મનને વશ કરવાના ઉપાય

મનને વશ કરવાની સમસ્યા માનવની મોટી સમસ્યા છે--ખાસ કરીને શ્રેયાર્થી માનવની. જીવનને આધ્યાત્મિક ઓપ આપવા માગતા માનવની એ મૂળભૂત મુંઝવણ છે. મુક્તિ અથવા તો પૂર્ણતાના પાવન પથના પ્રવાસનો એ એક અતિ અગત્યનો પ્રશ્ન છે. સાધકે એ એક સમસ્યાનો સફળતાપૂર્વક ઉકેલ કરવો રહે છે. સાધક સિવાયના બીજા સર્વસાધારણ માનવોના જીવનમાં પણ મન તથા મનનો વિકાસ અને સંયમ મહત્વનો ભાગ ભજવે છે. સુખી, સફળ ને શાંતિમય જીવનને માટે એ ભારે નોંધપાત્ર પુરવાર થાય છે. એ દ્રષ્ટિએ જોતાં, માનવકુળના હિતૈષી મહાપુરૂષોએ મન સંબંધી મહામૂલ્યવાન ચિંતનમનન કર્યું છે. એ ચિંતનમનનનો મધ્યવર્તી વિચાર એ છે કે મન મહાબળવાન તથા તોફાની હોવા છતાં, મજબૂત સંકલ્પબળ તથા ખંત અને પરિશ્રમથી વશ થઈ શકે છે. એ વિચારમાં માનવસમાજને માટે, અને ખાસ કરીને આત્મિક પ્રગતિપંથના પ્રવાસીઓને માટે મોટી આશા રહેલી છે, મનને વશ કરી શકાય છે એ શ્રદ્ધા કે માન્યતા માનવને માટે મહામૂલા આશીર્વાદરૂપ થઈ છે, અને એ શ્રદ્ધા કે માન્યતાથી પ્રેરાઈને જ એણે મનને વશ કરવાનાં સાધનો શોધી કાઢ્યાં છે.

એ સાધનોનો સાર અભ્યાસ અને વૈરાગ્યના બે શબ્દોમાં સમાવી લેવામાં આવ્યો છે. એટલે કે અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ કરી શકાય છે. શબ્દો નાના-સરખા પરંતુ ખૂબ જ શક્તિશાળી ને રહસ્યમય છે. એટલા માટે તો ગીતા તેમ જ યોગદર્શનમાં પણ એમનો ઉલ્લેખ કરેલો છે. 'હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્યથી મનનો સંયમ સાધી શકાય છે’ તથા મનનો નિરોધ અભ્યાસ તથા વૈરાગ્યથી સહજ બને છે,’ એમ કહીને એ બંને સાધનો પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. પંખી જેમ બે પાંખોથી ઊડી શકે તેમ, આત્મવિકાસના આકાશમાં ઊડવા માગનારા, મનોનિગ્રહની અભીપ્સાવાળા સાધકે અભ્યાસ અને વૈરાગ્યની બંને પાંખે ઊડવું જોઈએ. સાધકને માટે એ બંને સાધનો ડાબા ને જમણા હૃદય જેવાં છે. એ સાધનોમાંથી એકેની ઉપેક્ષા ન થઈ શકે. બંનેનું પૂરતું ધ્યાન રાખી, બંને સાધનોને વિકસાવનારો સાધક જ સંતોષકારક રીતે આગળ વધી શકે છે.

મોટા ભાગના સાધકો સાધનાની સફરમાં સફળ કેમ નથી થઈ શકતા ? કારણ કે એમનામાં અભ્યાસ અને વૈરાગ્યની કમી હોય છે. વળી સંતોષકારક સફર કરનારા સાધકો પણ પોતાના ધ્રુવપદની પ્રાપ્તિ પહેલાં અધવચ્ચે જ અટકી પડે છે, અથવા તો આડવાતમાં ફસાઈ જાય છે તેનું કારણ ? તેનું કારણ પણ એ બંનેની માત્રા પર્યાપ્ત પ્રમાણમાં નથી હોતી તે જ હોય છે. જીવનના સાધનાત્મક વિકાસમાં એ સાધનો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. માટે સાધકે એમના તરફ ઉદાસીન રહેવું ન પાલવે.

એ સાધનોમાં કયું સાધન વધારે બળવાન કે વધારે કીમતી ને ઉપયોગી છે એવી ચર્ચા નિરર્થક છે. માણસ જેને આધારે ચાલી શકે છે એ બંને પગમાં કયો પગ વધારે બળવાન અને વધારે ઉપયોગી છે એવું કોઈ પૂછે તો આપણે એને શું કહીશું ? એ જ કે બંને પગ એકસરખો જ ઉપયોગી ને બળવાન છે. એ જ પ્રમાણે અભ્યાસ અને વૈરાગ્યનાં બંને સાધનો સાધકને માટે એક-સરખાં જ કીમતી કે કામનાં છે. મનને વશ કરવાના એ બંને મુખ્ય ઉપાયો એકસરખા જ મહત્વના છે.

અભ્યાસ દ્વારા શું અભિપ્રેત છે તે જાણો છો ? સદ્ ગ્રંથોનું વાચન, મનન, સત્સંગ અથવા તો સત્પુરૂષોનો સમાગમ, એમના સંદેશ પ્રમાણે ચાલવાની તત્પરતા તથા કોશિશ અભ્યાસ કહેવાય છે. એ ઉપરાંત મનની શુદ્ધિ માટે કરવામાં આવતી સાધનાનો સમાવેશ પણ અભ્યાસમાં જ કરવામાં આવે છે. એથી આગળ વધીને કહીએ તો મુક્તિ, પૂર્ણતા કે પરમાત્માના સાક્ષાત્કારને લક્ષમાં રાખીને કરાતી જપધ્યાન, આસન, પ્રાણાયામ તથા બીજી યૌગિક પ્રવૃત્તિ પણ અભ્યાસની વિશાળ અનુક્રમણિકામાં આવી જાય છે. એ બધો જ અભ્યાસ અથવા તો આત્મવિકાસનો કાર્યક્રમ છે. પરંતુ એ અભ્યાસને લીધે ત્રણ વસ્તુની સિદ્ધિ થવી જોઈએ. તો જ એની કિંમત છે. એક તો એનાથી ક્રમેક્રમે મનની શુદ્ધિ થવી જોઈએ; બીજું મુક્તિ, પૂર્ણતા કે પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા થવી જોઈએ અને ત્રીજું મુક્તિ, પૂર્ણતા કે પરમાત્માની પ્રાપ્તિ દ્વારા પરમશાંતિની અનુભૂતિ થવી જોઈએ. આત્મિક વિકાસના અભ્યાસક્રમમાં આ ત્રણ મહત્વનાં પ્રયોજનો છે. એ પ્રયોજનોને કોઈ શ્રેયાર્થી ન ભૂલે અને હંમેશાં નજર સમક્ષ રાખે એ આવશ્યક છે.

બીજું મહત્વનું સાધન છે વૈરાગ્ય. વૈરાગ્યના અર્થ ભિન્નભિન્ન ભાષામાં કરવામાં આવે છે, પરંતુ એનો આવશ્યક અને સર્વસંમત અર્થ એટલો જ છે કે પોતાના ધ્યેય વિનાના બીજા કોઈપણ પદાર્થમાં રાગ ન રહેવો. ચિત્તની રાગાત્મિકા વૃત્તિ જ્યાં જ્યાં પ્રસરેલી છે ત્યાં ત્યાંથી તેને પાછી વાળીને એકમાત્ર ધ્યેયપદાર્થમાં જ કેન્દ્રિત કરવામાં આવે ત્યારે વૈરાગ્યની પ્રક્રિયા પરિપૂર્ણતાએ પહોંચી કહેવાય છે. વૈરાગ્ય  એ રીતે દ્વિવિધ ભાવવાળો છે. તે પોતાના ધ્યેયપદાર્થને જ વળગી રહેતાં શીખવે છે, અને એ સિવાયના બીજા બધા જ પદાર્થોમાંથી મનને પાછું હઠાવી લે છે.

વૈરાગ્યની એ વૃત્તિ અને એના પરિણામે પ્રાપ્ત થયેલી વીતરાગ અવસ્થા સાધકને માટે અત્યંત કીમતી છે. એ વૃત્તિ અથવા તો અવસ્થાને લીધે જ સાધક પોતાની સમગ્ર શક્તિ સાધના પાછળ લગાડી શકે છે. એ વૃત્તિ એને પ્રલોભનો કે ભયસ્થાનો સામે ટકાવી રાખે છે, દુન્યવી આકાંક્ષાઓ, મમત્વ અને આસક્તિમાંથી મુક્ત રાખે છે અને સાધનાના સંગીન અનુષ્ઠાન માટેનો ઉત્સાહ આપે છે. વૈરાગ્ય અભ્યાસને તીવ્ર બનાવે છે અને અભ્યાસ વૈરાગ્યને વધારે છે. બંને પરસ્પર પૂરક છે ને સહાયક સાબિત થાય છે. એમની મદદથી સાધક અત્યંત ઝડપથી આગળ વધી શકે છે.

વૈરાગ્યને વધારવા માટે શું કરવું ? પરમાત્માનો સાક્ષાત્કાર જ જીવનનું ધ્યેય છે એ વાતને હૃદયમાં લખી રાખવી. એ સિવાય બીજી કોઈ રીતે શાશ્વત શાંતિ નહિ મળે તે પણ યાદ રાખવું. સત્સંગનો લાભ લેવો અને આત્મોન્નતિનો અભ્યાસ કરવો. એની સાથે સાથે પદાર્થોના મૂળભૂત સ્વરૂપનો વિચાર કરવાની ને એમનામાં દોષદર્શન કરવાની પદ્ધતિ પણ બતાવવામાં આવી છે. પદાર્થના દોષનો તેમ જ વિનાશીપણાનો વિચાર કરવાથી તેમાં વૈરાગ્ય થશે ને મન તેમાંથી ઉપરામ બની જશે. એ પ્રક્રિયા પરિપૂર્ણ કરવા માટે પરમાત્માની પ્રાર્થનાનો આધાર લઈ શકો છો. તેથી નબળાઈઓ ખંખેરી કાઢવામાં મદદ મળશે ને માર્ગ સરળ બનશે. પરમાત્માનો પ્રેમ વધતાં વૈરાગ્ય પણ આપોઆપ વધશે. પછી તો આગળ વધતાં એવી અનેરી અવસ્થાની પ્રાપ્તિ થશે જ્યારે મન પૂર્ણપણે વશ થઈ જશે. બુરાઈ તરફ જશે જ નહિ. સદાને માટે શુભમાં જ સ્થિતિ કરશે અને પરમાત્મા વિનાનો કોઈ પણ પદાર્થ પ્રાપ્તવ્ય કે પ્યારો નહિ લાગે. ત્યારે વૈરાગ્ય સફળ કે સંપૂર્ણ બનશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is no God higher than Truth.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.