મનની સાથે તણાઈ ન જાવ

મન પર માનવની મુક્તિ અને માનવનાં બંધન-માનવનાં સુખ ને દુઃખ અથવા તો અભ્યુત્થાન અને અધઃપતનનો આધાર છે. મન એમાં મહત્વનો ભાગ મનના સ્થૂળ અને સૂક્ષ્મ અથવા તો શુભ અને અશુભ, એવા બે પ્રવાહો છે. મન એક રીતે જોઈએ તો સંસ્કારો, ભાવો, વિચારો ને વૃત્તિઓની પેટી જેવું છે. એમાં શુભ-અશુભ બધા પ્રકારના સંસ્કારપ્રવાહો વહ્યા કરે છે. દૈવી અને આસુરી બંને પ્રકારની સંપત્તિની અસરો નીચે તે આવ્યા કરે છે, અને એ સંપત્તિની સારીનરસી પ્રતિછબિઓ એમાં પડેલી હોય છે. કોઈ વાર મનના સંસ્કારોનો શુભ પ્રવાહ પ્રબળતા ધારણ કરતો હોય છે, તો કોઈ વાર એમનો અશુભ પ્રવાહ જોર પકડતો હોય છે. કોઈક વાર દૈવી સંપત્તિ બહાર આવે છે તો કોઈ વાર આસુરી સંપત્તિનો આવિર્ભાવ થતો હોય છે. પ્રકૃતિને ત્રિગુણાત્મક કહેલી છે અને મન એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું સંતાન છે. એટલે સ્વાભાવિક રીતે જ મન સત્વ, રજ ને તમ ત્રણે ગુણોની ઓછીવત્તી અસર નીચે આવતું હોય છે. સત્વગુણની પ્રબળતા થતાં માણસની વિચારશક્તિ, સદસદવિવેક કરવાની વૃત્તિ કે જ્ઞાનદ્રષ્ટિ ખીલે છે. એ આત્મિક સુખશાંતિ અથવા તો આનંદનો અનુભવ કરે છે. રજોગુણ વધતાં એ કર્મઠ બને છે. રાગદ્વેષ, તૃષ્ણા ને લાલસા કે વાસનામાં તણાય છે. અને તમોગુણનું પ્રાબલ્ય થતાં એની વિચારશક્તિ જડ અથવા તો કુંઠિત થઈ જાય છે. શુભાશુભ કે સત્યાસત્યનો નિર્ણય કર્યા વિના એ પ્રકૃતિના પ્રવાહમાં પરવશ બનીને તણાયા કરે છે.

સામાન્ય રીતે બુદ્ધિશાળી મનુષ્યોના જીવનમાં મનની શુભાશુભ વૃત્તિઓનો સંઘર્ષ ચાલતો હોય છે. પુરાતન સંસ્કારો કે રસવૃત્તિના પ્રભાવથી, મનની અશુભ વૃત્તિઓ તેને ચંચળ કરીને પોતાના પ્રવાહમાં ખેંચી જવાની કોશિશ કરતી હોય છે. અશુભ વૃત્તિના પ્રવાહમાં ખેંચાય છે તો એનું એને દુઃખ પણ થતું હોય છે. પરંતુ એ પરવશની પેઠે એમના પ્રવાહમાં ખેંચાઈ જાય છે.

નિમ્ન શ્રેણીનાં મનુષ્યોના જીવનમાં એવા ઘર્ષણને અથવા તો અફસોસને સ્થાન જ નથી હોતું. તેવાં મનુષ્યો તો વિચાર કરવાની શક્તિ જ નથી ધરાવતાં. અથવા તો જીવનની પરિશુદ્ધિ કરીને વધારે ઉત્તમ જીવન જીવવાની આકાંક્ષા પણ એમના અંતરમાં ઉત્પન્ન નથી થતી. પરંતુ વિવેકી મનુષ્યોની વાત જુદી હોય છે. મનની વૃત્તિઓ, ભાવનાઓ અને લાગણીઓને એ ઓળખે છે. જીવનમાં શુભ વૃત્તિઓ, ભાવો અને લાગણીનો વિજય થાય એ માટે તે આગ્રહ રાખે છે. છતાં કોઈ પૂર્વસંસ્કારોના બળથી કે આંતરિક અશક્તિને લીધે, શુભ અને અશુભના દેવાસુર સંગ્રામના સંઘર્ષમાં વિજયીસમા બની પોતાના જીવનમાં શુભની સંસ્થાપના કાયમને માટે નથી કરી શકતા. એવા મનુષ્યોએ નિરાશ થવાની જરૂર નથી. મનોબળની અભિવૃદ્ધિ કરતા રહીને પોતાના પ્રયાસમાં એમણે નિરંતર લાગ્યા રહેવાની જરૂર છે. તો એ પોતાના કાર્યમાં વહેલા કે મોડા જરૂર સફળ થશે એમાં શંકા નથી. આજ સુધી અનેક વિવેકી પુરૂષો મનની અશુભ વૃત્તિઓ પર કાબૂ કરી, શુભ વૃત્તિઓની સંસ્થાપના કરવામાં ને છેવટે સમસ્ત મન પર વિજય મેળવવામાં સફળ થયા છે, તો એ પણ શા માટે નહિ થાય ? જો વિનમ્ર બનીને પ્રામાણિકપણે પુરૂષાર્થ કરશે તો એમના પર ઈશ્વરની કૃપા અવશ્ય ઊતરશે.

એવા મનુષ્યો અનવરત આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિના પુરૂષાર્થને પરિણામે એવી ઉત્તમોત્તમ અવસ્થાની ઉપલબ્ધિ કરી લેશે કે જ્યારે એમના મનમાં શુભ વૃત્તિઓ, વિચારો કે લાગણીઓનો પ્રવાહ જ વહ્યા કરશે, અને અશુભની ગંધ પણ એમાં નહિ રહે. પછી એમના મનોમંથન કે ઘર્ષણનો કાયમને માટે અંત આવશે. એમને યોગશાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણેની ઋતંભરા પ્રજ્ઞાની અથવા તો સત્યમયી દ્રષ્ટિની પ્રાપ્તિ થશે. એ દ્રષ્ટિ કે પ્રજ્ઞા એમને હંમેશા સત્ય અને શુભ પ્રત્યે જ પ્રેરિત કરશે. એના પ્રભાવથી એમનો સ્વભાવ જ એવો બની જશે કે અશુભ ભાવ કે વિચાર એમના મનમાં ઊઠશે જ નહિ. પછી શુભ    અને અશુભની વચ્ચેનો ગજગ્રાહ તો રહેશે જ ક્યાંથી ? તમોગુણ ને રજોગુણની વિઘાતક અસરોમાંથી મુક્તિ મેળવી ચૂકેલું એમનું મન સત્વગુણની સુખકારક શાંતિપ્રદાયક સુવાસથી સદા તરબતર રહેશે. એ અવસ્થા બહુ લાંબે વખતે આવશે એ ચોક્કસ છે, જ્યારે માનવ કેવળ શુભની જ મૂર્તિ બની રહેશે, અને અશુભ એનામાં નામનું પણ નહિ રહે. એ દશાને જીવનમુક્તિની દશા કહે છે.

એ અવસ્થાની ઉપલબ્ધિ મનુષ્યનું-અથવા વધારે સારા શબ્દોમાં કહીએ તો, પ્રત્યેક જીવનવિકાસના સાધક કે શ્રેયાર્થીનું- ધ્યેય રહેવું જોઈએ. એની અનુભૂતિને માટે ધીરજ, હિંમત ને વિવેકપૂર્વક સાવધાન રહીને કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ. એને માટે પ્રારંભમાં, વ્યાવહારિક જગતમાં રહીને, અનેકવિધ પ્રવૃત્તિઓની વચ્ચે વસવા છતાં જો આટલી સિદ્ધિ મેળવી શકો તો ઘણું.

મનનું પૃથક્કરણ કરવાની ટેવ પાડો; પ્રત્યેક પળનું પૃથક્કરણઃ એવી રીતે કે પછી એ ટેવ તમારે માટે સ્વાભાવિક બને. એવી ટેવ દ્વારા અથવા તો એવા અભ્યાસ માટે મનના શુભાશુભ પ્રવાહો વચ્ચે ભેદ પાડતાં કે વિવેક કરતાં શીખો. એ પછી મનના શુભ સંસ્કારપ્રવાહને સ્થાયી રાખવાની અને અશુભ સંસ્કારપ્રવાહની અસરમાંથી મુક્ત રહેવાની કળા, જુદાજુદા ઉપાયો અજમાવીને ક્રમેક્રમે હસ્તગત કરી લો. એ અવસ્થાને જેટલી પણ ચિરસ્થાયી બનાવી શકો એટલું તમારા લાભમાં છે.

એને માટે તમારે કોઈ બીજાના નહિ પરંતુ તમારી જાતના જ પરીક્ષક થવું પડશે. તમારી નિરંતર પરીક્ષાવૃત્તિથી મનના દ્રષ્ટા રહો; મનની સાથે તણાઈને વહી ન જાઓ, અને એને ઈચ્છાનુસાર યોગ્ય માર્ગે ચલાવો; એ જે કહે તે બધું માની ન લો, પરંતુ એની માગણી, લાગણી, ભાવના કે વૃત્તિનો વિવેક કરો. આટલું કરશો તો પણ સંસારમાં રહીને તમે ઘણું કીમતી કર્યું કહેવાશે, અને તમારી અવસ્થા આદરણીય અથવા તો અભિનંદનને પાત્ર લેખાશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.