સાચેસાચ કહું છું કે મારા મનમાં તમારા વિના બીજા કોઈનું સ્થાન નથી.
બીજા કોઈની ઈચ્છા નથી.
સંસારની બીજી બધી જ ઈચ્છા ને વાસના પર મેં પાણી ફેરવી વાળ્યું છે.
મારા દિલને ખોલીને જુઓ તો તેમાં તમને બીજા કોઈનું નહિ પણ તમારું જ આસન દેખાશે.
મારી નસેનસમાં ને મારા રોમેરોમમાં તમારો જ રસ દેખાશે, ને તમારા જ રાસનું દર્શન થશે.
બીજા બધા જ સંકલ્પો ને વિકલ્પોને મેં તિલાંજલિ આપી છે,
ને કેવળ તમારા અખંડ સહવાસના સંકલ્પને પ્રાણપ્યારો માનીને સાચવી રાખ્યો છે.
મારા જીવનની એક જ સાધ, એક જ આશા ને ઝંખના
કેવળ તમારા મિલન ને અખંડ મિલનની છે.
ને તેની સિદ્ધિ માટે લોભી જેમ ધનને માટે જુએ તેમ રાતદિવસ હું રાહ જોઈને બેસી રહ્યો છું.
- શ્રી યોગેશ્વરજી

