ૐ - ઓમકારનો મહિમા

જે મહાપુરૂષોએ ઓમકાર રહસ્યમંત્રનો ઉપદેશ આપ્યો છે તે મહાપુરૂષો કાંઈ સામાન્ય મહાપુરૂષો ન હતા. મન, વચન, કાયાથી શુદ્ધ અને ઈશ્વરમય જીવન જીવીને તેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો અને આધ્યાત્મિક વિકાસના સુમેરુશિખરને સર કરેલું. તે પછી જ તે છાતી ઠોકીને સંસારને નિર્ભીક રીતે પ્રમાણભૂત શબ્દોમાં કહી શકેલા કે એ મહાન પુરૂષ પરમાત્માને અમે જાણીએ છીએ. એ આદિત્યની પેઠે પરમ પ્રકાશિત અને અંધકારથી પર છે. તે પરમાત્માને જાણવાથી જ મૃત્યુની પાર પહોંચીને અમર બની શકાય છે. એ મુક્તિને માટે બીજો કોઈ માર્ગ જ નથી.

वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् ।
तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥८॥
(तृतीय अध्याय, श्वेताश्वतरोपनिषद)

કેટલા બધા સરસ શબ્દો ! ભારતના એ ઋષિવરો આપણાં જીવન પ્રાણવાન બને તેમ ઈચ્છે છે, અને આટલા માટે ઓમકાર જેવા મહામંત્રનું શરણ લેવાનું કહે છે. એટલે, ઓમકારનું ઉચ્ચારણ કરીએ ત્યારે આત્મભાવના ઉત્તમોત્તમ વિચારો ને ભાવો આપણી અંદર ફરી વળવા જોઈએ. એ ભાવોથી આપણું અંતર ઊભરાઈ ઊઠવું અને આનંદમગ્ન બની જવું જોઈએ. વળી એ ભાવોનો વ્યાવહારિક જીવનમાં ડગલે ને પગલે અનુવાદ કરવા તરફ આપણું લક્ષ હોવું જોઈએ. ઓમકારના રટણની સાર્થક્તા એમાં જ રહેલી છે. ઓમકારનો ઉચ્ચાર કે જપ કરીએ તેની સાથેસાથે જ આપણા મનની અંદર ભાવનાની ભરતી આવવી જોઈએ કે હું પરમાત્મસ્વરૂપ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, શાંતિસ્વરૂપ છું, જ્ઞાનમય અને આનંદમય છું. મને શોક નથી, મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, ભય નથી, ભેદ નથી, કોઈ પ્રકારના બંધન પણ નથી. હું કૃતકૃત્ય કે કૃતાર્થ છું. આવા અલૌકિક ભાવો ને વિચારો મનની અંદર ફરી વળવાથી ધીરેધીરે મન બદલાતું તથા ઉદાત્ત બનતું જશે અને મંગલ થશે.

ભાવો ને વિચારો અથવા તો ચિંતન ને મનનની પ્રતિક્રિયા માણસના મન અને જીવન પર ઘણી ભારે થતી હોય છે. એક રીતે જોઈએ તો માણસ પોતાના સંકલ્પો ને ભાવોની જ પ્રતિમૂર્તિ હોય છે. જેવું તે વિચારે છે તેવો તે બને છે. એટલે ઓમકારનું આવું સમજપૂર્વકનું ઉચ્ચારણ ખૂબ જ શ્રેયસ્કર સાબિત થશે અને જીવનમાં ક્રાંતિ કરશે. આત્માને ઉચ્ચ પ્રકારનો સૂક્ષ્માતિસૂક્ષ્મ ખોરાક પૂરો પાડશે. અને કોણ કહેશે કે આત્માને ખોરાક નથી જોઈતો ? શરીરની પુષ્ટિ માટે જેમ ખોરાક અનિવાર્ય છે તેમ આત્માને પણ ખોરાકની આવશ્યકતા છે. ઓમકારનું એ ઉચ્ચારણ કે રટણ કોઈ પણ જાતની ઉતાવળ વિના અત્યંત શાંતિથી ને સમજપૂર્વક થવું જોઈએ. જપની અમુક નિર્ધારિત સંખ્યા સમાપ્ત કરવાના જ એક-માત્ર ઉદ્દેશથી થતા ઉતાવળિયા જપ જોઈએ તેવો ને તેટલો લાભ નથી પહોંચાડતા. તે હોઠને હલાવે છે પરંતુ હૈયાને નથી હલાવતા. પ્રાણમાં સ્પંદન પણ નથી જગાવતા. વરસો સુધી એમને જપવામાં આવે તોપણ એ ધારેલા હેતુની સિદ્ધિ નથી કરતા તથા જીવનમાં ભળી પણ નથી જતા.

ઓમકારના રટણનો કોઈ એક ચોક્કસ સમય થોડો છે ? કોઈ ચોક્કસ સમયે, નિયમિત રીતે, એક આસન પર શાંતિપૂર્વક બેસીને એને જપવામાં આવે તે સારું છે. એવા અભ્યાસથી લાભ થશે ને સારો લાભ થશે. પરંતુ બાકીના સમયમાં કોઈ પણ કામ કરતાં પણ, અવકાશ મેળવીને એને જપી શકાય છે. અને પોતાની રુચિ કે પસંદગીના કોઈ પણ મંત્રને જપી શકાય છે. તેથી વ્યાવહારિક જગતમાં રહીને વૃત્તિને અંતર્મુખ અથવા ઈશ્વરપરાયણ કરવામાં મદદ મળશે. અને વ્યાવહારિક પ્રવૃત્તિની વચ્ચેથી પણ આત્મિક સાધનાનું મંગલમય સ્ત્રોત આગળ વધશે. પ્રવૃત્તિ-પરાયણ માણસોએ પ્રવૃત્તિમાં વિક્ષેપ ન પડે એવી રીતે એવી અંતર્મુખ વૃત્તિ કેળવવાની જરૂર છે.

ઓમકારનો વ્યાવહારિક જીવનમાં શક્તિસંચાર માટે ઉપયોગ કરી શકાય છે તેની ખબર ઘણાને નહિ હોય પરંતુ તે કળાને જાણી લેવાની જરૂર છે. તેથી ઓમકારની મદદથી નવજીવન તથા બળ મેળવી શકાશે. જેના પણ સંપર્કમાં આવવાનું થાય તે વ્યક્તિને જોઈને ઓમકારને યાદ કરો ને માનો કે તમારી જેમ તે પણ પરમાત્માસ્વરૂપ છે. તેવી રીતે સમજવાથી તમારો તે વ્યક્તિ સાથેનો વ્યવહાર વધારે શુદ્ધ, સ્નેહમય તથા સેવામય બનશે. પ્રત્યેક વ્યક્તિને પરમાત્મસ્વરૂપ માનવાથી તમે દરેકની સાથે છળકપટથી રહિત, નીતિ તેમ જ ન્યાયયુક્ત વ્યવહાર કરી શકશો. સૌમાં ઈશ્વર છે અથવા તો સૌ કોઈ ઈશ્વરમય છે એવી સમજ તમારા વ્યવહારને મંગલ ને મધુમય બનાવવામાં બહુ મોટો ભાગ ભજવશે. તે ઉપરાંત જીવનમાં જ્યારે દુઃખના પ્રસંગ આવે ને દિલ થાય ત્યારે પણ ઓમકારનું શરણ લો અને યાદ રાખો કે તમે પરમાત્મસ્વરૂપ છો અને પરમસુખમય છો. એટલે દુઃખને તમે સ્મિતપૂર્વક શાંતિ સાથે સહી શકશો. દુઃખ તમારા પર વિઘાતક અસર નહિ પહોંચાડી શકે. જ્યારે ભય ઉપસ્થિત થાય, ને હતાશ કે વિષાદમગ્ન બની જવાય, ત્યારે પણ યાદ કરો કે હું તો પરમાનંદ સ્વરૂપ છું, નિર્ભય છું અને અમર આશારૂપ છું. માટે ભય, શોક, નિરાશા કે વિષાદ ! તું હઠી જા. દૂર થઈ જા. તને મારી પાસે સ્થાન નહિ મળી શકે. તારો સત્કાર અહીં નહિ થાય. કામ, ક્રોધ, દ્વેષ ને મોહના પ્રસંગો ઊભા થાય અને એ બધા અસુરોનું આક્રમણ થાય, ત્યારે પણ એ જ મહામંત્રનો આધાર લો, એ રામબાણ રસાયનનો ઉપયોગ કરો, ને કહો કે હે કામ ! તું ક્યાંથી આવ્યો ? હું તો પ્રેમસ્વરૂપ છું. હે ક્રોધ ! તું મારી અંદર નહિ ટકી શકે, હું તો શાંતિસ્વરૂપ છું. દ્વેષ ને મોહ ! તમે પણ દૂર થઈ જાઓ. જ્યાં સર્વત્ર એક આત્મા જ વિલસી રહ્યો છે ત્યાં કોનો દ્વેષ ને કોના પર મોહ ? તમારે માટે અવકાશ જ ક્યાં છે ? અશાંતિથી આવૃત્ત થવાય ત્યારે પણ એવી રીતે જ ભાવના કરો અને અશાંતિને ખંખેરી કાઢો. એવી રીતે ૐ ને તમારા જીવનનો પાલક, તારક તથા ઉદ્ધારક બનવા દો. બ્રહ્મા બનીને એને નવા સુંદર ભાવોની સૃષ્ટિ કરવા દો, વિષ્ણુ બનીને એ ભાવોનું પાલન કરવા દો, ને શંકર બનીને અનર્થકારક અમંગલ ભાવો ને વિચારોનો સંહાર કરવા દો. એવા અભ્યાસથી ઓમકારને તમારા વ્યક્તિત્વના વિકાસનું સુખદ સાધન બનવા દો.

ઓમકારમાં આટલી બધી શક્તિ છે. છતાં પણ વિચાર થાય છે કે જે પ્રજાની પાસે તત્વજ્ઞાનનો આટલો બધો મહામૂલ્યવાન અખૂટ ખજાનો છે, જેની સંસ્કૃતિ આટલી બધી ઉચ્ચ છે, જેની પાસે જ્ઞાનવિજ્ઞાનના અને આદર્શ જીવનના આટલા બધા દેવદુર્લભ સનાતન સિદ્ધાંતો છે અને આત્માનુભૂતિનો અમૂલખ ભંડાર ભરેલો છે, તે પ્રજાની દશા આટલી બધી દીન, હીન, કંગાળ કે કરુણ કેમ છે ? તે પ્રજા આટલા બધા ભેદભાવ, ભ્રષ્ટાચાર, ભેળસેળવૃત્તિ અને અસમાનતામાં કેમ જીવી રહી છે ? એની અંદર સત્તાની સાઠમારી કેમ ચાલે છે ? એ દુન્યવી ભોગો પાછળ પાગલ ને લૌકિક લિપ્સાઓથી હતપ્રભ ને પામર કેમ છે ? એ માનવતાના આદર્શ જીવનધોરણથી વંચિત કેમ છે ? એના અમલદારો, કર્મચારીઓ, નેતાઓ, વ્યાપારી, દાક્તરો ને વકીલો સેવાને બદલે સત્તાને તથા ધનના સંચયને જ વધારે મહત્વ કેમ આપી રહ્યા છે ? એમાં કતલખાનાં ને વેશ્યાગીરી તથા અનીતિનાં ધામ ને જુગારના અડ્ડા કેમ ચાલે છે ? કેમકે એણે પોતાના પરંપરાગત ખજાનાને ઓળખ્યો નથી. ઓળખીને એને ઉપયોગી નથી કર્યો. ઉત્તમ જીવનના આદર્શોને આચારમાં નથી ઉતાર્યા; નહિ તો એની દશા આટલી બધી દીન, હીન, કરુણ અને અશાંત ન હોત.

માણસે સાચા અર્થમાં માનવ થવાની, ઉદાર, વિશાળ, સદાચારી ને સેવાપરાયણ બનવાની આવશ્યકતા છે. વૃત્તિમાં ફેરફાર થવાથી પ્રવૃત્તિમાં પણ પરિવર્તન થશે, અને પરિણામે બધી જાતની વિષમતાઓ, બુરાઈઓ ને બૂરી પ્રવૃત્તિઓ દૂર થતાં તથા સમાજમાં શુખશાંતિ ફેલાતાં વાર નહિ લાગે. જે પ્રજા વિચાર, ભાવ ને ચારિત્ર્યની દ્રષ્ટિએ ઉત્તમ બને છે તે પ્રજાનો ભૌતિક વિકાસ પણ અજોડ અને અનેરો ઠરે છે.                     

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.