Wednesday, September 30, 2020

સાધનામાર્ગે થતી પ્રેરણા

આધ્યાત્મિક સાધનાને માર્ગે આગળ વધનારા સાધકોને જે પ્રેરણા થાય છે તેનું સ્વરૂપ કેવું હોય છે તે સંબંધી મોટામોટા સાધકો, સંતો, પંડિતો અને વિદ્વાનોમાં પણ ગેરસમજ પ્રવર્તે છે. એ પ્રેરણાઓ કેવી રીતે થાય છે, કયા રૂપની થાય છે, કોના તરફથી થાય છે, ને ક્યારે થાય છે, એનો સાચો અને સ્પષ્ટ ખ્યાલ અત્યંત ઓછા અભ્યાસીઓને હોય છે. તેમાં તેમનો દોષ પણ નથી. કારણ કે પ્રેરણાઓનો આખો વિષય અતિસૂક્ષ્મ, અટપટો અથવા અનુભૂતિ પર આધાર રાખનારો છે. સાધનાની સપાટી પર તરનારા માણસોને એના રહસ્યની સમજ નથી પડતી. બુદ્ધિના વૈભવવાળા, સૂક્ષ્મ વિચારશક્તિવાળા કે પાર વિનાના પાંડિત્યવાળા માણસો પણ એનો ભેદ ઉકેલી નથી શકતા. આચાર્યો ને ઉપદેશકોને માટે પણ એ એક સમસ્યા જ બની રહે છે. માત્ર અનુભૂતિ અને ઊંડી અનુભૂતિવાળા ઊંચી શ્રેણીના કોઈ વિરલ સાધકો જ એની વાસ્તવિકતાનો અનુભવ કરી શકે છે અને એને સમજી શકે છે. અનુભૂતિની સાથે સંબંધ રાખનારા અથવા તો અનુભૂતિ પર આધાર રાખનારા વિષયને સાધારણ કે અસાધારણ બુદ્ધિવાળા માણસો સમજી ન શકે અને એ બાબત ભળતો જ અભિપ્રાય આપી બેસે એ સાવ સ્વાભાવિક છે.

કેટલાક માણસો પ્રેરણાને મનની વૃત્તિ માને છે. મનમાં જે વૃત્તિ, વિચાર કે ભાવ પેદા થાય તેને પ્રેરણા તરીકે વધાવી લે છે તથા તે પ્રમાણે ચાલે છે. બીજા કેટલાક માણસો એથી આગળ વધીને એવું માને છે કે બધી જાતનો વિચાર, ભાવ તેમ જ બધી જાતની વૃત્તિઓ નહિ, પરંતુ મનની શાંત અથવા તો ચંચળતારહિત અવસ્થામાં પ્રકટનારા વિચાર, ભાવ અને આવિર્ભાવ પામનારી વૃત્તિઓને જ પ્રેરણા કહી શકાય. તે પ્રમાણે ચાલવું સદા શ્રેયસ્કર હોય છે. એ ઉપરાંત એક ત્રીજા વર્ગના માણસો પણ છે જે એમ સમજે છે કે મન નિર્મળ થાય છે કે સત્વગુણી બને છે ત્યારે તેની અંદર સાચા વિચાર, ભાવ અને સાચી વૃત્તિઓ ઉદય પામે છે એ જ પ્રેરણા કહેવાય છે. પરંતુ પ્રેરણાનું સ્વરૂપ એટલું બધું સર્વ-સાધારણ કે સામાન્ય છે એવું માની લેવાની ભૂલ કોઈ ન કરે. પ્રેરણા, અંતઃપ્રેરણા અથવા ઈશ્વરી પ્રેરણાને મન સાથે જેટલો માની લેવામાં આવે છે તેટલો ને તેવો સંબંધ નથી હોતો. એનું વાહન મન બને છે કે મનનો આધાર લઈને એ પ્રકટે છે એ સાચું છે, પરંતુ મન એની મુખ્ય ક્રીડાભૂમિ નથી હોતું. એ અતીન્દ્રિય અથવા તો મનની પારના પ્રદેશમાંથી પ્રકટે છે, પરમાત્મામાંથી પેદા થાય છે, પરમાત્મા તરફથી પ્રાપ્ત થાય છે, અને મન તો એનો પડઘો પાડે છે કે એને ઝીલવાનું સાધન બને છે એટલું જ. મન એની આધારભૂમિ ભલે હોય, પરંતુ ઉદ્ ભવ ભૂમિ કે જનની તો નથી જ. એટલે પ્રેરણાનો સમગ્ર સંબંધ મનની સાથે જોડવામાં ભૂલ થાય છે એ યાદ રાખવા જેવું છે.

મનની અંદર જે વિચારો, ભાવો કે વૃત્તિઓની સૃષ્ટિ થાય છે, અથવા તો મન જે સંકલ્પ-વિકલ્પ કરે છે અને એની અંદરથી જે સ્ફુરણાઓ થાય છે, તેના મૂળમાં મનની રુચિ-અરુચિ, મમતા-નિર્મમતા, અહંતા તેમ જ આસક્તિ-અનાસક્તિની વૃત્તિઓ કામ કરતી હોય છે. એમની જ એ પ્રતિક્રિયા હોય છે. એ શુભ પણ હોય અને અશુભ પણ હોય, સત્ય પણ હોય અને અસત્ય પણ હોય, મંગલ પણ હોય અને અમંગલ પણ હોય; એ સંબંધી કોઈ એકધારું અથવા ચોક્કસ ધોરણ નથી બાંધી શકાતું. મનની શાંત દશામાં પણ જે ભાવો, વિચારો, વૃત્તિઓ, ઈચ્છાઓ અને સ્ફુરણાઓ ઊઠે છે એમનું પણ એવું જ છે. એમને પ્રેરણા, અંતઃપ્રેરણા કે ઈશ્વરી પ્રેરણાનું નામ આપવું એ પ્રેરણાના મૂળ રહસ્યને ન સમજવા જેવું છે, એટલું જ નહિ પણ પ્રેરણાના ગૌરવને નીચે ઉતારવા જેવું છે.

પ્રેરણા, અંતઃપ્રેરણા કે ઈશ્વરી પ્રેરણાની પ્રાપ્તિ અથવા અનુભૂતિને માટે મનની નિર્મળતા તો એક અનિવાર્ય શરત છે જ. કિન્તુ તે ઉપરાંત મનથી અતીત અવસ્થાનો અનુભવ પણ આવશ્યક છે. મનથી અતીત અવસ્થામાં અવગાહન કરવાથી પરમાત્માના પરમ પ્રકાશની સાથે સંબંધ સ્થાપિત થાય છે. એવો સંબંધ સ્થાપિત થયા પછી ને સુદ્રઢ બન્યા બાદ પરમાત્માની પરમ જ્ઞાનશક્તિનો અનુભવ થાય છે. પરમાત્મા પરમ કે પૂર્ણ જ્ઞાનના પ્રતીકરૂપ હોવાથી, એ જ્ઞાનના પ્રતિધ્વનિ કોઈ-કોઈ વાર પરમાત્મદર્શી પુરૂષોના દિલમાં પડવા માંડે છે. પરમાત્મા એવી રીતે એમને માર્ગદર્શન આપે છે, સૂચના પૂરી પાડે છે કે આવશ્યક જ્ઞાન પહોંચાડે છે. એ જ્ઞાનને, સૂચનાને, માર્ગદર્શનને કે માહિતીને પ્રેરણા કહેવામાં આવે છે. બધા જ ઊંચી કક્ષાના સાધકો કે પરમાત્મદર્શી પુરૂષો પ્રેરણાના એવા અનુભવમાંથી પસાર થાય જ છે એમ નથી સમજવાનું. પ્રેરણાના પ્રસન્નતા પૂરી પાડનારા રહસ્યમય, અદ્ ભુત અને અલૌકિક અનુભવો તો પરમાત્મદર્શી પુરૂષોમાંથી પણ કોઈ અતિધન્ય, વિરલ પુરૂષને જ થતા હોય છે. બીજાને તો તેમની કલ્પના કે સમજ પણ નથી હોતી. પરમાત્માનો સાક્ષાત્કાર ન કરી ચૂકેલા, અતીન્દ્રિય અવસ્થાએ આરૂઢ ન થયેલા આત્માઓને પણ કોઈક વાર અપવાદરૂપે પ્રેરણાના અસાધારણ અનુભવો થતા હોય છે. એવાં દ્રષ્ટાંતો પણ કોઈક વાર જોવા મળે છે ખરાં. પ્રેરણાનો વિષય એવી રીતે અત્યંત નાજુક અને સૂક્ષ્મ વ્યક્તિગત અનુભૂતિનો હોઈને, તેને સહાનુભૂતિથી તથા સાંગોપાંગ સમજનારા માણસો ભાગ્યે જ મળી શકે. મળે કે ન મળે તોપણ, વિષય નીકળ્યો છે ત્યારે સાધનાની સમુચિત સેવા કરવાની દ્રષ્ટિએ, મારા અનુભવના આધાર પર આટલો પ્રકાશ પાડી રહ્યો છું. સાચા સાધકોને એની મદદ મળશે એવી આશા છે.

પ્રેરણાના પ્રાકટ્યનું સ્વરૂપ એક જ સરખું નથી હોતું. એના પ્રાકટ્યના પ્રકારમાં ફેર પડે છે. એ પ્રકાર પૃથક્-પૃથક્ હોય છે. છતાં પણ હોય છે છેક જ વાસ્તવિક અને અત્યંત આનંદદાયક અને શાંતિકારક. કોઈ વાર ઈષ્ટનું દર્શન થાય છે તથા એ સાધકની સાથે વાત કરે છે. તો કોઈ વાર કોઈ કૃતકામ સિદ્ધ સંત મહાત્મા કે મહાપુરૂષ એની સામે પ્રકટ થાય છે તેમ જ જરૂરી સૂચના કે માર્ગદર્શન આપે છે. કોઈક વાર એવું પણ બને છે કે કેવળ સૂચના કે આજ્ઞા જ સંભળાય છે અને આપનારનું દર્શન નથી થઈ શકતું, તો કોઈક વાર શબ્દો સંભળાતા નથી પરંતુ લખાયેલા હોય છે તે વંચાય છે. એ બધા પ્રેરણાના ભિન્નભિન્ન પ્રકારો જ છે. પ્રેરણાના એવા અનુભવો સ્વપ્નાવસ્થામાં, ધ્યાન અથવા સમાધિની અવસ્થામાં અને જાગૃતિ દશામાં પણ થતા હોય છે. એ ત્રણે અવસ્થાના અનુભવો ઉત્તરોત્તર ઉત્તમ છે એમ કહી શકાય.

પ્રેરણાનો એ બધા પ્રકારો કરતાં નિરાળો ને ચડિયાતો એક બીજો પ્રકાર પણ છે. સાધક, અભ્યાસી, ભક્ત કે યોગી જ્યારે પરમાત્માની સાથે એકરૂપતા સાધી લે છે ત્યાર પછી એના જીવનમાં અવસ્થાના ભેદ નથી રહેતા. પરમાત્માની સાથે જાગૃતિની સહજ દશામાં એનો કાયમી સંબંધ બંધાઈ જાય છે. પરિણામે, જાગૃતિદશા દરમિયાન પણ, કોઈ પણ પ્રવૃત્તિ કરતાં ને કોઈપણ પ્રદેશમાં, ઈચ્છાનુસાર પરમાત્માની પ્રેરણા એ મેળવી શકે છે. એનું સમસ્ત જીવન અને એની બધી જ ક્રિયાઓ પરમાત્માની ઈચ્છા, સૂચના, આજ્ઞા કે પ્રેરણા પ્રમાણે જ ચાલ્યા કરે છે. ભાગ્યે જ કોઈ વિરલ મહાપુરૂષ વિકાસની એવી ઉત્તમોત્તમ અલૌકિક અવસ્થાએ પહોંચી શકે છે. જીવન પછીથી પ્રશાંત, પરમાનંદમય, મુક્ત ને કૃતાર્થ બની જાય છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok