Sunday, August 09, 2020

સિદ્ધિઓ ઈચ્છવા યોગ્ય ?

હવે પ્રશ્ન એ થાય છે કે સિદ્ધિ દ્વારા પતન થાય છે કે કેમ ? ઉત્તર સ્પષ્ટ જ છે. અગ્નિ દઝાડી પણ શકે છે ને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેની મદદથી અન્ન રાંધવા જેવા જુદાજુદા લાભ પણ મેળવી શકાય છે. તલવાર સારી છે કે ખરાબ, આશીર્વાદરૂપ છે કે શાપરૂપ, તે મોટે ભાગે વાપરનાર પર આધાર રાખે છે. જો ગમે તેવાના હાથમાં આવી જાય તો તે શાપરૂપ બને પણ પરગજુ માણસના હાથમાં આવે તો બીજાની રક્ષાના કામમાં આવે છે. સંસારની લગભગ બધી જ વસ્તુ વિશે એવું સમજવાનું છે. કેટલીક વસ્તુઓ ખૂબ ઝેરી હોય છે છતાં ઔષધિ તરીકે તેમનો ઉપયોગ કરવાથી અમૃતમય બની જાય છે. એટલે સિદ્ધિથી જેમ પતન થઈ શકે છે તેમ સિદ્ધિની પ્રાપ્તિથી ઉન્નતિમાં મદદ પણ મળી રહે છે.

જેનું મન ચંચળ છે, જે સંસારના ક્ષણિક પદાર્થો માટે જ તલસે છે, તથા જે સિદ્ધિનો ઉપયોગ કેવળ સ્વાર્થ ને બીજાના અહિતને માટે જ કરે છે, તેને માટે સિદ્ધિ પતન કે વિનાશનું કારણ થઈ પડે છે. તેથી ઊલટું, જેનું મન એક ઈશ્વરના જ ચરણોમાં આનંદ માને છે, જે આત્માનંદમાં મગ્ન છે, ને સ્વાર્થ તથા લૌકિક વાસનાથી પર છે, તેને સિદ્ધિ બાંધી શકતી નથી. તેવા પુરૂષને ઈશ્વરની કૃપાને લીધે કે સાધનાના સહજ ફળરૂપે સિદ્ધિની પ્રાપ્તિ થાય તો તેને માટે તે પતનકારક થવાને બદલે ભૂષણરૂપ જ થાય છે. તેવો પુરૂષ બીજાના હિત માટે તેનો ઉપયોગ કરે તો તે અનેકને માટે આશીર્વાદરૂપ થઈ પડે છે.

વિજ્ઞાનની શોધોના વિચારથી આ વાત સહેલાઈથી સમજી શકાશે. વીજળીથી પ્રકાશ મળે છે ને કેટલાંય ઉપયોગી કામ થાય છે, પણ જો સાવધાન ન રહે તો તેને અડવાથી મરણ પણ પામે છે. એટમ ખૂબ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ કરીને માનવજાતિનાં કેટલાંય દુઃખદર્દો દૂર કરી શકાય તેમ છે. પણ યુદ્ધના ઉન્માદમાં આવેલો માણસ તેમાંથી જ બોમ્બ બનાવે છે. તે કરોડો પ્રાણીઓનો નાશ કરે છે ને સંસ્કૃતિ અને સમાજના શત્રુનું કામ કરે છે. છતાં અષ્ટ સિદ્ધિ દ્વારા બનતાં સુધી કોઈનું અહિત થતું નથી. કેમકે કોઈનાય અહિતની ભાવના દિલમાં વાસ કરતી હોય ત્યાં સુધી તે સિદ્ધિ મળતી નથી. વશીકરણ જેવી સાધારણ શક્તિથી માણસ બીજાનું નુકસાન કરી શકે છે. પણ તે તો સાધારણ શક્તિ છે. જેનું મન શુદ્ધ થયું નથી તે તેવી શક્તિનો ઉપયોગ સ્વાર્થ ને કામના માટે કરે છે ને પોતાનો ને બીજાનો વિનાશ નોંતરે છે.

ત્યારે શાસ્ત્રો ને કેટલાક મહાપુરૂષોએ સિદ્ધિઓ પ્રત્યે ઉદાસીન રહેવાનું કેમ કહ્યું છે ? સાચો જ્ઞાની પુરૂષ સિદ્ધિથી દૂર રહે છે એમ કેમ કહેવામાં આવ્યું છે ? કેટલેક ઠેકાણે તો સિદ્ધિઓને સાધકનું પતન કરનારી કહી છે એમ કેમ ? તેનું એક કારણ તો ઉપર કરેલા વિચારમાં આવી જાય છે. બીજું કારણ એ છે કે સાધારણ મનોબળના માણસો સિદ્ધિના મોહમાં ફસાઈને પોતાનો સાચો માર્ગ ચૂકી જાય છે. આમ ન બને તેથી શાસ્ત્રોએ સિદ્ધિનો ત્યાગ કરવાનું કહ્યું છે. પણ એવાંય કેટલાંક શાસ્ત્રો છે જેમાં સિદ્ધિનું મહત્વ માનેલું છે. આ વાત વધારે સારી રીતે સમજવા માટે શરીર વિશે વિચારીએ. શાસ્ત્રોમાં અનેક ઠેકાણે શરીરને કુરૂપ તથા ગંદકીના ઘર જેવું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત, શરીર ઈશ્વરનું મંદિર છે, બહુ જ ભાગ્યથી મળનારું ને મુક્તિના દ્વારરૂપ છે, એમ કહીને તેની પ્રશંસા પણ કરવામાં આવી છે.

શરીરને ગંદકીનું ઘર કહીને તેનું ખરાબ લાગે તેવું શબ્દચિત્ર દોરવાનું કારણ એ જ છે કે માણસ શરીરના મોહને દૂર કરે, શરીર પ્રત્યેની મમતામાંથી મુક્ત બને, ને શરીર તરફ વૈરાગ્યબુદ્ધિ ધારણ કરીને શારીરિક વિલાસમાં ન ફસાય. શરૂઆતમાં એની જરૂર ખૂબ હોય છે. તે જ પ્રમાણે સિદ્ધિ વિશે પણ સમજી લેવાનું છે. સિદ્ધિના જ મોહમાં પડીને સાધક સિદ્ધિથી પણ વધારે મૂલ્યવાન ને સિદ્ધિના સ્વામી પરમાત્માને ભૂલી ન જાય, ને સાધારણ સિદ્ધિના મોહથી અંધ બનીને ભોગી તથા વિલાસી ન બની બેસે તે માટે સિદ્ધિઓથી સાવધ ને દૂર રહેવાનો ઉપદેશ શાસ્ત્રો ને મહાપુરૂષોએ આપ્યો છે. પણ તે ઉપદેશ મોટે ભાગે સાધકોને જ લાગુ પડે છે. સાધનાના ક્રમમાંથી પસાર થઈને જે સિદ્ધાવસ્થાએ પહોંચી ગયા છે તેમને માટે તો સિદ્ધિ શોભારૂપ થઈ જાય છે. સિદ્ધિથી તેમનું પતન થતું નથી. તેવા પુરૂષો સિદ્ધિઓની લાલસા રાખતાં નથી. તોપણ, વિકાસના સ્વાભાવિક નિયમ પ્રમાણે, તેમને સિદ્ધિ મળે છે. જેમ બીજમાંથી અંકુર, તેમાંથી ડાળી, પછી કળી ને ફૂલ ને છેવટે ફળ સહજ વિકાસ પ્રમાણે થયા કરે છે તેમ સાધનાના બીજમાંથી સિદ્ધિ, શાંતિ, મુક્તિ કે ઈશ્વરકૃપા પ્રકટ થાય છે. ફૂલની શક્તિ જેમ ફોરમ અને સૂર્યની સિદ્ધિ પ્રકાશ છે તેમ સાધનસિદ્ધિ પુરૂષમાં સ્વાભાવિક રીતે જ શક્તિ રહે છે.

સાચો જ્ઞાનીપુરૂષ સિદ્ધિથી દૂર રહેવા માગશે તો પણ રહી શકશે નહિ. એક યા બીજી રીતે, વત્તા કે ઓછા પ્રમાણમાં તપ કે ઈશ્વરની કૃપાના ફળરૂપે, તેના જીવનમાં સિદ્ધિ પ્રકટશે જ. સિંધુ શું ખારાશથી મુક્ત રહી શકે છે ? વીજળી કદી પ્રકાશ વિના બની શકે છે ? ચંદ્ર ચાંદની વિના ઊગી શકે છે ? રામકૃષ્ણ પરમહંસદેવ સિદ્ધિથી દૂર રહેવાનું કહેતા. પણ તેમના જીવનના અનેક પ્રસંગોમાં શું સિદ્ધિનું દર્શન નથી થતું ? તેવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુનું જીવન પણ સિદ્ધિના પ્રસંગોથી ભરપૂર છે. એટલે સિદ્ધિઓનો સંપૂર્ણ ત્યાગ કરવાનો કે સિદ્ધિ તરફ ઉદાસીન રહેવાનો ઉપદેશ સાધક દશાના માણસો માટે તેમની સલામતીના વિચારથી કરવામાં આવ્યો છે. સિદ્ધ પુરૂષોએ સિદ્ધિનો ત્યાગ કરવો એવા કથનનો એ જ અર્થ લેવાનો છે કે તેમણે સિદ્ધિને સર્વસ્વ માનવાની વૃત્તિથી દૂર રહેવું ને સિદ્ધિના ગુલામ નહિ પણ સ્વામી બનવું.

યોગદર્શનમાં ભગવાન પતંજલિ કહે છે કે 'જન્મ, મંત્ર, તપ, ઔષધિ ને સમાધિ દ્વારા સિદ્ધિ મળે છે.’ ટૂંકમાં કહીએ તો ભક્તિના પ્રભાવથી ભગવાનની પૂર્ણ કૃપા થતાં અને યોગની સાધનાથી સિદ્ધિ મળે છે. તો કેટલીક વાર કોઈને પૂર્વજન્મના સંસ્કારને લીધે બાલપણમાં પણ સિદ્ધિ મળી જાય છે. ઔષધિ અને મંત્ર દ્વારા પણ વિશેષ શક્તિ મળે છે. શુકદેવ અને શંકરાચાર્યને જન્મથી જ સિદ્ધ કહી શકાય. કૃષ્ણ ભગવાનને પણ એવા કહી શકાય. વિશ્વામિત્ર ને વસિષ્ઠ મંત્ર ને તપથી સિદ્ધિ મેળવી શકેલા. સમાધિ દ્વારા યોગીઓ દૂરદર્શન જેવી કેટલીય સિદ્ધિઓ મેળવે છે. કેટલીક ઔષધિઓથી વૃદ્ધાવસ્થા દૂર થાય છે, દિવસો સુધી ભૂખ-તરસ લાગતી નથી, બીજાના રોગો સારા થાય છે ને બીજાં અલૌકિક કામો કરી શકાય છે. ઈશ્વર જેને યોગ્ય ધારે તેને વત્તીઓછી શક્તિ આપે છે. કોઈને એક તો કોઈને બે, એમ શક્તિ મળતાં તે તૃપ્ત પણ થઈ જાય છે. કોઈક જ બડભાગી ભક્ત કે યોગી બધા પ્રકારની શક્તિ કે અષ્ટ સિદ્ધિ મળતી હશે. આ સમયમાં તો ભાગ્યે જ. છતાં પૃથ્વી બીજ વિનાની નથી. વળી ભારત તો સંત તપસ્વીઓની ભૂમિ છે. આ ભૂમિમાં પૂર્ણ સિદ્ધિવાળા યોગીપુરૂષો પણ છે. અધિકારી જનોને તેમનાં દર્શનનો લાભ મળી શકે છે. છતાં આ વિશે છેલ્લેછેલ્લે ફરી કહી દઉં કે સામાન્ય માણસોને માટે તો પોતાની જાતનો, પોતાના ઘરનો ને કુટુંબ તથા સમાજનો સુધાર એ જ મોટામાં મોટી ને મહત્વની સિદ્ધિ છે. સાધકોને માટે પણ હૃદયશુદ્ધિ કે સાત્વિકતાની ને ઈશ્વરકૃપાની પ્રાપ્તિ જ ઈચ્છવા જેવી સિદ્ધિ છે. તે મળતાં પરમ શાંતિ મળી જાય છે ને જીવનની ધન્યતા પણ પ્રાપ્ત થાય છે. એટલે તે તરફ જેટલું વધારે ધ્યાન અપાય તેટલું મંગલકારક છે.

આ ઉપરાંત માણસે ખૂબ સાવધાન રહેવાની ને વિવેકી બનવાની જરૂર છે. સાચાખોટાને પારખતાં શીખવાની જરૂર છે. કેટલાક લેભાગુ માણસો જુદાજુદા સ્વાંગમાં સમાજમાં ફરી રહ્યા છે. તે પોતાને સિદ્ધ બતાવીને લોકોને ઠગે છે, ને પૈસા લઈને ચાલતા થાય છે. સમાજમાં લોભીને ને દુઃખી માણસો તેમના શિકાર બને છે. સોનું બનાવવાના ને રૂપિયા તથા ઘરેણાં બમણાં કરી આપવાના કીમિયાવાળા કેટલાય સાધુ ને ફકીરો સમાજમાં ફરે છે. કેટલા ભૂતભાવિ જાણવાનો દાવો કરીને ભોળા માણસોને ઠગે છે. કેટલાક વાળમાંથી દૂધ કાઢી બતાવીને પૈસા પડાવે છે, કોઈ માતાને નામે હાથમાંથી કંકુ કાઢે છે તો કોઈ જુદાજુદા આશીર્વાદ આપે છે. બિહારના છેલ્લેછેલ્લે બહુ ગવાયેલા નેપાલી બાબાની વાત પણ જાણીતી છે. તેમની આશિષથી રોગ દૂર કરવા ને સંતાન મેળવવા રોગી ને નિઃસંતાન માણસોએ ભીડ કરી દીધેલી. છતાં થોડાક કે વધારે ઠગવિદ્યાવાળા માણસો પરથી સાચા સિદ્ધિપ્રાપ્ત પુરૂષો વિશે છેવટનો અભિપ્રાય બાંધી લેવાનું બરાબર નથી.

આ દેશમાં પોલ બ્રન્ટન નામે એક અંગ્રેજ ગૃહસ્થ યોગી પુરૂષોની શોધ માટે આવેલા. તેમને કેટલાક સિદ્ધ પુરૂષો મળેલા. તેનું વર્ણન તેમણે પોતાના 'સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા નામે પુસ્તકમાં કરેલું છે. હજી તેવા સિદ્ધ ને સાચા પુરૂષોનું દર્શન કોઈ પણ જિજ્ઞાસુને થઈ શકે છે. ફક્ત તેવા પુરૂષોને મળવાની તાલાવેલી લાગી જવી જોઈએ. સંસારમાં કોઈ પણ વસ્તુનો સદંતર અભાવ નથી, મહાપુરૂષોનો તો નહિ જ. પણ તેમનાં દર્શન અને સમાગમની ઉત્કટ ઈચ્છાવાળા માણસનો જ અભાવ દેખાય છે. તે અભાવ દૂર થાય અને પ્રભુકૃપા થાય તો આજે ને કોઈ પણ કાળે સાચા મહાપુરૂષોના મિલનનું સદ્ ભાગ્ય મળવાનું કામ કઠિન નથી જ.

બધી વસ્તુને સામુહિક લાભની દ્રષ્ટિથી મૂલવવાની વૃત્તિના આ વખતમાં એમ પણ વિચાર આવવાનો સંભવ છે કે સિદ્ધિપ્રાપ્ત મહાપુરૂષોએ પોતાનું મંગલ તો કરી લીધું પણ તેમની સિદ્ધિથી સમાજને શો લાભ ? સમાજના ઘડતરમાં તે સિદ્ધિ કામ લાગે ખરી ? તેના ઉત્તરમાં આપણે કહીશું કે જરૂર કામ લાગે.. મહાપુરૂષોની સિદ્ધિ કે શક્તિથી સંસારને વત્તોઓછો લાભ પહોંચે જ છે. જે માણસો તેમના સમાગમમાં આવે છે ને તેમની મદદની ઈચ્છા કરે છે તે માણસોને તેમની દ્વારા લાભ મળે જ છે. ઈતિહાસમાં આ વાતની સત્યતા પુરવાર કરનારા પ્રસંગો ઘણા છે. સમર્થ રામદાસ, શંકરાચાર્ય અને જ્ઞાનેશ્વર જેવા સંતપુરૂષોએ સમાજ ને દેશની સૂરત પલટાવવા પોતાની શક્તિનો શક્ય ઉપયોગ કર્યો હતો. સાંઈબાબા દ્વારા પણ અનેક ભક્તોને લાભ પહોંચ્યો હતો. તેવી રીતે સિદ્ધિપ્રાપ્ત પુરૂષો ઈશ્વરની ઈચ્છાથી સમાજ, દેશ કે દુનિયાને માટે પોતાની શક્તિ વાપરી શકે છે ને માનવજાતિનું જુદીજુદી રીતે મંગલ પણ કરી શકે છે. એટલે સિદ્ધિપ્રાપ્ત પુરૂષો બીજાને માટે લાભકારક નથી થતા એ માન્યતા ભૂલભરેલી છે

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok