Wednesday, July 08, 2020

દૈવી શક્તિનું અવતરણ

દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું ? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં જે કહ્યું છે તે જ કહેવાનું છે કે દૈવી શક્તિનું અવતરણ શક્ય છે, અથવા થઈ શકે છે. અલબત્ત, સાધક કે યોગીના તનમાં, મનમાં અને અંતરમાં. એ સંબંધી લેશ પણ શંકા કરવાની જરૂર નથી. એ એક વાસ્તવિકતા, હકીકત કે તથ્ય છે. એવું અસાધારણ, અલૌકિક અવતરણ કોઈ સામાન્ય માનવની અંદર નથી થતું : કોઈ લોકોત્તર પંડિત, મેધાવી, વિદ્વાન કે બુદ્ધિમાન પણ નહિ : જ્ઞાની, ભક્ત, યોગી કે તપસ્વીઓમાં પણ એવા અવતરણની શક્યતા અને અભીપ્સા ભાગ્યે જ હોય છે. એ અલૌકિક પરમ ચેતનાના અવતરણનો લાભ તો કોઈકને જ મળે છે. કોઈક અપવાદરૂપ વિરલ વિભૂતિને જ એનો આસ્વાદ સાંપડે છે અને કોઈક બડભાગી મહાપુરૂષ જ એનું વાહન બનીને, એ મહામહિમામયી શક્તિના અવતરણનું મંગલય માધ્યમ થઈને, એની અપરોક્ષ, અનવરત અનુભૂતિ કરે છે.    

એનું કારણ એ જ છે કે દરેકમાં એને માટેની યોગ્યતા નથી હોતી. અધ્યાત્મમાર્ગના પ્રામાણિક ઉમેદવારો જ એક તો ઓછા મળે છે. અલ્પસંખ્યક ઉમેદવારોમાંથી નિત્ય જાગ્રત રહીને પૂર્ણતાના પાવન પથ પર પ્રયાણ કરનારા પ્રવાસી વીરો પણ બહુ થોડા જડે છે. એવા પ્રવાસી વીરોમાંથી પણ પ્રવાસની પરિપૂર્ણતાએ પહોંચનારા પુરૂષસિંહો મળે છે અથવા તો નથી પણ મળતા. એવા વિરલ પુરૂષસિંહોમાંથી પણ દૈવી શક્તિના અવતરણની વાત કોઈકને જ સૂઝે છે, સમજાય છે, અને કોઈક જ એને માટે મનોરથ સેવે છે. પરિસ્થિતિ જ્યાં આવી કરૂણ ને નાજુક છે ત્યાં, જેમને આધ્યાત્મિકતા પ્રત્યે અનુરાગ નથી, સાધનામાં રસ નથી, સાધનામય જીવન જીવવાને બદલે જે ભળતું જ જીવન જીવી રહ્યા છે ને દુન્યવી ભોગવિલાસ, વ્યવસાય, કાવાદાવા, છળકપટ તથા વ્યસનમાં રત છે, તે દૈવી શક્તિના અવતરણની વાત ક્યાંથી સમજી શકવાના હતા ? દૈવી શક્તિની હયાતિ તથા એ શક્તિના સાક્ષાત્કાર અને આવિર્ભાવમાં જ જેમને શંકા છે, તેમને માટે એ પરમ શક્તિના અવતરણની વાત તો આકાશકુસુમ સમાન અશક્ય જ થઈ પડવાની. તેવા અનધિકારી જીવો એને વિશે જે અભિપ્રાયો આપવાના તે પણ આધાર વિનાના અને વ્યર્થ જ ઠરવાના. તેવા લોકોમાં વિશ્વાસ જગાવવા માટેની પ્રવૃત્તિ હું નથી કરી રહ્યો. એવા પ્રયોજનથી પ્રેરાઈને આ સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયની છણાવટ કરવા હું તૈયાર નથી થયો. મારું પ્રયોજન તો આ વિષય વિશે સ્વાનુભવપૂર્વકનું સ્પષ્ટીકરણ કરવાનું અને જેમને એમાં રસ છે તથા વિશ્વાસ છે તેમનાં રસ અને વિશ્વાસને પરિપુષ્ટ બનાવવાનું છે. ભારતીય સાધનાની એથી સેવા થશે એમ માનું છું.

એ વિષયના વિવરણના અનુસંધાનમાં, આરંભમાં એક વાત તરફ અંગુલિનિર્દેશ કરી લઉં કે દૈવી શક્તિનું અવતરણ સાધનામાં માર્ગમાં શક્ય છે એમ કહેવાને બદલે, એ શક્તિની સાથેનો સંબંધ અને એની સાથેની એકતા અથવા એકરૂપતા શક્ય છે એમ કહેવું વધારે ઉચિત લાગે છે. એવા પ્રકારના કથનથી જે કહેવાનું છે તેનું સંતોષકારક સ્પષ્ટીકરણ થઈ રહે છે. દૈવી શક્તિનું અવતરણ થાય છે એવો શબ્દપ્રયોગ કરવાને બદલે, સાધક પોતાની સાધનાના માર્ગમાં એ શક્તિનો સંપર્ક સાધી શકે છે, સાક્ષાત્કાર કરે છે, અને એની સાથે એકરૂપ બનીને અખંડ એકત્વનો અનુભવ કરે છે, એવી વાક્યરચના કરવાથી મૂળ વિષયનું રહસ્ય સરળતાથી સમજવામાં મદદ મળે છે.

ભારતમાં છેલ્લેછેલ્લે થઈ ગયેલા મહાયોગી શ્રી અરવિંદે અતિમનસના અવતરણની વાત કહી છે. એવા અવતરણનો ઉલ્લેખ કરનાર ભારતના એ સૌથી પ્રથમ અર્વાચીન મહર્ષિ હતા. ભારતમાં જ શા માટે, સમસ્ત સંસારમાં એમની એ વાત અજોડ હતી એમ કહીએ તો ચાલે. એમની પહેલાંના કોઈ યોગી કે ઋષિએ એવી રીતે એ વિષયની રજૂઆત કરી ન હતી. દૈવી શક્તિના અવતરણની જે વાત અહીં કહેવાઈ રહી છે તે વાત તેમણે કહેલા અતિમનસના અવતરણ સાથે સામ્ય ધરાવે છે કે નહિ, અને ધરાવે છે તો કેટલે અંશે, તેનો નિર્ણય વિદ્વાનોએ કરવાનો છે. અહીં તો તેને મારી રીતે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. જે દૈવી શક્તિ કે પરમ ચેતનાનો નિર્દેશ અહીં થઈ રહ્યો છે તે શક્તિ મન અને બુદ્ધિથી અતીત છે. મન અને બુદ્ધિની પારનાં પ્રદેશમાં પહોંચવાથી એનો સાક્ષાત્કાર થઈ શકે, એ અર્થમાં એને અતિમનસ કહી શકાય. બાકી તો એને ગમે તે નામ આપો કે ગમે તે નામે સંબોધો, મૂળભૂત રીતે તો એ શક્તિ એક જ છે. એને સર્વોપરી શક્તિ કહો, પરમ ચેતના કહો, કે બીજા ગમે તે નામે ઓળખો, એ બે નથી પરંતુ એક જ છે, અને એક જ હોઈ શકે, એ તો સહેલાઈથી સમજી શકાય તેમ છે.

સાધક પોતાના વ્યક્તિગત સાધનાત્મક અભ્યાસથી, પોતાની અંદર રહેલી એ પરમ ચેતના અથવા તો પરમ દિવ્ય શક્તિના સંપર્કમાં આવે છે, અથવા તો એનો સાક્ષાત્કાર કરે છે, એ વાત તો સર્વવિદિત તથા સર્વસ્વીકૃત જેવી છે. ભારતીય ધર્મ, સાધના, તથા ભારતના લગભગ બધા જ પ્રમાણિક સાધકોનું એ ધ્યેય રહ્યું છે. એને પરમાત્માનો સાક્ષાત્કાર અથવા તો આત્મદર્શન પણ કહેવામાં આવે છે. કેટલાકનું કહેવું છે કે ભારતીય ધર્મ કે સાધનાનું ધ્યેય આટલું જ હતું : એ  પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જ પરિતૃપ્ત થવામાં કે કૃતાર્થ બનવામાં માનતી હતી. એમના અભિપ્રાય કે કથન સાથે આપણે સંમત નહિ થઈએ. એમને આપણે કહીશું કે તમારું મંતવ્ય બરાબર નથી. તમે ભારતીય ધર્મને ને સાધનાને સારી પેઠે સમજ્યા નથી એમ લાગે છે. નહિ તો તમે આવું મંતવ્ય ન રજૂ કરત.

ભારતીય ધર્મ અને સાધના પરમાત્માના સાક્ષાત્કારમાં તો માને જ છે, અને એનો પોતાના ધ્યેય તરીકે સ્વીકાર પણ કરે છે, પરન્તુ એટલામાં જ એ પરિતૃપ્ત કે કૃતાર્થ થઈને બેસી નથી રહેતી. એ પોતાના ધ્યેયની દિશામાં થોડીક આગળ વધે છે ને કહે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર પરમાત્મા તુલ્ય અથવા પરમાત્મા જ બની જાય છે. ब्रह्मविद् ब्रह्मैव भवति ।  એ સંદેશને કેમ ભૂલી ગયા ? એ ઉપનિષદ-વચનમાં કહેવામાં આવ્યું છે કે જીવનના આધ્યાત્મિક વિકાસની બે મહત્વની ભૂમિકાઓ છે : એક તો ब्रह्मविद् થવું એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો ને બીજી પરમાત્મા કે બ્રહ્મ જ બનવું. ભારતીય સાધના કે સંસ્કૃતિએ એવા ઉભયવિધ આત્મિક વિકાસના આદર્શ તરફ અંગુલિનિર્દેશ કરેલો છે, અને એ પણ આજથી નહિ, પરંતુ એના ઉદ્ ભવકાળના આરંભથી જ. એ અંગુલિનિર્દેશને કોઈ ભૂલી જાય એટલે કાંઈ એવું થોડું જ કહેવાય કે ભારતીય સાધનાનો સંદેશ અધૂરો છે ?

એટલે પરમાત્માના અથવા તો પરમ શક્તિના સાક્ષાત્કારથી અટકવાને બદલે, એથી આગળ વધીને, એ શક્તિ સાથેની એકરૂપતાની સિદ્ધિ કરવાનું ધ્યેય ભારતના ઋષિવરોએ નજર સમક્ષ રાખ્યું હતું. વખતના વીતવાની સાથે એ ધ્યેય ભુલાતું ગયું, એકાંગી બની ગયું, એ સાધના દ્વારા એક માત્ર પરમાત્મ સાક્ષાત્કાર જ ઈષ્ટ છે એવું માનતું રહ્યું. એમાં સાધનાનો દોષ છે એમ ન કહી શકાય. દૈવી શક્તિના અવતરણના અથવા તો એ શક્તિ સાથેની એકરૂપતાના ભુલાયેલા આદર્શને નાથ સંપ્રદાયે મહત્વનો માન્યો હતો. એટલા માટે તો એ સંપ્રદાયમાં સ્વસ્થ, નીરોગી, અખંડ યૌવનવાળા શરીરનો, સર્વજ્ઞતાનો, અને ઈશ્વરસદૃશ અસાધારણ શક્તિઓનો તથા અખંડ ઈશ્વરપરાયણતાનો આદર્શ કે પેટા આદર્શ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. નાથ સંપ્રદાયના કેટલાક યોગીપુરૂષો એ આદર્શના સાકાર સ્વરૂપ સરખા બની રહ્યા હતા. અને જે વૈદિક ઋષિએ પરમાત્માસદૃશ થવાનો આદર્શ રજૂ કર્યો, તે તો એ આદર્શનું મૂર્તિમંત સ્વરૂપ હશે જ ને ? એ આદર્શની સિદ્ધિ માટે એમણે તો પોતાના જીવનમાં પ્રામાણિક પુરૂષાર્થ કર્યો જ હશે ને ? એ પુરૂષાર્થને પરિણામે કોઈક નક્કર વસ્તુ પણ મેળવી હશે ને ? ત્યારે જ એ આવો સર્વોત્તમ સંદેશ આપી શક્યા.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok