મારાં ગીતો તમને અર્પણ કરું છું.
મારી પાસે તમને અર્પણ કરવા જેવું બીજું કશું જ નથી.
એક દરિદ્ર માણસ પાસે બીજું શું હોય ?
ગીતોના રૂપમાં મેં મારો પ્રાણ તમને અર્પણ કર્યો છે.
મારા પ્રાણના પડછંદા, મારી ભાવના ને મારા મનોરથ તમારા ચરણે રજૂ કર્યા છે.
તમારી આરાધનાને અર્પણ કરી છે.
કોઈ તમને હીરાનું દાન કરે છે, કોક સોનાનું કો કોક રૂપાનું.
કોક માળા, વસ્ત્રો કે વીંટી આપે છે; તો કોક તમારી આગળ ફળનો ભંડાર ધરે છે.
પણ મારી પાસે તેવું કશું જ નથી.
છે ફકત સરળ ને સત્યમય પ્રેમની આ સંગીતમાળા.
સંસારના અસ્તિત્વ સુધી ને તે પછીયે અમર રહેનારી ને અમર કરનારી આ સંગીતમાળા.
તેને આજે તમારે ચરણે ધરી રહ્યો છું.
બદલામાં કૈંજ ચાહતો નથી.
કેવળ પ્રેમ, તમારો પ્રખર પ્રેમ ને તમારો શાશ્વત સહવાસ.
એના વિના બદલામાં કાંઈ જ ચાહતો નથી.
ગીતોમાં ગાઈગાઈને મેં તમને કહી બતાવ્યું છે કે તમે મને તે આપી શકો છો.
- શ્રી યોગેશ્વરજી

