Text Size

ૐ - ઓમકારનો અર્થ

ઓમકારનો મહિમા આપણે ત્યાં સારી રીતે અથવા તો પુષ્કળ પ્રમાણમાં ગાવામાં આવ્યો છે. ઓમકારના જપ તથા ધ્યાન તેમ જ અનુષ્ઠાનના આધાર પણ જીવનશ્રેયને ચાહનારા કેટલાય સાધકો લેતા હોય છે. પેલા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહ્યું પણ છે કે ઓમકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર ને મોક્ષ આપનાર છે. એ બિંદુ સાથેના ઓમકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે. એવા ઓમકારને હું નમસ્કાર કરું છું.

ऊँ कार बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना: ।
कामदं मोक्षदं चैव ऊँकाराय नमो नम:॥

પાતંજલ યોગદર્શનમાં મહર્ષિ પતંજલિ પણ કહે છે કે ઓમકાર અથવા તો પ્રણવ પરમાત્માનો વાચક છે. તેના જપ કરવાથી તથા તેના અર્થનો વિચાર કરવાથી લાભ થાય છે. કોઈ પણ મંત્રમાં એના અર્થનો વિચાર પણ અત્યંત આવશ્યક વસ્તુ હોય છે. એ અર્થરહસ્ય અથવા તો અર્થની શક્તિને લીધે જ મંત્ર તારક કહેવાય છે. મનન કરવાથી એનો સમજપૂર્વકનો સમ્યક્ આધાર લેવાથી તે મનને તારે છે.

પરંતુ મંત્રનો એવો સમજપૂર્વકનો આધાર બહુ જ ઓછા માણસો લેતા હોય છે. ઓમકારની જ વાત કરોને ! એનું સાચું રહસ્ય કેટલા અભ્યાસીઓ જાણે છે અથવા તો જાણવાની કોશિશ કરે છે ? મોટા ભાગના અભ્યાસીઓ તો તેને યાંત્રિક રીતે જડની જેમ જ જપ્યે જાય છે. એવી રીતે કરાતા યાંત્રિક રટણથી જપનો વાસ્તવિક આનંદ ભાગ્યે જ મળી શકે છે. એવા જપ આગળ વધવામાં મદદ પણ ભાગ્યે જ કરે છે. એથી ઊલટું. સમજપૂર્વક કરાતા જપ ભારે કીમતી ઠરે છે, પ્રેરણાસ્પદ બની રહે છે, અજબ પ્રકારનો શક્તિસંચાર કરે છે, અને અભૂતપૂર્વ અવર્ણનીય આનંદથી ભરે છે. વિકાસમાં એ ભારે સહાયક સાબિત થાય છે.

મોટામામોટા મેધાવી મનુષ્યો પણ મંત્ર-અર્થરહસ્યનું જ્ઞાન જાણવાની કોશિશ નથી કરતા એ મોટું આશ્ચર્ય છે. મંત્રના અર્થરહસ્યનું જ્ઞાન આવશ્યક છે પરંતુ પર્યાપ્ત નથી તે પણ સમજી લેવું જોઈએ. અર્થરહસ્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને બેસી રહેવાનું નથી; પરંતુ એ રહસ્યને જીવનમાં સંમિશ્રિત કરી દેવા અથવા એકરૂપ બનાવી દેવા પણ તત્પર થવાનું છે. મંત્રના અર્થની ભાવના કરવાનો સાચો હેતુ એ જ છે. અર્થની વારંવારની ભાવનાથી તે ભાવનાને જીવનમાં મૂર્ત કરવાની પ્રેરણા તથા શક્તિ મેળવવાની છે, અને આખરે એ ભાવનાને જીવનમાં મૂર્તિમંત કરવાની છે. ત્યારે જ મંત્ર સફળ થાય છે, તારે છે, તથા શાંતિ આપે છે.

ત્યારે ઓમકારનું અર્થરહસ્ય શું છે ?
ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ એકાંતમાં વાસ કરીને પોતાની જાતની શુદ્ધિ સાધી, અને પોતાના સ્વરૂપોનું અનુસંધાન કર્યું, ત્યારે એ અનવરત અનુસંધાનના ફળરૂપે એમને પોતાની અંદર રહેલા પરમાત્મતત્વનું દર્શન થયું. પરમાત્મા સાથેની એકતાનો એવી રીતે એમને અનુભવ થયો, પોતાની શોધ એમણે कोङहम् થી શરૂ કરી હતી. એટલે કે હું કોણ છું ? મારૂં મૂળભૂત કે સત્ય સ્વરૂપ શું છે ? આ શરીરની અંદર કોઈ તત્વ કે ચેતના છે જે મારી સાથે સંકળાયેલી હોય ? એ એમના અન્વેષણનો આરંભ હતો. અને એની પૂર્ણાહુતિ  થઈ. सोङहम् માં એટલે કે હું પરમાત્મા છું અથવા પરમાત્મારૂપ છું. એ પરમાત્મા કેવા છે ? તો એમણે કહ્યું કે સત્યરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે, મંગલ છે; સુંદરતાની મૂર્તિ છે, પ્રેમમય છે, સમસ્ત સંસારમાં વ્યાપક છે, સર્વજ્ઞ છે, તથા સર્વસમર્થ છે; માયાના અધીશ્વર ને મૃત્યુંજય છે, નિર્ભય છે, શોક તથા મોહથી રહિત છે, ને સર્વોત્તમ છે. એ પરમાત્મા મારું રૂપ છે અથવા હું જ છું. એટલે સમસ્ત ભારતીય સાધનાનો નિષ્કર્ષ અથવા તો ભારતીય તત્વજ્ઞાનનો આત્મા સોઙહ મ્ માં સમાઈ ગયો છે, અને ૐ એનું મિતાક્ષરી, સંક્ષિપ્ત રૂપ છે. સોઙહ મ્ માંથી આગળના સ તથા વચલા હને કાઢી નાખો એટલે કેવળ ૐ બાકી રહેશે. ૐની અંદર  એવી રીતે ભારતના વૈદિક કાળના મહાપુરૂષોની સમસ્ત તાત્વિક વિચારધારા સમાયેલી છે, યુગોની અંતરંગ સાધના સાકાર બનેલી છે, અને જ્ઞાનદ્રષ્ટિ આવિર્ભાવ પામી  છે. ૐ ના એક જ મંત્રમાં ભારતીય સાધનાનું હૃદય કેવું ધડકી રહ્યું છે, ભારતીય વિચારધારા કેટલી બધી પરિસીમાએ પહોંચી છે, તેની કલ્પના આટલા વિચારવિમર્શ પછી સહેજે આવી શકશે. ૐમંત્રને ભારતીય તત્વજ્ઞાનના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં કોઈ પણ પ્રકારની હરકત નથી, તેની પ્રતીતિ પણ આટલા પરથી સહેલાઈથી થઈ શકશે.

ૐનો બીજો ભાવ પણ છે. એ ભાવાર્થ અત્યાર સુધી ચર્ચાઈ ચૂકેલા ભાવાર્થથી એકદમ ભિન્ન છે એવું નથી, કિન્તુ વિચારકોએ એને જુદી રીતે રજૂ કર્યો છે. એ ભાવાર્થ પણ જોઈ લઈએ.

આ સમસ્ત સૃષ્ટિ ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાંથી પ્રકટ થયેલી છે એટલે તેમાં બધી વસ્તુઓ ત્રિવિધ છે. પ્રકૃતિના ગુણ પણ ત્રણ છે : સત્વ, રજ અને તમ. ત્રણ લોક : ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. ત્રણ અવસ્થાઓ : જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ. ઈશ્વરનાં ત્રણ રૂપ : બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણ જાતનાં શરીર : સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ. ત્રણ પ્રકારના જીવો : વિષયી, જિજ્ઞાસુ તથા મુક્ત. એવી રીતે સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે, તે ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ ૐકારના અ, ઉ અને મ - ત્રણ અક્ષરોમાં કરવામાં આવ્યો છે, અને ઓમકારમાં જે બિંદુ છે તે સૃષ્ટિના સ્વામી, સર્વસત્તાધીશ કે સૂત્રધાર પરમાત્માનું વાચક છે. અવસ્થા, લોક, કાળ કે ગુણધર્મોથી અતીત અવસ્થાનો અથવા તો પરમાત્માનો તે નિર્દેશ કરે છે. એ પરમાત્મા જ સંસારના સારસર્વસ્વ છે અને જીવન દ્વારા પ્રાપ્તવ્ય છે. એમના સાક્ષાત્કારથી જ સનાતન શાંતિ સાંપડી શકે છે. શુદ્ધ, બુદ્ધ તથા વિશુદ્ધ વિચારવર્તનવાળા માનવને જ એમનો સાક્ષાત્કાર થઈ શકે છે. એ વાતનું સ્મરણ કરીને જો ઓમકારનું અનુષ્ઠાન અને ધ્યાન કરવામાં આવે, તો ઉપર્યુક્ત સુપ્રસિદ્ધ શ્લોકમાં કહ્યા પ્રમાણે, કામનાની પૂર્તિ કે નિવૃત્તિ થાય, સંકલ્પવિકલ્પોના પરપોટા ફૂટી જઈને પરમ શાંત દશાની પ્રાપ્તિ થાય, ઈન્દ્રિયોના રસાસ્વાદ તથા અહંતા, મમતા, આસક્તિનાં તેમ જ અજ્ઞાનનાં બંધનોમાંથી મુક્તિ મળી જાય, સ્વરૂપનું દર્શન કે પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય, અને જીવન ધન્ય બની જાય, એ નિશ્ચિત છે. એમાં કોઈ પણ પ્રકારના સંદેહનું કારણ જ ક્યાં છે ? સંદેહનું કારણ હોય તો સાચા દિલથી લાંબા વખત લગી ઓમકારના જપ ને ધ્યાનનો, જીવનની સંશુદ્ધિના સર્વમાન્ય નિયમોનું પાલન કરતાં-કરતાં, આધાર લો એટલે શાંતિ મળશે ને સર્વ પ્રકારના સંદેહ ટળી જશે.

ઓમકારનો મહિમા જાણીને બેસી રહેવાથી કાંઈ નહિ વળે. તે મહિમાને જીવનમાં ઉતારવા, મૂર્ત કરવા, અથવા એનો આસ્વાદ લેવા કટિબદ્ધ થવું પડશે. ૐ નું કાંઈપણ સમજ્યા વગર કેવળ પોપટપારાયણ કરવાની પ્રવૃત્તિનો પણ પરિત્યાગ કરવો પડશે. ૐ આત્મજ્ઞાનનો અર્ક છે. એ અર્કને ઓળખવાની આવશ્યકતા છે. એનું સેવન કરવાની વિધિ સમજી લેવાની છે. અને એના સેવનનો પ્રારંભ કરવાનો છે. ગીતા કહે છે કે ૐ અક્ષર દ્વારા ઉપદેશાયેલા પરમાત્માનું સ્મરણ તથા ધ્યાન કરતાં-કરતાં જે શરીર છોડે છે તેને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. જો શરીર છોડતી વખતે પણ ઓમકારનો આધાર લેવાથી એવી રીતે પરમગતિની બાંયધરી આપવામાં આવે છે, તો પછી શરીરમાં રહીને શરીર દરમ્યાન જ જે ઓમકારનો અનુરાગયુક્ત આધાર લેશે તેને પરમગતિ કે શાંતિ શા માટે નહિ મળે ? જરૂર મળશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi
Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok