈન્દ્રિયોના સંયમરૂપી ગોદાવરીનાં નિર્મળ નીર જ્યાં વહેવા માંડે અને નિર્મળ થયેલું હૃદય ઈશ્વરને માટે આતુર બનીને આક્રંદ કરે ત્યાં તેવા જીવનમાં ઈશ્વરને પ્રકટ થયા વિના ચાલે જ નહિ.

એટલે જીવનમાં પરમાત્માની પધરામણી કરવા માગનારા માનવોએ સૌથી પહેલાં તો એને માટેની ભૂમિકા તૈયાર કરવાની છે. ભૂમિકા તૈયાર થઈ જશે એટલે આગળનું કામ આપોઆપ થઈ રહેશે. જે-જે ભક્તોને ઈશ્વરના સાક્ષાત્કારનો સ્વાદ મળ્યો છે તેમના જીવનમાં એ જરૂરી ભૂમિકાની તૈયારી થઈ ચૂકી હતી. એમના અંતરમાં ઈશ્વર સિવાય બીજા કોઈ લૌકિક કે પારલૌકિક પદાર્થની કામના રહી ન હતી. એ ઈશ્વરને માટે જ શ્વાસ લેતા કે જીવતા અને ઈશ્વરના દર્શનને માટે જ તલસતા તથા પ્રાર્થતા હતા. એવી અવસ્થા પર જે પહોંચે તેને ઈશ્વર-દર્શનનો આનંદ જરૂર મળે. તેના જીવન-મંદિરમાં ઈશ્વર પ્રતિષ્ઠિત અને પ્રકટ થાય.

ઘરમાં બાળક રડવા માંડે છે ત્યારે માતા શું કરે છે ? માતા કામમાં હોય છે ત્યારે બાળકને જલદી નથી લેતી. તેના તરફ એટલું જલદી ને જેટલું જોઈએ તેટલું ધ્યાન પણ નથી આપતી. બાળક વધારે રડે તો તે ઊઠે છે ને એની આગળ રમકડાં મૂકે છે. કેટલીક વાર બાળક રમકડાં જોઈને છાનું પણ રહી જાય છે તો માતા પછી ઘરકામમાં લાગે છે. જો તે રમકડાંથી પણ છાનું નથી રહેતું, તો માતા એની આગળ મીઠાઈ કે ખાવાના સારા પદાર્થો મૂકે છે; પરંતુ કેટલીક વાર બાળક એથી પણ નથી માનતું અને પોતાનો સત્યાગ્રહ ચાલુ રાખતાં જોરશોરથી રડવા જ માંડે છે તો તેનું પરિણામ કેવું આવે છે ? માતા સમજી જાય છે કે હવે બાળક નહિ રહી શકે. તે બીજાં બધાં જ કામ મૂકીને દોડી આવે છે, ને બાળકને ખોળામાં લે છે. બાળક પોતાની માતાનું પયપાન કરે છે ત્યારે રોતું બંધ થાય છે. એની બધી જ વેદના શમી જાય છે તથા એ સંપૂર્ણ સુખમાં સ્નાન કરે છે. હમણાં તમે શું જોયું ? ભરસભામાં કોઈ પણ પ્રકારના સંકોચ વિના ઊભું થઈને બાળક રડવા માંડ્યું. એ પોતાની માતાને મળવા માગતુ હતું. માતાએ પહેલાં તો એની તરફ ધ્યાન ન આપ્યું, એની અવગણના કરી, પરંતુ બાળક રોતું જ રહ્યું તો આખરે એને આવવું પડ્યું. બાળકને એણે પોતાની પાસે લીધું ત્યારે જ બાળકને શાંતિ વળી.

એ પ્રસંગ શું સૂચવે છે ? એમાં ધાર્યા કરતાં બહુ ઊંડી ને મોટી શિક્ષા સમાયેલી છે. આ સંસાર એક મહાન વિશ્વવિદ્યાલય છે. અને જો આંખ ઉઘાડી રાખીએ તો સાધારણ લાગતી ઘટનાઓની અંદરથી પણ ઘણો અસાધારણ સાર તારવી શકાય છે. પ્રત્યેક જીવ સુખ તથા શાંતિને ઈચ્છે છે તથા તેની પ્રાપ્તિ માટે બનતો બધો જ પુરૂષાર્થ કરે છે. જીવને સુખ સાંપડે છે પણ ખરું, પરંતુ એ સુખ સનાતન નથી હોતું. તેથી એને કાયમની શાંતિ નથી મળતી. કાયમની શાંતિ ક્યારે મળે ? જ્યાં સુધી એ ઈન્દ્રિયોના વિષયોમાં રમ્યા કરે છે ને સંસારના બાહ્ય પદાર્થોમાં રસ માણે છે ત્યાં સુધી શાશ્વત સુખ તથા સનાતન શાંતિની પ્રાપ્તિ એને નથી થતી, પરંતુ જ્યારે એ વિષયોનાં બહારનાં બધાં જ રમકડાં મૂકીને, બધા જ ભોગપદાર્થોમાંથી મનની વૃત્તિને ઉપરામ કરીને, પોતાના મૂળ સ્વરૂપને, અસલ સ્વરૂપને કે પરમાત્માને મળવાની ઈચ્છા કરે છે, અથવા સ્વરૂપના સાક્ષાત્કારને માટે લાલાયિત, આતુર કે વ્યાકુળ બને છે, પરમાત્મારૂપી માતાને મળવા માટે જ મનોરથ કરે છે, રડે છે, તલસે છે, પ્રાર્થે છે, પોકારે છે કે અંતરના અંતરતમમાંથી આક્રંદ કરે છે ને નિરંતર આક્રંદ કરે છે, ત્યારે પરમાત્મારૂપી માતાનું ધ્યાન એના તરફ ખેંચાય છે. એ સમજી જાય છે કે હવે આ જીવ મારા વિના નહિ શકે.

એને રાજી કરવા, રમતે વળગાડવા કે સંતોષ ધરવા, કોઈ-કોઈ વાર એ પોતાની સિદ્ધિઓના અનંત ભંડારમાંથી એકાદ-બે કે વધારે સિદ્ધિઓ પણ આપે છે. જો જીવ એમાં જ ફસાઈ જાય કે સર્વસ્વ માનીને બેસી જાય તો પછી થઈ રહ્યું. પરમાત્મારૂપી માતા એને પોતાના મહામિલનનું સુખ પૂરું નથી પાડતી. પરંતુ જીવ જો સિદ્ધિઓને મેળવીને એમનામાં કેદ ન થાય અને એક પરમાત્માને માટે જ રડવા, કકળવા કે તલસવા માંડે તો પરમાત્માની પ્રાપ્તિ એને જરૂર થાય. શાશ્વત-સનાતન શાંતિ અથવા અખંડ આનંદનો અનુભવ કરીને એ ધન્ય બની જાય.

સ્વરૂપનો સાક્ષાત્કાર અથવા તો પરમાત્મા પ્રાપ્તિના આનંદનો અનુભવ સૌ કોઈને કેમ નથી થઈ શકતો એનો ઉત્તર આટલા વિચાર પરથી સહેજે મળી રહેશે. એક તો એના ઉમેદવાર જ બહુ ઓછા હોય છે. એને પોતાના જીવનનું ધ્યેય બનાવીને ચાલનારાની સંખ્યા જ છેક નજીવી હોય છે. જે એને ધ્યેય બનાવીને ચાલે છે તેમનામાંના પણ કોઈક વિરલ જ દુન્યવી વિષયો પ્રત્યેની ઉદાસીનતા, નિર્મળતા, જરૂરી મનોબળ તથા ધ્યેયપ્રાપ્તિની આતુરતા કે લગનથી સંપન્ન હોય છે. વચગાળાના કોઈ પણ વિશ્રામસ્થાનમાં ફસાયા વિના કે ભૂલભુલામણીમાં અટવાયા વિના, છેવટ સુધી એકધારી રીતે આગળ વધતા રહેનારા જવાંમર્દો કોઈક જ હોય છે. એટલે જ જીવનમુક્ત કે પરમાત્મદર્શી પુરૂષો પૃથ્વીમાં થોડા પાકે છે. વિશ્વની આટલી બધી વિશાળ વસ્તી જોતાં એકદમ થોડી સુધરેલી કે આગળ વધેલી કહેવાતી માનવજાતિને માટે એ બહુ ગૌરવ લેવા જેવી વાત તો નથી જ - ના, જરા પણ નહિ. માનવસમાજ પોતાના મૂળ આદર્શોને ભૂલીને, આત્મિક વિકાસની ઉપયોગી વાતોને વિસારીને, તથા બુદ્ધિ, સદાચાર, સત્ય ને સંયમના મંત્રોને તિલાંજલિ આપીને, બહારની દુનિયાના વિકાસને જ સર્વકાંઈ સમજી તેમ જ ભૌતિક ભોગોને જ અગત્ય આપી આગળ વધે છે ત્યારે માનવનું માળખું રહે છે પરંતુ એનો આત્મા મરી જાય છે. એ પશુયોનિમાં પલટાઈ જાય છે અને જે સુધારણા કે સભ્યતાનું નિર્માણ થાય છે તે પણ એને સંતૃપ્તિ કે શાંતિ નથી આપી શકતાં. એને માટે એ તારક નહિ પણ મારક થાય છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+1 #1 mir Rajeshkumar Kara 2019-06-11 12:13
આપનો આધ્યાત્મિક અનુભવ અદ્દ્ભુત છે,આપને વંદન છે કારણ કે, આપ આધ્યાત્મિક જીજ્ઞાસાવૃતીવાળ ા વ્યક્તિઓ માટે આપનો લેખ એક સીડી સમાન છે

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok