Wednesday, September 30, 2020

સૌથી મહત્વની સિદ્ધિ

કેટલાક માણસો કહે છે કે ઈશ્વરની સૃષ્ટિમાં લોકોત્તર શક્તિ કે સિદ્ધિ ક્યાં નથી ? સર્જન સમગ્ર એક અજાયબી કે ચમત્કાર જ છે. તારા, ચંદ્ર ને સૂર્ય, ઋતુના જુદાજુદા રંગ, પંખીની પાંખ, ઈન્દ્રધનુ, સાગર ને પર્વત, બધું ચમત્કાર નહિ તો શું છે ? વાત સાચી છે. ઈશ્વરની દુનિયા એક અજાયબ ઘર જેવી છે. આખી દુનિયાની વાત જવા દઈએ ને ફક્ત માનવશરીરની વાત કરીએ તોપણ સમજી શકાય છે કે માનવશરીર સ્વયં એક મોટામાં મોટી અજાયબી છે; માનવશરીર બીજાં શરીરો કરતાં ઘણી રીતે ઉત્તમ છે : બીજાં શરીરો કરતાં માનવશરીર કેટલીય રીતે ચમત્કારી છે. ચોરાશીના ચક્રમાંથી મુક્તિ મેળવીને આ જ શરીર દ્વારા માનવ સુખશાંતિ ને મુક્તિ મેળવી શકે છે, ને બીજાને મુક્ત ને સુખી થવાનો માર્ગ બતાવે છે, તે ચમત્કાર પણ નાનો છે ? શરીર ને તેની અંદરનો આત્મા એક અલૌકિક સિદ્ધિ કે ચમત્કાર છે. ને શરીર, મન ને આત્માની શક્તિનો વિરાટ વિકાસ-જે માનવને દેવ કે ઈશ્વરપદે સ્થાપી દે છે, તે જીવનની તેથી પણ મોટી સિદ્ધિ છે.

વિજ્ઞાને જેમ બહારની દુનિયાની મદદથી રેડિયો, તાર ને ટેલિવિઝન જેવી સિદ્ધિ મેળવી છે, ને તેને માટે આપણે તેનું ગૌરવ કરીએ છીએ, તેમ જ તે સિદ્ધિ દ્વારા લાભ પણ ઉઠાવીએ છીએ, તેમ યોગી ને ભક્તપુરૂષો અંદરની દુનિયા ને ઈશ્વરી શક્તિની મદદથી આપણને અજાયબીમાં નાખી દે તેવી છતાં તદ્દન યથાર્થ એવી દૂરદર્શન, દૂરશ્રવણ, ભવિષ્યદર્શન ને ત્યાંથી માંડીને ઈચ્છા પ્રમાણે સ્વરૂપ ધારણ કરવાની, અદ્રશ્ય થઈ જવાની ને બીજી અનેક શક્તિઓ આત્મિક વિકાસના ફળરૂપે પ્રાપ્ત કરે છે. આ શક્તિની પાસે વિજ્ઞાન તો હજી બાળક છે. છતાં વિજ્ઞાનની મદદથી આપણે આ શક્તિનું રહસ્ય સમજી શકીએ છીએ. આ યોગસિદ્ધિની યથાર્થતા સમજવામાં વિજ્ઞાન આપણને કૈંક અંશે મદદ કરે છે. આજથી કેટલાંક વરસો પહેલાં વિજ્ઞાનની આ બધી શોધો વિશે કોઈએ આપણને વાત કરી હોત તો આપણે તેને હસી કાઢત. વિજ્ઞાનનાં રહસ્યોની ખબર ન હોય તેવા માણસોને માટે આવું જ બને. તેવી રીતે આત્મિક જગતનાં રહસ્યોથી અજાણ એવા માણસોને પણ અષ્ટ સિદ્ધિની વાતો સાંભળીને નવાઈ લાગે, પણ તેમાં નવાઈ પામવા જેવું કશું નથી.

સાધારણ માણસનું જીવન આજે વિચિત્રરૂપે વહી રહ્યું છે. જીવનમાં ગમે તેમ કરીને રોટી, ઘર, આરામ, ભોગ ને ધનને માટે જ તે પ્રયાસ કરે છે. આ વસ્તુની પ્રાપ્તિ જ એને મન મોટામાં મોટી સિદ્ધિ છે. માણસને માટે સત્ય ને પ્રામાણિકતા કે નિષ્કપટતા જેવી નૈતિક સિદ્ધિ જ દુર્લભ થઈ ગઈ છે, તો પછી નીતિમય જીવન દ્વારા ઈશ્વરપ્રાપ્તિ કરવાની ને જુદીજુદી શક્તિ મેળવવાની સિદ્ધિનો તો તેને ખ્યાલ જ ક્યાંથી આવે ? ખ્યાલ આવે તો તેમાં વિશ્વાસ ક્યાંથી થાય, ને તે મેળવવાની તૈયારી તો તે ક્યાંથી જ કરે ? ગમે-તેમ, પણ સાધના દ્વારા જુદીજુદી શક્તિ કે સિદ્ધિનો આવિષ્કાર ભારતના આધ્યાત્મિક વિકાસની ઓછી અજાયબી નથી. ઈશ્વરની દુનિયા તો અજબ છે જ; પરંતુ માનવ પણ પોતાની શક્તિને કેળવીને ઈશ્વરની જ કૃપાથી શક્તિની જે દુનિયા સરજે છે તે પણ ઓછી અજબ નથી. માનવનો આ લોકોત્તર વિકાસ જોઈને આપણું હૃદય આનંદથી ઊભરાઈ જાય છે ને ગૌરવ અનુભવે છે. આ વિકાસનો વિચાર કરતાં આપણને ખાતરી થાય છે કે માનવ માનવમાંથી દેવ ને છેવટે ઈશ્વરતુલ્ય થઈ શકે છે એમ કહેવામાં આવે છે તે ખોટું નથી.

કેટલાક માણસો સારી પેઠે જાણીતી થયેલી બુદ્ધ ને એક યોગીની પેલી પ્રાચીન વાત કહે છે. તે વાતમાં એમ આવે છે કે બુદ્ધની પાસે એક મહાન યોગી આવ્યા. તેમણે બાર વરસ સુધી ભયંકર તપશ્ચર્યા કરી હતી. બુદ્ધે તેમને પૂછ્યું કે આટલી લાંબી તપશ્ચર્યાથી તમે શું મેળવ્યું ? યોગીએ કહ્યું કે 'પાણી પર થઈને સહીસલામત રીતે ચાલ્યા જવાની શક્તિ. બુદ્ધે કહ્યું, 'બસ ? આવી ભારે તપશ્ચર્યા કરીને આ જ વસ્તુ મેળવી ? નાવિકને કૈંક આપવાથી તે સહેજે પાણી પાર કરી શકે છે. તેમાં તપનું શું કામ ?’ આ વાત શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશમાં પણ આવે છે, બુદ્ધને ને રામકૃષ્ણદેવને સિદ્ધિ પ્રત્યે કેવો અણગમો હતો તે બતાવવા મોટા ભાગના માણસો આ વાત રજૂ કરે છે. પણ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે વાતને એ રીતે રજૂ કરવામાં ગેરસમજ થાય છે. બુદ્ધે પાણી પર ચાલવાની શક્તિનો અનાદર નથી કર્યો, પણ બારબાર વરસના કઠોર તપ પછી માણસ પાણી પર ચાલવાની જ શક્તિ પ્રાપ્ત કરે અને આત્મિક વિકાસની બીજી જરૂરી વસ્તુ પ્રત્યે ઉદાસીન રહે તે બરાબર નથી તે બતાવવા જ તેમણે પોતાના શબ્દોનો પ્રયોગ કર્યો છે - જો તે શબ્દો ખરેખર તેમના હોય તો. કેમકે મોટા માણસોને નામે કેટલીક વાર કેટલીય વાતો સમય જતાં રૂઢ બની જાય છે.

નાવિકને થોડાઘણા પૈસા આપવાથી માણસને તે પાણીની પાર લઈ જાય છે એ સાચું છે. પરંતુ નાવ કે નાવિકની મદદ વિના, કેવળ આત્મશક્તિના બળથી માણસ પૃથ્વી પર ચાલતો હોય તેમ જો પાણી પર ચાલી શકે તો તે તેની વિશેષ શક્તિની નિશાની હોઈ, આવી રીતે હસી કાઢવા જેવી વાત નથી જ. વિમાનમાં બેસીને માણસ ઊડી શકે છે એ તો સાચું જ છે. પણ કોઈ માણસ પોતાની શક્તિથી કોઈ પણ પ્રકારના બાહ્ય સાધનની સહાય વિના, આકાશમાં કે પૃથ્વીની પર ઊડતો હોય તેમ પસાર થવાની શક્તિ મેળવે તો તે શું હસી કાઢવા જેવી કે ઉપેક્ષા કરવા જેવી વાત મનાશે ? સિદ્ધિની ઉપર કહી તેવી વાતો માણસને સાવધ કરવા માટે છે. અધકચરા સાધકો ફક્ત સિદ્ધિઓના મોહમાં પડીને જીવનના મુખ્ય ને મૂળ ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ કે આત્મદર્શનને ભૂલી જાય નહિ તે માટે આવી વાતો પ્રચલિત બની છે.

આવી કથાઓ દ્વારા એ સંદેશ મળે છે કે માણસે મુખ્ય ધ્યાન નીતિમય જીવન અને સાત્વિક સ્વભાવના ઘડતર પર આપવું જોઈએ. માનવતાની મૂર્તિ બનવાનો તેણે પ્રયાસ કરવો જોઈએ. ને મન તથા ઈન્દ્રિયના સંયમ પર તેમ જ અહંભાવ, મમતા તથા કામક્રોધાદિ દૂષણોથી પર થવાના પુરૂષાર્થ પર તેણે મુખ્ય ધ્યાન આપવું જોઈએ. આનો અર્થ એમ નથી કે આથી પણ અનેરો જે વિકાસ છે તે સિદ્ધિ કે વિશેષ શક્તિના વિકાસની માણસે અવગણના કે ઉપેક્ષા કરવી ને હાંસી ઉડાવવી. કોઈ પણ સમજુ માણસ તેમ ન કરી શકે. માણસના વિકાસનાં બધાં જ યંત્રો અભિનંદનીય છે. માણસ તેને માટે ગૌરવનો અધિકારી છે. કોઈ પણ પ્રકારની આત્મિક સિદ્ધિ માટે પણ આપણે તેને માન આપીશું. ફક્ત તે સિદ્ધિ સારાં સાધનો દ્વારા મળી હોય, બીજાને લાભદાયક થતી હોય ને નુકસાનકારક તો કદાપિ ન થતી હોય, તે જ જોવાનું છે.

સર્વ સાધારણ માણસોને માટે તો હૃદયશુદ્ધિ, સાત્વિકતાની પ્રાપ્તિ ને છેવટે ઈશ્વરની કૃપાની પ્રાપ્તિ એ જ મોટામાં મોટી ને મુખ્ય મહત્વની સિદ્ધિ છે. તે મેળવવાથી પરમશાંતિ મળી જાય છે ને જીવનની ધન્યતા પણ પ્રાપ્ત થાય છે, એટલે તે તરફ જેટલું વધારે લક્ષ અપાય તેટલું માણસને માટે મંગલકારક છે. જીવનમાંથી દાનવતાના દુર્ગુણોને દૂર કરી, મરી પરવારતી માનવતાની વાડીને ફરી હરિયાળી ને સદ્ ગુણોની સુગંધથી તાજી કરવી, ને મોહાસુરનો નાશ કરી, પવિત્ર પ્રેમના દેવતાની મન, વચન ને અંતરમાં પ્રતિષ્ઠા કરવી, એ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી. માનવ ને સંસારને એ સિદ્ધિની આવશ્યકતા છે. માનવના વ્યક્તિગત જીવનમાં, સમાજમાં, દેશમાં ને સમસ્ત સંસારમાં આજે જે કટુતા, સ્વાર્થ, ભય, લોલુપતા ને ભેદભાવના તથા અશાંતિ દેખાય છે, તેનું મૂળ કારણ આ જીવનશુદ્ધિની મહાન સિદ્ધિનો અભાવ છે. આ સિદ્ધિ સધાતાં તેનો ચમત્કાર સહેજે દેખાશે. માનવ અને માનવજાતિમાં પરસ્પર પ્રેમ, સેવા ને શાંતિની ભાવના ફેલાશે, ને વ્યક્તિ તેમ જ સમષ્ટિના જીવનની મૂંઝવી રહેલી ને બિહામણી બનેલી ઘણીયે સમસ્યાઓનો અંત આવશે. જીવન ને જગતની બુરાઈઓ પણ મોટા પ્રમાણમાં ને સહેલાઈથી દૂર થશે. સાચું છે કે માણસનાં કેટલાંક દુઃખો કુદરતના કોપને લીધે ને કેટલાંક કર્મોને લીધે ને જીવનની જરૂરતોના અભાવને લીધે ઉત્પન્ન થાય છે. સ્વભાવની શુદ્ધિ સધાતાં તેના જીવનમાં ઘણો ફેર પડી જશે, ને તેનાં મોટા ભાગનાં દુઃખ હળવાં થઈ જશે એ સાચું છે. એટલે માણસે પોતાની જાતની શુદ્ધિ તરફ વધારે ને વધારે ધ્યાન આપવું જોઈએ.

કામ કે ક્રોધની વિષવરાળથી કોનું તન, મન કે અંતર સંતપ્ત થયું નથી ? મોહની મોહિની કોને નથી લાગી ? અહંકાર, દંભ અને અજ્ઞાનના આવરણ નીચે આવીને કોનું ચંચલ મન વધારે ચંચલ નથી થયું ? મદ ને માનની ઈચ્છાથી કોણ અસ્પૃશ્ય રહ્યા છે ? દુનિયાના નાશવંત પદાર્થોની લાલસાએ કોને વ્યથા નથી કરી ? મમતા ને તૃષ્ણા કોને નથી વ્યાપી ? અસત્યના આશ્રયથી કોણ પૂરેપૂરું મુક્ત થયું છે ? સ્વાર્થરૂપી ડાકિની કોને નથી વળગી ? માણસ ગુણ અને અવગુણનું મિશ્રણ છે. સારા અને નરસા વિચાર કે વિકારનું સંમિશ્રણ છે. જુદાજુદા અવગુણ અને ગુણની વચ્ચે પસંદગી કરીને તેણે ગુણિયલ બનવાનું છે. સંસારના સારા ને નરસા વાતાવરણની વચ્ચે રહીને, હંસની જેમ સારાને ગ્રહણ કરીને તેણે પોતાનો વિકાસ કરવાનો છે.

પ્રહલાદ ઈશ્વરથી વિમુખ થયેલા અસુરોની સાથે રહ્યો. તે છતાં તેનું મન આસુરી વૃત્તિથી લેશ પણ રંગાયું નહિ. તેણે પોતાનો સાત્વિક સ્વભાવ અને ભક્તિભાવ અસુરોની વચ્ચે રહીને પણ વધાર્યે જ રાખ્યો. એ કામ ઘણું ભારે હતું. છતાં પ્રહલાદે તે પૂરું કર્યું, તેના જ જેવા એક બીજા બાળક ધ્રુવે પણ પ્રભુની કૃપા મેળવી. પણ તે તો મધુવનમાં-વસ્તીથી દૂર એકાંતમાં તપ કરીને. ત્યાં વાતાવરણ વધારે અનુકૂળ હતું. પણ પ્રહલાદને માટે બહારનું વાતાવરણ અનુકૂળ ન હતું. છતાં તેમાં રહીને પણ તેણે પોતાના સંસ્કારોનું ઘડતર કર્યું, પોતાની અંદરના વાતાવરણને અનુકૂળ બનાવ્યું ને પ્રભુની કૃપા મેળવી લીધી. સાધારણ માણસે આ પ્રસંગમાંથી પાઠ લેવાનો છે ને પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહીને પણ માનવતાને સાચવી રાખવા, વધારવા ને જીવનનું ધ્યેય હાંસલ કરવા પ્રેરણા મેળવવાની છે.

અવગુણ ને વિકારમય વાતાવરણની વચ્ચે રહીને જે ચંચલચિત્ત ન બને, ને દુન્યવી પદાર્થોનાં આકર્ષણ ને રસથી તૃપ્ત થયા કે અંજાયા વિના પોતાના મૂળ સ્વરૂપ પરમાત્માને ઓળખવાનો પ્રયાસ કરીને તે પરમાત્માને જે ઓળખી પણ લે, અને એ રીતે પરમ શાંતિ મેળવી લે, તેની સિદ્ધિ કાંઈ ઓછી નથી. પોતાના રૂઢ ને ખરાબ સ્વભાવને બદલીને વધારે સારા સ્વભાવમાં પ્રતિષ્ઠિત થવાનું કામ ઓછું મહત્વનું ને ઓછું કઠિન નથી. તેને સાધવામાં મહાન સિદ્ધિ રહેલી છે. સાધારણ રીતે વાત કરીએ તો આજના સમયમાં માણસ જૂઠું બોલવાનું, વિચારવાનું ને કરવાનું છોડી દે, ને જીવનમાં સત્યનો જ પક્ષપાતી બને, તો તે તેની મોટી સિદ્ધિ ગણાશે. સ્વાર્થનો જ વિચાર કરવાનો મૂકી દઈ, બીજાના હિતનો વિચાર કરી, બીજાના હિતમાં પોતાની શક્તિ પ્રમાણે લાગ્યો રહેશે, તો તે તેની મોટી સિદ્ધિ મનાશે. ઈર્ષા, ક્રોધ, કડવાશ ને ધિક્કારની ભાવનાને દૂર કરી દઈ પ્રેમ, શાંતિ, વાણીની મીઠાશ ને સૌના સુખમાં સુખી થવાની ભાવના કેળવશે, તો તેણે મોટી સિદ્ધિ મેળવી એમ જરૂર મનાશે. એટલે કે દુર્ગુણોની પરંપરામાંથી મુક્ત થઈને તેણે સદ્ ગુણોને કેળવ્યા હશે તો તે તેની મહાન સિદ્ધિ ગણાશે. આના અનુસંધાનમાં જો તે પોતાની આસપાસના ખરાબ વાતાવરણથી રંગાય નહિ તો તેની સિદ્ધિ વધી જશે. ને તેથીયે આગળ વધીને ખરાબ વાતાવરણને પોતાના પ્રભાવથી પલટાવીને જો સારું બનાવી શકશે તો-તો તેની સિદ્ધિ એથી પણ વધી જશે.

પારસમણિના સંબંધમાં આવું જ સંભળાય છે. તે લોઢાના સમાગમમાં આવે છે પણ લોઢાના રૂપરંગથી મુક્ત જ રહે છે. ઊલટું, તેની અસરથી લોઢામાં ફેરફાર થાય છે ને તે સોનું બને છે. માણસ પણ જો એ રીતે પોતાની આસપાસના વાતાવરણને પલટાવી શકે ને વધારે સારું બનાવી શકે તો તે તેની સિદ્ધિ જ ગણાશે. સિદ્ધિનો આવો વિશાળ વિચાર કરી શકાય છે. છતાં સાધનાની પરિપક્વતાના ફળરૂપ જે દૈવી શક્તિ કે સિદ્ધિ મળે છે તે પણ સત્ય છે. અને તે ઓછી ઉપકારક નથી એ વાત જાણી લેવાની જરૂર છે. ઉપર કહી તેવી સ્વભાવની સિદ્ધિ સાથે સાધનાના ફળરૂપે પ્રાપ્ત થનારી સિદ્ધિ પણ જો મળે તો સોનામાં સુગંધ જેવું થઈ જાય, અને એનું મૂલ્ય ઘણું વધી જાય છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok