નાદાનુસંધાનની સાધના

નાદાનુસંધાનની સાધના વેદ કે ઉપનિષદકાળ જેટલી પુરાણી છે ઉપનિષદમાં એ સાધનાનો નિર્દેશ મળી રહે છે. એટલું જ નહિ, એનું વિગતવાર વર્ણન પણ આવે છે. એટલે એ સાધનામાં અત્યંત પ્રાચીન કાળથી રસ લેવાતો હતો, અને એ સાધના અર્વાચીન નથી, એની પ્રતીતિ થાય છે. યોગાભ્યાસની રુચિવાળા સાધકોએ એ સાધનાનું ઊંડું સંશોધન કર્યું હતું એવું જાણવા મળે છે.  નાદાનુસંધાનની સાધના એવી રીતે ભારતના ભવ્ય અતીત કાળનો ઉજ્જવળ અને અમર વારસો છે. પરંતુ એ સાધના છે શું ? એનું રહસ્ય શું છે ? એનું ફળ શું છે ? અને એની પ્રક્રિયા કઈ જાતની છે ? એ પ્રશ્નો સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે. એમનો ઊડતો વિચાર કરી લઈએ.

યોગાભ્યાસ દ્વારા સાધકની અંદર જ્યારે કુંડલિની શક્તિની જાગૃતિ થાય છે ત્યારે તેના શરીરમાં કેટલાંક પરિવર્તનો થાય છે. એને લીધે એને કેટલાક અવનવા અનુભવો થાય છે. એ અનુભવોમાંના કેટલાક સાધારણ હોય છે તો કેટલાક અસાધારણ પણ હોય છે. કોઈ કોઈ અભૂતપૂર્વ અનિર્વચનીય અનુભવો સાધકને અજાયબીમાં પણ નાખી દે છે. નાદના આવિર્ભાવનો અનુભવ પણ એવો જ છે. સાધકને પોતાના કાનમાંથી એકાએક, અખંડ, અનવરત અને અતિશય ઉચ્ચ સ્વરે જે નાદ સંભળાય છે તે પણ એને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. એ નાદ એની પોતાની અંદરથી આવિર્ભાવ પામીને કાન દ્વારા પ્રગટ થતો હોય છે. એ છેક જ સૂક્ષ્મ હોવાથી બીજા કોઈને નથી સંભળાતો; પરંતુ એને પોતાને જ સંભળાતો હોય છે. આરંભમાં એ અત્યંત જોરથી સંભળાય છે, અને પછી ક્રમેક્રમે મંદ પડીને છેક જ ધીમો બની જાય છે. આરંભમાં એ સંભળાય છે પણ ડાબા કાનમાંથી, અને છેવટે જમણા કાનમાંથી સંભળાવા લાગે છે. એક વાર શરૂ થયેલો નાદ પાછળથી કોઈ કારણે બંધ પણ પડી જાય છે.

એવી રીતે સાધનાના પરિણામરૂપે જે નાદ સંભળાય છે તે નાદ દસ પ્રકારના હોય છે એવું યોગના ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. કોઈ વાર તે નાદ ઘંટ જેવો લાગે છે તો કોઈ વાર તમરા જેવો, કોઈ વાર શંખ જેવો, વીણા જેવો, વાંસળી જેવો, તો કોઈ વાર મૃદંગ જેવો; કોઈવાર વાદળની ગર્જના જેવો, અને કોઈ વાર ચકલા જેવો, પખાજ જેવો કે પ્રણવને મળતો સ્વર સંભળાય છે. એ નાદની મુખ્ય અવસ્થા ચાર છે એવો ઉલ્લેખ યોગના ગ્રંથોમાં કરવામાં આવ્યો છે : આરંભાવસ્થા, ઘટાવસ્થા, પરિચયાવસ્થા અને નિષ્પત્યવસ્થા. હૃદયમાં રહેલી બ્રહ્મગ્રંથિનો ભેદ થતાં જે નાદ સંભળાય છે તેને નાદની આરંભાવસ્થા કહે છે. કંઠમાં રહેલી વિષ્ણુગ્રંથિનું ભેદન થતાં જે નાદ સંભળાય છે તે નાદની ઘટાવસ્થા છે. ભ્રૂકુટિમાં રહેલી રુદ્રગ્રંથિનું ભેદન થતાં જે નાદ સંભળાય છે તે નાદની પરિચયાવસ્થા છે અને બ્રહ્મરંધ્રમાં નાદની જે સ્થિરતા થાય છે તે નાદની નિષ્પત્યવસ્થા છે.

નાદની જાગૃતિને માટે કેટલેક ઠેકાણે નિયમિત અભ્યાસ પણ કરવામાં આવે છે. સાધકો ષણ્મુખી મુદ્રાનો અભ્યાસ કરે છે, અથવા તો બંને હાથની તર્જનીઓની મદદથી કાનમાં બંને છિદ્રોને બંધ કરીને એવી રીતે ઉત્પન્ન થતા નાદનું શ્રવણ કરે છે. એ પદ્ધતિ પણ શરૂઆતને માટે સારી છે એમાં શંકા નહિ. એ પદ્ધતિ આગળ જતાં મદદરૂપ થઈ પડે છે. પછી તો નાદ આપોઆપ જ ઊઠવા માંડે છે એટલે બહારના કોઈ પણ પ્રકારના અભ્યાસની આવશ્યકતા નથી રહેતી. એક વાર સુચારુરૂપે શરૂ થયેલો નાદ સમસ્ત જીવનપર્યંત ચાલુ રહે છે. દેશ, કાળ કે સંજોગો એને કોઈ જાતની અસર નથી પહોંચાડી શકતા કે એને બંધ પણ નથી કરી શકતા. યોગી એને પ્રત્યેક પળે પોતાની અંદર સૂક્ષ્મ રીતે પ્રગટ થતો અને શાંત થતો સાંભળી શકે છે.  એ નાદ શરીરની અંદરથી જ્યારે સૌથી પહેલાં પ્રગટ થાય છે ત્યારે કેટલો બધો આનંદદાયક થઈ પડે છે ? સાધક એના રસમાં ડૂબી જાય છે. એના અંગેઅંગમાં એક પ્રકારનો અવર્ણનીય ઉત્સાહ ફરી વળે છે. એ પોતાની જાતને ધન્ય માને છે. એ અનુભવની અસર એટલી બધી અસાધારણ અને અદ્ ભુત હોય છે. છતાં પણ, એ નાદના આવિર્ભાવના આનંદમાં જ ડૂબી જઈને બેસી રહેવાથી કે નાદના પ્રાકટ્યને જ સર્વ કાંઈ સમજી લેવાથી જરૂરી હેતુ નહિ સરે.

નાદનું પ્રાકટ્ય અત્યંત ઉપયોગી એને આશીર્વાદરૂપ વસ્તુ હોવા છતાં એનો આધાર લઈને આગળ વધવું પડશે. ત્યારે જ જીવન કૃતકૃત્ય કે સફળ બની શકશે. નાદનું પ્રાકટ્ય થયા પછી નાદનું શ્રવણ કરવાનો અભ્યાસ કેળવવો પડશે. એકાંત અને શાંત સ્થાનમાં બેસીને વૃત્તિને અંતર્મુખ કરીને નાદના સતત શ્રવણમાં લગાડવી પડશે. એવા ઉત્સાહપૂર્વકના સતત ને નિયમિત અભ્યાસ દ્વારા મનની સ્થિરતામાં મદદ મળશે. નાદનું અનુસંધાન એ જ છે. સ્થિર અથવા તો એકાગ્ર થયેલું મન લાંબે વખતે અને એક ધન્ય ક્ષણે લય પામશે, ત્યારે શરીરનું ભાન સંપૂર્ણપણે ભુલાઈ જશે, અને સમાધિદશાની પ્રાપ્તિ થશે. આખરે અભ્યાસ ક્રમે ક્રમે બળવત્તર બનતાં આત્મદર્શનનો લાભ મળશે, ને જીવન ધન્ય થશે. નાદાનુસંધાનનો મુખ્ય લાભ તો એ જ છે, પરંતુ એ લાભ પહેલાંના વચગાળાના વખતમાં અને એ લાભ થયા પછીના કાળમાં, બીજા પણ કેટલાક પેટા લાભો થતા રહેશે. એમને વિશેષ અનુભવો કહી શકાય. એ અનુભવો અને આત્મદર્શનનો કલ્યાણકારક અનુભવ જીવનને અવનવું અથવા અલૌકિક બનાવી દેશે.

એટલે જેના જીવનમાં નાદની શરૂઆત થઈ ચૂકી છે તેના પર ઈશ્વરની કૃપા છે એમ સમજી લેવું. એના હાથમાં આત્મવિકાસનું એક મહામૂલ્યવાન સાધન કે હથિયાર આવી ગયું છે. એનું કામ બીજા કરતાં પ્રમાણમાં સહેલું બની ગયું છે એ સાચું છે. પરંતુ પ્રમાદનો પૂરેપૂરો પરિત્યાગ કરીને નાદના અનુસંધાનના અભ્યાસમાં એણે વધારે ને વધારે રસ લેવો રહેશે. હાથમાં આવેલું સાધન કોઈ પણ પ્રકારના વપરાશ વિનાનું ન રહી જાય તે ખાસ જોવું રહેશે.

નાદાનુસંધાનને સુરતશબ્દયોગને નામે પણ ઓળખવામાં આવે છે. યોગીઓનો એ રૂઢ પ્રયોગ છે. નાદાનુસંધાનની સાધનાનું રહસ્ય એમાં સારી પેઠે સમાઈ જાય છે. 'સુરત’ એટલે મનની વૃત્તિ અને શબ્દ એટલે નાદ. મનની વૃત્તિને નાદની અંદર જોડી દેવી અથવા મનની વૃત્તિને શબ્દની સાથે સંમિશ્રિત કે એકાકાર કરી દેવી તે સુરતશબ્દયોગ છે, નાથસંપ્રદાય ને કબીરપંથમાં એ યોગનું અથવા નાદાનુસંધાનનું મહત્વ વધારે હતું. કબીરે પેલા પ્રસિદ્ધ પદમાં  'કહત કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ’ એમ કહીને ઢોલના નાદ સંભળાય છે એનો ઉલ્લેખ કર્યો છે ને નાદાનુસંધાનની સાધના તરફ અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે. અંદરથી ઊઠનારા નાદને કોઈ હદ, મર્યાદા કે સીમા નથી હોતી. એ અબાધિત રીતે ચાલ્યા કરે છે. એટલા માટે એને અનહદ નાદ કે અનાહત નાદ પણ કહેવામાં આવે છે.

નાદાનુસંધાનની સાધના સાધકોને માટે અમૂલખ આશીર્વાદરૂપ હોવાથી સદા આવકારદાયક છે. એની ભલામણ આપણે સાધકોને માટે જરૂર કરીશું. અનુભવી પુરૂષોના માર્ગદર્શન મુજબ એ સાધનામાં આગળ વધવાનું હિતાવહ લેખાશે.
*
નાદના રહસ્ય અને નાદાનુસંધાનની સાધના વિશે શિવ તથા પાર્વતીનો શિવપુરાણમાં રજૂ થયેલો સંવાદ અત્યંત રહસ્યમય અને રસિક છે. એ સરસ સંવાદમાં શંકરે નાદસંબંધી જે પ્રકાશ પાડ્યો છે એ આ રહ્યોઃ

'હે દેવી, યોગીઓના હિતની એક ગુહ્ય વાત તને કહું છું તે સાંભળ. યોગવેત્તા પુરૂષે એકાંતમાં અંધકારવાળા સ્થાનમાં શય્યા પર અથવા બીજે સુખાસન પર બેસીને યોગનો આરંભ કરવો. અંગૂઠાની બાજૂની આંગળી બંને કાનમાં એક પહોર ઘાલી રાખવાથી ઉદરના અગ્નિથી ઉત્પન્ન થયેલો શબ્દ સાંભળવામાં આવે છે. ઉદરના અગ્નિને પ્રદીપ્ત કરવાથી પેટમાં પડેલું અન્ન પચી જાય છે. રોગનો નાશ થાય છે. એકાંતમાં રોજ બે ઘડી સુધી જે ઉદરના અગ્નિથી થતો શબ્દ સાંભળે છે તે મૃત્યુંજય બને છે. પોતાની ઈચ્છાનુસાર તે જગતમાં ફરે છે તથા સિદ્ધિને પામે છે. ચોમાસામાં ગર્જનારા મેઘની જેમ અંતઃશરીરમાં અગ્નિથી થનારા નાદને યોગમાર્ગથી જાણીને સાંભળનાર સંસારરૂપી બંધનમાંથી મુક્તિ મેળવે છે. શબ્દબ્રહ્મનો વિચાર કરનારા યોગીઓ સૂક્ષ્મ જ્ઞાનના અધિકારી બને છે. માટે નિદ્રા અને આળસરૂપી મહાવિઘ્ન કરનાર શત્રુને પ્રયત્નથી જીતી રાતના સમયે શબ્દબ્રહ્મનો વિચાર કરવો. એથી વૃદ્ધનું શરીર પણ દ્રઢ તથા યુવાન થાય છે.’

'અભ્યાસથી શરૂઆતમાં ઘોષ સંભળાય છે એ આત્માની શુદ્ધિ કરે છે તથા વ્યાધિને હરે છે. બીજો કાંસાનો શબ્દ સંભળાય છે, તે પ્રાણની ગતિને રોકે છે તથા અનિષ્ટનું નિવારણ કરે છે. ત્રીજો શીંગળીનો શબ્દ સાંભળવામાં આવે છે. એ પછી ઘંટાનાદ થાય છે. એથી સર્વ દેવતાઓનું આકર્ષણ થાય છે. એ નાદમાં આસક્ત થયેલી યક્ષ અને ગંધર્વની કન્યા જેવી સિદ્ધિ ઈચ્છાનુસાર સિદ્ધિ આપે છે. પાંચમો વીણાનો નાદ સંભળાય છે ત્યારે દૂરની વસ્તુ દેખાય છે, અને સર્વજ્ઞપણું સાંપડે છે. દુંદુભિનો શબ્દ સંભળાતાં યોગીનું વૃદ્ધત્વ તથા મૃત્યુ દૂર થાય છે.  હે દેવેશ્વરી, શંખનો નાદ સાંભળવામાં આવે છે ત્યારે ઈચ્છાનુસાર ફળ મળે છે. યોગી જ્યારે મેઘના જેવો શબ્દ સાંભળે છે ત્યારે સર્વંજ્ઞ તથા સર્વરૂપ થઈને ઈચ્છા પ્રમાણે રૂપ લઈ શકે છે. નવ શબ્દનો ત્યાગ કરીને ઓમકારનું ધ્યાન કરનાર યોગી પુણ્ય અને પાપથી નથી લેપાતો. સંસારમાં રહેવા છતાં એ સદા અલિપ્ત રહે છે.’ (શિવપુરાણ, અધ્યાય ૪૭ માંથી)

- શ્રી યોગેશ્વરજી


Add comment

Security code
Refresh

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.